સુરેન્દ્ર (. 11 નવેમ્બર 1910, બટાલા કસબા, પંજાબ; . 12 સપ્ટેમ્બર 1987) : ગાયક, અભિનેતા. તેમનું પૂરું નામ સુરેન્દ્ર નાથ હતું. બી.એ., એલએલ.બી. થયેલા સુરેન્દ્ર પોતાના નામની સાથે આ ડિગ્રીઓનો પણ ઉપયોગ કરતા. તેમના અવાજમાં એક ખાસ ગંભીરતા હતી, જે તેમની ગાયકીને વિશિષ્ટ બનાવતી હતી. મિત્રોની સલાહથી તેઓ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવ્યા હતા. 1936માં સાગર મુવીટોનના ચિત્ર ‘ડેક્કન ક્વીન’માં તેમને નાયકની ભૂમિકા મળી અને આ ચિત્રમાં જ તેમણે પોતાનું પહેલું ગીત ‘યાદ ન કરે દિલે હજીં ભૂલી હુઈ કહાનિયાં’ ગાયું હતું. આ એક ગીતે જ સુરેન્દ્રની ગાયકીનો સિક્કો જમાવી દીધો હતો. 1936માં શરૂ થયેલી તેમની ગાયન અને અભિનયની કલાયાત્રાનો અંત 1954માં ‘ગવૈયા’ સાથે આવ્યો. એ દરમિયાન તેમણે લગભગ 60 ચિત્રોમાં કામ કર્યું. 1936માં જ ચિત્ર ‘મનમોહન’માં તેમણે બિબ્બો સાથે ગાયેલા ગીત ‘તુમ્હીંને મુઝ કો પ્રેમ શિખાયા, સોયે હુએ હિરદે કો જગાયા’એ એ દિવસોમાં ધૂમ મચાવી હતી. પ્રારંભે સુરેન્દ્ર સાગર મુવીટોન સાથે જ જોડાયેલા રહ્યા હતા. 1940ના અંત સુધીમાં તેઓ ગાયક અને અભિનેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. સાગર મુવીટોન ઉપરાંત બીજી કંપનીઓનાં ચિત્રોમાં પણ તેઓ કામ કરવા માંડ્યા હતા. તેમાં ચિત્રસર્જક મેહબૂબખાને બનાવેલા ‘અનમોલ ઘડી’માં તેમણે નૂરજહાં સાથે ગાયેલું ‘આવાઝ દે કહાં હૈ’ ગીત સદાબહાર બની ચૂક્યું છે. એ જ રીતે ‘એલાન’માં ગાયેલું ‘તેરા જહાં આબાદ હૈ’ પણ ખૂબ લોકપ્રિય થયું હતું. એ પછી તો ઘણાં ચિત્રોમાં ગાયેલાં તેમનાં ગીતો વખણાયાં હતાં. 1944માં ‘ભરથરી’ ચિત્રમાં તેમણે ગાયેલું ‘ભંવરા મધુબન મેં મત જા’ તથા આ જ ચિત્રમાં અમીરબાઈ કર્ણાટકી સાથે ગાયેલું ‘ભિક્ષા દે દે મૈયા પિંગલા, જોગી ખડા હૈ દુવાર’ — એ ગીતે પણ લોકોને ડોલાવી દીધા હતા. સુરેન્દ્ર જેટલાં વર્ષો સક્રિય રહ્યા એ દરમિયાન એ સમયની ગાયિકાઓ અને અભિનેત્રીઓ બિબ્બો, વહીદનબાઈ, જ્યોતિ, હુસ્નાબાનુ, મેહતાબ, અમીરબાઈ કર્ણાટકી, સુરૈયા તથા ગીતા રાય સાથે તેમણે યાદગાર ગીતો ગાયાં હતાં. 1954માં ‘ગવૈયા’ બાદ સુરેન્દ્રે કેટલાંક ચિત્રોમાં નાનીમોટી ચરિત્રભૂમિકાઓ ભજવી હતી.

નોંધપાત્ર ગીતો અને ચિત્રો : ‘યાદ ન કર દિલે હજીં ભૂલી હુઈ કહાનિયાં’ (‘ડેક્કન ક્વીન’, 1936), ‘તુમ્હીંને મુઝ કો પ્રેમ શિખાયા, સોયે હુએ હિરદે કો જગાયા’ (‘મનમોહન’, 1936), ‘પૂજારી મોરે મંદિર મેં આઓ’ (‘જાગીરદાર’, 1937), ‘આઇ વસંત ઋત મદમાતી’ (‘જવાની’, 1942), ‘મુઝ કો જિને કા બહાના મિલ ગયા’ (‘ગરીબ’, 1942), ‘સાવન કી ઋત આયી સજનિયા’ (‘વિશ્વાસ’, 1943), ‘ભંવરા મધુબન મેં મત જા’ (‘ભરથરી’, 1944), ‘આવાઝ દે કહાં હૈ’ (‘અનમોલ ઘડી’, 1946), ‘તેરા જહાં આબાદ હૈ’ (‘એલાન’, 1947), ‘ક્યું ઉન્હેં દિલ દિયા, હાય રે યે ક્યા કિયા’ (‘અનોખી અદા’, 1948).

હરસુખ થાનકી