સુધારાણી રઘુપતિ (જ. 21 માર્ચ 1944, પોલ્લાચી, બૅંગલુરુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત નૃત્યાંગના. માતાનું નામ શકુંતલા. પિતાનું નામ હ. લ. જગન્નાથ. સુધારાણીએ કુમળી વયથી જ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન નૃત્યાચાર્યો કીટ્ટપ્પા પિલ્લૈ, યુ. એસ. કૃષ્ણરાવ અને મૈલાપોર ગૌરી અમ્મા પાસેથી નૃત્યનાં ઉચ્ચતમ તત્ત્વોની તાલીમ લીધી. વળી કર્ણાટકી સંગીતના વિખ્યાત વાયોલિનવાદક ટી. ચૌદિયા અને વાગ્ગેયકાર વિદ્વાન મદુરૈ એન. કૃષ્ણન્ પાસેથી તેમણે કર્ણાટકી સંગીતશિક્ષણ મેળવ્યું. તેના પરિણામ રૂપે નવ વર્ષની વયે તેમણે રંગપ્રવેશ કર્યો. ઉચ્ચ તાલીમ, ગૌર સુડોળ બાંધો અને વિશાળ ભાવવાહી આંખોને લીધે તેમનું નૃત્ય વધુ દીપી ઊઠ્યું અને દેશવિદેશના રાજકીય મહાનુભાવો સમક્ષ નૃત્ય રજૂ કરવાનાં આમંત્રણ મળતાં રહ્યાં. ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુ, રશિયાના પૂર્વ વડાપ્રધાન નિકિતા ક્રુશ્ર્ચોફ, ચીનના પૂર્વ વડાપ્રધાન ચાઉ એન લાઈ, ઈરાનના શાહ, ઇથિયોપિયાના સમ્રાટ, અફઘાનિસ્તાનના રાજા — એમ અનેક રાજકીય વ્યક્તિઓ સમક્ષ નૃત્ય કર્યું.
બગલોરની મહારાણી કૉલેજમાંથી ફિલૉસૉફી અને સમાજશાસ્ત્રના વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. 1964-65માં આંતરરાષ્ટ્રીય યુવા-વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ મેળવી. વર્જિનિયા રેડોલ્ફ મેકોનની મહિલા કૉલેજમાં પ્રવેશ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતાં. નૃત્યના વિશ્વ-ઇતિહાસનો અભ્યાસ ઉપરાંત, સ્ટુડિયો આર્ટ્સ તેમજ માર્થા ગ્રેહામની મૉડર્ન ડાન્સની ટૅકનિક તેઓ એલનાર સ્ટ્રુપા પાસે શીખ્યાં. ત્યાંથી સ્વદેશ પરત થઈ 1965માં આર. રઘુપતિ સાથે લગ્ન કર્યાં.
સુધારાણી રઘુપતિ
ભરતનાટ્યમની શિસ્તબદ્ધ અને પરિપૂર્ણ તાલીમ મળે તે હેતુથી 1970માં ‘શ્રી ભરતાલય’ની સ્થાપના કરી. તેમાં નૃત્ય ઉપરાંત કર્ણાટકી સંગીત અને સંસ્કૃતિનું શિક્ષણ અપાય છે. 1980માં મદ્રાસ (હાલનું ચેન્નાઈ) મ્યુઝિક એકૅડેમીમાં નૃત્ય રજૂ કર્યું અને નૃત્ય-કારકિર્દીનો તેમનો બીજો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થયો. 1981માં રાષ્ટ્રસંઘમાં તત્કાલીન મહામંત્રી કુર્ટ વાલ્ધેમના નિમંત્રણથી માનવ-અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે ન્યૂયૉર્કમાં રાષ્ટ્રસંઘ ખાતે નૃત્ય કર્યું અને સાથે વિશ્વતાલીમ અધિવેશન માટે અમેરિકાના એક છેડેથી બીજે છેડે અનેક શહેરોમાં નૃત્ય-કાર્યક્રમો કર્યા. તેમની નૃત્યસિદ્ધિને બિરદાવવા તે જ વર્ષમાં ચેન્નાઈની સંસ્થાઓએ ‘ક્લૈમામણિ’, ‘નૃત્યચૂડામણિ’ અને ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ ઍવૉર્ડ જેવા પુરસ્કારો તેમને એનાયત કર્યા.
દૂરદર્શનના માધ્યમ દ્વારા જનસામાન્યમાં ભરતનાટ્યમ્ શૈલીનાં શાસ્ત્રીય તત્ત્વો વિશે સુરુચિ પેદા કરવા 1981માં 13 અંકોની ધારાવાહી શૃંખલા રજૂ કરી. એનું પુનરાવર્તન 1989માં કેટલાક સુધારાવધારા સાથે આઠ અંકોની ધારાવાહી શૃંખલામાં કરાયું.
તેમની સંસ્થા દ્વારા મદુરાઈ એન. કૃષ્ણન્ દ્વારા તૈયાર કરેલ નૃત્યરચનાઓનો સંગ્રહ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયો છે. આ ઉપરાંત ‘લઘુ ભરતમ્’ના ત્રણ ભાગમાં ભરતનાટ્યમ્ શૈલીના નૃત્યાર્થીઓને અભ્યાસક્રમ સાંપડી રહે તેવાં પુસ્તકો તૈયાર કર્યાં છે. શૈલીના સંપૂર્ણ માર્ગમ્ને બાર (12) શ્રાવ્ય કૅસેટ રૂપે પ્રસ્તુત કરી નૃત્યક્ષેત્રે નોંધનીય યોગદાન આપ્યું છે.
તેમને 1984માં કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કૃત કરાયાં હતાં. ભારત સરકારે તેમની નૃત્ય-કારકિર્દીને બિરદાવવા 1988માં ‘પદ્મશ્રી’નો પુરસ્કાર આપ્યો હતો. આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યો દ્વારા અનુક્રમે ‘સપ્તગિરિ સંગીત વિદ્વાન મણિ’ (1996) અને ‘કલાશ્રી’ (1999) જેવા ઉલ્લેખનીય પુરસ્કાર તેમને મળ્યા હતા.
તેમના દ્વારા રચાયેલ મુખ્ય નૃત્ય-ગૂંથણી અને રચનાઓમાં પ્રધાન કૃતિઓમાં રામાયણ, બાલકાંડ રામાયણ (સી. સી. આર. ટી. દ્વારા આની દૃશ્ય-શ્રાવ્ય કૅસેટ બનાવાઈ), કૃષ્ણં-વંદે જગદગુરુમ્, શક્તિ-પ્રભાવમ્, વંદે ગુરુગુહં, ઉમાસૂતમ્, એકમેવ ન દ્વયં, શંકર લોક શંકર વગેરેનો સમાવેશ થાય છે.
ભરતનાટ્યમ્ ઉપરાંત મોહિનીઅટ્ટમ્, મૉડર્ન ડાન્સ અને લોકનૃત્યોની જાણકારી તેમજ કર્ણાટકી સંગીત અને ચર્ચના તેમજ પાશ્ર્ચાત્ય સંગીતની સારી જાણકારીને લીધે તેમની નૃત્યરજૂઆતમાં વૈવિધ્ય જોવા મળે છે.
1998થી 2002 સુધી તેઓ સેન્ટર ફૉર કલ્ચરલ રિસોર્સિસ ઍન્ડ ટ્રેનિંગનાં વાઇસ ચૅરપર્સન હતાં. આ ઉપરાંત 1995માં ન્યૂયૉર્કની કોલગેટ યુનિવર્સિટીના સિનિયર ટીચિંગ ઍસોસિયેટ ઑવ્ ઇંડિયન સ્ટડીઝ તરીકે નિમાયાં હતાં. નૃત્ય દ્વારા પોલિયોપીડિત બાળકો માટે અંગ-ઉપાંગની નૃત્યક્રિયાઓ વિકસાવી માનવસેવાનું એક ઉમદા કાર્ય તેમણે કર્યું છે. સોસાયટી ઑવ્ નૅશનલ કાઉન્સિલ ફૉર સાયન્સ મ્યુઝિયમ(NCSM)નાં તેઓ કેન્દ્રીય સાંસ્કૃતિક નિયામક સમિતિના તથા ચેન્નાઈ દૂરદર્શનના કાર્યક્રમની સલાહ સમિતિ-સભ્ય છે. પાશ્ર્ચાત્ય સંગીતના જ્ઞાનને કારણે ચર્ચની પ્રાર્થનાઓને તેમણે ભરતનાટ્યમમાં રજૂ કરી છે. તેમને 2001માં ‘ઇન્ડિયન ફાઇન આર્ટ સોસાયટી’ – ચેન્નાઈનો ‘નાટ્યશિખામણિ’, 2002માં શ્રી પાર્થસારથિ સ્વામી સભાનો ‘નાટ્યકલાસારથિ’ તથા 2005માં શ્રી લલિતકલા અકાદમી – મૈસૂરનો ‘શ્રી લલિતકલારત્ન’ પુરસ્કાર એનાયત થયા છે.
પ્રકૃતિ કાશ્યપ