સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોઇમ્બતુર : શેરડી સંવર્ધન સંસ્થા. તેની સ્થાપના ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (Indian Council of Agricultural Research – ICAR), ન્યૂ દિલ્હી દ્વારા 1952માં કોઇમ્બતુરમાં થઈ હતી. આ સંસ્થામાં કૃષિવિજ્ઞાન-વિભાગ, પેશીસંવર્ધન વિભાગ, કૃષિ-વનસ્પતિશાસ્ત્ર-વિભાગ, કૃષિ-આંકડાશાસ્ત્ર-વિભાગ, વનસ્પતિદેહધર્મવિદ્યા-વિભાગ, કૃમિ-વિભાગ, કૃષિજમીન-રસાયણ-વિભાગ જેવા જુદા જુદા વિભાગો કામગીરી કરી રહ્યા છે. ભારતીય કૃષિ-અનુસંધાન પરિષદ દ્વારા નિયુક્ત ‘સંશોધન-સલાહકાર સમિતિ’ના માર્ગદર્શન હેઠળ સંશોધન અંગેની નીતિ દેશ અને દુનિયાની જરૂરિયાતના સંદર્ભમાં ઘડવામાં આવે છે. શેરડીની સારી જાતો વિકસાવવાના હેતુસર આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં વિકસાવવામાં આવેલી શેરડીની જાતો દુનિયાના 26 જેટલા વિવિધ દેશોમાં પાકસુધારણા માટે ‘સ્કંધ’ (stock) તરીકે ઉપયોગમાં લેવાય છે.
આ સંસ્થામાં શેરડીના ‘જનનદ્રવ્ય’(germplasm)નાં સંગ્રહ, જાળવણી અને સંકલન થાય છે. આ જનનદ્રવ્ય ભવિષ્યમાં પાકસુધારણાના ઉપયોગ માટે સંગ્રહવામાં આવે છે. ખાંડની ઊંચી ટકાવારી ધરાવતી જાતોના વિકાસથી 1940થી ભારતે કો.-312 અને કો.-419 વિકસાવ્યા પછી શેરડીના ઉત્પાદન-ક્ષેત્રે હરણફાળ ભરી છે. 1930માં શેરડીનું ઉત્પાદન 35 ટન/હેક્ટર હતું; જે હાલમાં 70 ટન/હેક્ટર થયું છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી Saccharum પ્રજાતિ-(genus)ની વિવિધ જાતિઓ (species) આ સંસ્થામાં એકત્રિત કરવામાં આવી છે. આ સંસ્થા અને તેનાં પેટાકેન્દ્રો પાસે હાલમાં અંદાજે 6144 જેટલી વિવિધ જાતો (varieties) સંચિત કરવામાં આવી છે. આ સંસ્થાએ ભારતનાં જુદાં જુદાં રાજ્યો માટે 140 જાતો અને દુનિયાના વિવિધ દેશો માટે 185 જેટલી જાતો સંશોધિત કરી છે.
જંગલી જાત કાસ(Saccharum spontaneum)નો નર તરીકે અને શેરડી(S. officinarum)નો માદા તરીકે ઉપયોગ કરી જૈવિક (biotic) અને અજૈવિક (abiotic) તાણ (stress) માટે જરૂરી જનીનનો પ્રવેશ કરાવી વધારે ઉત્પાદન આપતી જાતો વિકસાવવાનું મહત્ત્વનું કાર્ય આ સંસ્થાએ કરેલું છે. કો.-205 (1918) વિકસાવ્યા પછી તેનો શેરડીના સંકરણના કાર્યક્રમમાં ઉપયોગ કરી વિવિધ જાતો વિકસાવવામાં આવી છે; તેથી આ કાર્યક્રમ ‘શેરડીનું ઉત્કૃષ્ટીકરણ’ (Nobilization of sugarcane) તરીકે દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યો છે. આ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી જાતોમાં કો.-312 (1928), કો.-419 (‘વન્ડર કેન’, 1933), કો.-740, કો.-758, કો.-7204, કો.-7704, કો.(અ)-7601, કો.(સી)-671, કો.-8336, કો.-8338નો સમાવેશ થાય છે.
આ સંસ્થામાં ‘રાષ્ટ્રીય સંકરણ-ઉદ્યાન’(the National Hybridization Garden)ની શરૂઆત કરવામાં આવવાથી ‘વિસ્તાર વિશિષ્ટ અનુકૂલન’ (location specific adaptation) સાધતી જાતો વિકસાવવાની કામગીરી ચાલુ થઈ છે અને જુદી જુદી આબોહવા અને વિસ્તારને અનુકૂળ 11 જેટલી જાતોની ભલામણ કરવામાં આવી છે.
આ સંસ્થાના ડૉ. બાર્બર નામના વૈજ્ઞાનિકે ‘શેરડીની બાહ્યાકારવિદ્યા અને ભારતીય શેરડીનું વર્ગીકરણ’ ઉપર સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે; જે શેરડીના સંકરણના કાર્યક્રમમાં પાયાનો સાબિત થયો છે. શેરડીમાં રંગસૂત્રોની સંખ્યા 80 (2n = 80) છે અને કાસ જંગલી જાતિ છે, જેમાં રંગસૂત્રગુણતા(ploidy)ની વિવિધતા જોવા મળે છે. આમ, શેરડીના કોષવિજ્ઞાનમાં પણ આ સંસ્થાનો મહત્ત્વનો ફાળો છે.
1970થી આ સંસ્થામાં પેશીસંવર્ધનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ દ્વારા ઘણા કાયિક સમજનીનકો (somaclones) વિકસાવવામાં આવ્યા છે; જેમાં શેરડીની વિવિધ જાતોની ખામીઓ દૂર કરી તેઓમાં વધારે ઉત્પાદકતાનાં લક્ષણો દાખલ કરવામાં આવેલ છે. કો.-92007, કો.-92029, કો.-93005, કો.-94003, કો.-94012, કો.-95016, કો.-99011, કો.-99012 વગેરે કાયિક સમજનીનકો ખાંડની ઊંચી ટકાવારી માટે જાણીતા છે.
આ સંસ્થામાં 1990થી શેરડીમાં આણ્વિક અભ્યાસની શરૂઆત થઈ છે. આણ્વિક ચિહ્નકો(molecular markers)નો ઉપયોગ કરી જુદી જુદી જાતોમાં વિવિધ લાક્ષણિકતાઓ સર્જવાનું કાર્ય ચાલુ છે. 1991થી આ સંસ્થામાં બીજ-પ્રૌદ્યોગિકી(seed-technology)ની પ્રયોગશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મોહનભાઈ આણંદભાઈ વાડદોરિયા