સુકુમારન્, એમ. (જ. 11 જાન્યુઆરી 1943, ચિત્તૂર, જિ. પાલઘાટ, કેરળ; અ. 16 માર્ચ 2018, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘ચુવન્નચિહનંગલ’ બદલ 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

એમ. સુકુમારન્

તેઓ માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ 1963માં મહાલેખાકારની કચેરી, તિરુવનંતપુરમ્માં લિપિકની સેવામાં જોડાયા, 1974માં ટ્રેડ યુનિયનની ચળવળને કારણે તેમને ત્યાંથી છૂટા કરવામાં આવ્યા. 1962થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે 4 નવલકથાઓ અને 6 વાર્તાસંગ્રહો આપ્યા છે. ‘પારા’, ‘અઝીમુખમ’, ‘શેષક્રિયા સુધાવયુ’, ‘જનિતકમ્’ તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘તૂક્કુમરંગળ જ્ઞંગળક્કુ’, ‘મરિચ્ચિટ્ટિલ્લાત્તવરુડે સ્મારકંગલ’, ‘ચરિત્રગાથા’, ‘પિતૃતર્પણમ્’, ‘એમ. સુકુમારંટે કથકળ’, ‘વાંચિક્કુણમ્ પતિ’ અને ‘ચુવન્નચિહનંગલ’ તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે.

તેમની વાર્તાઓ તમિળ, કન્નડ, હિંદી, ગુજરાતી અને બાંગ્લા ભાષાઓમાં અનૂદિત કરવામાં આવી છે. તેમની 4 વાર્તાઓનું ફિલ્માંકન થયું છે. ‘સંઘગાનમ્’ અને ‘ઉણર્તુપાટ્ટુ’ વાર્તા પરથી એ જ નામે પી. એ. બૅકરે ફિલ્મોનું નિર્માણ કર્યું છે; જ્યારે ‘તિતુણ્ણિ’ પરથી ‘કઝકમ’ નામક ફિલ્મનું એમ.પી. સુકુમારન્ નાયરે અને ‘પિતૃતર્પણમ્’ના આધારે ‘માર્ગમ્’ નામક ફિલ્મનું વિજયરાઘવને નિર્માણ કર્યું છે. ‘માર્ગમ્’ને સર્વશ્રેષ્ઠ પટકથા માટે મોરૉક્કો અને તેહરાન ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર તથા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર (ત્રણ વાર), પદ્મરાજન્ સ્મારક પુરસ્કાર, યૂ. પી. જયરાજ સ્મારક પુરસ્કાર તથા સર્વશ્રેષ્ઠ વાર્તા માટેના કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર(1982, 1996)થી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમણે પુરસ્કૃત કૃતિ ‘ચુવન્નચિહનંગલ’ના માધ્યમ દ્વારા અધિકારની કાર્યપ્રણાલીના વિવેચનનું કાર્ય કર્યું છે. તેમાંની વાર્તાઓ સમાજના દબાયેલા–કચડાયેલા વર્ગની આશાઓ-આકાંક્ષાઓના નિરૂપણની સાથોસાથ શાસનવ્યવસ્થા દ્વારા તેમની આ આશાઓનું જે રીતે ઉચ્છેદન થાય છે તેને ઉજાગર કરે છે. આ રચનાઓ દ્વારા મૂક જનતાની પીડાને જોરદાર અભિવ્યક્તિ મળી છે. તેથી આ કૃતિ મલયાળમમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં એક મહત્વનું પ્રદાન મનાય છે.

બળદેવભાઈ કનીજિયા