સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન)

January, 2008

સુદીર્ઘ દિન અરુ રિતુ (લૉંગ ડેઝ ઍન્ડ સિઝન) : આસામી કવયિત્રી. નિર્મલપ્રભા બારડોલાઈ(જ. 1933)નો કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

આ પુરસ્કૃત કૃતિ 104 કાવ્યોનો સંગ્રહ છે. તે કાવ્યોને ક્રમની દૃષ્ટિએ ચાર વર્ગમાં મૂકવામાં આવ્યાં છે. ‘બત્યહાર કવિતા’; ‘સુદીર્ઘ દિનાર કવિતા’; ‘રિતુ’ અને ‘સુદીર્ઘ દિનાર ગાત’. આ કાવ્યો માનવ-અનુભૂતિના વિશાળ ફલક પરના તેમના પ્રવાસની ફલશ્રુતિ છે. આમ લોકોની ભાષા, ભૂમિ સાથે સંકળાયેલ બિનસંસ્કારી આસામીઓની ભાષાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ – આ કવિતાનું નોંધપાત્ર પાસું છે. તેમના જીવનમાં અનુભવેલ ભાવનાશીલ કટોકટી તેમનાં મોટાભાગનાં કાવ્યોનો મધ્યવર્તી સૂર છે. તેમાં ખિન્ન ભાવને મુખ્યત્વે ગૂંથી લેવામાં આવ્યો છે; ઘણી વાર સામાજિક દૂષણો અને સંસ્થા સામેનો વિરોધી સૂર જોવા મળે છે. તેઓ આશાવાદી હોવા સાથે પ્રેમનાં કવયિત્રી પણ છે. તેમણે ભાવનાશીલ કાવ્યોનો નવો ચીલો પાડ્યો છે. જોકે, તેમનો પ્રેમ આધ્યાત્મિક કે વાસનારહિત પ્રેમ કરતાં વધુ શારીરિક હોય છે; પરંતુ શરીરની મર્યાદા ઓળંગવાનો અજોડ અનુભવ પણ તેઓ અભિવ્યક્ત કરે છે. તેમની આ કૃતિ અસમિયા સાહિત્યમાં નવી ભાત પાડે છે.

બળદેવભાઈ કનીજિયા