સુબ્રમણ્યમ્, કે. (જ. 19 જાન્યુઆરી 1929, તિરુચિરાપલ્લી, તમિલનાડુ) : સંરક્ષણની બાબતોના નિષ્ણાત. પિતાનું નામ કૃષ્ણસ્વામી ઐયર અને માતાનું નામ સીતાલક્ષ્મી. એમ.એસસી. સુધીનું શિક્ષણ લીધા બાદ 1950માં ઇન્ડિયન એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)માં જોડાયા. 1976થી 77 દરમિયાન તમિલનાડુ રાજ્યના ગૃહખાતાના સચિવ રહ્યા. 1977થી 79 દરમિયાન કેન્દ્ર સરકારના કૅબિનેટ સેક્રેટરીના વધારાના સચિવ (additional secretary) પદ પર કામ કર્યું. 1979થી 80 દરમિયાન સંરક્ષણ-ઉત્પાદન-ખાતાના સચિવ તરીકે સેવાઓ આપી. 1968થી 75ના ગાળામાં અને ફરી 1980થી 87ના ગાળામાં ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ ઍનાલિસિસના નિયામક રહ્યા. 1966થી 67 દરમિયાન લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં રૉકફેલર ફેલો તરીકે અને 1987-88 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવાહરલાલ નેહરુ મુલાકાતી પ્રોફેસરના પદે કાર્ય કર્યું. 1988થી 90 દરમિયાન નેહરુ ફેલો. 1994થી ‘ઑબ્ઝર્વર’ના તથા ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના સંપાદક-મંડળના સભ્ય (contributing editor). ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝ તથા ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝના સભ્ય. ભારત સરકારે નીમેલ કારગિલ રિવ્યૂ કમિટીના ચૅરમૅન-પદે કામ કર્યું.
તેમનાં પ્રકાશનોમાં ‘ઇન્ડિયા ઍન્ડ ધ ન્યૂક્લિયર ચૅલેન્જ’, ‘ન્યૂક્લિયર પ્રોલિફિકેશન ઍન્ડ ઇન્ટરનૅશનલ સિક્યૉરિટી પર્સ્પેક્ટિવ્ઝ’નો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે