સુપાર્શ્ર્વનાથ તીર્થંકર : જૈન ધર્મના સાતમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રના રમણીય-વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં સર્વ જીવોના કલ્યાણની વાંછા કરનાર નંદિષેણ નામે રાજા હતા. અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી, અનેકવિધ આરાધનાઓ કરી, વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી, સમાધિમરણ પામી તેઓ છઠ્ઠા ગ્રૈવેયકમાં મહર્દ્ધિક દેવ થયા.

ત્યાં અઠ્ઠાવીસ સાગરોપમનું ગ્રૈવેયકનું આયુષ્ય પૂર્ણ કરી, ચ્યવન પામી આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કાશીદેશમાં વારાણસી નગરીમાં પ્રતિષ્ઠિત નામક રાજાની પૃથ્વી રાણીની કુક્ષિએ ભાદરવા વદ અષ્ટમી(શ્રાવણ વદ અષ્ટમી)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં તેમના આત્માનું અવતરણ થયું.

મહાદેવી પૃથ્વીએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. મહાદેવીએ ગર્ભ વૃદ્ધિ પામ્યો ત્યારે એક નવ ફણાવાળા નાગરાજ ઉપર આરૂઢ થયેલી પોતાને નિહાળી જેઠ શુક્લ દ્વાદશીના દિવસે અનુરાધા નક્ષત્રમાં સ્વસ્તિકના લાંછનવાળા કંચનવર્ણ કાયાવાળા પુત્રને જન્મ આપ્યો.

પ્રતિષ્ઠિત રાજાએ પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પુત્રનો ભવ્ય જન્મ-મહોત્સવ ઊજવ્યો. મહાદેવીએ ગર્ભમાં પુત્ર હતો ત્યારે આસપાસમાં નાગરાજની ફણા ઉપર પોતાને આરૂઢ થયેલી નિહાળેલ તેથી પુત્રનું નામ ‘સુપાર્શ્ર્વ’ પાડ્યું. પાંચ લાખ પૂર્વ કુમાર-અવસ્થામાં સુપાર્શ્ર્વકુમારે પસાર કર્યાં. ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ રાજ્યાવસ્થામાં પસાર કર્યાં. લોકાંતિક દેવોની વિનંતીથી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો. જેઠ મહિનાની શુક્લ ત્રયોદશીના દિવસે અનુરાધા નક્ષત્રમાં હજારો સુર-અસુર-મનુષ્યોની સાથે મનોહરા નામની શિબિકામાં બેસી સહસ્રામ્ર-ઉદ્યાનમાં પ્રભુ પધાર્યા. પંચમુષ્ઠિ લોચ કરી 1,000 રાજાઓની સાથે છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. ત્યાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.

બીજા દિવસે પાટલીખંડ નગરના મહેન્દ્ર રાજાને ત્યાં પ્રભુએ પરમાન્નથી પારણું કર્યું. પાંચ દિવ્યો પ્રગટ થયા. નવ મહિના સુધી છદ્મસ્થપણામાં વિચરી પ્રભુ ફરી વારાણસી નગરીના સહસ્રામ્ર-વનમાં પધાર્યા. છઠ્ઠ તપના તપસ્વી પ્રભુને શિરીષ વૃક્ષની નીચે ફાગણ વદ છઠ(મહા વદ છઠ)ના દિવસે વિશાખા નક્ષત્રમાં નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.

તેઓ તીર્થંકરપદ પામ્યા. દેવતાઓએ સમવસરણની રચના કરી. ધર્મદેશનાનો પ્રારંભ થયો. પરપદાર્થમાં થતી મમત્વની બુદ્ધિ – એ વિષય ઉપર પ્રભુએ સચોટ દેશના આપી. અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યા. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ, વિદર્ભ વગેરે પ્રભુના 95 ગણધરો થયા.

સુપાર્શ્ર્વનાથ પ્રભુના શાસનમાં હસ્તિવાહનવાળો માતંગ નામે યક્ષ અને તે જ વાહનવાળી શાંતા નામે અધિષ્ઠાયિકા દેવી થઈ.

સુપાર્શ્ર્વનાથ તીર્થંકરનો 3,00,000 સાધુ ભગવંતો; 4,30,000 સાધ્વીજીઓ; 2,030 ચૌદપૂર્વીઓ; 9,000 અવધિજ્ઞાની મુનિઓ, 9,150 મન:પર્યવજ્ઞાનીઓ, 11,000 કેવલજ્ઞાનીઓ; 15,300 વૈક્રિયલબ્ધિવાળા; 8,400 વાદલબ્ધિવાળા; 2,57,000 શ્રાવકો અને 4,93,000 શ્રાવિકાઓનો પરિવાર હતો.

કુમાર-અવસ્થામાં પાંચ લાખ પૂર્વ, રાજવી-અવસ્થામાં ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ, શ્રમણ-અવસ્થામાં વીસ પૂર્વાંગ ઓછા એક લાખ પૂર્વ મળી કુલ વીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ફાગણ વદ સાતમ(મહા વદ સાતમ)ના દિવસે સમેતશિખર પર્વત ઉપર એક મહિનાનું અનશન કરી 500 મુનિઓની સાથે મૂલ નક્ષત્રમાં તેઓ નિર્વાણ પામ્યા.

રમણીક શાહ