સુનક ઋષિ (. 12 મે 1980, સાઉધમ્પટન, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન.

સુનકનો  જન્મ ભારતીય મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. ઋષિ, સંજય અને રાખી એમ ત્રણ ભાઈબહેનમાં ઋષિ સૌથી મોટા છે. ટાન્ઝાનિયામાં જન્મેલાં માતા ઉષા સુનક ફાર્માસિસ્ટ હતાં. કેન્યામાં જન્મેલા પિતા યશવીર સુનક ડૉક્ટર તરીકે કાર્યરત હતા. 1960ના દાયકામાં તેઓ આફ્રિકાથી સ્થળાંતર કરીને બ્રિટન જઈ વસ્યા હતા, પરંતુ દાદા દાદી ભારતીય હોવાથી ઋષિ સુનક પોતાને ભારતીય મૂળના જ ગણાવે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ બોર્ડિંગ સ્કૂલ વિન્ચેસ્ટર કોલેજમાંથી મેળવ્યું હતું. શૈક્ષણિક ઉત્કૃષ્ટ શૈક્ષણિક દેખાવ કરીને  ઋષિ સુનક સ્કૂલના હેડ બૉય અને સંપાદક પણ બન્યા હતા. ત્યાર બાદ તેમણે લિંકન કૉલેજ, ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 2001માં રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ભણવાની સાથે કન્ઝર્વેટિવ કેમ્પેઈન મુખ્યાલયમાં ઇન્ટર્નશિપ પણ કરી. 2006માં ફુલબ્રાઈટ સ્કૉલર તરીકે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવી. અભ્યાસકાળમાં તેમની મુલાકાત નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં દીકરી અક્ષતા સાથે થઈ. પરિચય પ્રણયમાં પરિણમ્યો. પ્રણયને પગલે બન્નેએ 2009માં પ્રભુતામાં પગલાં પાડ્યાં. કૃષ્ણા અને અનુષ્કા નામની પુત્રીઓ છે.

ઋષિ સુનક બ્રિટિશ રાજકારણી છે. તેઓ બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડા પ્રધાન છે. સુનક ભારતીય ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિના જમાઈ છે. સુનક બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે.  25 ઑક્ટોબર 2022ના રોજ ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાનનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. રોગચાળા, બ્રેક્ઝિટ અને પાર્ટી ફંડિંગને સંડોવતા શ્રેણીબદ્ધ કૌભાંડો અને વિવાદોને પગલે  બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને રાજીનામું આપ્યા પછી સુનક  યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બન્યા હતા. તેમણે ટોરી સાંસદો અને સભ્યોના 62% મતો સાથે લિઝ ટ્રુસ અને ડોમિનિક રાબ સામેની સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. ઋષિ સુનક  વિલિયમ પિટ ધ યંગર પછીના સૌથી નાના અને પ્રથમ બ્રિટિશ એશિયન વડાપ્રધાન બન્યા છે. ઋષિ સુનક 2015માં રાજકારણમાં પ્રવેશ કરીને રિચમંડ-યોર્ક્સ માટે સાંસદ ચૂંટાયા હતા. સાંસદ તરીકે ઋષિ સુનકે બ્રિટિશ સંસદમાં શ્રીમદ્ ભગવદ ગીતા સાથે રાખીને  શપથ લીધા હતા. આ રીતે શપથ લેનાર તેઓ પ્રથમ બ્રિટિશ સાંસદ હતા.

દરમિયાન,  ઋષિ સુનકે 2001માં લંડનમાં ગોલ્ડમૅન સૅક્સમાં નાણાકીય વિશ્લેષક તરીકે તેમની કારકિર્દીનો આરંભ કર્યો હતો.  ત્યાર બાદ તેમણે 2004માં  હેજ ફંડ મૅનેજમેન્ટ ફર્મ ધ ચિલ્ડ્રન્સ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મૅનેજમેન્ટ(TCI)માં ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર તરીકે કામ કર્યું હતું. 2009માં તેમણે નોકરી છોડી દીધી. ઑક્ટોબર, 2010માં સુનકે 536 મિલિયન ડૉલરના પ્રાથમિક રોકાણ સાથે થેલેમ પાર્ટનર્સ નામની ફર્મની સ્થાપના કરી. 2013માં નારાયણ મૂર્તિએ દીકરી અને જમાઈને રોકાણકાર કંપની કૈટામારન વેન્ચર્સ યુકે લિમિટેડના ડાયરેક્ટરના પદે નિયુક્ત કર્યાં. 30 એપ્રિલ, 2015ના ઋષિ સુનકે આ પદેથી રાજીનામું આપ્યું.

આ ગાળામાં 2014માં, ઋષિ સુનકની વરણી રિચમંડ-યોકર્સના કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે થયેલી. એ વર્ષે સુનકે પૉલિસી એક્સચેન્જની બ્લેક ઍન્ડ માયનોરિટી એથનિક-બીએમઈ રિસર્ચ યુનિટનું નેતૃત્વ કરીને  યુનાઇટેડ કિંગડમમાં બીએમઈ સમુદાયો પરના  એક અહેવાલનું સહલેખન કર્યું હતું. સુનકે 2015માં સક્રિય રાજકારણમાં વિધિવત પ્રવેશ કર્યો. પૂર્વ કન્ઝર્વેટિવ નેતા વિલિયમ હેગના અનુગામી તરીકે તેઓ રિચમંડ-યોર્ક્સના સાંસદ ચૂંટાયા. ત્યાર બાદ તેમણે પાછું વળીને જોવું ન પડ્યું. ચંદ્રની ચડતી કળાની  જેમ તેમની રાજકીય કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ. સાંસદ તરીકે સુનકે પર્યાવરણ, ખાદ્ય  અને ગ્રામીણ મામલાઓની ચયન સમિતિમાં કામ કર્યું. 2017માં સુનક  બીજી વખત સાંસદ બન્યા. 2018માં થેરેસા સરકારમાં તેઓ મંત્રી બન્યા હતા. 2019માં ઋષિ સુનક  ત્રીજી વખત સાંસદ બન્યા હતા.

 ઋષિ સુનકની કાર્યશૈલી અને કૌશલ્યથી પ્રભાવિત થઈને તત્કાલીન  વડા પ્રધાન બોરિસ જ્હોન્સને 24 જુલાઈ 2019ના ટ્રેઝરીના મુખ્ય સચિવ તરીકે તેમની નિયુક્તિ કરી હતી. 12 ફેબ્રુઆરી 2020ના બોરિસ જહોન્સનની કૅબિનેટમાં પ્રતિભાશાળી સુનકની નિયુક્તિ નાણામંત્રી તરીકે કરવામાં આવી. નાણામંત્રી તરીકે સુનકે ભારતના રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીના નામના સિક્કાઓ બહાર પાડ્યા હતા. આ સિક્કામાં  ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અને મા સરસ્વતીના  સિંહાસન કમળના ફૂલનું ચિત્ર અંકિત કરાયું છે. બ્રિટિશ દેશમાં ભારતીય સિક્કા જારી કરાયા હોય એવી આ પહેલી જ ઘટના હતી.

 11 માર્ચ 2020ના ઋષિ  સુનકે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું. પોતાના કાર્યકાળ દરમિયાન ઋષિ સુનકે  કોરોના મહામારીથી પરેશાન અને પ્રભાવિત લોકોની મદદ કરવા 30 મિલિયન પાઉન્ડ ખર્ચ કરવાની ઘોષણા કરી. પરિણામે જેમને ખાવાનાં પણ સાંસાં હતાં તેવા અસંખ્ય લોકોનો જીવ બચાવી શકાયો હતો. 17 માર્ચ 2020ના સુનકે વ્યવસાયો માટેની આપાતકાલીન સહાયતામાં 330 બિલિયન પાઉન્ડની જાહેરાત કરવાની સાથે જ કર્મચારીઓ માટે વેતન સબસિડીની ઘોષણા  કરેલી. એ સિવાય પણ સુનકે વિવિધ પગલાં લીધા હતા.

 ઋષિ સુનક શારિરીક રીતે ફિટ રહેવા માટે ક્રિકેટ રમવાનું પસંદ છે. ફૂટબોલ પણ તેમની પ્રિય રમત છે. ઋષિ સુનક દિશી રિશી-Dishy Rishi તરીકે  જાણીતા છે. તેમને વાંચવાનો, દોડવાનો અને રસોઈ બનાવવાનો શોખ છે. ઋષિ સુનકની કુલ સંપત્તિ 700 મિલિયન પાઉન્ડથી વધુ છે. યોર્કશાયરમાં હવેલીની માલિકી ઉપરાંત, ઋષિ અને તેની પત્ની અક્ષતા સેન્ટ્રલ લંડનના કેન્સિંગ્ટનમાં પણ મિલકત ધરાવે છે. ઋષિ સુનકે પોતાની વડા પ્રધાન પદ સુધીની સફર અંગે જણાવેલું કે, મારી જીવનકથા એક પરિવાર ત્રણ પેઢીમાં ડાઉનિંગ સ્ટ્રીટ સુધી કઈ રીતે પહોંચી શકે છે, તેની બ્રિટિશ કહાણી છે.

ટીના દોશી