સુધાલહરી : સંસ્કૃત સાહિત્યમાં પંડિતરાજ જગન્નાથે રચેલું સ્તોત્રકાવ્ય. પંડિતરાજ જગન્નાથે ‘લહરીપંચક’ સ્તોત્ર રચ્યું છે. તેમાં (1) ગંગાલહરી, (2) અમૃતલહરી (= યમુનાલહરી), (3) કરુણાલહરી, (4) લક્ષ્મીલહરી અને (5) સુધાલહરી — એમ પાંચ લહરીકાવ્યોનો સમાવેશ થાય છે.

‘સુધાલહરી’માં સૂર્યની સ્તુતિ છે. તેમાં સ્રગ્ધરા છંદમાં રચાયેલાં 30 પદ્યો છે. આમ આ લહરી ‘અમૃતલહરી’થી ભિન્ન છે. પ્રથમ બેમાં ગંગા અને યમુના એમ બે નદીઓની સ્તુતિ છે. ‘કરુણાલહરી’માં શ્રીકૃષ્ણની અને ‘લક્ષ્મીલહરી’માં માતા લક્ષ્મીની સ્તુતિ છે.

પ્રસ્તુત ‘સુધાલહરી’માં સૂર્યનું નિરૂપણ જીવનરક્ષક ઊર્જાસ્રોત તરીકે કરવામાં આવ્યું છે. વિશ્વની કાલગણનાના આધારરૂપ સૂર્યને જ ગણ્યો છે. સૂર્ય જ ગ્રહો, ઉપગ્રહો અને ખાસ કરીને ચન્દ્રનો કાન્તિદાતા છે. પાંડુરોગ, નેત્રરોગ, હૃદયરોગ ઇત્યાદિ વિવિધ રોગોનો નાશક છે. પ્રકૃતિના ઉદય અને અસ્તકાલીન પ્રકાશ અને બીજાં વિવિધ દૃશ્યોનો જાણે ચિત્રકાર છે. વિવિધ વિશેષણો, ઉપમાનો અને નવીન કલ્પનોથી પ્રસ્તુત કાવ્ય સભર છે.

આરંભમાં જ પંડિતરાજ સૂર્યને અગ્નિ, વિદ્યુત ઇત્યાદિ તેજ કરતાં વિલક્ષણ એવા તેજપુંજ તરીકે વર્ણવે છે. તે શોકાગ્નિથી વિહવળ હૃદયવાળાં ચક્રવાક પક્ષીયુગલના દુ:ખને દૂર કરે છે. ઉદયગિરિની ટોચ પરથી ઊગી રહેલો સૂર્ય પ્રકાશને ઢાંકી દેનારા અંધકારનો વિનાશક અને આંખોનો સહાયક છે.

સૂર્યકિરણોનું પણ જગન્નાથે રોચક વર્ણન કર્યું છે. સૂર્યકિરણો ચન્દ્રના ગર્વને ઉતારનારાં, ધરતીને પ્રકાશિત કરનારાં, લાખો દુ:ખી પ્રાણીઓના રક્ષણહાર, પ્રતિદિન દેવતાઓની રક્ષા કરનાર, ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન, અગ્નિજ્વાળા જેવી કાંતિવાળાં, લોકકલ્યાણકારી અને કમળસમૂહ માટે સૌભાગ્યલક્ષ્મીરૂપ તથા દુરાચારીઓનો નાશ કરવામાં દક્ષ કહ્યાં છે, જે કવિનાં પાપોને દૂર કરે તેમ પણ કહ્યું છે.

સૂર્યનાં કિરણો વૃક્ષના ગાઢા વચલા ભાગને છેદીને પૃથ્વી પર પહોંચે છે અને લાંબા સોનાના દંડની ભ્રાંતિ ઊભી કરે છે. અહીં કવિએ ખૂબીપૂર્વક ભ્રાન્તિમાન્ અલંકાર નિરૂપ્યો છે, જે કવિના સૂર્ય પ્રત્યેના રતિભાવને પુરસ્કૃત કરે છે. વળી, અહીં એક અન્ય ભ્રાંતિમાન્ અલંકાર પણ છે, જેમાં સુવર્ણના દંડ જેવાં કિરણો પર રહેલાં ઝાકળબિંદુઓ લાલ રંગથી મિશ્રિત થતાં પોપટનાં બચ્ચાં દાડમની ભ્રાંતિથી ચાંચ મારવા જાય છે. (પદ્ય 5)

સૂર્યપ્રભા પ્રાણીઓની ચેતનાને જગાડનારી અને ઠંડીના શોકને દૂર કરનારી છે. સૂર્યકિરણોને હેમહૃદ્ય (સોના જેવાં મનોહર) કહેવામાં ઉપમા છે. કવિ સૂર્યને તપ્તસુવર્ણની પણ ઉપમા આપે છે. ‘સુધાલહરી’નાં 16, 17 અને 18 પદ્યોમાં ક્રમશ: ‘त’કાર, ‘ग’કાર અને ‘ज’કારના શ્રુતિપ્રિય અનુપ્રાસો છે. સૂર્ય બ્રાહ્મણોનો મિત્ર અને પાખંડી અસુરોનો દંડક છે.

26મા પદ્યમાં સૂર્યને કલ્પવૃક્ષ કહ્યો છે, જેનું મૂળ શુદ્ધ બ્રહ્મ છે. અંતિમ પદ્યમાં ઋગ્વેદ અને સામવેદને સૂર્યના ગવેષક કહ્યા છે. વેદોએ પણ સૂર્યની સ્તુતિ કરી છે. અવિદ્યાનો નાશક સૂર્ય સર્વાન્તરાત્મારૂપ છે. પ્રૌઢા અને નવોઢા વિરહિણીઓ માટે સૂર્ય આશાનો સંચાર કરનારો બને છે.

કાવ્યમાં કમળસમૂહોને ખીલવનાર અને કોકાંગનાઓના વિરહને દૂર કરનાર એ વિગતો પુનરુક્ત થઈ છે.

આમ ‘સુધાલહરી’ કાવ્ય રસાળ ભાવોર્મિથી છલકાતો અમૃતમય આસ્વાદ કરાવતું, નવીન કલ્પનોથી સભર, કવિપ્રૌઢોક્તિસિદ્ધ ધ્વનિથી યુક્ત અને ચિત્તાકર્ષક બની રહ્યું છે.

‘સુધાલહરી’નું પ્રકાશન ‘કાવ્યમાલા સિરીઝ’માં ઈ. સ. 1893 અને પછી ઈ. સ. 1926માં થયેલું. વારાણસીથી પ્રકાશિત પંડિતરાજ જગન્નાથ ગ્રંથાવલી(સંપા. આચાર્ય મધુસૂદન શાસ્ત્રી, ઈ. સ. 1992)માં પણ ‘લહરીપંચક’ અંતર્ગત પ્રસ્તુત કૃતિ પ્રકાશિત થઈ છે.

પારુલ માંકડ