સુન યાત સેન (જ. 12 નવેમ્બર 1866, શિયાંગ શાન, ક્વાંગતુંગ પ્રાંત, ચીન; અ. 12 માર્ચ 1925, પૅકિંગ) : ચીનના મુત્સદ્દી, ક્રાંતિકારી નેતા અને ચીનનું પ્રજાસત્તાક સ્થાપવા માટે લડત આપનાર. તેઓ ક્રાંતિના પિતા તરીકે પણ ઓળખાય છે. તેઓ ઘણા વધારે આદર્શવાદી હતા, તેથી અસરકારક રાજકીય નેતા બનવાનું મુશ્કેલ થયું. તેઓ રાષ્ટ્રવાદ, લોકશાહી અને સમાજવાદના સિદ્ધાંતોમાં માનતા હતા.]
સુન યાત સેન
સુન ગરીબ ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. તેમણે હાઁગકાઁગ અને હોનોલુલુની મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ડૉક્ટર થયા. 1895થી 1911 સુધી યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને યુરોપનો પ્રવાસ કરી મંચુ વંશ વિરુદ્ધ ક્રાંતિકારી ચળવળ માટે નાણાકીય મદદ મેળવી. વિદેશોમાં વસતા ચીનના લોકો અને અંગ્રેજો, અમેરિકનો તથા જાપાનીઓએ તેમને મદદ કરી.
ચીનમાં કુઓમિનતાંગ પક્ષના તેઓ નેતા હતા. મંચુ સત્તાને દૂર કરવા થયેલા વુહાન બળવા પછી 1911માં સુન અમેરિકાથી પાછા ફર્યા. 1912માં સુન ચીનના પ્રજાસત્તાકના કામચલાઉ પ્રમુખ બન્યા. તેમણે ચીનને સંયુક્ત કરીને સ્થિર સરકાર સ્થાપવા પ્રયાસો કર્યા. તે સમયે રાજકીય સ્થિતિ અશાંત હતી. પ્રમુખના હોદ્દા પર ઓછો સમય રહ્યા બાદ, ચીનની એકતા સ્થપાય તે માટે સુને યુઆનશી કાઈની તરફેણમાં રાજીનામું આપ્યું. 1913માં યુઆનની નીતિઓ સુનને માફક ન આવવાથી તેમણે બળવો કર્યો. તેઓ જાપાન નાસી ગયા અને પાર્લમેન્ટના કુઓમિનતાંગના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. ક્રાંતિકારો 1912માં ઘડેલા બંધારણ મુજબ અલગ સરકાર રચવા ભેગા થયા. કૅન્ટનમાં 1921માં આ સરકારના પ્રમુખ સુન બન્યા. 1922માં તેમને કૅન્ટનમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને બીજે વર્ષે તેઓ પાછા ફર્યા. ચીનની એકતા માટેની કામગીરી તેમણે ચાલુ રાખી. પશ્ચિમના દેશોની સહાય મળતી બંધ થઈ ત્યારે તેમણે સોવિયેત સંઘનાં નાણાં તથા બીજી મદદ લઈને કુઓમિનતાંગ પક્ષ તથા લશ્કરનું 1923માં સંગઠન કર્યું. તેમણે વેમ્પોઆ મિલિટરી એકૅડેમી સ્થાપી અને ચ્યાંગ કાઈ શેકને તેમના સુપરિન્ટેન્ડન્ટ નીમ્યા. સુનના અવસાન પછી તેમને માટે લોકોમાં આદર ખૂબ વધ્યો હતો. તેમના રાજકીય સિદ્ધાંતો તેમના અનુયાયીઓનાં સૂત્રો બન્યાં હતાં. નાનકિંગમાં તેમના માનમાં બનાવેલ સ્મારકમાં 1929માં તેમના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.
જયકુમાર ર. શુક્લ