સુભાષિત : રમણીય કે ડહાપણભરી ઉક્તિ, સારી રીતે કહેવામાં આવેલી વાત કે સૂક્તિ. કવિને સ્વપરના જીવનના અનુભવોમાં જે સાર જડે તેને અસરકારક રીતે પ્રાય: સ્વતંત્ર મુક્તકમાં વ્યક્ત કરે તે સુભાષિત હોય છે. ક્યારેક મોટા પ્રબંધમાં પણ સુભાષિત હોઈ શકે અને તેને દીર્ઘ કાવ્યપ્રવાહમાંથી અલગ તારવીને મુક્તક રૂપે પણ રજૂ કરાય એમ બને. એમાં આલોક અને પરલોકના જીવન વિશે સુંદર વિચારો રહેલા હોય છે. તેમાં વ્યક્તિ, સમાજ અને રાજ્યની લાક્ષણિકતા પણ બતાવવામાં આવે છે. ક્યારેક તેમાં ચેતવણી પણ હોય છે. માનવપ્રકૃતિ, માનવસંબંધો, માનવજીવનની નીતિ વિશે પણ તેમાં માર્ગદર્શન હોય છે. ડહાપણભરી અનેક વાતો સૂત્રરૂપે સુભાષિતમાં રજૂ થાય છે. કવિ તેમાં ગાગરમાં સાગર ભરવા જેવું કાર્ય કરે છે. એમાં કાવ્યતત્ત્વની ઉપસ્થિતિ પણ અપેક્ષિત હોય છે. જીવન જીવવાના પથપ્રદર્શક સિદ્ધાન્તો તેમાં હોય છે, જે મનુષ્યને અવારનવાર ખપ લાગે છે. તેમાં વ્યંગ્ય, કટાક્ષ ઉપરાંત જીવનને જોવાની એક આગવી દૃષ્ટિ પણ મળતી હોય છે.
સંસ્કૃત સાહિત્યમાં વ્યાસ, વાલ્મીકિ, મનુ વગેરે સ્મૃતિકારો, ચાણક્ય, વેતાલ ભટ્ટ, ભોજરાજા, ભર્તૃહરિ, વિષ્ણુશર્મા, નારાયણ પંડિત વગેરેએ અનેક અમર સુભાષિતો આપ્યાં છે અને એ દ્વારા ભારતીય જનતાને પોતાનો વિચારવારસો આપ્યો છે. એ સુભાષિતોના ઘણા સંગ્રહો પણ સંસ્કૃત ભાષામાં થયા છે અને તેમાં કાવ્યસાહિત્યનો અર્ક પણ મળતો રહ્યો છે. પ્રાકૃત, અપભ્રંશ વગેરે અન્ય ભાષાઓમાં પણ આવાં સુભાષિતો અને તેના સંગ્રહો પ્રાપ્ત થાય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી