સુગણિતમ્ : 1963થી પ્રકાશિત થતું ગણિતને લગતી સામગ્રી પીરસતું ગુજરાતી સામયિક. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલા ગુજરાતના મૂર્ધન્ય ગણિતજ્ઞ પ્રા. પ્ર. ચુ. વૈદ્ય આ સામયિકના આદ્યતંત્રી છે. ગુજરાતમાં ગણિતના વિકાસ માટેની ઉત્કટ તમન્ના અને ગણિત જેવા વિષયમાં પણ વિચારોની અભિવ્યક્તિ માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે એવા દૃઢ વિશ્વાસથી પ્રેરાઈને પ્રા. વૈદ્યે ગણિત મંડળ – અમદાવાદના મુખપત્ર તરીકે આ સામયિકની શરૂઆત કરી. ગણિતનું સામયિક ગુજરાતીમાં ચલાવવાનો આ નવતર પ્રયોગ શરૂ થયો અને તેમાં આર્થિક વિટંબણાઓ તો ખરી જ. આ સંજોગોમાં સામયિક અલ્પજીવી નીવડે એવી પૂરી દહેશત હતી; પરંતુ કાર્યની સફળતા માટેના પ્રા. વૈદ્યસાહેબના ઢ સંકલ્પ અને ભગીરથ પુરુષાર્થનું સુખદ પરિણામ આવ્યું. ગણિતક્ષેત્રે તેમની અપ્રતિમ નામના અને દરેક સ્તરના ગણિતનાં વિવિધ પાસાંઓને આવરી લેવાની ‘સુગણિતમ્’ની નીતિને કારણે ગુજરાતના ગણિતના શિક્ષકો અને સર્વ ગણિતપ્રેમીઓ તરફથી ‘સુગણિતમ્’ને ઉષ્માભર્યો આવકાર મળ્યો. થોડા સમયમાં એ પગભર થઈ ગયું. 1971માં ‘સુગણિતમ્’નું તંત્રીપદ પ્રા. અરુણ મ. વૈદ્યે સંભાળ્યું. 2003માં શ્રી પી. કે. વ્યાસ સહાયક તંત્રી તરીકે જોડાયા. છેલ્લા લગભગ સાડા ત્રણ દાયકાથી પ્રા. અરુણ વૈદ્ય તંત્રીપદની ધુરા એકધારી સંભાળી રહેલ છે. તેમના ગતિશીલ નેતૃત્વને કારણે તેમના તંત્રીકાળ દરમિયાન ‘સુગણિતમ્’ની વિકાસકૂચ વણથંભી ચાલુ રહેલ છે. 1963માં શરૂઆત થઈ વર્ષના બે અંક અને છપ્પન પાનાંની વાચનસામગ્રીથી. પછી બેના ચાર અંક થયા. હવે વર્ષમાં છ અંક બહાર પડે છે અને લગભગ બસો પાનાંની સામગ્રી આપવામાં આવે છે. કોઈ પણ ગુજરાતી સામયિકનું પ્રકાશન ચાર દાયકાથી વધુ સમય માટે નિયમિત રીતે અવિરતપણે ચાલુ રહે એ નોંધનીય બાબત ગણાય. જ્યારે આ સામયિક કેવળ ગણિતને લગતું જ હોય ત્યારે તો આ ઘટના વિરલ લેખાય. ગુજરાતના સામયિક જગતમાં ‘સુગણિતમ્’ આવો ઇતિહાસ સર્જી શક્યું તેનો યશ તેમની તંત્રી તરીકેની સેવાઓ માટે પ્રા. પ્ર. ચુ. વૈદ્ય અને પ્રા. અરુણ વૈદ્યને ફાળે તો ખરો જ; સાથે સાથે ગ્રાહકના રૂપમાં સામયિકને પીઠબળ પૂરું પાડવા માટે ગુજરાતના ગણિતપ્રેમી વાચકોને ફાળે પણ જાય છે.
‘સુગણિતમ્’ ગણિતશિક્ષણના અન્ય સામયિકોથી જુદું પડે છે. સામાન્યત: ગણિતશિક્ષણના સામયિકમાં પાઠ્યપુસ્તકમાંના વિષયાંગોને શીખવવાની રીત, કસોટીઓનું આયોજન, મૂલ્યાંકન અને પરીક્ષણ જેવી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ‘સુગણિતમ્’માં વર્ગખંડમાંની કસોટીઓ, મૂલ્યાંકન વગેરેની ચર્ચા નહિવત્ હોય છે. ‘સુગણિતમ્’નો હેતુ વાચકની ગણિતના ઇતર વાચન માટેની ભૂખ જગાડવાનો અને એ સંતોષવાનો છે. તેના લેખો અભ્યાસપૂર્ણ અને સામગ્રી વૈવિધ્યસભર હોય છે. ખગોળ, વિજ્ઞાન અને વ્યવહારમાં ગણિતની ઉપયોગિતા, ગણિતના વિકાસનો ઇતિહાસ, ગણિતજ્ઞોનાં જીવનચરિત્રો, ગણિતના વર્તમાન પ્રવાહો વગેરે વિશેના લેખો ‘સુગણિતમ્’માં અવારનવાર પ્રકાશિત થતા રહે છે. લખાણ ગણિત વિશેનું હોય એટલે ગંભીર જ હોય એવું નથી. ગણિત વિશેના કટાક્ષયુક્ત કે હળવી શૈલીના લેખો, કાવ્યો, ગણિતજ્ઞોના જીવનની હળવી પળોની વાતો અને આત્મકથાત્મક સાહિત્ય પણ ‘સુગણિતમ્’માં નજરે પડે છે. પાઠ્યપુસ્તકના મુદ્દાઓની ચર્ચા, વર્ગશિક્ષણના અનુભવો, અભ્યાસક્રમ અંગેની ચર્ચા, પુસ્તક-સમાલોચના વગેરે વર્ગશિક્ષણમાં ઉપયોગી બાબતોનાં લખાણ આ સામયિકમાં સમાવિષ્ટ હોય છે. ઉપરાંત, ‘સુગણિતમ્’માં આંતરરાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની ગણિત સ્પર્ધાઓના પ્રશ્નો અને ઉકેલો, જ્ઞાન સાથે ગમ્મત આપતી ગણિત-રમતો અને બુદ્ધિ કસતા કોયડાઓ અને કૂટપ્રશ્નો પણ પ્રકાશિત થતાં હોય છે.
કોઈ પણ સામયિકના નિયમિત અને સુવ્યવસ્થિત પ્રકાશન માટે બાહોશ તંત્રીમંડળ ઉપરાંત સારા લેખકો પણ જોઈએ. ગણિતના સામયિક માટે લેખકોની મુશ્કેલી વિશેષ રહે; પરંતુ ‘સુગણિતમ્’ને પહેલેથી જ પ્રા. પ્ર. ચુ. વૈદ્ય, પ્રા. એ. આર. રાવ., પ્રા. એ. એમ. વૈદ્ય, ફાધર વાલેસ અને ડૉ. છોટુભાઈ સુથાર જેવા સિદ્ધહસ્ત લેખકોની સેવાઓનો લાભ સાંપડ્યો હતો. આ સૌ વિષય-નિષ્ણાતોનું ભાષા પરનું પ્રભુત્વ પણ દાદ માગી લે તેવું હતું. પરિણામે ‘સુગણિતમ્’ના કામની શરૂઆત સારી રહી. પછી તો યાત્રા આગળ વધતી ગઈ અને કારવાં બનતા ચલા ! વાચકોમાંથી જ લેખકોનો જન્મ થયો. ‘સુગણિતમે’ શિક્ષિત ગુજરાતી જનોને ગણિત વિશે વાંચતાં શીખવ્યું અને ઘણાને ગણિત વિશે લખવાની પણ પ્રેરણા આપી. અહીં પણ વર્તમાન તંત્રી અરુણ વૈદ્યનો ફાળો મોટો છે. પ્રકાશન માટે મળેલા લેખોમાં સુધારાવધારા કરી તેઓ જાતે જ મઠારે છે અને લેખકને માર્ગદર્શન આપી વધુ સારી રીતે લખવા માટે તેમને પ્રોત્સાહિત કરે છે.
ગુજરાત ગણિત મંડળ અને ‘સુગણિતમ્’ એ પરસ્પર પૂરક છે. એક બાજુ ગુજરાત ગણિત મંડળનો દરેક સભ્ય આપોઆપ ‘સુગણિતમ્’નો ગ્રાહક હોવાથી મંડળ ‘સુગણિતમ્’ના પ્રસારમાં સહાયરૂપ બને છે તો બીજી બાજુ મંડળની પ્રવૃત્તિની જાહેરાત, મંડળનાં અધિવેશનોના અહેવાલ વગેરે મંડળના સભ્યો સુધી પહોંચાડવા માટે ‘સુગણિતમ્’ સ્વાભાવિક માધ્યમ બની રહે છે.
1970-80ના દાયકામાં ગુજરાતની શાળાઓમાં બે મહત્ત્વની ઘટના બની. એક તો નવું ગણિત દાખલ કરવામાં આવ્યું. બીજું 10 + 2ની ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની યોજના અમલમાં આવી. ગણિતના સંદર્ભમાં આ બંને બાબતોમાં જૂનામાંથી નવાનું સંક્રમણ સરળ અને અંતરાયરહિત બનાવવામાં ‘સુગણિતમ્’ના લેખોએ અને ગણિત મંડળનાં અધિવેશનની ચર્ચાઓએ બહુ ઉપયોગી ભાગ ભજવ્યો છે. કેટલીક વાર તો આ લેખો અને ચર્ચાઓ અભ્યાસક્રમ નક્કી કરનારાં સત્તામંડળોને માર્ગદર્શન રૂપ નીવડ્યાં. આમ ‘સુગણિતમે’ જુદી જુદી રીતે ગણિતશિક્ષણની પાયાની સેવા કરી છે.
‘સુગણિતમ્’ ગુજરાતના ગણિતશિક્ષણ માટે ઉપયોગી પણ છે અને આભૂષણરૂપ પણ છે. એ દૃષ્ટિએ ‘સુગણિતમ્’ની સેવાઓ ગુજરાતને દીર્ઘકાળ પર્યંત મળતી રહે એ જરૂરી છે.
મહાવીરેન્દ્ર હ. વસાવડા