સુગરી (બાયા) (Weaver bird)

January, 2008

સુગરી (બાયા) (Weaver bird) : પક્ષી-જગતમાં અલૌકિક, કળાકુશળતાથી ભરપૂર ગૂંથણીવાળો માળો બનાવનાર, ચકલીના કદનું અને તેને મળતું આવતું એક પક્ષી. ‘સુગરી’ નામ ‘સુગૃહી’ પરથી ઊતરી આવેલું છે. કેટલાંક તે નામ ‘સુગ્રીવ’ (સુંદર ગ્રીવાવાળું પક્ષી) શબ્દ પરથી ઊતરી આવ્યાનું માને છે. સુગરીની મોટાભાગની જાતિઓ આફ્રિકામાં જોવા મળે છે. તે પૈકી એશિયામાં 5 જાતિઓ છે. તેમાંની 3 જાતિઓ ભારતમાં નોંધાયેલી છે :

(i) Ploceus philippinus બાયા
(ii) Ploceus manyar રેખાવાળી સુગરી
(iii) Ploceus benghalensis કાળા કંઠવાળી સુગરી

સુગરી

સૌરાષ્ટ્રમાં વસતી સુગરીની જાતને સરદાર પટેલના નામ પરથી Ploceus sardarpateli પણ કહે છે. આ પક્ષી બાંગ્લાદેશ, શ્રીલંકા તેમજ મ્યાનમારમાં પણ જોવા મળે છે. આફ્રિકામાં જોવા મળતી સુગરીનું નામ Ploceus cucullatus છે; પરંતુ આ સુગરીનો માળો ગૂંથણીવાળો પણ પ્યાલા આકારનો સાદો હોય છે.

વર્ગીકરણ : કુળ – Ploceidae; શ્રેણી – Passeriformes; વર્ગ – Aves; સમુદાય – Chordata.

પ્રજનનકાળ સિવાય નર અને માદા સુગરીમાં ખાસ ભેદ જોવા મળતો નથી; પરંતુ પ્રજનનકાળમાં નર પક્ષીમાં ટાલ અને છાતીનો ભાગ ચળકતો પીળો, વક્ષ ભાગ સફેદ, પીઠ તથા પૂંછડી કથ્થઈ રંગ ધારણ કરે છે. ડોક આછા કાળા અથવા કથ્થાઈ રંગની બને છે. નરની ચાંચ કાળા રંગની અને માદાની કથ્થાઈ જેવા ગુલાબી રંગની હોય છે. આ પક્ષીની ચાંચ ટૂંકી, મજબૂત અને ત્રિકોણાકાર દેખાય છે. તેના અવાજમાં કોઈ સંગીતમય વિશેષતા સંભળાતી નથી. માત્ર ચકલીની જેમ ચીર્-ચીર્-ચીર્ અવાજ કરે છે.

સુગરીનો વસવાટ ખાસ કરીને ડાંગર કે ધાન્યના ખેત-વિસ્તારોમાં વધુ જોવા મળે છે; કારણ કે ત્યાં તેને ખોરાક અને માળાની સામગ્રી વિપુલ પ્રમાણમાં મળી રહે છે. તેના ખોરાકમાં દાણા અને નાની જીવાતનો સમાવેશ થાય છે. આ પક્ષી કણભક્ષી તરીકે પાકને થોડુંઘણું નુકસાન પહોંચાડે છે; પરંતુ બચ્ચાંનો ખોરાક જીવાત હોવાથી તેના દ્વારા થતું નુકસાન સામે પક્ષે ભરપાઈ કરી દે છે.

સુગરીની પ્રજનનઋતુ મેથી સપ્ટેમ્બર (ચૈત્રથી આસો માસ) સુધી લંબાયેલી રહે છે. જોગાનુજોગ આ સમય આપણા દેશમાં ડાંગરની ખેતી માટેનો પણ છે. પ્રજનનકાળ શરૂ થતાં જ નરપક્ષી આકર્ષક પરિવેશ ધારણ કરે છે અને સમૂહમાં માળા બનાવવાની પ્રવૃત્તિમાં જોડાય છે. માળો બાંધવાની સ્થળ-પસંદગી બહુ કુશળતાપૂર્વક કરે છે. તાડ, ખજૂરી કે બાવળનું વૃક્ષ હોય તો તેને પહેલી પસંદગી મળે છે અને તેમાં પણ જે ડાળીની નીચે કૂવો કે જળાશય આવેલું હોય તે પ્રથમ પસંદગી. ઊંચાં વૃક્ષો કે કાંટાળાં ઝુંડ અને તેની નીચે પાણીનો રક્ષણાત્મક અભિગમ તેના ઝૂલતા માળાની બનાવટમાં જોવા મળે છે. માળાની ગૂંથણીમાં લીલું ઘાસ અને ડાભના તંતુઓનો વિનિયોગ કરે છે. ગૂંથણીમાં ચાંચ અને પગનો ઉપયોગ કરે છે. માળો બનાવતી વખતે નર ચીવીઝ્….. ચીવીઝ્ જેવી સીટી વગાડવામાં મશગૂલ હોય છે. આસપાસનાં બધાં આ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાથી વાતાવરણ ઉત્તેજક બને છે.

સુગરીનો માળો

તેઓ એકબીજાને પોતાના માળામાં બેસવા નથી દેતા; આથી જ સામાન્ય સંજોગોમાં શાંત જણાતું આ પક્ષી આ સમયે થોડું તકરારી, ઘોંઘાટી અને વ્યગ્ર દેખાય છે. આવા લાંબા, ઝૂલતા માળામાં ઈંડાં મૂકી શકાય તેવી સગવડ પૂર્ણ થયે નર માદાને આકર્ષવાનું કાર્ય શરૂ કરે છે. સુંદર માળાઓ જોઈ માદા પણ આકર્ષાય છે. અહીં માદા પોતાનો વ્યવહારુ સ્વભાવ દર્શાવે છે. અર્થાત્, નર કરતાં પણ તેના ઘર પર પસંદગીનો કળશ ઢોળે છે. આ સંજોગોમાં જો કોઈ માળો માદાને આકર્ષી શકે નહિ તો નર પક્ષી પોતાની એ કલાકૃતિનો નાશ કરે છે.

માળો નિશ્ચિત થતાં નર અને માદા વચ્ચે સંવનન શરૂ થાય છે. પતિ-પત્ની બની બંને ગાતાં જાય છે અને હોંશે હોંશે અધૂરો માળો પૂરો કરે છે. માદા માળાની અંદર ત્રણથી ચાર સફેદ રંગનાં નાનાં ઈંડાં મૂકી, સેવવા બેસી જાય અને બચ્ચાંઓને જીવાત ખવડાવી ઉછેરે છે. નરને ગૃહસ્થાશ્રમના આ શુષ્ક કાર્યમાં રસ ન પડતાં, બીજો માળો બાંધવાનું શરૂ કરે છે અને નવા ગૃહની નવી ગૃહિણી લાવે છે અને હજુ ઋતુકાળ બાકી હોય તો ત્રીજા ગૃહસ્થાશ્રમમાં પણ પ્રવેશે છે ! આમ અહીં માદાની સહિષ્ણુતા પ્રશંસનીય જણાય છે. સુગરીનો આવો ગૃહસ્થાશ્રમ અને તેનું સામાજિક જીવન પુરુષોની ઈર્ષા અને સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર બને તો નવાઈ નથી. માદા બાળસંભાળની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે નરપક્ષી ઘણી વખત પોતાનો અલાયદો સાદો, હીંચકા જેવો માળો બનાવી કૌટુંબિક ભાવના કેળવે છે.

સુગરીની આ વર્તણૂકને Successive polygyny (અનુક્રમિક બહુપત્નીત્વ) કહી શકાય. સુગરીના ઊંધા ચંબુઘાટના લટકતા, સાંકડા માળાની રચના એવી હોય છે કે કોઈ દુશ્મન પ્રાણી તેમાં પ્રવેશી શકે નહિ. વળી સુગરીની પોતાની પાંખો પરની નિયંત્રણશક્તિ અને આંખોની અંધારામાં જોવાની શક્તિ પણ નોંધપાત્ર હોય છે.

સુગરીને મેના, પોપટ, તૂઈ જેવાં પક્ષીઓની માફક કેળવી શકાય છે અને તેના દ્વારા કેટલાક ખેલ પણ કરાવી શકાય છે; જેમ કે, લીમડાનું પાંદડું લાવી હાથમાં મૂકવું, દોરીથી મોતી પરોવવાં, તોપ ફોડવી, હવામાં ઉછાળેલી વીંટી પકડવી વગેરે. આમ આ પક્ષી કેળવણી દ્વારા બુદ્ધિપૂર્વકનાં કાર્યો કરી શકે છે. આ ઉપરાંત, તેની એક વિશિષ્ટતા એ પણ છે કે તે બંધનાવસ્થામાં(captivity) પણ પ્રજનન કરે છે.

દિલીપ શુક્લ