સુદંસણાચરિય (સુદર્શનાચરિત)

January, 2008

સુદંસણાચરિય (સુદર્શનાચરિત) : જૈન કથાકાવ્ય. તેના લેખક દેવેન્દ્રસૂરિ છે. ચાર હજારથી વધુ પ્રાકૃત ગાથાઓવાળું ‘સુદંસણાચરિય’ આઠ અધિકારો અને સોળ ઉદ્દેશોનું બનેલું છે. ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલમતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી – એ આઠ અધિકારોના મુખ્ય વર્ણ્યવિષયો છે. તેના પ્રથમ ઉદ્દેશમાં ધનપાલની વાતમાં ‘જૈન ધર્મકથાનું શ્રવણ હિતકારી છે’ – તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. બીજા-ઉદ્દેશમાં લંકામાં સુદર્શનાના જન્મ અને બાળપણનું વર્ણન છે. મોટી થઈને તે કળાઓ અને ગણિતમાં પારંગત બને છે. ત્રીજા ઉદ્દેશમાં રાજસભામાં સુદર્શનાની કળાઓના જ્ઞાનની પરીક્ષા લેવામાં આવે છે. ચોથા ઉદ્દેશમાં જ્ઞાનનિધિ નામનો બ્રાહ્મણ રાજસભામાં બ્રાહ્મણ ધર્મનો ઉપદેશ આપે છે. તેનું ખંડન કરી સુદર્શના મુનિધર્મ એટલે જૈન ધર્મનું પ્રતિપાદન કરે છે. પાંચમા ઉદ્દેશમાં ભૃગુકચ્છમાં શીલમતી અને વિજયકુમારના વિવાહ થાય છે. વિજયકુમાર પોતાની વાગ્દત્તા શીલમતીનું હરણ કરનારા વિદ્યાધર સાથે યુદ્ધ કરે છે. છઠ્ઠા ઉદ્દેશમાં ધર્મયશ નામનો શ્રમણ જૈન ધર્મનો ઉપદેશ આપે છે. સાતમા ઉદ્દેશમાં સુદર્શના માબાપ સાથે લંકાથી ભૃગુકચ્છ આવે છે. આઠમા ઉદ્દેશમાં શીલમતી સાથે લગ્ન પછી વિજયકુમાર મુનિ તરીકે દીક્ષા લે છે. નવમા ઉદ્દેશમાં સુદર્શનામાં વૈરાગ્ય જાગે છે. દસમા ઉદ્દેશમાં તે આદિનાથ તીર્થંકર ઋષભદેવનું ચરિત્ર અને ધર્મોપદેશનું શ્રવણ કરે છે. અગિયારમા ઉદ્દેશમાં તીર્થંકર મુનિ સુવ્રતનાથ ભૃગુકચ્છમાં આવે છે અને તેમના પ્રભાવે અશ્વને પૂર્વજન્મોનું સ્મરણ થાય છે. બારમા ઉદ્દેશમાં સુદર્શના તીર્થંકર મુનિ સુવ્રતનું ‘શકુનિકાવિહાર’ નામનું જિનાલય બંધાવે છે. તેરમા ઉદ્દેશમાં શીલમતી સાથે સુદર્શના વિવિધ તપ કરે છે. ચૌદમા ઉદ્દેશમાં શત્રુંજય તીર્થમાં તીર્થંકર મહાવીરે કરેલો ધર્મોપદેશ વર્ણવવામાં આવ્યો છે. પંદરમા ઉદ્દેશમાં રાજા મહાસેન દીક્ષા લે છે તેનું વર્ણન છે. સોળમા ઉદ્દેશમાં ધનપાલ સંઘ સાથે રૈવતગિરિની યાત્રા કરી પાછા ફરી ગૃહસ્થનો ધર્મ પાળે છે એ વર્ણન સાથે પ્રસ્તુત ચરિત્ર સમાપ્ત થાય છે.

પ્રસ્તુત ચરિતકાવ્યમાં પ્રાકૃત ભાષાની સાથે ક્યારેક અપભ્રંશ અને સંસ્કૃત ભાષાઓ પણ પ્રયોજાઈ છે. વચ્ચે વચ્ચે તેમાં શાર્દૂલવિક્રીડિત જેવા છંદો પણ પ્રયોજાયા છે. તેમાં લેખકે તત્કાલીન સમાજનું ચિત્ર આપ્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજીના મતે દેવેન્દ્રસૂરિએ કોઈ પ્રાચીન સુદંસણાચરિયનો આધાર લઈ પ્રસ્તુત ચરિતકાવ્ય લખ્યું છે. દેવેન્દ્રસૂરિ જગચ્ચંદ્રસૂરિના શિષ્ય હતા અને મહામાત્ય વસ્તુપાળની હાજરીમાં આબુ પર્વત પર તેમને ‘સૂરિ’-પદ મળેલું. તેઓ 1270માં અવસાન પામેલા. તેમણે રચેલા જૈન સાહિત્યમાં ‘કણ્હચરિય’, ‘સિદ્ધપંચાશિકા’ તથા ‘દેવવંદન’, ‘ગુરુવંદન’ અને ‘પ્રત્યાખ્યાન’ એ ત્રણ પરનાં ભાષ્યોનો, ‘શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ’, ‘વંદારુવૃત્તિ’ તથા ‘કર્મવિપાક’, ‘કર્મસ્તવ’, ‘ષડશીતિ’ જેવા પાંચ કર્મગ્રંથો પરની ટીકાઓ વગેરેનો સમાવેશ થાય છે.

મલૂકચંદ ર. શાહ

પ્ર. ઉ. શાસ્ત્રી