સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 46°થી 49° ઉ. અ. અને 84°થી 92° પ. રે. વચ્ચેનો 82,103 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતું, દુનિયાનું આ મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિમી. અને મહત્તમ પહોળાઈ 257 કિમી. જેટલી છે. તે સમુદ્રસપાટીથી 183 મીટરની ઊંચાઈ પર આવેલું છે, ઊંડાઈ 406 મીટર જેટલી છે. અહીંનાં પાંચ સરોવરો પૈકી તે વધુમાં વધુ ઊંચાઈ પર આવેલું છે અને વધુમાં વધુ ઊંડાઈવાળું છે; એટલું જ નહિ, તે વધુમાં વધુ ઉત્તર અને પશ્ચિમ તરફ છે.

સુપીરિયર સરોવર યુ.એસ. અને કૅનેડા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કૅનેડાનો ઑન્ટેરિયો પ્રાંત, દક્ષિણ તરફ યુ.એસ.નાં મિશિગન અને વિસ્કૉન્સિન રાજ્યો તથા પશ્ચિમ તરફ યુ.એસ.નું મિનેસોટા રાજ્ય આવેલાં છે.

સરોવરની તટરેખા ખડકાળ અને સખત છે. કેટલીક જગાએ, વિશેષે કરીને ઉત્તર કાંઠે ભેખડો જોવા મળે છે. મિશિગન તરફના કાંઠે વિવિધ રંગના રેતીખડકોની દીવાલો નજરે પડે છે. ખડકાળ મિનેસોટાના સરોવરકાંઠે ચાલ્યા જતા માર્ગ પર ઉનાળુ વિહારધામો, માછીમારોનાં ગામ તેમજ રાજ્ય-ઉદ્યાનો પણ છે. મિનેસોટાના કાંઠે બીવર બેમાં વહાણોને પરવાળાંના ખરાબાઓની ચેતવણી આપતી દીવાદાંડી છે.

સુપીરિયર સરોવર

સરોવરની આજુબાજુની ભૂમિનો ઘણોખરો ભાગ જંગલ-આચ્છાદિત છે. આ સરોવરમાં આશરે 200 જેટલી, મોટાભાગની ટૂંકી નદીઓ ઠલવાય છે. તે પૈકીની ઘણી નદીઓએ ઊંચાઈથી પડતા જળધોધ પણ રચ્યા છે. સેન્ટ લુઈ તે પૈકીની સૌથી મોટી નદી છે, તે સેન્ટ લૉરેન્સ નદીને જળહિસ્સો પૂરી પાડતી, ઉપરવાસની છેવાડાની નદી ગણાય છે. તે સરોવરના પશ્ચિમ છેડે ઠલવાય છે. તાંબાના ખનિજ નિક્ષેપો માટે જાણીતો બનેલો મિશિગન રાજ્યનો કીવિનૉવ દ્વીપકલ્પનો ભૂશિરભાગ આ સરોવરમાં દૂર સુધી પ્રવેશેલો છે.

આ સરોવર યુ.એસ. અને કૅનેડાના આંતરિક જળમાર્ગો માટે ખૂબ ઉપયોગી બની રહેલું છે. અહીંનાં અન્ય સરોવરોની જેમ આ સરોવર પણ સેન્ટ લૉરેન્સ નદી મારફતે આટલાંટિક મહાસાગર સાથે તથા મિસિસિપી નદી મારફતે મેક્સિકોના અખાત સાથે સંકળાયેલું છે. જૂના વખતના રુવાંટી વેચનારા વેપારીઓએ તેને ‘લાક્ સુપીરિયૉર’ તથા ફ્રેન્ચોએ તેને ‘અપર લેક’ જેવાં નામ આપેલાં.

આ સરોવરમાં ઘણા ટાપુઓ આવેલા છે. આ પૈકીના મોટા ટાપુઓમાં મિશિગનનો આઇલ રૉયલ તથા ઑન્ટેરિયોના સેન્ટ ઇગ્નેસ અને મિશિપિક્ટોનનો સમાવેશ થાય છે. બીજા નાના નાના ઘણા ટાપુઓ પણ છે, તેમને એપોસ્ટલ ટાપુઓ કહે છે, તે ઉત્તર વિસ્કૉન્સિન કાંઠાથી દૂર દૂર આવેલા છે.

શિયાળા દરમિયાન આખું સરોવર તો ઠરી જતું નથી, પરંતુ બારાં ઠરી જતાં હોવાથી વહાણવટાનું કામકાજ સીમિત બની જાય છે, તેથી વહાણોની અવરજવર મધ્ય એપ્રિલથી ડિસેમ્બર સુધી જ ચાલે છે. અહીંથી હોડીઓ મારફતે ઘઉં, લાકડાં, લોહઅયસ્ક, ટેકોનાઇટ તેમજ તાંબું અને અન્ય ખનિજો બંદરો દ્વારા લઈ જવાય છે. સરોવરકાંઠે આવેલાં મુખ્ય બંદરોમાં મિનેસોટાનાં ડલથ, ટુ હાર્બર્સ, ટેકોનાઇટ હાર્બર, સિલ્વર બે અને ગ્રાન્ડમરેઇસ; વિસ્કૉન્સિનનાં સુપીરિયર અને ઍશલૅન્ડ; મિશિગનનું માર્ક્વેટ તથા ઑન્ટેરિયોનું થન્ડર બે અને મિશિપિક્ટોન હાર્બરનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા