સુજના (એસ. નારાયણ શેટ્ટી) (જ. 1930, હોસહોળલુ, જિ. માંડ્યા, કર્ણાટક) : કન્નડ લેખક. તેમને તેમની કૃતિ ‘યુગસંધ્યા’ બદલ 2002નો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે 1954માં મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. કન્નડ ઉપરાંત તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. 1954માં તેમણે કન્નડમાં પ્રાધ્યાપક રૂપે કારકિર્દીનો આરંભ કર્યો. 1968માં તેઓ વાઇસપ્રિન્સિપાલ બન્યા અને 1972માં તેઓ પ્રિન્સિપાલ-પદે નિમાયા. 1985-1990 સુધી તેઓએ મૈસૂર યુનિવર્સિટીની એક કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે કામગીરી કરી. તેઓ બે વર્ષ સુધી મૈસૂર યુનિવર્સિટીના કુલસચિવ પણ રહ્યા.
તેઓ દાર્શનિક વિમર્શ, શાસ્ત્રીય સંગીત, વિજ્ઞાન તથા ચિકિત્સામાં રુચિ ધરાવે છે. તેમણે કુલ 13 ગ્રંથો પ્રગટ કર્યા છે; તેમાં કાવ્ય, સમાલોચના, અનુવાદ તથા સંપાદિત કૃતિઓનો સમાવેશ થાય છે. તેમણે બાલકાવ્યસંગ્રહ પણ પ્રગટ કર્યો છે. તેમના ગ્રંથોમાં ‘યુગસંધ્યા’ (મહાકાવ્ય), ‘ઓન્ડે સુરદિયાલી’, ‘નન્ય-યાત્રે’, ‘મંગલારતી’ અને ‘કનગલુ’ – એ બધા કાવ્યસંગ્રહો છે. ‘સંવાહન’, ‘હૃદયસંવાદ’, ‘પારંપરે’ અને ‘પારંપરે મતુ કુવેમ્પુ’ સાહિત્યિક વિવેચનો છે. ‘કુમાર વ્યાસ’ સંપાદિત કૃતિ છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી – તરફથી માનાર્હ પુરસ્કાર, કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, વર્ધમાન પ્રશસ્તિ, વિશ્વમાનવ પ્રશસ્તિ, કર્ણાટક રાજ્યોત્સવ પ્રશસ્તિ અને કર્ણાટક સરકાર દ્વારા ડી. દેવરાજ ઉર્સ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. તેઓ પ્રાચીન, મધ્યકાલીન તેમજ આધુનિક સાહિત્યિક હિલચાલથી પ્રભાવિત રહ્યા છે. તેમના પર વ્યાસ, વાલ્મીકિ તથા કાલિદાસ જેવા મહાન કવિઓ, બસવણ્ણા જેવા વચનકારો અને લોકકાવ્યનો પ્રભાવ જોવા મળે છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘યુગસંધ્યા’ એક આધુનિક મહાકાવ્ય છે, જે વ્યાસરચિત મહાભારતના ઉત્તર-કુરુક્ષેત્ર ભાગનું પુન:સર્જન કરે છે. વળી આ મહાભારતમાં ચિત્રાંકન કરાયેલ મૂલ્યો અને જીવનપદ્ધતિઓની અવિચ્છિન્નતા અને મૂલ્યાંકન બંને છે. તે ધર્મ અને સત્ય જેવાં મૂલ્યો પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. યુદ્ધ અને તેનાં દુ:ખદ પરિણામોનું સ્પષ્ટ વિશ્લેષણ અને શાંતિ માટેની ખેવના સાથે આ કૃતિ ઘૃણા અને હિંસાથી વ્યાપ્ત આજના વિશ્વમાં ઘણી પ્રાસંગિક અને અર્થપૂર્ણ બની રહે છે. એ રીતે કન્નડમાં રચાયેલ આ કૃતિ ભારતીય કાવ્યમાં એક શ્રેષ્ઠ પ્રદાન બની રહે છે.
બળદેવભાઈ કનીજિયા