સુબ્રમણ્યમ્ લક્ષ્મીનારાયણ (ડૉ.) (જ. 23 જુલાઈ 1947, મદ્રાસ (ચેન્નાઈ) : વૈશ્વિક વાદ્ય વાયોલિનના સરતાજ.

પિતા લક્ષ્મીનારાયણ અય્યર. માતા સીતા લક્ષ્મી સુબ્રમણ્યમ્ પાંચ વર્ષની બાળવયથી જ સંગીતને એક વિષય તરીકે રાખીને જાફના(શ્રીલંકા)માં રહ્યાં હતાં. પિતા ગુરુએ એમને નાનપણથી જ વાયોલિનની તાલીમ આપવી શરૂ કરી હતી. પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના આ વાદ્યને કર્ણાટકી શૈલીમાં ઢાળીને તેમણે પશ્ચિમી શાસ્ત્રીય સંગીતમાં પણ મહામૂલું યોગદાન આપ્યું હતું. પિતાની પ્રેરણાથી પુત્ર સુબ્રમણ્યમે મહાન ઉસ્તાદ અલી અકબર ખાન (વાદ્ય-સરોદ) સાથે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના શાસ્ત્રીય સંગીતની પ્રથમ જુગલબંદી પેશ કરી હતી. સમાંતરે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સુબ્રમણ્યમે મેડિકલ ડૉક્ટરની ઉપાધિ મેળવી અને ‘જનરલ પ્રૅક્ટિશનર’ બન્યા. ડૉ. સુબ્રમણ્યમે અમેરિકાની કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટમાંથી પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ‘ગ્લોબલ ફ્યૂઝન કન્સેપ્ટ’ અંતર્ગત તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતવિશ્વમાં વાયોલિનને સ્થાન અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. સાથે સાથે વૈશ્વિક સ્તરે સંગીતનું માન જાળવ્યું. ભારતીય શાસ્ત્રીય સંગીતની મૂર્તિપૂજા કરતા હોય એવા ભક્તિભાવને કારણે ડૉ. સુબ્રમણ્યમ્ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાપાત્ર ભારતીય વાયોલિનવાદક તરીકે ઓળખ પામ્યાં છે. એમના બહોળા સાંગીતિક પરિવારમાં ભાઈઓ, કાકાઓ, પત્ની તથા બાળકો પણ હોવાને કારણે તેઓ ‘સુબ્રમણ્યમ્ ઘરાણા’ તરીકે જાણીતાં છે.

સુબ્રમણ્યમ્ પોતાની ટૅકનિકલ પ્રતિભા અને અભિનવ દૃષ્ટિકોણને લઈ વૈશ્વિક મંચ પર પોંખાયા છે. લંડનના રૉયલ આલ્બર્ટ હૉલ અને ન્યૂયૉર્કના કાર્નેગી હૉલ સહિત સિડની ઓપેરા હાઉસ અને દેશ-વિદેશની અનેક સંગીતસભાઓમાં સ્થાન પામીને પોતાની પ્રસ્તુતિ કરી છે. એમની અભૂતપૂર્વ પ્રસ્તુતિઓમાં ભારતીય વાયોલિનનાં ઊંડાણ અને જટિલતાનો પરિચય રસિકોને થાય છે. દેશ-વિદેશમાં ડૉ. સુબ્રમણ્યમ્ ભારતના સાંસ્કૃતિક રાજદૂત બની ગયા. પાશ્ચાત્ય કલાકારો ઝુબિન મહેતા, યેહુદી મેનુહિન, ગ્રેપેલી, જ્યોર્જ હેરિસન ઇત્યાદિ અનેક પ્રતિભાઓ સાથે મંચને શોભાવ્યો છે તો ભારતીય ઉચ્ચતમ કક્ષાના વરિષ્ઠ કલાકારો – પં. રવિશંકર કે ઉ. બિસ્મિલ્લાહ ખાન જેવા દિગ્ગજોની સાથે સંગત અને જુગલબંદી કરી ચૂક્યા છે. તેમની સંગીતરચનાઓને દેશ-વિદેશની ઑરકેસ્ટ્રા કંપનીઓમાં નોંધપાત્ર સ્થાન મળ્યું છે. બૅલે, હોલિવુડ ફિલ્મોમાં તેમણે થીમ આધારિત લેખન કર્યું. સંગીતનાં પુસ્તકો લખ્યાં. ‘સચ એસ યુફોની’ નામની સિમ્ફની બનાવી અને પૂર્વ-પશ્ચિમ દેશોમાં ‘કચેરી’માં મહત્ત્વનું યોગદાન આપ્યું. એક કલાકાર તેમજ સંગીતકાર તરીકે તેઓ વિદેશમાં ભારતીય સંગીત, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ‘રાજદૂત’ તરીકે ઓળખાયા. 1973 સુધીમાં તો ડૉ. સુબ્રમણ્યમે બસ્સો રેકૉર્ડ્ઝ અને અનેક આલબમ્સ લોકો સમક્ષ રજૂ કર્યાં.

ભારતની આઝાદીનાં સાઠ વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે ‘ફ્રીડમ સિમ્ફની’ બનાવી આ નેક કલાકારે દેશભક્તિની ભાવના રજૂ કરી. એમના પિતા લક્ષ્મીનારાયણની સ્મૃતિમાં ડૉ. સુબ્રમણ્યમે ‘ગ્લોબલ મ્યુઝિક ફેસ્ટિવલ’ સંસ્થાની સ્થાપના કરી છે જેમાં ત્રીસ વર્ષોથી પચીસથી વધુ દેશોના સંગીતકારો નિષ્ઠાપૂર્વક પોતાની રચનાઓ પીરસતા આવ્યા છે. હિંદી ફિલ્મો ‘સુરભિ’, ‘સલામ બૉમ્બે’ અને ‘હે રામ’માં સંગીતમય પ્રસ્તુતિઓ ઉપરાંત એમણે અન્ય ભાતીગળ રચનાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. ‘વંદે માતરમ્’, અનેક પ્રકાશનો, સંપાદનો, સંયોજનો અને ડિસ્કોગ્રાફી એમના નામે છે તો પત્ની કવિતા કૃષ્ણમૂર્તિ સાથે મીરાંબાઈનાં સુરીલાં ભજનોમાં પણ સંગીત આપ્યું છે.

હાલમાં બૅંગાલુરુમાં સ્થાયી થયેલા ડૉ. સુબ્રમણ્યમને અનેક માન-સન્માન અને ઍવૉર્ડથી નવાજ્યા છે. ગ્વાલિયર યુનિવર્સિટીએ એમને ડી.લિટ્.ની ઉપાધિ આપી છે. લિમ્કા બુક, ગ્રેમી નૉમિનેશન, વાયોલિન ચક્રવર્તી ઉપરાંત આકાશવાણીનો પ્રેસિડેન્ટ ઍવૉર્ડ એમના નામે છે. 2025માં ભારત સરકારે ડૉ. સુબ્રમણ્યમને પદ્મવિભૂષણનો ખિતાબ એનાયત કર્યો છે. એ પૂર્વે તેમને 1988માં પદ્મશ્રી અને 2001માં પદ્મભૂષણ સન્માન પ્રાપ્ત થયાં છે.

સુધા ભટ્ટ