સુકુમાર, રમણ (. 3 એપ્રિલ 1955, ચેન્નાઈ, ભારત) : પર્યાવરણ-વૈજ્ઞાનિક (ecologist), પ્રાણી-પ્રકૃતિના ચાહક અને નિષ્ણાત. હાથીઓ પરનાં પુસ્તકો અને લેખોથી જગવિખ્યાત વૈજ્ઞાનિક. ઉછેર ચેન્નાઈમાં. નાનપણથી તેમને ‘વનવાસી’(forest-dweller)ના હુલામણા નામથી સૌ ઓળખતા. આ નામ તેમનાં દાદીમાએ પાડેલું. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી પર્યાવરણની જાળવણી વિશે જાણકારી મેળવવાનું અને તે સંબંધી કામ કરવાનું નક્કી કર્યું હતું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ) અને એમ.એ.ની ઉપાધિઓ મેળવી. તેમનો મુખ્ય વિષય વનસ્પતિશાસ્ત્ર હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગલોરમાં પીએચ.ડી.ની ઉપાધિ માટે અધ્યયન કર્યું. તેમના અભ્યાસનું કેન્દ્ર હાથીઓ અને માણસો વચ્ચેના સંબંધ અંગેનું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા તેમનો મહાનિબંધ પ્રસિદ્ધ થયો છે. સુકુમારનો સ્પષ્ટ મત છે કે જો વાઘ જંગલનો આત્મા છે તો હાથી તેનું શરીર છે. પાછળથી તેમણે ‘એલિફન્ટ ડેઝ ઍન્ડ નાઇટ્સ’, ‘ટેન યર્સ વિથ ધી ઇન્ડિયન એલિફન્ટ’ અને ‘ધ લિવિંગ એલિફન્ટ્સ’, ‘ઇવૉલ્યૂશનરી ઇકૉલૉજી બિહેવ્યર ઍન્ડ કન્ઝર્વેશન’ (2003) તથા ‘એલિફન્ટ્સ’ (2004) પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે.

રમણ સુકુમાર

સુકુમાર પોતે હાથીઓના જીવનના મોટા અભ્યાસી છે. જંગલમાં રહેતા હાથીઓની જાતિઓ માટે તેઓ સવિશેષ ચિંતિત છે. બૅંગલોરમાં તેઓ ઇકૉલૉજીના પ્રાધ્યાપક છે. 2003નો ‘વ્હિટલી ગોલ્ડ ઍવૉર્ડ’ તેમને એનાયત થયો છે. વન્યપ્રાણી સંરક્ષણ અને અભયારણ્ય માટે તેઓ કૃતનિશ્ર્ચય છે. એશિયન એલિફન્ટ રિસર્ચ ઍન્ડ કન્ઝર્વેશન સેન્ટરના માનાર્હ નિયામક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. આમ તેઓ એશિયન નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રૂપ ઑવ્ ધ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયનના અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ હતી. પ્રોજેક્ટ એલિફન્ટ સ્ટિયરિંગ કમિટીના સભ્ય તરીકે ભારત સરકારને હાથીઓની જાળવણી માટે તેમણે અમૂલ્ય સૂચનો કર્યાં છે.

હાથીઓના અભયારણ્ય માટે સુકુમારે સર્વેક્ષણ કરીને નકશા સાથે જે તે પ્રદેશની ભલામણ કરતા અહેવાલો સરકાર સમક્ષ રજૂ કર્યા. જંગલી હાથીઓ બીક વગર ભ્રમણ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે સકારાત્મક ભલામણ કરી. વળી, આ પ્રાણીઓ ઊભા પાકને નુકસાન ન કરે તે માટે વાડો બાંધવાનું સૂચન પણ કર્યું. જંગલી હાથીઓ વરસેદહાડે સરેરાશ 200 જેટલા માણસોને મારી નાખે છે. તેમાં ઘટાડો થાય તેવી વાત પણ સુકુમારે કરી છે. ભારતમાં સૌપ્રથમ તેવી નીલગિરિ બાયૉસ્ફિયર રિઝર્વ નામની સંસ્થાની ડિઝાઇન તેમણે કરી આપી છે. આ સંસ્થામાં હવામાન, ઉષ્ણકટિબંધના જંગલનાં પ્રાણીઓ માટેનાં અભયારણ્યો વગેરેનાં સંશોધન કરવામાં આવે તેવી યોજના તેમણે કરી આપી છે. પોતાને મળેલ વ્હિટલી ઍવૉર્ડની રકમનો ઉપયોગ સ્થાનિક ખેડૂતો જંગલી હાથીઓના આક્રમણથી પોતાને તેમજ પોતાના પાકને બચાવી શકે એ માટેની યોજનાઓમાં થાય તેવી વ્યવસ્થા તેમણે કરી છે. તેમણે તકેદારી રાખનાર (watch-dog) સ્વયંસેવકોનું એક સંગઠન ઊભું કરી જંગલી હાથીઓની વસ્તી ઓછી ન થાય તેની કાળજી રાખવા માટે તેમજ હાથીઓના શિકારીઓ પર જાપ્તો રાખવા અને હાથીઓની તંદુરસ્તી ટકી રહે તે માટે તેમણે યોજના કરી છે.

1989નો ‘પ્રેસિડેન્શિયલ ઍવૉર્ડ ઑવ્ ધ શિકાગો ઝૂઓલૉજિકલ સોસાયટી’ અને 1997નો ‘ઑર્ડર ઑવ્ ધ ગોલ્ડન આર્ક, ધ નેધરલૅન્ડ્ઝ’ તેમને એનાયત થયા છે. ઇન્ડિયન અકાદમી ઑવ્ સાયન્સિઝ – બૅંગલોરે તેમને ‘ફેલો’ બનાવ્યા છે.

વિ. પ્ર. ત્રિવેદી