સુબ્રહ્મન્યમ, જયશંકર (જન્મ 9 જાન્યુઆરી, 1955, દિલ્હી) : 30 મે, 2019થી ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે કાર્યરત. નટવર સિંહ પછી ભારતીય વિદેશ સેવાના બીજા અધિકારી, જેઓ દેશના વિદેશ મંત્રી બન્યાં. પિતા ક્રિષ્નાસ્વામી સુબ્રહ્મન્યમ અને માતા સુલોચના સુબ્રહ્મન્યમ. ‘ફાધર ઑફ ઇન્ડિયન સ્ટ્રેટેજિક થૉટ્સ’ તરીકે પ્રસિદ્ધ પિતા ભારતના પ્રસિદ્ધ સ્ટ્રેટેજિક અફેર્સના વિશ્ર્લેષક, વિદ્વાન અને સનદી અધિકારી.

પ્રારંભિક શિક્ષણ નવી દિલ્હીના સુબ્રોતો પાર્કમાં ધ એર ફોર્સ સ્કૂલમાં અને કર્ણાટકના બેંગલોરમાં બેંગલોર મિલિટરી સ્કૂલમાં મેળવ્યું. દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં રસાયણશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં રાજ્યશાસ્ત્રમાં એમ.એ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એમ. ફિલ અને પીએચ.ડી કર્યું, જેમાં તેમણે પરમાણુ રાજદ્વારી સંબંધોમાં કુશળતા હસ્તગત કરી.  તેઓ રશિયન, અંગ્રેજી, તમિળ, હિંદી ભાષા બોલી શકે છે. જાપાનીઝ અને ચાઇનીઝ અને કેટલીક હંગેરિયન ભાષાઓમાં સંવાદ કરી શકે છે.

વર્ષ 1977માં જયશંકર ભારતીય વિદેશ સેવામાં સામેલ થયા. વર્ષ 1979થી વર્ષ 1981 સુધી મોસ્કોમાં સોવિયત યુનિયનના ભારતીય રાજદૂતમાં થર્ડ સેક્રેટરી અને સેકન્ડ સેક્રેટરીના હોદ્દા પર તેમની નિમણૂક થઈ. રશિયામાં કામગીરીની સાથે રશિયન ભાષાનો અભ્યાસ કર્યો. 1979માં નવી દિલ્હી પરત ફરીને વિદેશ મંત્રાલયમાં કાર્યરત રાજદ્વારી ગોપાલસ્વામી પાર્થસારથીના વિશેષ સહાયક બન્યાં તથા વિદેશ મંત્રાલયમાં અમેરિકન ડિવિઝનમાં અંડરસેક્રેટરી તરીકે કામ કર્યું. આ ગાળામાં ભારતમાં તારાપુર વીજ મથકમાં અમેરિકન પરમાણુ ઇંધણના પુરવઠા સાથે સંબંધિત સમસ્યાનું સમાધાન કરવા માટેની ટીમમાં તેમને સામેલ કરવામાં આવ્યાં. પછી 1985થી 1988 સુધી વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય રાજદૂતાવાસમાં ફર્સ્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક થઈ. ત્રણ વર્ષ અમેરિકામાં કામ કર્યા પછી ભારત પરત ફરીને 1988થી 90 શ્રીલંકામાં ભારતીય શાંતિરક્ષક દળ (આઇપીકેએફ)ના પ્રથમ સચિવ અને રાજકીય સલાહકાર બન્યાં.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની મે, 1991માં હત્યા થયા પછી સરકારે આઇપીકેએફને વિખેરી નાંખ્યું. એટલે વર્ષ 1990થી વર્ષ 1993 સુધી બુડાપેસ્ટમાં ભારતીય રાજદૂતમાં કાઉન્સેલર (વાણિજ્ય વિભાગ) તરીકે જયશંકરને મોકલવામાં આવ્યાં. ટૂંક સમયમાં નવી દિલ્હી પરત બોલાવીને વિદેશ મંત્રાલયમાં પૂર્વ યુરોપના ડિરેક્ટર તથા તત્કાલિન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માના પ્રેસ સેક્રેટરી અને સ્પીચરાઇટર તરીકે તેમની નિમણૂક થઈ.

વર્ષ 1996થી વર્ષ 2000 સુધી જયશંકરે જાપાનનાં ટોક્યોમાં ભારતીય રાજદૂતમાં ડેપ્યુટી ચીફ ઑફ મિશન તરીકે કામગીરી કરી. આ ગાળામાં વાજપેયી સરકારના નેતૃત્વમાં પોખરણ-2 પરમાણુ પરીક્ષણ થયા પછી ભારત-જાપાનના સંબંધો બગડી ગયા હતા. જયશંકરે જાપાનને ભારતની ‘પ્રથમ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવાની નીતિ’માં વિશ્વાસમાં લેવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. વર્ષ 2000માં તેમની ચેક પ્રજાસત્તાકમાં ભારતીય રાજદૂત તરીકે નિમણૂક થઈ.

વર્ષ 2004થી વર્ષ 2007 સુધી નવી દિલ્હીમાં તેમની વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (અમેરિકા) તરીકે નિમણૂક થઈ. દરમિયાન યુપીએ સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહની જાપાનના ભાવિ પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે મુલાકાત ગોઠવી આપવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી. આ ગાળામાં તેમણે ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવામાં, 2005 ન્યૂ ડિફેન્સ ફ્રેમવર્કને અંતિમ ઓપ આપવામાં અને ઓપન સ્કાયઝ સમજૂતીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. તેઓ અમેરિકા-ભારત વચ્ચે ઊર્જા સંવાદ શરૂ કરવામાં જોડાયા અને વર્ષ 2006-07માં અમેરિકા સાથે ‘123 સમજૂતી’નામની સંધિ પર વાટાઘાટોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું.

વર્ષ 2007થી વર્ષ 2009 સુધી સિંગાપોરમાં તેમને ભારતના હાઈ કમિશનર બનાવવામાં આવ્યાં. અહીં તેમણે સિંગાપોર સાથે ભારતની વિસ્તૃત આર્થિક સહકાર સમજૂતીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. ત્યારબાદ તેમની ચીનમાં ભારતીય રાજદૂત તરીકે નિમણૂક થઈ. તેઓ ચીનમાં સાડા ચાર વર્ષ સુધી સૌથી લાંબો સમય સેવા આપનાર એકમાત્ર ભારતીય રાજદૂત છે. આ ગાળામાં તેમણે ભારત-ચીન વચ્ચે આર્થિક, વેપારી અને સાંસ્કૃતિક સંબંધોને વેગ આપવાની કામગીરી કરી. આ જ ગાળામાં તેમની નરેન્દ્ર મોદી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે ગયા હતા, જ્યાં જયશંકરે ચીનના મોટા નેતાઓ સાથે મુલાકાત ગોઠવી આપવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી.

વર્ષ 2013માં અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકે નિમણૂક થઈ. તેમણે 23 ડિસેમ્બર, 2013 નિરુપમા રાવ પાસેથી જવાબદારી સંભાળી. સપ્ટેમ્બર, 2014માં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની અમેરિકાની પ્રથમ મુલાકાતનું આયોજન કરવાની જવાબદારી જયશંકરે સંભાળી. પછી જાન્યુઆરી, 2015થી જાન્યુઆરી, 2018 સુધી ભારતના વિદેશ સચિવ તરીકે કામગીરી કરી. કુલ ત્રણ દાયકાથી વધારે ગાળા સુધી વિદેશ સેવામાં કાર્યરત રહીને જાન્યુઆરી, 2018માં નિવૃત્ત થઈને ટાટા સન્સમાં ગ્લોબલ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડન્ટ બન્યાં.

વર્ષ 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને લોકસભાની ચૂંટણીમાં બીજી વાર પ્રચંડ બહુમતી મળી. નરેન્દ્ર મોદી સાથેના અંગત સંબંધોને પગલે તેમને 5 જુલાઈ, 2019ના રોજ ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના સાંસદ બનાવવામાં આવ્યાં. 30 મેના રોજ તેમને મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી બનાવવામાં આવ્યાં. વિદેશ મંત્રી તરીકે તેમણે સૌથી મહત્વપૂર્ણ કામગીરીઓમાં અમેરિકા સાથે ભારતના સંબંધોને વધારે ગાઢ બનાવવામાં સામેલ છે. વળી તેમણે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ભારતની સંતુલિત નીતિ અપનાવી. તેમણે રશિયાને ભારતનો દાયકાઓથી વિશ્વાસુ સાથીદાર દેશ ગણાવીને તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દેશને રશિયા વિરોધી અભિગમ અપનાવવાથી અળગો રાખવામાં માર્ગદર્શન પ્રદાન કર્યું. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ રીતે લાવવાની હિમાયત કરી. દરમિયાન યુદ્ધની સ્થિતિમાં ભારતની ઓઇલની મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ કરવામાં અને દેશમાં ઓઇલ સાથે સંબંધિત પુરવઠાની કટોકટી ઊભી ન થાય એ માટે બે મોરચે સફળ કામગીરી કરી – (1) યુરોપે રશિયા પર પ્રતિબંધ મૂક્યા પછી સસ્તાં દરે રશિયા પાસેથી મોટા પાયે ઓઇલની ખરીદી કરી અને (2) આ રીતે તેમણે દેશમાં ઓઇલની કટોકટીને સફળતાપૂર્વક ટાળી. સાથે સાથે તેમણે અમેરિકા સાથે દાયકાથી અટકી ગયેલી જીયોસ્તેપિતયલ પર મૂળભૂત આદાનપ્રદાન અને સહકાર સમજૂતી સફળતાપૂર્વક પાર પાડી. આ સમજૂતી ભારત અને અમેરિકા વચ્ચે સંવેદનશીલ માહિતી અને જાસૂસી બાતમી વહેંચવાની સુવિધા આપે છે, જેમાં અતિ સચોટ દરિયાઈ, હવાઈ, ભૌગોલિક અને ખાસ સ્થાન સંબંધિત જાણકારી સામેલ છે. જોકે ચીને આ સમજૂતીની ટીકા કરી હતી અને શીતયુદ્ધની માનસિકતાથી પ્રેરિત ગણાવી હતી.

વર્ષ 2019માં ભારત સરકારે ભારતીય રાજદૂત તરીકે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવામાં પ્રદાન કરવા માટે જયશંકરને દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કર્યો. વર્ષ 2020માં ‘ધ ઇન્ડિયન વેઃ સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેઇન વર્લ્ડ’ નામનું પુસ્તક લખ્યું. તેમાં હાલની અનિશ્ચિત દુનિયામાં ભારતીય વિદેશ નીતિની વ્યૂહરચના પર પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા. આ પુસ્તકનો દેશની વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે.

કેયૂર કોટક