સુરતી, રૂસી (જ. 25 મે 1936, સુરત, ગુજરાત) : ભારતની ટેસ્ટ-ક્રિકેટના એક જમાનાના ઑલરાઉન્ડર ખેલાડી. તેઓ રાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધામાં ગુજરાત અને રાજસ્થાન તરફથી રમ્યા હતા. આખું નામ રૂસી ફરમરોઝ સુરતી.
રૂસી સુરતી
તેઓ ડાબોડી બૅટ્સમૅન અને ડાબોડી મિડિયમ પેસ તથા સ્લો બૉલર હતા. ઘણી વાર ભારત તરફથી તેઓ નવા બૉલથી બૉલિંગનો પ્રારંભ કરતા. મેદાન પર ‘કવર’ના સ્થાનના ચપળ ફિલ્ડર અને દૂરથી બૉલનો થ્રો કરી વિરોધી ટીમના ખેલાડીની વિકેટ ઢાળી દેનાર ખેલાડી તરીકે તેમણે નામના મેળવી હતી.
1960-61ની ક્રિકેટ-મોસમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે, મુંબઈ ખાતે ડિસેમ્બર, 1960માં પ્રથમ ટેસ્ટમાં તેમણે ભારત તરફથી ‘ટેસ્ટ-પ્રવેશ’ કર્યો હતો.
તેમણે 1961-62માં વેસ્ટ ઇન્ડીઝનો, 1967માં ઇંગ્લૅન્ડનો અને 1967-68માં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. મનસુરઅલીખાન પટૌડીના સફળ કપ્તાનપદ હેઠળ ભારતે ન્યૂઝીલૅન્ડ પ્રવાસમાં ચાર ટેસ્ટમૅચોની શ્રેણીમાં 31થી સહુ પ્રથમ ઐતિહાસિક દિગ્વિજય મેળવ્યો હતો. આ પ્રવાસમાં, ઑકલૅન્ડ ખાતે ન્યૂઝીલૅન્ડ સામેની ચોથી અને આખરી ટેસ્ટના બીજા દાવમાં રૂસી સુરતી 99 રનના જુમલે ‘નર્વસ નાઇન્ટી’નો ભોગ બની પ્રથમ સદી ચૂકી ગયા હતા. આ જુમલો તેમની ટેસ્ટ-ક્રિકેટ-કારકિર્દીનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો બની ગયો.
ઘરઆંગણે રૂસી સુરતી, 1960-61માં પ્રવાસી પાકિસ્તાન સામે, 1963-64માં ઇંગ્લૅન્ડ સામે, 1964-65 અને 1969-70માં પ્રવાસી ન્યૂઝીલૅન્ડ સામે, 1964-65 અને 1969-70માં પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે તથા 1966-67માં પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે રમ્યા હતા.
1969 પહેલાંથી તેઓ વ્યવસાયાર્થે ઑસ્ટ્રેલિયામાં જઈ સ્થાયી થતાં, 1969 બાદ ભારત ક્રિકેટ-ટીમમાં તેઓ પસંદગીપાત્ર રહ્યા નહોતા. ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડ તરફથી સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટોમાં તેઓ રમતા હતા.
રાજસ્થાન તરફથી 1959-60ની મોસમમાં ઉદેપુર ખાતે ઉત્તરપ્રદેશ સામે રૂસી સુરતીએ પોતાની પ્રથમ રણજીમૅચમાં બેવડી સદી ફટકારીને અણનમ 246 રન નોંધાવ્યા હતા. રણજીસ્પર્ધામાં 74 દાવમાં 4 વાર નૉટ આઉટ રહીને 33.20ની બૅટિંગ સરેરાશથી તેમણે કુલ 2324 રન નોંધાવ્યા હતા. 1956થી 1973 સુધીમાં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 6 સદી સાથે 30.90ની સરેરાશથી કુલ 8066 રન અને 37.07ની બૉલિંગ-સરેરાશથી 284 વિકેટો નોંધાવી હતી.
રૂસી સુરતીએ 26 ટેસ્ટના 48 દાવમાં, 4 વાર અણનમ રહીને 9 અર્ધસદી (સર્વોચ્ચ 99) સાથે 28.70ની સરેરાશથી કુલ 1263 રન નોંધાવ્યા હતા તથા 46.71ની સરેરાશથી કુલ 42 વિકેટો ઝડપી હતી. 1967-68માં તેમણે ઑસ્ટ્રેલિયામાં એડીલેડ ખાતે પ્રથમ ટેસ્ટના દાવમાં 74 રનમાં પાંચ વિકેટો લઈને શ્રેષ્ઠ બૉલિંગ દેખાવ પ્રદર્શિત કર્યો હતો. તેમણે ટેસ્ટમૅચોમાં 26 કેચ કર્યા હતા.
જગદીશ બિનીવાલે