સુરેખદંતવિદ્યા (orthodontics)
January, 2008
સુરેખદંતવિદ્યા (orthodontics) : વાંકાચૂકા કે આગળ આવતા દાંત તથા જડબાની ઓછી વધારે વૃદ્ધિનું સમયસરનું નિદાન અને તેમ થતાં અટકાવવાની તેમજ તેમને વ્યવસ્થિત કરવાની સારવારપદ્ધતિ. તેના નિષ્ણાત તબીબને સુરેખદંતવિદ (orthodontist) કહે છે. દાંત અને જડબાંની આ પ્રકારની વિષમતાને દંતીય કુમેળ (malocclusion) કહે છે, જેમાં ઉપરની અને નીચેની દંતપંક્તિઓના દાંત આવતી વખતે એકબીજા સાથે સુમેળ ધરાવતા નથી. તેમની સારવારમાં કર્ષબંધકો (braces), દાઢપટ્ટા (bands), શીર્ષસ્થ પરિધાન (head gear) વગેરે પહેરાવી શકાય તેવી સંપ્રયોજિકાઓ (appliances) તથા દાંત પાડવા કે જડબાંની શસ્ત્રક્રિયા જેવી વિવિધ ચિકિત્સા-પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સુરેખદંતવિદ્યાથી વાંકાચૂકા દાંત કે જડબાની વિષમતાઓને કારણે ઉદભવતા દંતીય કુમેળ સુધરે છે અને તેથી ચહેરો વધુ સારો દેખાય છે. આ પ્રક્રિયા 4 વિભાગોમાં વહેંચાય છે – પૂર્વનિવારણ (prevention), અવિષમીકરણ (correction), અંતર્વેષણ (intervention) અને શસ્ત્રક્રિયા.
વાંકાચૂકા દાંત કે જડબાની વિકૃતિને કારણે ઉપરની એની દંતપંક્તિઓ એકબીજી સાથે સુમેળથી ગોઠવાતી નથી. તેને દંતીય કુમેળ અથવા દંતકુમેળ (malocclusion) કહે છે. દાંત જડબાં અને તેમની સાથે સંલગ્ન એવા ચહેરા(વદન)ના ભાગની કુરચનાઓ કે વિકૃતિઓની સારવાર કરવાની તબીબી વિદ્યાશાખાને દંતવદનીય અસ્થિવિદ્યા (dentofacial orthopaedics) કહે છે. સામાન્ય રીતે ઉંમર સાથે વૃદ્ધિ પામતાં જડબાંની વિકૃતિઓની સારવાર માટે તે ઉપયોગી છે.
સન 1900થી સુરેખદંતવિદ્યાને એક દંતવિદ્યાની ઉપશાખા તરીકે સ્વીકૃતિ મળેલી છે. તેનો ઉપયોગ સૌંદર્યલક્ષી કારણોસર તો થાય છે જ પણ તેની મદદથી વાંકા, મરડાયેલા કે અન્ય રીતે દંતપંક્તિમાં અન્ય દાંત સાથે સુરેખામાં કે સુમેળથી ગોઠવાયા ન હોય તેવા દાંતને સીધા કરાય છે, દાંત ભેગા થઈ ગયેલા હોય કે છૂટા પડેલા હોય તો તેમની વચ્ચેનું અંતર સામાન્ય (અવિષમ) કરાય છે, ચાવવામાં પડતી તકલીફ દૂર કરાય છે તથા ઉપલા અને નીચલા જડબાં વચ્ચેનો કુમેળ પણ દૂર કરાય છે.
આકૃતિ 1 : પૂર્ણ દંતાવલી-ચિત્રણ (orthopentomogram)
દંતપંક્તિઓ અને તેમના દાંત વચ્ચે સુમેળ હોય તો દાંત સામાન્ય અંતરે (ગીચતા કે વિખૂટાઈ વગર) ગોઠવાયેલા હોય છે, તેઓ વાંકા-ચૂકા, મરડાયેલા કે આગળ પાછળ ઢળતા હોતા નથી, ઉપલી દંત-પંક્તિ નીચલી દંતપંક્તિને સહેજ ઢાંકે છે અને ઉપરનીચેની દાઢની સપાટી પરના ખાડાની સામે યોગ્ય રીતે ઊપસેલી સપાટી ગોઠવાયેલી હોય છે. વધુ કે ઓછી સંખ્યામાં ઊગેલા દાંત, બેત્રણ દાંતની ગીચતા કે વિખૂટાઈ, જડબાની વિકૃતિ કે ચાવવામાં પડતી તકલીફ હોય તો તે દંતકુમેળ સૂચવે છે.
દાંત વાંકાચૂકા કે આગળ આવવાનાં મુખ્ય 4 કારણો છે : (1) વારસાગત (inherited); (2) જન્મજાત (congenital); (3) જન્મ્યા પછીની ખોટી ટેવો (acquired habits) અને (4) અન્ય કારણો.
(1) વારસાગત : દાંત તેમજ જડબાંનો આકાર તેમજ લંબાઈ, પહોળાઈ ઘણુંખરું માતા, પિતા તથા તેમની અગાઉની પેઢીઓમાંથી આનુવંશિક રીતે ઊતરે છે.
(2) જન્મજાત : પ્રસૂતિ દરમિયાન જો માતાને ગંભીર બીમારી હોય તો તે બાળકના વિકાસમાં મુશ્કેલી ઊભી કરે. ઘણી વખત તેને લીધે જન્મતા બાળકના ઉપરના હોઠમાં, ઉપરના જડબામાં તેમજ તાળવામાં ચીરો જોવા મળે છે. ચીપિયા વડે પ્રસવ કરાવતી વખતે ક્યારેક ઈજા થાય તો બાળકના નીચેના જડબાનો વિકાસ મર્યાદિત બની જાય છે.
(3) જન્મ્યા પછીની ટેવો : મોંમાં અંગૂઠો કે આંગળી અથવા રમકડું રાખીને ચૂસવાની આદત ઉપરના જડબાને તેમજ દાંતને બહારની બાજુ લાવે છે અને નીચેના જડબાનો વિકાસ રૂંધે છે.
(4) દૂધિયા દાંત જો સમયસર ન પડે તો તેની નીચેથી આવતા કાયમી દાંત બહારની કે અંદરની બાજુ ઊગે કે ત્રાંસા પણ ઊગે.
આ ઉપરાંત અકસ્માત કે રોગને કારણે જડબાંને ઈજા થાય કે તેમાં વિકૃતિ ઉદભવે (દા.ત., જડબામાં ગાંઠ થવી); નખ કરડવા કે હોઠ કરડવાની ટેવ, કાકડા ને નાસાકાકડા (adenoids) મોટા હોવાથી મોં વડે શ્વાસ લેવાની ટેવ, દાંત કે પેઢાંના રોગો, દાંતના ખાડામાં બંધબેસતું ન હોય તેવું પુરાણ અને બંધબેસતા ન હોય તેવા દંતમુકુટ (crown) કે દંતબંધકો (braces) હોય; દૂધિયા દાંત કે કાયમી દાંત સમય કરતાં વહેલા ખરી પડે અથવા દૂધિયા દાંત ઘણા મોડા ખરી પડે તો દંતીય કુમેળ થાય છે.
દંતીય કુમેળ હોય તેવી વ્યક્તિને કેટલીક તકલીફો ઉદભવે છે; જેમ કે, ક્યારેક તેના મોઢા-જડબાનો આકાર બરાબર હોતો નથી. ક્યારેક તે આવે ત્યારે ઉપરની અને નીચલી દંતપંક્તિઓ વચ્ચે જગ્યા રહી જાય છે અથવા ક્યારેક મોઢું વધુ પડતું વસાઈ જાય છે, ક્યારેક તેને કારણે ખોરાક પૂરતો ચવાતો નથી અથવા પેઢાં(અવાળાં)ને ઈજા થાય છે, વગેરે.
આવાં બાળકોના દાંતને તેમજ જડબાંને બરાબર કરવા માટે ત્રણ વર્ષની ઉંમર પછી દર છ મહિને દંતવિદ કે સુરેખદંતવિદને દાંત બતાવવા તથા બતાવતાં રહેવું સલાહભર્યું છે; કારણ કે તેનાથી દૂધિયા દાંતમાં સડો થતો હોય તો અટકાવી શકાય છે. જો દૂધિયો દાંત સમયસર ન પડ્યો હોય અને તેની નીચેથી આવતો પાકો દાંત બરાબર આવતો ન હોય તો તે દૂધિયા દાંતને સમયસર કઢાવવાથી તેની નીચેથી આવતો કાયમી દાંત બરાબર આવે છે. જો દૂધિયો દાંત વહેલો પડી જાય તો તે જગ્યા પાછળનો દાંત આગળ આવવાથી ભરાઈ જતો હોય છે. આ અટકાવવા માટે સ્થાન જાળવતી દંતબંધક (clip) આપી શકાય છે અને પાકો દાંત બરાબર જગ્યાએ ઊગે એવું કરી શકાય છે. અંગૂઠો ચૂસવો, આંગળીઓ ચૂસવી, હોઠ ચૂસવા, રાત્રે સૂતાં મોં ખુલ્લું રહેવું વગેરે આદતો હોય તો તેમને યોગ્ય સારવાર અને સૂચનો વડે અટકાવી શકાય છે.
વહેલું અંતર્વેષણ (intervention) : સુરેખદંતવિદ્યાની સારવાર કોઈ પણ ઉંમરે આપી શકાય છે, તેમ છતાં બાળકોમાં તે વધુ સહેલી, ઝડપી અને ઓછી ખર્ચાળ રહે છે. મોટાભાગે જેમના દાંત હજી વિકસી રહ્યા છે તેવા કિશોરો અને તરુણો(adolescents)માં તેમની સારવાર કરાય છે; તેથી આ સારવાર માટે આઠ વર્ષથી વીસ વર્ષ સુધીનો સમય ઉત્તમ ગણાય, પરંતુ વીસથી પાંત્રીસ વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ કે જેમના દાંત તેમજ પેઢાં સારાં છે તેમને પણ આ સારવાર આપી શકાય.
જોકે કેટલીક પરિસ્થિતિઓમાં બધા જ કાયમી દાંત ફૂટી આવે તથા ચહેરાનો વિકાસ પૂરેપૂરો થાય તે પહેલાં સારવાર કરાય છે. જો નીચેના છેદક (incisor) દાંત એકબીજાની પાછળ ઊગે તો દંતબંધકો (braces) વડે સારવાર વહેલી કરાય છે. દંતબંધકોને સાદી બોલચાલની ભાષામાં ક્લિપ અથવા દંતબંધિકા (clip) પણ કહેવાય છે. સામાન્ય રીતે આગળના ભાગમાં ઉપલા જડબાના દાંત નીચલા જડબાથી આગળ અને અમુક અંશે તેને ઢાંકે છે, જ્યારે પાછળના ભાગમાં નીચેના દાંત સહેજ મધ્ય રેખા તરફ હોય છે, જેથી તેમની સપાટી પરના ઊંડા અને ઊપસેલા ભાગ એકબીજાને બંધબેસતા હોય છે. તેને સામાન્ય ચર્વણ (bite) કહે છે; જ્યારે તે પ્રમાણે ન હોય તો તેને કુચર્વણ (cross bite) કહે છે. કુચર્વણમાં બાળકને ચાવવામાં તકલીફ પડે છે તેથી વહેલી સારવારની જરૂર પડે છે. તેવી રીતે અંગૂઠો, આંગળી કે બાળરુદનશામક(pacifier)ને ચૂસવાની ટેવ હોય તોપણ વહેલી સારવારની જરૂર પડે છે.
વહેલી સારવાર અથવા વહેલા અંતર્વેષણથી વાંકાચૂકા દાંત સીધા થાય છે, ફૂટી રહેલા કાયમી દાંત માટે પૂરતી જગ્યા રહે છે, ફૂટી રહેલા કાયમી દાંતને યોગ્ય સ્થાને ઊગવામાં મદદ રહે છે, જડબામાં કે અવાળામાં ઢંકાયેલા અથવા અંતર્બદ્ધ (impacted) દાંતને ફૂટવામાં સરળતા રહે છે, અંગુષ્ઠચૂસણ(thumbsucking)ની કુટેવની ખરાબ અસરો દૂર થાય છે તથા આગળ આવી ગયેલા છેદક દાંતને થતા અકસ્માતો સામે રક્ષણ મળે છે. વળી તેને કારણે ચર્વણના વિકારો (ચાવવાની તકલીફો) સુધારી શકાય છે, જડબાની વૃદ્ધિના નિયંત્રણ વડે ઉપલી અને નીચલી દંતપંક્તિઓના ચાપ (arch) સામાન્ય રહે છે, ખોરાક ગળવાની કે વાણી-ઉચ્ચારણની સમસ્યા ઘટે છે. દંતસુમેળ માટે પાછળથી દાંત પાડવા પડે તેવી સ્થિતિ સર્જાતી નથી અને તેથી પાછળની સુરેખદંતચિકિત્સા સરળ બને છે તેમજ ચહેરાનો દેખાવ સારો રહેતો હોવાથી આત્મગૌરવ (self-esteem) જળવાઈ રહે છે.
જો દંતીય કુમેળની સારવાર ન કરવામાં આવે તો ઊગ્યા વગરના દાંત કે જડબામાં ફસાયેલા દાંત અંતર્બદ્ધ રહે; વાંકાચૂકા દાંતને સ્પર્શતા હોઠ, જીભ કે ગલોફાને ઈજા થાય; ચાવવાની ક્રિયા અપૂર્ણ રહેવાથી ખોરાકનું પાચન ઘટે; બોલવામાં તકલીફ રહે; દાંતની સફાઈ ઓછી થવાથી તેમાં સડો થાય; દાંતની સપાટીને ઘસારો પહોંચે; વધુ તણાવ અનુભવતાં દાંત તૂટે કે ઢીલા પડે; આગળ આવેલા દાંતને અકસ્માતથી ઈજા થાય; પેઢવાં અને જડબાંનાં હાડકાં પાતળાં થાય; પેઢવાંમાં રોગ થાય; નીચલું જડબું ખોપરી જોડે જોડાય ને સાંધામાં વિકાર ઉદભવે; દાંત વહેલા પડી જાય તથા ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે. સમય જતાં દંતકુમેળ વધતો જાય છે તેથી વેળાસરની સારવાર કરવી જરૂરી ગણાય છે.
દંતીય કુમેળની સમસ્યા કાયમી દાંત ફૂટે તે પછી થતી હોય છે; તેથી અમેરિકન ઍસોસિયેશન ઑવ્ ઑથૉર્ડેન્ટિસ્ટના મતે દરેક બાળકના દાંતની, 7 વર્ષની વયે સુરેખદંતવિદ દ્વારા તપાસ થવી જોઈએ. નીચલા છેદક દાંત ફૂટે ત્યારે તેનું તથા જડબાનું માપ લઈને સંભવિત સમસ્યાઓ તથા પૂર્વનિવારણ અંગે વિચારણા કરાય છે. જરૂર પડે તે કિસ્સામાં એક કે વધુ કાયમી દાંત કાઢીને જરૂરી જગ્યા કરાય છે; જેથી એમાં અન્ય દાંત ફૂટી શકે. દાંત પાડવાથી પડેલી જગ્યા જાળવી રાખવા તારની રિક્તસ્થાનક (spacer) નામની પ્રસંયોજિકા મુકાય છે. જે વ્યક્તિને પેઢાં(અવાળુ)ની તકલીફ હોય (દા.ત., પરુ થયેલું હોય) અથવા હાડકાંમાં ઘસારો થયેલો હોય તેવી વ્યક્તિની સારવાર કરવી હિતાવહ નથી; તેથી સારવાર શરૂ કરતાં પહેલાં યોગ્ય નિદાનની જરૂર રહે છે.
આકૃતિ 2 : ક્લિપ વડે દાંતને સીધા કરવાની પ્રક્રિયા
નિદાનલક્ષી નોંધમાં સંપૂર્ણ તબીબી અને દાંતલક્ષી વૃત્તાંત, નિદાનલક્ષી તપાસનાં તારણો, ઍક્સ-રે-ચિત્રણોના અહેવાલ, ચર્વણ(bite)ની પ્લાસ્ટિક પરની છાપ અને તેના આધારે પ્લાસ્ટરની બનાવેલી પ્રતિકૃતિ (model) અંગેની માહિતી તથા ચહેરાની તસવીર અને ચહેરા અને દાંતના માપ વગેરેનો સમાવેશ થાય છે.
વાંકાચૂકા ઊગેલા અને નહિ ફૂટેલા દાંત તથા જડબાની વિષમતાઓના નિદાનમાં ઍક્સ-રે-ચિત્રણોનું મહત્વ છે. મુખ્ય 2 પ્રકારનાં ઍક્સ-રે-ચિત્રણો ઉપયોગી છે : (1) શીર્ષચિત્રણ (cephalogram) અને (2) પૂર્ણ દંતાવલી-ચિત્રણ (orthopento-mogram – OPG).
શીર્ષચિત્રણ નામના ઍક્સ-રે-ચિત્રણથી ઉપરના અને નીચલા જડબાંની વૃદ્ધિનો ખ્યાલ આવે છે. વળી તેના વડે દાંત કેટલા બહાર છે તે પણ જાણી શકાય છે. પૂર્ણ દંતાવલી-ચિત્રણમાં બધા જ દાંત (ઊગેલા અને ઊગી રહેલા) જોઈ શકાય છે. દૂધિયા દાંતની નીચે કાયમી દાંત ઊગી રહ્યો છે કે નહિ, કોઈ દાંત ખૂટતો તો નથી ને, કોઈ વધારાનો દાંત ઊગી રહ્યો હોય તો તે ઊગી રહેલા દાંતની ઊગવાની દિશા કઈ છે વગેરે અનેક પ્રશ્નોનો તે ઉત્તર આપી શકે છે. આમ ઊગતા અને ઊગેલા દાંતનાં સ્થાન અને ગોઠવણીનો ખ્યાલ આવી શકે છે. આ ઉપરાંત તેના વડે જડબાંનાં હાડકાંની સ્થિતિ, વિકાર, આકાર વગેરે બાબતો વિશે તથા નીચલા જડબાનો ખોપરી સાથે સાંધો બનાવતી કંદુકિકા(condyle)ના સ્થાન વિશે જાણકારી મળે છે. વળી જરૂર પડે તે કિસ્સામાં પ્રત્યેક દાંતનું અલગ ઍક્સ-રે-ચિત્રણ પણ લઈ શકાય છે. તેને મુખાન્તર્ગત પરિદંતશેખરી (intraoral periapical – IOPA) ઍક્સ-રે-ચિત્રણ કહે છે.
સારવાર : વાંકાચૂકા કે મરડાયેલા દાંતને યોગ્ય સ્થાને યોગ્ય રીતે ગોઠવવા માટે કર્ષબંધકો (brace) નામની પ્રસંયોજિકા(device)નો ઉપયોગ કરાય છે. તેમાં દાંત ચોટાડવા માટે સંલગ્નકો (brackets) હોય છે જેમને તાર તથા સર્પિલા અથવા સર્પવલયિકા (spring) વડે બાંધવામાં આવે છે. સર્પવલયિકા વાંકા દાંતને ખેંચે (કર્ષણ) છે અને તાર તેમને બાંધી રાખે (બંધન) છે. તેથી સમગ્ર સંપ્રયોજિકાને કર્ષબંધક કહે છે. તે મુખ્યત્વે 2 પ્રકારના હોય છે – (1) સ્થાપ્ય (fixed) અને મુક્ત (retainer). કર્ષબંધકોને સાદી ભાષામાં દંતબંધિકાઓ (clips) પણ કહે છે. દાંત પર ચોટાડાતા સંલગ્નકો ધાતુ કે સિરામિકના હોય છે. સિરામિક સંલગ્નકો દાંતના રંગના પણ હોઈ શકે. જેને દૂરથી પારખી શકાતા નથી. મુક્ત કર્ષબંધકો પ્લાસ્ટિક કે સિરામિકના બનેલા હોય છે. સંલગ્નકોને સુરેખદંતવિદ સિમેન્ટની મદદથી દાંત પર ચોટાડે છે જેને ફક્ત તે જ દૂર કરે છે. સામાન્ય રીતે તેમને દાંતની બહારની સપાટી (હોઠ કે ગલોફા તરફની સપાટી) પર ચોંટાડાય છે; પરંતુ ક્યારેક તેમને અંદરની તરફ એટલે કે જીભ તરફની (જિહવાકીય, lingual) સપાટી પર ચોંટાડાય છે. સંલગ્નકો સાથે જોડાતા તાર કે સર્પવલયિકાઓ તથા દાઢને ફરતો (દાઢ)પટ્ટો (band) દાંત પર દબાણ, ખેંચાણ કે તણાવ સર્જે છે. નિકલ-ટાઇટેનિયમના તાર વજનમાં હલકા અને શરીરના તાપમાને ગરમ થઈને કદ બદલે છે તેથી તે દાંતને ખેંચીને યોગ્ય સ્થાને ખસેડવામાં મદદરૂપ થાય છે. મુક્ત કર્ષબંધકો કરતાં સ્થાપ્ય કર્ષબંધકો વધુ દબાણ સર્જે છે.
કર્ષબંધકો દ્વારા ઉદભવતા દબાણ, તણાવ અને ખેંચાણને કારણે દાંતની આસપાસના હાડકાના પોલાણમાં કોષો અસરગ્રસ્ત થાય છે. જે દિશામાં દબાણ હોય ત્યાંના અસ્થિભક્ષક કોષો (osteoclasts) સક્રિય થઈને હાડકાંનું વિશોષણ (resorption) કરે છે અને તેની વિપરીત દિશામાં અસ્થિબીજકોષો (osteoblasts) નવા હાડકાનું નિર્માણ કરે છે. તેને કારણે દાંત માટેના હાડકાના ગોખલાના સ્થાન અને દિશામાં ફરક ઉદભવે છે. આ રીતે વાંકાચૂકા દાંતને યોગ્ય સ્થાને ખસેડી શકાય છે.
મુક્ત કર્ષબંધક કાઢી અને પહેરી શકાય છે. સામાન્ય રીતે સ્થાપ્ય કર્ષબંધક વડે સારવાર કર્યા પછી દર્દીને મુક્ત કર્ષબંધક પહેરવાનું સૂચવાય છે.
જો દાંતને ખસેડવા માટે પૂરતી જગ્યા ન હોય તો ક્યારેક દૂધિયા અથવા કાયમી દાંત કાઢવાની જરૂર પડે છે. તેનાથી જે જગ્યા ઉદભવે છે તેમાં કર્ષબંધકો વડે દાંતને સરખા કરાય છે.
જડબાની વૃદ્ધિ અને વિકાસને દિશા આપવા કિશોરો અને તરુણોને વિવિધ પ્રકારની પ્રસંયોજિકાઓ (devices) અને સંપ્રયોજિકાઓ (appliances) પહેરવાનું કહેવાય છે; જેમ કે, ઉપલા જડબા અને ઉપલી દંતપંક્તિના દાંતની વૃદ્ધિની દિશા નિશ્ચિત કરતું શીર્ષપરિધાન (head gear) રાત્રે 10થી 12 કલાક પહેરવાનું હોય છે. ક્રિયાશીલ (functional) અથવા સ્નાયુ-ક્રિયાશીલ (myofunctional) સંપ્રયોજિકાઓ વપરાય છે, જે જડબાના કદમાં વધારો-ઘટાડો, જડબાની એકબીજા સાથેનાં સ્થાનસંબંધ(special relationship)માં ફેરફાર, જડબાની વૃદ્ધિની દિશામાં બદલાવ તથા જડબાની વૃદ્ધિનું પ્રવેગીકરણ (acceleration) વગેરે વિવિધ પ્રકારનાં કાર્યો કરે છે. ઉપલા જડબાને પહોળું કરવા તાલવ્ય-વિસ્તારક (expansion device) વપરાય છે. ક્રિયાશીલ સંપ્રયોજિકાઓ જડબાંનાં હાડકાં, દંતપંક્તિ અને સ્નાયુઓમાં ફેરફારો લાવે છે. સન 1912માં નેવેલે પ્રથમ સ્નાયુક્રિયાશીલ સંપ્રયોજિકા બનાવી. તે હોઠ અને આગળના દાંતની વચ્ચે આવેલી જગ્યા – ઓષ્ઠીય અગ્રાવકાશ(labial vestibule) માં પહેરવામાં આવે છે. માટે તેને અગ્રાવકાશી સંપટલ (vestibule screen) કહે છે. હોઠને દાંતથી દૂર રાખતી એક અન્ય સંપ્રયોજિકાને ઓષ્ટ-અપસારક (lip bumber) કહે છે. નીચલા જડબાને આગળ તરફ મોટું કરવા સક્રિયક (activator) નામની સંપ્રયોજિકા વપરાય છે. સન 1950માં બાલ્ટર્સે કદમાં નાના અને વધુ લવચીક એવા જૈવવર્ધકો (bionators) વિકસાવ્યા જેમને ચાવતી વખતે દાંત વચ્ચે રહેલી બખોલ જેટલી જગ્યામાં મોઢામાં રાખી શકાય. તેમનો ઉપયોગ તાળવાને પહોળું કરી ઊગતા દાંત માટે જગ્યા કરી આપવામાં કરાય છે. હર્બ્સ્ટે નીચલું જડબું પાછળ રહેતું હોય તો તેને આગળ કરવા માટેની સંપ્રયોજિકા વિકસાવી છે. આને માટે જેસ્પરની વલ્ગક (jumper) નામની સંપ્રયોજિકા પણ વપરાય છે.
સુરેખદંતવિદ્યામાં કમ્પ્યૂટરોનો ઉપયોગ વધ્યો છે. તેનાથી વહીવટી, નિદાનચિકિત્સી અને અન્ય ઉપયોગી પ્રયુક્તિઓ (application) થઈ શકે છે. નિદાનચિકિત્સી પ્રયુક્તિઓમાં દર્દીની તપાસ, સારવારનું આયોજન, CAD કે CAM વડે સંપ્રયોજિકાઓનું અભ્યાલેખન (design), જડબાં અને દાંતનું માપન, દંતવૃદ્ધિ અંગેની પૂર્વધારણા, નિદાન તથા ચિકિત્સાનું આયોજન વગેરે વિવિધ બાબતોનો સમાવેશ થાય છે.
સારવારનો સમયગાળો : ધારણા મુજબનું પરિણામ મેળવતાં 9 મહિનાથી 2 વર્ષ થાય છે. જોકે ક્યારેક સારવાર 3 વર્ષ જેટલી લાંબી ચાલે છે. બાળકોમાં ઝડપી પરિણામ મળે છે. સારવારના અને વૃદ્ધિના તબક્કા પ્રમાણે પ્રસંયોજિકાઓ અને સંપ્રયોજિકાઓને બદલવી પડે છે.
કર્ષબંધક મૂકતી વખતે કોઈ ખાસ મુશ્કેલી પડતી નથી અને દર્દીને કોઈ ઇન્જેક્શન આપવાની કે બેભાન કરવાની જરૂર પડતી નથી. પ્રથમ 2થી 3 દિવસ થોડું અતડું લાગે છે, પછી ચાવવામાં કે બોલવામાં તકલીફ પડતી નથી. સોપારી, બરફનો ટુકડો, શેરડી જેવી કઠણ વસ્તુ ખાવાની છૂટ હોતી નથી. આ સિવાય રોજિંદો ખોરાક લઈ શકાય છે. કર્ષબંધક પહેર્યા હોય ત્યારે તેમાં ખોરાકના કણો, જીવાણુઓ અને કચરો ભરાય છે, જેથી દાંતનો સડો થઈ શકે. તે માટે ખાસ આકારનો વિદ્યુતીય દંતાઘર્ષક (tooth brush) અને ફ્લોરાઇડવાળું દંતમંજન વપરાય છે. કર્ષબંધકને ચારે બાજુથી સાફ રખાય છે.
ઉત્તરોપચાર (aftercare) : સ્થાપ્ય કર્ષબંધકોની સારવાર પૂરી થયા પછી દાંત નવી જગ્યાએ રહે તે માટે 2થી 3 વર્ષ મુક્ત કર્ષબંધકો પહેરવા માટે અપાય છે. દર્દીએ સુરેખદંતવિદને નિયમિતપણે મળવું સલાહભર્યું ગણાય છે.
સુરેખદંતવિદ્યાની સારવારના ફાયદા : (1) સારા મોહક વ્યક્તિત્વ માટે સુંદર વ્યવસ્થિત દાંત એક જરૂરિયાત છે. (2) સારા દાંતથી ખોરાક ચાવી શકાય છે અને પાચન સારું થાય છે. (3) વાંકાચૂકા દાંતને લીધે બોલવાની જે તકલીફ હોય તે દૂર કરી શકાય છે. બોલવાનું સુધારી શકાય છે. (4) વાંકાચૂકા દાંતથી જે પેઢાની તકલીફ ભવિષ્યમાં થતી હોય છે તેને દૂર કરી શકાય છે. (5) બહાર દેખાતા દાંતને અંદર લઈ જવાથી ચહેરો સુંદર બને છે. માનસિક સંકોચ કે લઘુતાગ્રંથિ સંપૂર્ણપણે ચાલ્યાં જાય છે અને વ્યક્તિમાં એક નવો આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે.
રૂપેશ ગોડિયાવાલા
શિલીન નં. શુક્લ