સુબ્કી તાજુદ્દીન અબૂનસ્ર અબ્દુલવહ્હાબ અબ્દુલકાફી
January, 2008
સુબ્કી, તાજુદ્દીન અબૂનસ્ર અબ્દુલવહ્હાબ અબ્દુલકાફી (જ. 1326; અ. 1369) : 14મા સૈકાના અરબી વિદ્વાન ટીકાકાર અને અધ્યાપક. તેઓ કેરો (ઇજિપ્ત) પાસેના સુબ્ક નામના સ્થળના રહેવાસી હોવાથી સુબ્કી તરીકે ઓળખાયા.
તેમણે કેરો અને સીરિયાના પાટનગર દમાસ્કસમાં અધ્યાપક, કાઝી, મુફતી (ફતવો આપનાર) તથા હાકેમ (રાજ્યપાલ) તરીકે કામગીરી કરી હતી. દમાસ્કસની વિશ્વવિખ્યાત ઉમૈયા મસ્જિદમાં તેઓ ખતીબ (વ્યાખ્યાતા) હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર તેમણે 80 દિવસનું એકાંત ભોગવેલું. અરબી ભાષાના વિખ્યાત શબ્દકોશ અલ-કામૂસના નિર્માતા મુજદુદ્દીન ફીરૂઝ આબાદીએ 1349-50માં દમાસ્કસમાં સુબ્કીનાં વ્યાખ્યાનોમાં ભાગ લીધો હતો અને તેમની સાથે જેરૂસલેમનો પ્રવાસ પણ ખેડ્યો હતો.
તેમની શ્રેષ્ઠ કૃતિ ‘તબ્કાત અલ-શાફિઇય્યા અલ-કુબ્રા’ છે. તેમણે પવિત્ર કુરાનમાં જે બિનઅરબી શબ્દો છે તે વિષય ઉપર ‘રફઉલ હાજિબ અન મુખ્ત સિર ઇબ્નુલ હાજિબ’ નામનું કાવ્ય રચ્યું હતું. પ્રો. સી. બ્રોકેલયેને ‘કૅટલૉગ ઑવ્ અરેબિક લિટરેચર’માં સુબ્કીની અન્ય કૃતિઓની યાદી આપી છે. તેમનું અવસાન પ્લેગના રોગચાળામાં સપડાવાથી થયેલું.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી