સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર)

January, 2008

સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર) (. 19 નવેમ્બર 1915, બર્લિગેમ, કેન્સાસ, યુ.એસ.; . 9 માર્ચ 1974) : સન 1971ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યા (physiology) અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને આ સન્માન અંત:સ્રાવોની ક્રિયાપ્રવિધિ (mechanism) અંગે તેમણે કરેલા અન્વેષણ(discovery)ને કારણે પ્રાપ્ત થયું હતું. તે સમયે તેઓ અમેરિકાના નેશવિલે(Nashville)ની વૅન્ડર્બિલ્ટ (Vanderbilt) વિશ્વવિદ્યાલયમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક હતા.

સુધર્લૅન્ડ અર્લ ડબ્લ્યૂ. (જુનિયર)

તેઓ સન 1937માં વૉશબર્ન કૉલેજમાંથી વિજ્ઞાનશાળામાં સ્નાતક થયા અને સન 1942માં સેન્ટ લુઈની વૉશિંગ્ટન વિશ્વવિદ્યાલયની આયુર્વિજ્ઞાનની શાળા(સ્કૂલ ઑવ્ મેડિસિન)માંથી ડૉક્ટર ઑવ્ મેડિસિનની ઉપાધિ મેળવી. ત્યારબાદ બર્નેસ હૉસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે જોડાયા. સન 1940થી 1942માં તેઓ તેમની સ્કૂલના ફાર્મેકૉલૉજી વિભાગમાં મદદનીશ તરીકે પણ રહ્યા હતા અને સને 1945-46માં ત્યાં તેઓ ઇન્સ્ટ્રક્ટર બન્યા. સન 1946થી 1950 તેઓ જૈવરસાયણવિદ્યામાં ઇન્સ્ટ્રક્ટર રહ્યા. 1950-51માં તેઓ મદદનીશ પ્રાધ્યાપક બન્યા, 1952-53માં તેઓ સહપ્રાધ્યાપક બન્યા અને સન 1953માં તેમણે તે વિશ્વવિદ્યાલય છોડીને ઓહાયોના ક્લિવલૅન્ડમાં સ્કૂલ ઑવ્ મેડિસિનમાં ફાર્મેકૉલૉજીના પ્રાધ્યાપક અને વિભાગીય નિયામક બન્યા. ત્યાં તેઓ સન 1963 સુધી રહ્યા. સન 1963થી તેઓ વૅન્ડર્બિલ્ટ વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઑવ્ મેડિસિનમાં દેહધર્મવિદ્યાના પ્રાધ્યાપક બન્યા હતા. તેમણે વિવિધ એકૅડેમિક સંસ્થાઓમાં સભ્યપદ પ્રાપ્ત કર્યું હતું તથા તેઓ ફાર્મેકૉલૉજી અને ‘એક્સપેરિમેન્ટલ થેરાપ્યુટિક્સ જર્નલ’ના સંપાદકપદે પણ રહ્યા હતા.

તેમણે અંત:સ્રાવો કોષની અંદર કેવી રીતે કાર્ય કરીને ધારી અસર ઉત્પન્ન કરે છે તે માટે સંશોધન કર્યું હતું. આવું તેમણે એમિનેફ્રિન અને ગ્લુકેગોન સંબંધિત સંશોધન કરતી વખતે શોધ્યું હતું. તેમણે તે માટે એડિનોસાઇન 3´, 5´ મૉનોફૉસ્ફેટ (ચક્રીય AMP, cyclic AMP અથવા cAMP) નામનો અણુ ઓળખી બતાવ્યો, જે આ ક્રિયાપ્રવિધિમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

તેમણે દર્શાવ્યું કે જ્યારે કોઈ અંત:સ્રાવ (પ્રથમ સંદેશવાહક) કોષની સપાટી પર પહોંચે છે ત્યારે તે ત્યાં રહેલા એડિનાયલ સાઇક્લેઝ નામના ઉત્સેચકને સક્રિય કરે છે, જે કોષમાંના 5´ AMP ને 3´ 5´ AMP(cAMP)માં રૂપાંતરિત કરે છે. આ ચક્રીય AMP દ્વિતીય સંદેશવાહક તરીકે કામ કરીને કોષમાંના ઉત્સેચકોનું ઉદ્દીપન કરે છે અથવા તો કોષપટલોની પારગમ્યતા (permeability) વધારે છે. આ રીતે કોષમાં ધારી અસર ઉત્પન્ન થાય છે. cAMP ત્યારબાદ ફૉસ્ફોટિલેઝ નામના ઉત્સેચક વડે નાશ પામે છે. cAMP વિવિધ અવયવોમાં વિવિધ પ્રકારનાં કાર્યો સાથે સંકળાયેલો અણુ છે; જેમ કે, તે મેદપેશીમાં મેદવિલયન (lipolysis) વધારે છે પરંતુ ઍમિનોઍસિડનું આગ્રહણ (uptake) ઘટાડે છે. તે યકૃત(liver)માં ઍમિનોઍસિડનું આગ્રહણ, વિવિધ ઉત્સેચકોનું સંશ્લેષણ તથા ગ્લુકોઝ અને કિટોનનું ઉત્પાદન વધારે છે; પણ પ્રોટીનનું કુલ સંશ્લેષણ ઘટાડે છે. આવી રીતે આ અણુ મેદપેશી, યકૃત, ગર્ભાશય, અધિચ્છદીય કોષો (epithelial cells), હાડકું, મૂત્રપિંડ, અરૈખિક સ્નાયુઓ, હૃદયનો સ્નાયુ, લાળગ્રંથિઓ, સ્વાદુપિંડ, ગલગ્રંથિ (thyroid gland), અગ્ર પીયૂષિકા (anterior pituitory), કૃષ્ણકોષો (melanocytes), કેટલાક જીવાણુઓ, કૅન્સરના કોષો વગેરે વિવિધ પેશીઓ અને અવયવોમાં વિવિધ અંત:સ્રાવો દ્વારા આવેલા સંદેશાને ધારેલી અસરમાં પરિવર્તિત કરે છે.

તેઓ સન 1963માં પરણ્યા હતા અને તેમને સંતાનમાં 2 પુત્રો અને 2 પુત્રીઓ છે.

શિલીન નં. શુક્લ