સુખાવતીલોકેશ્વર : નેપાળમાં પ્રચલિત બોધિસત્વ અવલોકિતેશ્વરનું એક વિશિષ્ટ સ્વરૂપ. અમૃતાનંદરચિતા ‘ધર્મકોશસંગ્રહ’માં આ સ્વરૂપનું વર્ણન મળે છે. અવલોકિતેશ્વર વર્તમાન ભદ્રકલ્પના અધિષ્ઠાતા મનાતા હોઈ વર્તમાન જગતના રક્ષણની જવાબદારી એમના શિરે છે. સાધનમાલામાં અવલોકિતેશ્વરનાં લગભગ 31 સાધનો જાણવા મળે છે, જે એમની જે-તે સ્વરૂપની ઉપાસનાનાં સૂચક છે. આમાંથી 15 સાધનોનું વર્ણન સાધનમાલામાં પ્રાપ્ત થાય છે. એમાં સુખાવતી લોકેશ્વરને 14મા સ્વરૂપ તરીકે ગણાવ્યા છે પરંતુ સાધનમાલામાં એમનું વર્ણન અપાયું નથી. ઉપરોક્ત ‘ધર્મકોશસંગ્રહ’ પ્રમાણે આ અવલોકિતેશ્વર સ્વરૂપ શ્વેત વર્ણનું છે અને તેઓ ત્રિમુખ અને ષડ્ભુજ ધરાવે છે. જમણી બાજુનો એક હાથ શરસંધાન કરે છે. બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વરદમુદ્રામાં છે. ડાબી બાજુના એક હાથમાં ધનુષ્ય, બીજા હાથમાં કમળ અને ત્રીજો હાથ એમની જંઘા પર બેઠેલી દેવી તારાને આલિંગન આપતો બતાવ્યો છે. બોધિસત્વ લલિતાસનમાં બેઠેલા છે અને મસ્તક પર ધ્યાનીબુદ્ધ અમિતાભને ધારણ કરેલા છે. સુખાવતી લોકેશ્વરની નિકટ વજ્રતારા, વિશ્વતારા અને પદ્મતારા નામે દેવીઓ ખડે પગે ઊભી છે. નેપાળમાંથી આ સ્વરૂપની પાષાણની તેમજ ધાતુની પ્રતિમાઓ મળી છે, જે ત્યાં આ સ્વરૂપની ઉપાસના પ્રચલિત હોવાનું સૂચવે છે. અન્યત્ર આ સ્વરૂપની પ્રતિમાઓ પ્રાપ્ત થતી નથી.
પ્રવીણચંદ્ર પરીખ