સુકર્ણો (જ. 6 જૂન 1901, બ્લિટાર, પૂર્વ જાવા; અ. 21 જૂન 1970, જાકાર્તા, ઇન્ડોનેશિયા) : ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા અને 1945થી 1967 સુધી ઇન્ડોનેશિયાના પ્રમુખ. તેમના પિતા શાળાના શિક્ષક હતા. તેમના પિતાએ તેમને પાશ્ર્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાનાથી મોટી ઉંમરની શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યાં. પાછળથી તેમણે બીજી કેટલીક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. સુકર્ણો 1926માં પશ્ચિમ જાવાના બાંડુંગમાં ટૅકનિકલ સંસ્થામાંથી સ્નાતક થયા. તેમણે થોડો સમય સ્થપતિ તરીકે કામ કર્યું અને તે પછી રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં સક્રિય થયા.

સુકર્ણો

તેમણે ઉશ્કેરણીજનક ભાષણો કરીને રાષ્ટ્રવાદી ચળવળને પ્રોત્સાહિત કરી અને વિશાળ જનતાનું ધ્યાન દોર્યું. 1929માં ત્યાંની ડચ સરકારે તેમને બે વર્ષ માટે જેલમાં પૂર્યા. 1931માં મુક્ત થયા બાદ, તેઓ ‘પાર્ટિન્ડો’ – ઇન્ડોનેશિયન પક્ષમાં જોડાયા અને તેના પ્રમુખ થયા. ઇન્ડોનેશિયાની સ્વતંત્રતા વાસ્તે તેમણે કામ કરવા માંડ્યું. 1933માં તેમની ફરીથી ધરપકડ થઈ. તેમને દેશનિકાલ કરીને પૂર્વ ઇન્ડોનેશિયામાં ફ્લૉર્સ નામના ટાપુમાં મોકલ્યા. 1942માં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને નેધરલૅન્ડ્ઝ ઇન્ડિઝ પર હુમલો કર્યો અને સુકર્ણોને મુક્ત કર્યા. 1942થી 1945 સુધી, જાપાનના કબજા દરમિયાન, સુકર્ણોએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રવાદીઓનું નેતૃત્વ કર્યું અને જાપાનીઓને સહકાર આપ્યો. 1 જૂન, 1945ના રોજ એક પ્રવચનમાં તેમણે ‘પંચશીલ’ની રજૂઆત કરી. તે સ્વતંત્ર ઇન્ડોનેશિયા રાજ્યના નીતિવિષયક સિદ્ધાંતો બન્યા. જાપાને 14 ઑગસ્ટ, 1945ના રોજ ઇન્ડોનેશિયાનો કબજો સોંપી દીધો. સુકર્ણો અને તેમના સાથી રાષ્ટ્રવાદી નેતા મહમ્મદ હાટાએ 17 ઑગસ્ટ, 1945ના રોજ ઇન્ડોનેશિયાની સ્વતંત્રતાનું ઐતિહાસિક જાહેરનામું વાંચ્યું. નવા પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો બન્યા અને બે દાયકાથી વધુ સમય તે હોદ્દા પર રહ્યા.

તેમના અમલનાં પ્રથમ ચાર વર્ષ ડચ સાથેના સંઘર્ષમાં વીત્યાં. ડચ લોકો તેમના સંસ્થાન પર સત્તા મેળવવા ઇચ્છતા હતા. 1948માં તેમણે સુકર્ણો અને ઇન્ડોનેશિયાના બીજા કેટલાક નેતાઓને ગિરફતાર કર્યા અને તેઓને સુમાત્રાથી દૂર બંગકા ટાપુમાં દેશનિકાલ કર્યા. 1949માં આખરે ડચોએ ઇન્ડોનેશિયાની સ્વતંત્રતા માન્ય રાખી અને સુકર્ણોએ જાકાર્તામાં પ્રમુખનો હોદ્દો ફરીથી સંભાળ્યો.

સુકર્ણો, 1965 સુધી ઇન્ડોનેશિયાના સર્વસ્વીકૃત નેતા રહ્યા. આ વર્ષો દરમિયાન, તેમણે બે પડકારોનો સામનો કરવો પડ્યો. પ્રથમ પડકાર એ હતો કે, યુદ્ધને કારણે થયેલ અવ્યવસ્થિત વહીવટી તંત્ર અને ગરીબીનો તેમણે ઉકેલ શોધવાનો હતો. આમાં તેમને સફળતા ન મળી. બીજો પડકાર – હજારો ટાપુઓમાં રહેતા આશરે 250 જૂથો અને જુદી જુદી ભાષાઓ, સંસ્કૃતિ તથા રિવાજો ધરાવતા લોકોને સંયુક્ત કરવાનો હતો. આ કઠિન કાર્યમાં તેઓ સફળ થયા.

તેમના હોદ્દાની મુદત દરમિયાન, ઇન્ડોનેશિયામાં લોકશાહી પદ્ધતિનો પ્રયાસ સફળ થયો નહિ. 1956થી 1959 દરમિયાન સુકર્ણોએ ‘ગાઇડેડ ડેમૉક્રસી’નો અમલ કર્યો. તેમાં તેમણે દેશનાં વિવિધ જૂથો સાથે તેમના નેતૃત્વ હેઠળ ચર્ચાઓ યોજી. તેમણે સશસ્ત્ર દળો, સામ્યવાદીઓ, મુસ્લિમો જેવાં શક્તિશાળી જૂથ વચ્ચે સમતુલા જાળવી એ તેમની મોટી રાજકીય સિદ્ધિ હતી.

30 સપ્ટેમ્બર, 1965ના રોજ સામ્યવાદતરફી લશ્કર અને હવાઈ દળના અધિકારીઓના જૂથે લશ્કરના છ વરિષ્ઠ સેનાપતિઓની હત્યા કરીને સત્તા હસ્તગત કરવા પ્રયાસ કર્યો. મેજર જનરલ સુહાર્તોના નેતૃત્વ હેઠળ જાકાર્તામાંના લશ્કરે બળવો કચડી નાખ્યો. માર્ચ, 1966માં સુકર્ણોએ તેમની કેટલીક સત્તાઓ સુહાર્તોને સોંપવી પડી. સુહાર્તોએ સામ્યવાદી પક્ષ પર પ્રતિબંધ મૂક્યો. સુકર્ણોએ પ્રમુખનો હોદ્દો ચાલુ રાખ્યો; પરંતુ સુહાર્તોએ વધુ ને વધુ સત્તા લેવા માંડી. માર્ચ, 1967માં આખરે સુકર્ણોએ પ્રમુખનો હોદ્દો જનરલ સુહાર્તોને સોંપી દેવો પડ્યો. સુકર્ણો મરણ પામ્યા ત્યાં સુધી દેશમાં લોકપ્રિય હતા અને તેમની અન્ત્યવિધિમાં લોકોનાં મોટાં ટોળાં ભેગાં થયાં હતાં. તેમના અવસાન પછી દેશમાં તેમની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થયો હતો.

જયકુમાર ર. શુક્લ