સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર)
January, 2008
સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર) : જૈન આગમોમાંનું બીજું અંગ. તેનાં બીજાં નામ છે : ‘સૂતગડસુત્ત’, ‘સુત્તકડસુત્ત’, ‘સૂયગડસુત્ત’. જૈનોના આગમોમાંનાં 11 અંગોમાં પ્રથમ છે ‘આયારંગ’ (‘આચારાંગ’) અને તે પછીનું તે આ ‘સુયગડંગ’. આગમોની ભાષા પ્રાચીન પ્રાકૃત છે, જેને અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત કહે છે. આ મૂળ ભાષામાં મહાવીર પછીનાં 1000 વર્ષ દરમિયાન ઘણાં પરિવર્તનો થયાં છે, આમ છતાં, ‘આચારાંગ’ અને ‘સૂત્રકૃતાંગ’ની ભાષા પૂરતી પ્રાચીન છે. ‘આચારાંગ’, ‘સૂત્રકૃતાંગ’, ‘ઉત્તરાધ્યયન’ અને ‘દશવૈકાલિક’ સૂત્રોના અભ્યાસથી જૈન મુનિઓની સંયમપાલનની કઠોરતાનો પરિચય થાય છે.
આ ગ્રંથ ઉપર ભદ્રબાહુએ ‘નિર્યુક્તિ’ લખી છે. તેના ઉપર ‘ચૂર્ણી’ પણ છે. શીલાંકાચાર્યે વાહરિગણિની સહાયતાથી સંસ્કૃત ટીકા લખી છે. તેવી જ રીતે હર્ષકુલ તથા સાધુરંગે ‘દીપિકા’ઓ લખી છે. આગમોદય સમિતિ, મુંબઈ દ્વારા ‘નિર્યુક્તિ’ ટીકા સાથે 1917માં પ્રકાશિત થયેલ. હવે તો પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની મુનિ શ્રી પુણ્યવિજયજીએ ભદ્રબાહુની ‘નિર્યુક્તિ’ તેમજ ‘પાઈણથેરભદંતની’ ચૂર્ણી સહિત સંપાદિત કરેલી સુંદર આવૃત્તિ ઉપલબ્ધ થઈ ગઈ છે. ડૉ. હર્મન્ યાકોબી(Herman Jacobi)એ ‘સેક્રેડ બુક્સ ઑવ્ ધ ઈસ્ટ’ના 45મા ગ્રંથમાં આનો અંગ્રેજી અનુવાદ વિદ્વન્માન્ય પ્રસ્તાવના સાથે પ્રકટ કર્યો છે.
જ્ઞાન અને વિનયાદિ ગુણો તથા વિવિધ ધર્માચારોનું વર્ણન એમાં કરેલું છે. જૈન ધર્મની નિયમાવલિ સાથે મહાવીરના સમયમાં અસ્તિત્વ ધરાવનાર અન્ય 363 કુવાદીઓની નિયમાવલિની તુલના કરીને તારવણી કાઢવામાં આવી છે કે અહિંસાધર્મના મૂળરૂપ ધર્મ એ જ શ્રેષ્ઠ ધર્મ છે. આના અધ્યયનથી સાધુઓ ધર્મ પ્રત્યે દૃઢવિશ્વાસી બને છે. એમાં જાતિવાદ આદિ આઠેય પ્રકારના મદને તિરસ્કારી કાઢ્યા છે અને વિનયને પ્રધાન ભૂષણ તરીકે નવાજેલો છે.
આ ગ્રંથના બે શ્રુતસ્કંદ છે. પહેલામાં 16 અધ્યયન છે, જ્યારે બીજામાં 7. પ્રથમ શ્રુતસ્કંદ એક અધ્યયન સિવાય પદ્યમાં જ છે, જ્યારે બીજો ગદ્ય-પદ્યમાં છે. છન્દોમાં અનુષ્ટુપ, વૈતાલિક તથા ઇન્દ્રવજ્રા પ્રયોજાયા છે.
પ્રથમ શ્રુતસ્કંદના વૈતાલીય અધ્યયનમાં શરીરની અનિત્યતા, ઉપસર્ગસહન, કામપરિત્યાગ, અશરણત્વ આદિનું પ્રરૂપણ છે. ઉપસર્ગ અધ્યયનમાં શ્રમણધર્મપાલનમાં ઊભા થતા ઉપસર્ગોનું વિવેચન છે. સ્ત્રીપરિજ્ઞા અધ્યયનમાં સાધુઓને સ્ત્રીજન્ય ઉપસર્ગ કેવી રીતે સહેવો પડે છે તે દર્શાવ્યું છે. નરકવિભક્તિ અધ્યયનમાં નરકની ઘોર યાતનાઓ વર્ણવી છે. વીરસ્તુતિ અધ્યયનમાં મહાવીરને હાથીઓમાં ઐરાવણ (= ઐરાવત), મૃગોમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં ગરુડની ઉપમા આપી એમની શ્રેષ્ઠતા બતાવી છે.
બીજા શ્રુતસ્કંદમાં 7 અધ્યયનો છે. 5મા આચારશ્રુતાધ્યયનમાં સાધુઓના આચારનું નિરૂપણ છે. પાપ, પુણ્ય, બન્ધ, મોક્ષ, સાધુ, અસાધુ, લોક, અલોક આદિ ન સ્વીકારવાને અનાચાર કહ્યો છે. સાતમા નાલન્દીય અધ્યયનમાં નાલન્દામાં લેપગૃહપતિના હસ્તિયામ વનખંડમાં ઊતરેલા ગૌતમ ગણધરનો પાર્શ્ર્વનાથશિષ્ય ઉદકપેઢાલપુત્ર સાથેનો વાદવિવાદ અને અંતે ઉદકપેઢાલપુત્રે ચતુર્યામધર્મ ત્યજીને પંચમહાવ્રત સ્વીકાર્યાં એનું પ્રરૂપણ છે.
ભારતના સંપ્રદાયોના જીવનસંબંધી જ્ઞાન મેળવવા માટે આ બીજો શ્રુતસ્કંદ બહુ ઉપયોગી છે.
જયન્ત પ્રે. ઠાકર