સુરબાયા (Surabaya) : ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા પછીના બીજા ક્રમે આવતું જાવાનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 7° 15´ દ. અ. અને 112° 45´ પૂ. રે.. તે પૂર્વ જાવાના ઉત્તર કાંઠે વસેલું છે. સાંકડી મદુરા સામુદ્રધુનીની ઉત્તર તરફના મદુરા ટાપુની બરોબર સામે આવેલું – આ શહેર નીચાણવાળા મેદાનમાં કાલીમસ નદીની બંને બાજુ વિસ્તરેલું છે. આ શહેરની દક્ષિણે ભૂમિભાગ ઊંચાઈ પ્રાપ્ત કરતો જાય છે અને અર્જુનો (3339 મીટર) તેમજ પેનાંગ ગંગાન શિખરોમાં ફેરવાય છે. વાયવ્ય તરફ સોલો નદીનો ત્રિકોણપ્રદેશ આવેલો છે. આ વિસ્તારમાં થતી ડાંગરની ખેતીને કાલીમસ અને સોલો નદીઓ પાણી પૂરું પાડે છે; પરંતુ અહીંનું ભૂપૃષ્ઠ નીચાણવાળું હોવાથી ક્યારેક તે પૂરનાં પાણીથી છવાઈ જાય છે. સુરબાયા આ વિસ્તારનું મુખ્ય ઔદ્યોગિક તેમજ વાણિજ્યમથક પણ છે. અહીંનું બારું ‘તેનજંગ પેરાક’ ઇન્ડોનેશિયાનું મુખ્ય નૌકામથક તથા સમુદ્રખેડાણ માટેનું મહત્ત્વનું કેન્દ્ર છે.

અર્થતંત્ર : સુરબાયાનો વાણિજ્યવિકાસ તેમજ તેના ઉદ્યોગો તેની આજુબાજુના ભાગોમાં આવેલી ફળદ્રૂપ જમીનોમાંથી મળતી ખેતપેદાશો પર આધારિત છે. અહીં ડાંગર ઉપરાંત કૉફી, મકાઈ, મગફળી, શેરડી અને ટેપિયોકાની ખેતી થાય છે. આ વિસ્તારમાં ઘણાં કારખાનાં ઊભાં થયેલાં છે. નજીકમાં આવેલા તેલકૂવાઓમાંથી મળતા ખનિજતેલનું અહીં શુદ્ધીકરણ થાય છે. ગંધક અને આયોડિનનાં સંયોજનો પણ અહીં મળે છે. નજીકમાં આવેલા મદુરા ટાપુમાં મીઠાની ખાણો પણ છે.

એક ઔદ્યોગિક મથક તરીકે સુરબાયાનો ઝડપી વિકાસ થયો હોવાથી અહીં ઘણી નાણાકીય લેવડદેવડ કરતી પેઢીઓ સ્થપાઈ છે. આ જ કારણે આ શહેર ઇન્ડોનેશિયાનું જાકાર્તા પછીના ક્રમે આવતું ઘણું જ મહત્ત્વનું નાણાકીય મથક બની રહેલું છે. 1989માં સ્થપાયેલું સુરબાયા સ્ટૉક એક્સચેંજ ઇન્ડોનેશિયામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સુરબાયા તથા તેની આજુબાજુમાં બીજા ઘણા ઉદ્યોગો પણ વિકસ્યા છે. ઇન્ડોનેશિયામાં બીજા ક્રમે આવતી કાર્યરત ઔદ્યોગિક વસાહત રંગકૂટ ખાતે આવેલી છે. ગ્રેસિક ભારે ઉદ્યોગનું મુખ્ય મથક પણ છે. ત્યાં પોલાદની પેદાશો, પેટ્રોરસાયણો, ખાતરો, સિમેન્ટ તથા ઔષધ-સંશ્લેષણ માટેનાં સ્રોતદ્રવ્યો તૈયાર થાય છે. અહીં મોટા પાયા પર મત્સ્યકેન્દ્રો પણ વિકસ્યાં છે. સુરબાયા ખાવાયોગ્ય પંખીઓના માળા માટે પણ ખૂબ જાણીતું છે; ઇન્ડોનેશિયાના ઘણા લોકો, વિશેષે કરીને ચીની લોકો, તેને ખાદ્યપદાર્થ તરીકે પસંદ કરે છે.

પરિવહન : તેનજંગ પેરાક સુરબાયાનું બંદર છે. મદુરાના ટાપુ નજીકથી આવતાં વાવાઝોડાંથી આ બંદર મુક્ત રહે છે. આ બંદર વ્યસ્ત રહેતું હોવાથી તેમાં ઘણા લોકોને કામ મળી રહે છે. તેનો જહાજી વેપાર ઇન્ડોનેશિયાનાં તેમજ અન્ય દેશોનાં બંદરો સાથે ચાલે છે. માછીમારી કરવા જતા પૂર્વ જાવાના નૌકા કાફલા અહીંથી ઊપડે છે. વળી, આ બંદર ઇન્ડોનેશિયાના નૌકાદળનું મુખ્ય મથક પણ છે. અહીંની મોટી ગોદીઓ અને જહાજી બાંધકામમાં લોકોને નોકરીઓ મળી રહે છે.

સુરબાયા ખાતે બે મહત્ત્વના રેલમાર્ગો ભેગા થાય છે. આ શહેર ખાતે બે રેલમથકો અને રેલવેયાર્ડ આવેલાં છે. અહીંના રેલમાર્ગો દક્ષિણ અને પૂર્વ બાજુ માલાંગો, પોબોલિંગો તરફ; નૈર્ઋત્ય તરફ કેડિરી તથા પશ્ચિમ તરફ સેમારંગ અને જાકાર્તા જાય છે. અહીંથી બાલી, જાકાર્તા અને જાવાનાં અન્ય સ્થળો તરફ જવા માટે જુઆન્ડા હવાઈ મથકે હવાઈસેવા ઉપલબ્ધ છે. સુરબાયા શહેર પૂર્વ જાવાની માર્ગ-ગૂંથણીનું કેન્દ્રીય મથક બની રહેલું છે.

જોવાલાયક સ્થળો : આ શહેરમાં પ્રવાસી આકર્ષણનાં સ્થળો બહુ જ ઓછા પ્રમાણમાં છે. 1945-1949 દરમિયાન ડચ લોકો સામે થયેલી, આઝાદી માટેની લડતમાં ભાગ લેનાર અહીંના સ્વાતંત્ર્યસેનાનીઓ(નાગરિકો)નાં સ્મારકો તેમજ સ્મૃતિચિહ્નો તૈયાર કરાયેલાં છે. આ પૈકીનું ‘હીરોઝ’નું સ્મારક સર્વશ્રેષ્ઠ છે. સુરબાયાના મુખ્ય ઉદ્યાનો પૈકીના એક ઉદ્યાનમાં 1289માં તૈયાર કરાયેલું સિંગોસરીના છેલ્લા શાસક રાજા કીર્તનગરનું શિલ્પ ધ્યાન ખેંચે છે. આ રાજવી વૃક્ષરક્ષક (સ્થાનિક નામ ‘જોગો દોલોગ’) તરીકે જાણીતા બનેલા છે. તેમનું શિલ્પ (બાવલું) અસલમાં તો કાષ્ઠમાંથી બનાવાયેલું. અગ્નિ એશિયામાં જેની સારા સંગ્રહાલય તરીકે ગણના થાય છે તે સુરબાયા સંગ્રહાલય શહેરના દક્ષિણ ભાગમાં આવેલું છે, તેમાં દુનિયાભરનાં અયનવૃત્તીય પ્રાણીઓનો તેમજ પક્ષીઓનો શ્રેષ્ઠ સંગ્રહ જળવાયેલો છે. શહેરમાં દિવસ-રાત્રિ માટેનાં બે અલગ અલગ બજાર આવેલાં છે; આ પૈકીનું પાબિયન બજાર દિવસ દરમિયાન અને બ્લૉરન બજાર રાત્રિ દરમિયાન ખુલ્લું રહે છે. ઇન્ડોનેશિયામાં મોટામાં મોટું ગણાતું ‘તનજંગન’ આ શહેરનું મુખ્ય ખરીદકેન્દ્ર છે.

જે સ્થળે આ શહેર વિકસ્યું તે અંપેલ ગામમાં 1467માં મૃત્યુ પામેલા રાદેન રેહમત(બીજું નામ : સુનાન અંગમ્પેલ)ની કબર આવેલી છે. તેઓ જાવામાં ઇસ્લામનો પ્રચાર કરનારા જૂના નવ પ્રચારકોમાંના એક હતા. એ જ રીતે મુસ્લિમો માટેનું ખૂબ જ અહોભાવદર્શક સ્થળ શહેરના વાયવ્ય ભાગમાં ગ્રેસિક ખાતે આવેલું છે, ત્યાં ઇસ્લામ ધર્મપ્રચારક સુનાન ગિરિની કબર આવેલી છે. આ કબર ધરાવતી મસ્જિદ સુંદર રિબનોથી તથા ઈરાની બનાવટના નકશીદાર ચાકળાઓથી શણગારેલી હોય છે.

સુરબાયાની આજુબાજુના ભાગોમાં હિન્દુ-જાવાનીઝ સમયનાં ઘણાં મંદિરો તેમજ ખંડિયેરો આવેલાં છે. સારી રીતે જળવાયેલાં ખંડિયેરો પૈકીનું એક ખંડિયેર સુરબાયાથી દક્ષિણમાં 55 કિમી.ને અંતરે ટ્રેટિસના પહાડી-વિશ્રામની નજીકમાં આવેલું છે. માજાપાહિતના વિશાળ હિન્દુ-જાવાનીઝ સામ્રાજ્ય વખતના અવશેષો તેમજ સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી ચીજવસ્તુઓનું એક સંગ્રહસ્થાન ત્રોવુલન નગર ખાતે આવેલું છે. તેનું તત્કાલીન પાટનગર ત્રોવુલનની નજીકમાં મોજોકર્તો પાસે આવેલું છે.

વસ્તી : 1995ના અંદાજ મુજબ સુરબાયાની વસ્તી 27 લાખની છે, અહીંની વસ્તીગીચતા પણ ઘણી ઊંચી છે. મદુરામાંથી સ્થળાંતર કરીને અહીં આવેલા લોકોસહિત અહીંના ઘણા માણસો ખલાસીઓ તરીકે જાણીતા બનેલા છે.

પ્રાચીન હિન્દુ-જાવાનીઝ શાસક એરલંગાના માનમાં અહીં એરલંગા યુનિવર્સિટી સ્થપાયેલી છે. આ ઉપરાંત, અહીં સુરબાયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, કેટલાંક મહત્ત્વનાં ઇસ્લામિક અભ્યાસ-કેન્દ્રો તથા નૌકા અકાદમી અને સમુદ્રખેડાણની અકાદમી પણ આવેલ છે.

ઇતિહાસ : એક એવી દંતકથા અહીં પ્રવર્તે છે કે આ શહેર નદીના એક એવા ભાગ પર વસેલું જ્યાં શાર્ક અને મગર વચ્ચે લડાઈ થયેલી. સુરબાયા અને તેની નજીકનું ગ્રેસિક અહીંની બ્રંટસ નદી-ખીણમાં વિકસેલા મહાન સામ્રાજ્યનાં બંદરો હતાં. અગિયારમી સદીમાં, સુરબાયાના બંદરેથી ભારત અને ચીન સહિતનાં એશિયાઈ કેન્દ્રો સાથે વેપાર થતો. 1019માં જ્યારે એરલંગા પૂર્વ જાવાનો રાજા બનેલો ત્યારે સુરબાયાનો વેપાર-વિકાસ થવો શરૂ થયેલો. તે પછીના પૂર્વ જાવાના શાસકોએ સુરબાયાના અખાત પરનાં બંદરો ખાતેથી થતા વેપારના વિકાસ પર લક્ષ આપી તેને ચાલુ રાખ્યો. એ વખતે સુરબાયા મલાક્કામાંથી આવતા મસાલાના પરંપરાગત વેપાર માટે જાણીતું હતું.

સોળમી સદીમાં જાવાના ઉત્તર તરફનાં મોટાભાગનાં બંદરોમાં ઇસ્લામધર્મનો પ્રસાર થયો; પરંતુ સુરબાયા હિન્દુ-જાવાનીઝ રહ્યું. પશ્ચિમનાં મુસ્લિમ બંદરોમાંથી થતા હુમલા ખાળવા તેઓ સમર્થ રહેલા. સત્તરમી સદીની શરૂઆતમાં માતારમના સુલતાન આગુંગના હુમલા તેમણે ખાળેલા. પાંચ વર્ષ માટે સુલતાને ઘેરો ઘાલી રાખેલો; છેવટે સુરબાયા 1625માં તેને શરણે થયેલું.

સુરબાયાનું ઐતિહાસિક સ્થળ

1706માં ડચ લોકોએ સુરબાયા જીતી લીધું. 1808માં ડચ ગવર્નર-જનરલ હર્માન વિલેમ ડંડેલ્સે અપેક્ષિત બ્રિટિશ આક્રમણ સામે પૂર્વ જાવાની રક્ષણાત્મક હરોળને વધુ મજબૂત બનાવી દીધેલી. તેણે સુરબાયા ફરતે કિલ્લેબંધી કરી અને ત્યાં શસ્ત્રસંરજામનું કારખાનું સ્થાપ્યું.

ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં, ડચ લોકોએ આ વિસ્તારમાં શેરડીનું વાવેતર શરૂ કર્યું. આ રીતે સુરબાયા ખાંડ-ઉદ્યોગનું મોટું કેન્દ્ર બની રહ્યું. આ તેમજ અન્ય કારણોસર તેનો એટલો બધો વિકાસ થયો કે જેથી વીસમી સદીમાં તેની વસ્તી જાકાર્તા (તત્કાલીન બટેવિયા) કરતાં પણ વધી ગઈ.

આ જ ગાળામાં સુરબાયા ખાતે ઇન્ડોનેશિયન રાષ્ટ્રીય ચળવળનાં પગરણ મંડાયાં. હાજી ઉમર સઈદ જોક્રોઅમીનોટોએ ઇસ્લામિક યુનિયનની ચળવળને નેતાગીરી પૂરી પાડેલી. પછીથી બનેલા પ્રમુખ સુકર્ણો તે વખતે સુરબાયાની શાળામાં અભ્યાસ કરતા હતા અને જોક્રોઅમીનોટોના મકાનમાં રહેતા હતા. આ સંજોગોમાંથી સુકર્ણોએ તેની રાજકીય તાલીમ મેળવી લીધેલી.

1945ના ઑગસ્ટની 17મી તારીખે ઇન્ડોનેશિયા આઝાદ થયું. તે પછીથી સુરબાયા આ નૂતન પ્રજાસત્તાકમાં જાણીતું થતું ગયું. 1945ના નવેમ્બરની પહેલી તારીખે બ્રિટિશ અને ભારતીય દળોએ, જાપાનીઓ શરણે આવ્યા પછી, તેનો કબજો સંભાળ્યો અને તેમણે સુરબાયા ખાતે ઉતરાણ કર્યું. ક્રાંતિકારી નેતા સુટોમોની દોરવણી હેઠળ સુરબાયાના જવાનોએ તેમનો સામનો કર્યો અને દસ દિવસના ભારે સંઘર્ષ સહિત પ્રતિકાર કર્યો. આજે ઇન્ડોનેશિયા આ ઘટનાની સ્મૃતિમાં દર વર્ષે 10 નવેમ્બરને ‘હીરોઝ’ના દિન તરીકે ઊજવે છે. સુરબાયા ‘હીરોઝનું શહેર’ આ કારણે કહેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા