સુજનસિંહ (. 1909, ડેરા બાબા નાનક, પંજાબ) : પંજાબી ભાષાના વાર્તાકાર અને નિબંધકાર. તેમના વાર્તાસંગ્રહ ‘શહેર તે ગ્રાન’ને 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.

તેમણે તેમનું બાળપણ તેમના કૉન્ટ્રાક્ટર પિતા સાથે બંગાળમાં વિતાવેલું. 11 વર્ષની વયે તેમણે તેમના પિતા ગુમાવ્યા. તેથી તેઓ ખૂબ આર્થિક ભીંસમાં આવી ગયા. સ્નાતક બન્યા પછી લિયોલ બકમાં સ્ટૉરકીપર તરીકે જોડાયા. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ પંજાબીના પ્રાધ્યાપક અને ગુરુ નાનક કૉલેજ, ગુરુદાસપુરમાંથી આચાર્ય તરીકે સેવાનિવૃત્ત થયા.

સુજનસિંહ

તેમણે 9 વાર્તાસંગ્રહો અને 2 હળવા નિબંધસંગ્રહો આપ્યા છે. વાર્તાસંગ્રહોમાં ‘દુખ સુખ’ (1943); ‘દુખ સુખ તોં પિછોં’ (1946); ‘સબ રંગ’ (1949); ‘સવાલ જવાબ’ (1950); ‘નરકાં દે દેવતે’ (1951); ‘નવાઁ રંગ’ (1952); ‘મનુખ તે પશુ’ (1954); ‘કલગી દિયાઁ આનિયાઁ’ (1966) અને ‘શહેર તે ગ્રાન’(1981)નો સમાવેશ થાય છે. હળવા નિબંધસંગ્રહોમાં ‘ખુમ્બન દા શિકાર’ (1970) અને ‘જમુનાજી તુસીં બડે હી વહ’નો સમાવેશ થાય છે.

સાહિત્યની સેવા બદલ તેમને ઘણા ઇલકાબો અને પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમને શિરોમણિ સાહિત્યકાર, સરદાર કરતારસિંહ ધારીવાલ પુરસ્કાર અને ઇન્ટરનેશનલ પંજાબી લિટરરી ટ્રસ્ટ (કનાડા) પુરસ્કાર આપવામાં આવ્યા છે.

તેમના વાર્તાસંગ્રહોમાં તેમણે તેમના જીવનમાં વેઠેલ મુશ્કેલીઓનો ચિતાર આપવા પ્રયત્ન કર્યો છે. તેમાં મધ્યમ અને દલિત વર્ગોની યાતનાઓ, દુ:ખ અને પીડાનું વિવિધ પ્રકારે ચિત્રાંકન કર્યું છે. કેટલીક વાર્તાઓમાં સ્ત્રીઓની સામાજિક અને માનસશાસ્ત્રીય સમસ્યાઓ પ્રત્યે તેઓ ધ્યાન કેન્દ્રિત કરતા જોવા મળે છે. તેમની આ પુરસ્કૃત કૃતિ તેમનો અદ્યતન વાર્તાસંગ્રહ છે. તેમાંની સંવેદનાત્મક ભાષા, પ્રભાવશાળી પ્રતીકાત્મક અભિવ્યક્તિ અને સામાજિક પ્રસ્તુતાને કારણે તે પંજાબી સાહિત્યમાં જાણીતી છે.

બળદેવભાઈ કનીજિયા