સુએઝ : જલવાહિત (waterborne) કચરો. સુએઝમાં ઘરેલુ વપરાશથી ઉદભવતો પ્રવાહીમય કચરો (જેમાં સાબુઓ, ડિટરજંટ, કાગળ, ચીંથરાં વગેરે હોય છે.), પ્રાણીઓ અને મનુષ્યનાં મળ-મૂત્ર અને ખોરાક સંસાધિત કરતાં કારખાનાંમાંથી આવતો કચરો, જે પાણીના સૌથી મોટા પ્રદૂષકસમૂહ પૈકીનો એક છે. જલપ્રદૂષણ ગામડાં, શહેરો અને નગરપાલિકાઓના કચરાનું તળાવ, સરોવરો, ઝરણાં કે નદીઓમાં થતું અનિયંત્રિત સન્નિક્ષેપણ (dumping) છે. આ જલરાશિઓ (aquatic bodies) કચરાના પુનશ્ર્ચક્રણ (recycling) માટેની સ્વનિયમન(self-regulating)ની ક્રિયાવિધિ ધરાવે છે. સામાન્યત: જો જલરાશિ દ્વારા પ્રાપ્ત થતો સુએઝનો જથ્થો ઓછો હોય તો જારકજીવી (aerobic) બૅક્ટેરિયાની સક્રિયતા દ્વારા ટૂંકા ગાળામાં વિઘટન થઈ જાય છે; પરંતુ જો સંદૂષણ (contamination) વધારે પડતું હોય, તો જલરાશિ સ્વશુદ્ધીકરણ(self-purifying)ની સક્રિયતા ગુમાવે છે અને મનુષ્યના અને અન્ય ઘરેલુ ઉપયોગો માટે પાણી અયોગ્ય બને છે.

મોટાભાગના ડિટરજંટનું મુખ્ય ઘટક ફૉસ્ફેટ છે. ફૉસ્ફેટ કૅલ્શિયમ જેવા આયનો સાથે સંયોજાઈ તેમને નિષ્ક્રિય કરે છે. તેથી તેઓ પ્રતિક્રિયા કરી શકતા નથી અને મેલ ઓગાળતા અણુઓને અસમર્થ બનાવે છે. આ ફૉસ્ફેટ પાણીમાં આવતાં લીલની અતિ અધિક (laxuriant) વૃદ્ધિ થાય છે. લીલની વિસ્તીર્ણ વૃદ્ધિને કારણે પાણીમાંથી ઘણી વાર વિપુલ પ્રમાણમાં ઑક્સિજન શોષાય છે; તેથી એ સ્થિતિ અન્ય સજીવો માટે હાનિકારક બને છે અને કોહવાટ થતાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. કેટલીક વિઘટનકારી વનસ્પતિઓ સ્ટ્રિક્નિન જેવા વિષાળુ પદાર્થો ઉત્પન્ન કરે છે, જે ઢોર સહિતનાં પ્રાણીઓનો નાશ કરે છે.

નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓ જલરાશિમાં ચિકિત્સા-રહિત કે અંશત: ચિકિત્સિત સુએઝનો નિકાલ કરે છે. જલ-પ્રદૂષણનો આ એક પ્રાથમિક સ્રોત છે. સુએઝના નિકાલથી થતી પ્રક્રિયાઓ આ પ્રમાણે છે :

(i) ઑક્સિજનનો અવક્ષય : આ ક્રિયામાં જારકજીવી બૅક્ટેરિયા દ્વારા જૈવ દ્રવ્યનું વિઘટન થાય છે. જૈવ દ્રવ્યોના બૅક્ટેરિયા દ્વારા થતા વિઘટન દરમિયાન પાણીના એકમ કદમાં વપરાતા ઑક્સિજનના જથ્થાને જૈવિક ઑક્સિજન માંગ (biological oxygen demand – BOD) કહે છે. તેની કસોટી પાંચ દિવસ માટે 20° સે. તાપમાને કરવામાં આવે છે. આ BOD-નું મૂલ્ય પાણીમાં રહેલા કાર્બનિક કચરાના પ્રમાણમાં હોય છે. BOD-નો ઉપયોગ કચરાની પ્રબળતાના માપ (measure) તરીકે અને પ્રદૂષણની માત્રાના દર્શક તરીકે થાય છે. આમ BOD-નાં મૂલ્યો ટ્રીટમેંટ પ્લાન્ટની વિધિની યોજના (process design), ગણતરીનું ભારણ (loading), ક્ષમતાનાં માપ અને સંચાલન (operation) માટે અત્યંત ઉપયોગી ગણાય છે. સૂક્ષ્મ સજીવોના પ્રકારો, pH, વિષની હાજરી, કેટલાંક અપચાયી (reduced) ખનિજો અને સૂક્ષ્મ સજીવોનું નાઇટ્રીકરણ (nitrification) જેવી પ્રક્રિયાઓ BOD કસોટી ઉપર અસર કરે છે.

વળી, BOD-નું મૂલ્ય જલપ્રવાહના પ્રદૂષણ-નિયંત્રણ-પ્રબંધ અને જલરાશિની સ્વશુદ્ધીકરણક્ષમતાના મૂલ્યાંકન માટે પણ ઉપયોગી છે. BOD-ની સાથે જલરાશિમાં દ્રાવિત ઑક્સિજન (dissolved oxygen, DO) તેમાં વસવાટ ધરાવતા જૈવિક પ્રકાર દ્વારા દર્શાવાય છે. દ્રાવિત ઑક્સિજનનું પ્રમાણ ઘટીને 4થી 5 પી.પી.એમ. કરતાં નીચું જાય ત્યારે તેમાં માછલીઓ ભાગ્યે જ જોવા મળે છે. ઑક્સિજનનું પ્રમાણ તેથી વધારે ઘટે તો અજારકજીવી (anaerobic) બૅક્ટેરિયામાં વધારો થાય છે. જોકે અવિઘટનીય કાર્બનિક દ્રવ્ય અને વિષ(toxins)ની હાજરી તથા સૂક્ષ્મ જીવોની વસ્તીઓના સ્થાનિક ફેરફારોને લક્ષમાં રાખ્યા સિવાય કાર્બનિક ભારને સમકક્ષ BOD મૂલ્યોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. ટ્રીટમેંટ પ્લાન્ટના પ્રબંધમાં માત્ર યોગ્ય કચરા પૂરતું જ BOD કસોટી મર્યાદિત રાખવી જોઈએ. જોકે અન્ય પ્રકારના કચરા માટે રાસાયણિક ઑક્સિજન માંગ(chemical oxygen demand – COD)નાં મૂલ્યો વધારે યોગ્ય ગણાય છે.

પાણીના નમૂનામાં રહેલા કાર્બનિક દ્રવ્યનું જલદ રાસાયણિક ઉપચાયક (oxidant) દ્વારા ઑક્સિડેશન કરવા માટે જરૂરી ઑક્સિજનના જથ્થાને રાસાયણિક ઑક્સિજન માંગ કહે છે અને બે કલાકમાં પોટૅશિયમ ડાઇક્રોમેટમાંથી લીધેલા ઑક્સિજન (પી.પી.એમ.માં) દ્વારા દર્શાવાય છે. આ મૂલ્ય કાર્બનિક દ્રવ્યની સાંદ્રતાનું અલ્પ (poor) માપ દર્શાવે છે કારણ કે નાઇટ્રેટ, સલ્ફેટ અને અપચાયિત ધાતુનાં આયનો જેવાં અકાર્બનિક દ્રવ્યોના ઑક્સિડેશનમાં પણ ઑક્સિજન વપરાય છે. વળી બેન્ઝિન, પાયરિડિન અને કેટલાંક ચક્રીય સંયોજનો જેવાં – કાર્બનિક દ્રવ્યોનું આ કસોટી દ્વારા ઑક્સિડેશન થતું નથી. ટ્રીટમેંટ પ્લાન્ટના પ્રબંધ અને વિધિની યોજનાના નિર્ધારણમાં તેની ઝડપને કારણે તે અત્યંત મહત્વનો પ્રાચલ (parameter) ગણાય છે. ટ્રીટમેંટ પ્લાન્ટની ક્ષમતાની ગણતરી માટે તેનું મૂલ્ય આધાર તરીકે લેવામાં આવે છે. વળી, વિવિધ પ્રકારનાં પાણીમાં ઔદ્યોગિક અથવા ઘરેલુ બહિ:સ્રાવો(effluents)ના નિકાલ માટેના માનકો(standards)માં તેનું મહત્વ છે. સૂક્ષ્મ સજીવોની વૃદ્ધિ માટે વિષાળુ પદાર્થો જેવી અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓની COD-ના મૂલ્ય ઉપર કોઈ અસર થતી નથી.

(ii) લીલની વૃદ્ધિમાં ઉત્તેજન : લીલની વૃદ્ધિમાં ઉત્તેજન થતાં લીલની જાતિઓનું નીલહરિત લીલ(blue green algae)માં વિસ્થાપન થાય છે અને નુકસાનકારક લીલની ચાદરો છવાઈ જાય છે, જે સુપોષણ(eutrophication)માં પરિણમે છે. નીલહરિત લીલના મોટાભાગના ફાલ(bloom)નો અપૃષ્ઠવંશીઓ (invertebrates) કે પ્રાણીપ્લવકો (zoo planktons) ખોરાક તરીકે ઉપયોગ કરતાં નથી; જેથી પરભક્ષી (predatory) નિયંત્રણ લઘુતમ બને છે. લીલના આવા જથ્થાઓનું જૈવિક વિઘટન ઑક્સિજનના અવક્ષયમાં વધારો કરે છે. અલ્પ ઑક્સિજનવાળી સ્થિતિમાં અને કાર્બનડાયૉક્સાઇડના વધારાને કારણે માછલીઓ અને અન્ય પ્રાણીઓ મૃત્યુ પામે છે અને સ્વચ્છ પાણી દુર્ગંધ મારતા પાણીમાં ફેરવાય છે.

(iii) ચેપી રોગોનું વિસ્તારણ (spreading) : સુએઝના નિકાલને પરિણામે જલરાશિમાં વાઇરસ, બૅક્ટેરિયા અને કેટલાંક પ્રજીવો જેવા સૂક્ષ્મજીવો અને કૃમિઓ થાય છે. તેઓ ચેપી રોગોનો ફેલાવો કરે છે. કેટલાક જલવાહિત ચેપી રોગો સારણી 1માં દર્શાવવામાં આવ્યા છે :

સારણી 1 : મનુષ્યમાં થતા જલવાહિત રોગો અને રોગકારક સજીવો

સજીવો રોગો
વાઇરસ વાઇરલ યકૃતશોથ (hepatitis), બાળલકવો કે પોલિયો (poliomyelitis)
બૅક્ટેરિયા કૉલેરા, આંત્રજ્વર (typhoid), પરાંત્રજ્વર (paratyphoid), મરડો, અતિસાર (diarrhoea)
પ્રજીવ અમીબીય રુગ્ણતા (amoebiasis), જિયાર્ડિયા રુગ્ણતા (giardiasis)
સૂત્રકૃમિ ગોળકૃમિ, અંકુશકૃમિ, સૂત્રકૃમિ

જલીય પ્રદૂષણનું મૂલ્યાંકન Escherichia coli નામના બૅક્ટેરિયાની હાજરી ઉપરથી થાય છે. પાણીમાં તેમનો જથ્થો પ્રાણીઓ અને મનુષ્યના ઉત્સર્ગ પદાર્થોના પ્રમાણ ઉપર આધારિત હોવાથી તેમનો જથ્થો પ્રદૂષણની માત્રાનો નિર્દેશ કરે છે. જલરાશિમાં પ્રદૂષણની માત્રા E. coliની સંખ્યા ઉપરથી નિર્ધારિત થાય છે : (સારણી 2)

સારણી 2 : જલપ્રદૂષણની માત્રા અને E. coliની સંખ્યા વચ્ચે સંબંધ

જલપ્રદૂષણની માત્રા E. coliની સંખ્યા
(i) ભારે પ્રદૂષિત 100001-1
(ii) પ્રદૂષિત 10001-1
(iii) અલ્પ પ્રદૂષિત 1001-1
(iv) સંતોષકારક ગુણવત્તા 101-1
(v) પીવાનું પાણી 31-1

ભારત અને વિકાસ પામતા દેશો માટે જલવાહિત ચેપ સામાન્ય સમસ્યા છે. આ દેશોમાં 80 % રોગો સંદૂષિત પાણી સાથે સંકળાયેલા છે. ભારતની કેટલીક નદીઓની સંદૂષણની માત્રા સારણી 3માં દર્શાવવામાં આવી છે :

સારણી 3 : નદીના પાણીનું સંદૂષણ

નદીનું નામ મળ કૉલીફૉર્મ
(સંખ્યા/100 મિલી.)
મહી 5,50,000
નર્મદા 2,60,000
તાપી 37,000
વેણગંગા 3,699
કાવેરી 439
કૃષ્ણા 57
ગોદાવરી 07
પેરિયાર 767
સાબરમતી 1,174

સુએઝમાં રહેલા કુલ ઘન પદાર્થો પૈકી લગભગ  ભાગના ઘન પદાર્થો કાર્બનિક ઉદભવવાળા હોય છે અને 250થી 400 પી.પી.એમ. કાર્બનિક કાર્બન અને 80થી 120 પી.પી.એમ. કુલ નાઇટ્રોજન ધરાવે છે. કાર્બનિક કાર્બનનું પ્રમાણ ઔદ્યોગિક કચરાવાળા પાણીમાં ઘણું વધારે હોય છે. સુએઝમાં નાઇટ્રોજન કાર્બનિક સંયોજનો સાથે અંશત: બદ્ધ (bound) થયેલો હોય છે અને અંશત: એમોનિક (ammonical) નાઇટ્રોજન સ્વરૂપે હોય છે. સુએઝમાં જસત (Zn), તાંબું (Cu), ક્રોમિયમ (Cr), મૅંગેનીઝ (Mn), નિકલ (Ni) અને સીસું (Pb) જેવાં તત્વો અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. બીજી અશુદ્ધિઓ પ્લાવી (floating), નિલંબિત (suspended), કલિલીય (colloidal) અને દ્રાવિત ઘન પદાર્થોના સ્વરૂપે જોવા મળે છે. પ્રદૂષણનો ભાર કે માત્રા ઘટાડવા સુએઝ સ્વચ્છ કરવું જોઈએ. જલપ્રવાહ કે નદીમાં નિકાલ કરતાં પહેલાં સુએઝ ઉપર જરૂરી ચિકિત્સા કરવામાં આવે છે.

ચિકિત્સાની પ્રક્રિયા કરવાથી થતા લાભો આ પ્રમાણે છે :

(i) સુએઝના પાણી અને પોષક ઘટકોનું પાકની સિંચાઈ દ્વારા અથવા અન્ય ઔદ્યોગિક ઉપયોગો દ્વારા પુનશ્ર્ચક્રણ કરવામાં આવે છે. ભારતમાં અનેક એવી નગરપાલિકાઓ અને કસબાઓ છે, જ્યાં લગભગ 17,000 હેક્ટર ભૂમિ આવરી લેતી સુએઝ કૃષિ (sewage farming) કરવામાં આવે છે.

(ii) પ્રદૂષણ-સ્રોતને વિલુપ્ત કરી શકાય છે.

(iii) પાકના ઉત્પાદન દ્વારા આર્થિક લાભો પ્રાપ્ત કરી શકાય છે.

સુએઝચિકિત્સા : સુએઝ-ચિકિત્સાના ચાર તબક્કાઓ આ પ્રમાણે છે :

(1) પ્રાથમિક ચિકિત્સા : આ ચિકિત્સામાં પ્લાવી અને નિલંબિત ઘન પદાર્થો, કાગળ અને લાકડાના ટુકડાઓ, ચીંથરાં વગેરેનો ભૌતિક કે રાસાયણિક સાધન દ્વારા નિકાલ કરવામાં આવે છે; જેમાં આવા કચરાના નિકાલ માટે ચાળણ (screening), કતરણ (shredding), ઊર્ણન (flocculating) અને અવસાદન (sedimentation) જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. આ તબક્કામાં નિલંબિત દ્રવ્ય અને કેટલોક ઑક્સિજનની જરૂરિયાતવાળો કચરો નીકળી જાય છે.

સુએઝનું ગટરની નળીઓમાં વહન થાય કે પંપ દ્વારા તેનું શોષણ કરવામાં આવે ત્યારે પ્રાથમિક ચિકિત્સાનો પ્રારંભ થાય છે. આ દરમિયાનમાં બૅક્ટેરિયા દ્વારા વિઘટન શરૂ થાય છે. પછી સુએઝ પ્લાન્ટમાં પ્રવેશે છે; જ્યાં અંશત: વિઘટિત સુએઝનું ગાળણ થાય છે. સુએઝને અનુક્રમે મોટા અને સૂક્ષ્મ છિદ્રોવાળી ક્રમબદ્ધ ચાળણીઓમાંથી પસાર કરવામાં આવે છે, જેથી મોટા પ્લાવી પદાર્થોનો નિકાલ થાય છે. આ ચાળણીઓ સામાન્યત: સમાંતરે ગોઠવાયેલી શ્રેણીબદ્ધ પટ્ટીઓ ધરાવે છે. આ નિકાલ કરેલા કચરાને ઘણી વાર અપચૂર્ણક (comminutor) કે શીર્ણિત્ર(shredder)માં પસાર કરવામાં આવે છે; જ્યાં કાગળ અને ચીંથરાંનું કતરણ થાય છે. ત્યારપછી તેમને અવસાદન-ટાંકીમાં લાવવામાં આવે છે; જ્યાં કાંપ (silt), માટી (clay) અને અન્ય નિલંબિત દ્રવ્યો ટાંકીના તળિયે ઠરે છે.

જોકે આ ચિકિત્સા દ્વારા સુએઝમાં રહેલાં 55 % જેટલાં નિલંબિત દ્રવ્યોનો નિકાલ થતો હોવા છતાં કાર્બનિક દ્રવ્યોની ઊંચી સાંદ્રતા સૂક્ષ્મજીવોને પોષે છે, જે પ્રદૂષણની મુખ્ય સમસ્યા ઊભી કરે છે; તેથી જો પાણીનો પીવા માટે ઉપયોગ કરવાનો હોય તો હજુ આગળ ચિકિત્સા કરવી જરૂરી છે.

(2) દ્વિતીયક ચિકિત્સા : આ ચિકિત્સામાં સુએઝના કાર્બનિક દ્રવ્યનું સૂક્ષ્મજીવોની ચયાપચયિક (metabolic) પ્રક્રિયા દ્વારા વિઘટન કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઑક્સિજનની વિપુલ પ્રમાણમાં હાજરીને લઈને વધારે ઝડપી બને છે. વિઘટનની પ્રક્રિયામાં બૅક્ટેરિયા, પ્રજીવો, કૃમિઓ અને ગોકળગાયો ભાગ લે છે. આ ચિકિત્સા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાં ટપક-ગાળણ-પ્રક્રિયા (trickling filter process) અને સક્રિયિત કાદવ-પ્રક્રિયા(activated sludge process)નો સમાવેશ થાય છે.

ટપક-ગાળણને જૈવિક ગાળણ પણ કહે છે. તેનાં ફિલ્ટર બૅક્ટેરિયા ધરાવતા કાંકરાઓના જાડા સ્તરનાં બનેલાં હોય છે. તેના ઉપર સુએઝનો એકસરખા દરે છંટકાવ કરવામાં આવે છે. આ ફિલ્ટર 2.0 મી. કે તેથી વધારે જાડાઈવાળાં અને વર્તુળાકાર કે લંબચોરસ હોય છે. કચરાયુક્ત પાણી તેના ઉપર ફેલાય છે અને તે વિપુલ પ્રમાણમાં રહેલા ઑક્સિજનના સંપર્કમાં આવે છે. તેથી કચરામાં રહેલા કાર્બનિક અણુઓનું વિઘટન થાય છે.

સક્રિયિત કાદવ-પ્રક્રિયામાં કાર્બનિક કચરો અને વિઘટનકારી સૂક્ષ્મ સજીવોને વાતન-ટાંકી(aeration tank)માં યાંત્રિક પ્રક્ષોભ (agitation) દ્વારા કે પ્રસારિત (diffused) હવા દ્વારા ઊર્ણી જથ્થા (flocculent mass)-સ્વરૂપે પ્રવાહીમાં નિલંબિત રાખવામાં આવે છે. કાદવની ટાંકીઓમાં સતત કચરાનું વહન થાય છે. આ ટાંકીઓ 3 મી. ઊંડી, 6.0 મી. પહોળી અને લગભગ 30 મી. કે તેથી વધારે લાંબી હોય છે. કાદવમાં રહેલી લીલ બૅક્ટેરિયાની વૃદ્ધિ અને ગુણન માટે ઑક્સિજન પૂરો પાડે છે. આ પ્રક્રિયા વિપુલ પ્રમાણમાં કાર્બનિક દ્રવ્ય ધરાવતા ઔદ્યોગિક સુએઝની ચિકિત્સા માટે સૌથી યોગ્ય પ્રક્રિયા છે.

હૂંફાળી આબોહવા કે જ્યાં તીવ્ર સૂર્યપ્રકાશ સુલભ હોય છે; ત્યાં કેટલીક વાર ઉપચાયી (oxidative) તળાવોમાં જૈવિક ઉપચયન (biological oxidation) કરાવવામાં આવે છે. તેઓ છીછરાં લગૂન (lagoon) જેવાં હોય છે; જેમાં કાચો કે જામેલો કચરો ભરવામાં આવે છે. બૅક્ટેરિયા દ્વારા કાર્બનિક દ્રવ્યનું વિઘટન થાય છે. અંતિમ ઊપજોનો લીલ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા પ્રણાલીને જારક રાખવા પૂરતા પ્રમાણમાં ઑક્સિજન ઉત્પન્ન કરે છે.

દ્વિતીયક ચિકિત્સા કરવા છતાં કેટલાંક વિષાળુ રસાયણો, ફૉસ્ફેટયુક્ત ડિટરજંટ અને વિકિરણોત્સર્ગી (radioactive) પદાર્થો અપરિવર્તિત (unaltered) સ્વરૂપમાં રહી જાય છે. જો આવું પાણી નદી કે તળાવમાં છોડવામાં આવે તો વિષાળુ પદાર્થોનું સંચયન થાય છે; જે વનસ્પતિઓ અને પ્રાણીઓનો નાશ કરે છે.

(3) તૃતીયક (tertiary) ચિકિત્સા : દ્વિતીયક ચિકિત્સામાં રહી ગયેલ નિલંબિત દ્રવ્યના નિકાલની પ્રક્રિયા તૃતીયક ચિકિત્સામાં થાય છે. આ નિકાલની પ્રક્રિયામાં મદદ કરતી પદ્ધતિઓમાં રાસાયણિક સ્કંદન (coagulation), ગાળણ, કાર્બન અધિશોષણ (adsorption) અને હાઇડ્રોજન પેરૉક્સાઇડ અને ક્લોરિન જેવા જલદ ઉપચાયી પ્રક્રિયકો ઉમેરીને કરવામાં આવતા રાસાયણિક ઉપચયનનો સમાવેશ થાય છે. સ્કંદનની પ્રક્રિયામાં સૂક્ષ્મ કણો પરસ્પર જોડાઈને સંગુટિકાશ્મ (conglomerates) બનાવે છે. ત્યારપછી કચરાવાળા પાણીને કાંકરાના સ્તરમાંથી કે સૂક્ષ્મત: ક્રમિક (finely graded) કોલસાના સ્તરમાંથી પસાર કરવામાં આવે છે. ઍલ્યુમિના-ફૅરિક ઉમેરીને ચિકિત્સા કર્યા પછી રેતી દ્વારા ગાળણ કરી ક્લોરિન મિશ્રણ (chlorination) કરતાં સ્વચ્છ, રંગહીન અને બૅક્ટેરીય સંદૂષણથી લગભગ મુક્ત પાણી પ્રાપ્ત થાય છે.

તૃતીયક ચિકિત્સા પછી પણ સુએઝ બહિ:સ્રાવ પીવાના પાણી માટે યોગ્ય હોતો નથી; કારણ કે હજુ પણ તેમાં કેટલાક દ્રાવિત ઘન પદાર્થો અને સૂક્ષ્મજીવો હોય છે.

(4) કાદવનો નિકાલ (sludge disposal) : આ તબક્કામાં અવસાદન ટાંકીઓમાં ઉત્પન્ન થયેલા કાદવનો અંતિમ નિકાલ અને પ્રક્રમણ (processing) કરવામાં આવે છે. સુએઝની ચિકિત્સાનો લગભગ અર્ધો ખર્ચ આ તબક્કામાં થાય છે. જો કાદવનું કદ નાનું હોય તો તેને લગભગ 150 મિમી. જાડા, પાતળા શુષ્કન (drying) સ્તર પરથી પસાર કરવામાં આવે છે. કાદવમાંથી સ્તરની નીચે રહેલી નળીઓમાં જલનિકાસ થતાં કાદવનું અંશત: શુષ્કન થાય છે અને સૂર્ય અને પવન દ્વારા પણ બાષ્પીભવન થતાં કેટલાક પ્રમાણમાં શુષ્કન થાય છે. થોડાક અઠવાડિયામાં કાદવ સુકાઈ જાય છે. જો કાદવનું કદ ખૂબ મોટું હોય તો યાંત્રિક સાધનો દ્વારા તેનું શુષ્કન કરવામાં આવે છે. હવે તો કાદવનું મોટેભાગે અજારક રીતે પાચન કરવામાં આવે છે; જેથી વધારે સ્થાયી ઊપજો ઉત્પન્ન થાય છે અને જો રોગજન સજીવો હોય તો તેમનો નાશ થાય છે. પાચન બંધ ટાંકીઓમાં કરવામાં આવે છે.

આકૃતિ : આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

સંસાધિત કાદવનો કોઈ યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે. ઘણી જગાએ કાદવનો નિકાલ વાડીઓમાં કરવામાં આવે છે, જેથી ભૂમિમાં પોષક તત્ત્વો પાછાં ફરે છે.

બળદેવભાઈ પટેલ