સુબ્રમણ્યમ્, પદ્મા (. 4 ફેબ્રુઆરી 1943) : વિખ્યાત નૃત્યાંગના, નૃત્ય-સંગીતનાં આયોજક, દિગ્દર્શક અને આચાર્યા, સંશોધક અને લેખિકા. બાળપણથી જ વિશ્વવિખ્યાત ફિલ્મ-દિગ્દર્શક પિતા કે. સુબ્રમણ્યમ્ અને હાર્મોનિયમ, વીણા અને વાયોલિન-વાદક, નૃત્યાંગના અને સંસ્કૃત તેમજ તમિળ ભાષામાં કાવ્યરચના કરનાર માતા મીનાક્ષી સુબ્રમણ્યમ્ દ્વારા કલાસંસ્કૃતિનાં સિંચન થયાં હતાં. પારંપરિક નાટ્યકલા અને તેના કલાકારોને પ્રોત્સાહન આપતા કે. સુબ્રમણ્યમે 1942માં નૃત્યોદયની સ્થાપના કરી અને અહીં શ્રીમતી કૌશલ્યા હેઠળ ભરતનાટ્યમની પ્રારંભિક તાલીમ પદ્માએ મેળવી. ત્યારબાદ વિખ્યાત ગુરુ રામૈયા પિલ્લે હેઠળ એ શૈલીમાં વધુ માર્ગદર્શન મેળવ્યું. 1956માં આરંગેત્રમ્ કર્યા બાદ સંજોગોવશાત્ નૃત્યોદયમાં પોતે જ તાલીમ આપવાનું શરૂ કર્યું; એટલું જ નહિ, તેના વાર્ષિક કાર્યક્રમની સંરચના અને પ્રસ્તુતીકરણની સંપૂર્ણ જવાબદારી કિશોર-અવસ્થામાં જ તેમણે સફળતાપૂર્વક ઉપાડી લીધી. ‘મીનાક્ષીકલ્યાણમ્’ – એ એમની પ્રથમ નૃત્ય-સંરચના કહી શકાય. તેમાં સંસ્થાની અન્ય વિદ્યાર્થિનીઓને તાલીમ આપી નૃત્યગૂંથણી, સંગીતરચના કરી પોતે મુખ્ય ભૂમિકા ભજવી અને સુજ્ઞ પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં.

તેમણે સંગીત વિષય લઈ સ્નાતક અને ઍથ્નૉમ્યુઝિકૉલૉજી સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમનાં ભાભી શ્યામલા બાલચંદ્રન્ તામિલનાડુના લોકસંગીત માટે ભંડોળ ભેગું કરતાં હતાં તે દરમિયાન તેમની સાથે પ્રવાસ ખેડી, લોકસંગીત પર આધારિત કેટલીક ઑડિયો-કેસેટ તૈયાર કરી. ‘કરણ ઇન ડાન્સ-સ્કલ્પ્ચર્સ’ વિષય લઈ ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણવેલ 108 કરણોનો ઊંડો અભ્યાસ કરી વિખ્યાત ઇન્ડોલૉજિસ્ટ ડૉ. ટી. એન. રામચંદ્રન્ના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી અને દક્ષિણનાં મંદિરોનાં ગોપુરમ્ અને દીવાલો પર કંડારેલાં નૃત્યશિલ્પોનો અભ્યાસ કરી નૃત્યની પ્રાચીન અને વીસરાઈ ગયેલ પરંપરાને પુનર્જીવિત કરી.

પદ્મા સુબ્રમણ્યમ્

અદ્વિતીય અભિનયશક્તિ, લાવણ્ય, નાટ્ય, ધર્મ અને દર્શનશાસ્ત્રોનો તલાવગાહી અભ્યાસ, સર્જનાત્મક સૂઝ ઉપરાંત સાહિત્યના અધ્યયનને લીધે તેમની રજૂઆતમાં શાસ્ત્રપૂતતા સાથે વિલક્ષણ સર્ગશક્તિનો અનુભવ થયા કરે છે. ચતુર્થ કે પાંચમી ગતિમાં નૃત્ય કરવું, ‘અભિનય’ને તેના વિસ્તૃત ફલકમાં રજૂ કરવો એ તેમની વિશેષતા છે. ભાણિક અથવા એકપાત્રી – એકાહાર્ય પદ્ધતિને તેમણે અપનાવી તેમાં ‘કૃષ્ણાય તુભ્યં નમ:’, ‘રામાય તુભ્યં નમ:’, ‘જય જય શંકર’, ‘કમ્બરામાયણ’, ‘ભારતીક અંજલિ’, ‘પુરંદરભક્તિ’, ‘નાયન્મ્નાર મૂલર’, ‘વલ્લુવરમ્’ અને ‘શ્રીમદભગવદગીતા’ જેવી નૃત્યનાટિકાઓ રજૂ કરી. ‘મીનાક્ષીકલ્યાણમ્’, ‘વીરાલીમલૈ કુરવંજી’, ‘વલ્લીકલ્યાણમ્’, ‘શ્રીશૈલપદીકારમ્’, ‘કૃષ્ણતુલાભારમ્’, ‘પારિજાત-હરણમ્’, ‘નગરૂક્કુ અપ્પલ’, ‘શ્યામા’, ‘ગીતાંજલિ’, ‘શ્રીગુરવે નમ:’, ‘પાવૈ નોન્બુ’ જેવી નૃત્યનાટિકાઓનું પણ સંયોજન કર્યું. ભારતની સ્વાધીનતાની સુવર્ણજયંતીની ઉજવણી નિમિત્તે ‘વંદે માતરમ્’ નૃત્ય-સંયોજન કરી તેમાં ભારતની સાંસ્કૃતિક, દાર્શનિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે થયેલી પ્રગતિનાં દર્શન કરાવ્યાં.

ત્રણ દાયકા સુધી દેશવિદેશમાં નૃત્યપ્રવાસ દરમિયાન અનેક પ્રયોગાત્મક નૃત્ય-આયોજન કર્યાં. રશિયાના સંગીતઆયોજક ચાયકૉવ્સ્કીના ઑવર્ચર્ના ‘રોમિયો ઍન્ડ જુલિયેટ’ના સંગીત પર જટાયુમોક્ષનો પ્રસંગ રજૂ કર્યો અને તેવી જ રીતે જાપાનના સંગીતકાર મીઆની મીચીઓના સંગીત પર ગજેન્દ્રમોક્ષનો પ્રસંગ નૃત્યમાં દર્શાવી પ્રેક્ષકોને ભાવવિભોર કર્યા. 1994માં ફુકુઓકા એશિયન કલ્ચરલ પ્રાઇઝ મેળવનાર તેઓ વિશ્વની એકમાત્ર નૃત્યાંગના છે. પદ્મા પોતે સંગીતજ્ઞ હોવાથી તેમની નૃત્યરજૂઆતમાં વિશેષ કલાત્મકતા આવે છે. સિંગાપોરની સરકાર માટે દેશવિદેશના વાદ્યવૃંદને લઈ સંગીત-આયોજન પદ્માએ કર્યું છે. કર્ણાટક-સંગીતમાં પદ-વર્ણ-પ્રકારને આધારે તેમણે સૌપ્રથમ મીરાંનું ભજન નૃત્યમાં ઢાળ્યું. વળી પ્રથમ વાર સંગીતકાર અને તેમના સંગીત-ગુરુ શ્રી સલિલ ચૌધરીની સંગીતરચનાને બંગાળી ભાષામાં વર્ણમ્ રૂપે રજૂ કરી. તેમણે જયદેવની અષ્ટપદીનું ઑડિયો-કેસેટ આલબમ તૈયાર કર્યું છે.

મહારાષ્ટ્રના સાતારા શહેરમાં ઉત્તરચિદમ્બરમ્ નટરાજ-મંદિરને ફરતે 108 કરણને કાળા ગ્રૅનાઇટ પથ્થરમાં કંડારવા મુખ્ય સ્થપતિ મુથૈયાને તેમણે લાગટ 12 વર્ષ સુધી માર્ગદર્શનસહાય આપ્યાં. ચતુર્ભુજ શિવ અને પાર્વતીને નાટ્યશાસ્ત્રના શ્લોક અનુસાર નૃત્ય-આકૃતિમાં દર્શાવવામાં આવ્યાં છે. આમ, અષ્ટભુજાની અનુક્રમે કરણમાં જણાવેલ ગતિક્રિયા સમજી શકાય છે. આ કાર્ય પૂરું થયા બાદ અનાયાસે પદ્મા ઇન્ડોનેશિયાના નૃત્યપ્રવાસે ગયા ત્યારે મધ્ય જાવાના 9મી સદીના પ્રામ્બનમ્ મંદિરમાં ભારતમાં અપ્રાપ્ય 50 કરણની શિલ્પાકૃતિઓ જોવા મળી. ઉપરાંત, આવા પુરાવાઓ તેમને સુદૂરના એશિયાઈ દેશો અને ઑસ્ટ્રેલિયામાં પણ જણાયા છે. આથી ધર્મ સાથે કળાસંસ્કૃતિ એશિયાઈ દેશોમાં વ્યાપ્ત છે તે સત્ય ઠર્યું છે. ઉપરાંત, પરમાચાર્યના આદેશાનુસાર પ્રાચીન તમિળ ભાષાના પુરાવા તિરુપ્પવાઈ અને તિરુવેમ્પવઈના રૂપે થાઇલૅન્ડમાં મળ્યા છે. આ રચનાઓને આધારે થાઈ નર્તકો સાથે મળી પવાઈનોમ્બુ નૃત્યની રજૂઆત તેમણે કરી.

દેશવિદેશના નૃત્યપ્રવાસ દરમિયાન તેમના દ્વારા પ્રવાસ, સંશોધન આદિનું લેખનકાર્ય સતત ચાલુ હોય છે. ‘ભરત’ઝ આર્ટ ધેન ઍન્ડ નાઉ’, ‘ભરતક્કલઈ કોત્પદુ’ (તમિળ), ‘નાટ્યશાસ્ત્ર ઍન્ડ નૅશનલ યુનિટી ઍન્ડ કાંચી મહાસ્વામીઝ વિઝન ઑવ્ એશિયન કલ્ચર’ ઉપરાંત, ‘વલ્લુવરુમ્ વેદનેરિયમ્’ અને ‘ભગવદગીતા ફૉર ડાન્સ’ પુસ્તકો લખ્યાં છે.

‘ભારતીય નાટ્યશાસ્ત્ર’ના શીર્ષક હેઠળ 13 હપ્તાની શ્રેણી રાષ્ટ્રીય દૂરદર્શન પર તેમણે રજૂ કરી. તેમાં ધારાવાહિકનું લેખન, સંગીત-દિગ્દર્શન પોતાનું હતું અને મોટાભાઈ વી. બાલકૃષ્ણને તે શ્રેણીનું દિગ્દર્શન કર્યું હતું. તેને ‘વિજીલ’ (Vigil) સંસ્થા હેઠળ પ્રેક્ષકોના મતાનુસાર ‘પાંચજન્ય’ પુરસ્કાર મળ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત ‘પદ્મશ્રી’ અને ‘પદ્મભૂષણ’થી પુરસ્કૃત પદ્મા પર ભારતીય ફિલ્મ ડિવિઝન ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને રશિયાએ દસ્તાવેજી ફિલ્મો પણ બનાવી છે.

ભારતમાં પોલૅન્ડના એલચી ડૉ. ક્રિસ્ટૉફર બીરસ્કીએ તેમનું સંશોધનાત્મક પ્રકાશન ‘કન્સેપ્ટ ઑવ્ એન્શિયન્ટ ઇન્ડિયન થિયેટર’ ડૉ. પદ્માને અર્પણ કર્યું છે. શ્રીમતી ચામુણ્ડેશ્વરીએ તેના મહાનિબંધનો વિષય જ ડૉ. પદ્માને અનુલક્ષીને રાખ્યો છે અને સુંદરી સંસ્થાનમે તેમની જીવનકથા 2002માં લખી છે.

તેમને મળેલા પુરસ્કારો આ પ્રમાણે છે : ‘પદ્મશ્રી’ ને ‘પદ્મભૂષણ’ ઉપરાંત કેન્દ્રીય સંગીત નાટક અકાદમી તરફથી ‘ક્લૈમામણિ’; રાજ્યકલાકાર – તામિલનાડુ, રાજ્યસરકાર; સોવિયેત લૅન્ડ નેહરુ પુરસ્કાર; કાલિદાસ સન્માન – મધ્યપ્રદેશ; નૅશનલ ઍવૉર્ડ ફૉર એક્સેલન્સ; રાજીવ ગાંધી નૅશનલ ઇન્ટિગ્રેશન પુરસ્કાર – ઇન્ડિયન બૅંક અને ઇદહામ પબ્લિકેશન્સ; ઈસઈ પેર રીન્યર – તમિળ ઈસઈ સંગમ; ફૉર ધ સેક ઑવ્ ઑનર – રોટરી ક્લબ; ગુપ્ત ફાઉન્ડેશન – એલુરુ, આંધ્રપ્રદેશ દ્વારા ગુપ્ત ઍવૉર્ડ; એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સ, કર્ણાટક દ્વારા ચૌવદીહ ઍવૉર્ડ; જગદ્ગુરુ શંકરાચાર્ય, કામકોટિ પીઠ દ્વારા ‘ભરતશાસ્ત્ર રક્ષામણિ’; ફુકુઓકા એશિયન કલ્ચરલ પ્રાઇઝ – જાપાન.

પ્રકૃતિ કાશ્યપ