સુંદરૈયા પુચલા પિલ્લાઈ
January, 2008
સુંદરૈયા પુચલા પિલ્લાઈ (જ. 14 મે 1913, આલાગિરિ પાડુ, નેલોર જિલ્લો; અ. ?) : દક્ષિણ ભારતના કર્મઠ સામ્યવાદી નેતા. પિતા સુંદરરામી રેડ્ડી મધ્યમવર્ગીય ખેડૂત હતા. 1943માં લીલા સાથે લગ્ન કરી, તેમણે નિ:સંતાન રહેવાનું પસંદ કર્યું. તેમનાં પત્ની લીલા સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયામાં નોકરી કરતાં હતાં, પણ 1940માં સામ્યવાદી પક્ષની પૂરા સમયની સેવા કરવા માટે તે છોડી દીધી. તે પછી જીવનપર્યંત પતિના ગૃહસ્થ અને રાજકીય જીવનમાં સદાય તેમની સાથે રહ્યાં. સુંદરૈયાએ પ્રાથમિક શિક્ષણ તામિલનાડુના થિરુવેલ્લુરમાં અને કૉલેજશિક્ષણ ચેન્નાઈ અને અન્યત્ર લીધું. નવેમ્બર, 1931માં અભ્યાસ અધૂરો છોડ્યો.
કિશોરવયથી સુંદરૈયા આત્મબલિદાન અને લોકસેવાના વિચારો સેવતા. ઉદ્દામ સામાજિક સુધારાનાં આંદોલનો તેમને ગમતાં તેથી રૂઢિચુસ્ત હિંદુ રિવાજોનો પ્રતિકાર કરી તેઓ તેમના ઘરમાં હરિજનોને આવકારતા, તેમની સાથે નિ:સંકોચ ભોજન લેતા અને આંતરજ્ઞાતીય લગ્નોને ઉત્તેજન પૂરું પાડતા. ઉદ્દામ રાજકીય સાહિત્યથી પણ તેઓ આકર્ષાયેલા. વિક્ટર હ્યુગોની ‘લા મિઝરેબલ’ કે ઉન્નત લક્ષ્મીનારાયણના ‘માલાપલ્લી’ જેવા સાહિત્યના વાચને તેમના ઉદ્દામ વિચારોને પરિપુષ્ટ કરેલા. આ જ રીતે ભારતીય જાહેર જીવનના નિષ્ઠાવાન નેતાઓ- સ્વામી રામતીર્થ, વિવેકાનંદ અને ગાંધીજીથી તેઓ પ્રભાવિત હતા. આ નેતાઓની સાદગી અને કાર્યનિષ્ઠાને પરમ આદર્શ માની તેઓ તેને જીવનમાં ઉતારવા મથતા. તેમના અન્ય સાથીઓની તુલનાએ તેઓ ભારે પરિશ્રમી જીવન જીવતા. રાત-દિવસના ઉજાગરા વેઠી, ઊંડામાં ઊંડી વિગતોનો અભ્યાસ કરી પક્ષ અને જનસમાજ માટે તેઓ સતત કામમાં ખૂંપેલા રહેતા.
એક સામ્યવાદી તરીકે તેમણે પ્રારંભે સ્થાનિક ખેતમજૂરોનું આંદોલન ચલાવેલું અને આંધ્રમાં પક્ષ વતી શાળાઓનું સંચાલન કરેલું. તેઓ સામ્યવાદી સાપ્તાહિક ‘પ્રજાશક્તિ’ના સ્થાપક હતા, જે પાછળથી દૈનિકમાં રૂપાંતર પામેલું. ‘યુથ લીગ’ અને ‘વૉલન્ટિયર ઑર્ગનાઇઝેશન’ જેવાં સંગઠનોના અસ્તિત્વનો યશ તેમને આપી શકાય. ભારતના સ્વાતંત્ર્યના આરંભે નિઝામના શાસન વિરુદ્ધ તેમણે શક્તિશાળી આંદોલનની ભૂમિકા રચી હતી. ‘વિશાલાન્ધ્ર’ સૂત્ર દ્વારા તેમણે આંધ્રપ્રદેશમાં સામ્યવાદ ભણી ઝૂકેલા લોકશાહી આંદોલનનો વિકાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતમાં તેમણે તેલંગણાના ખેતમજૂરોના આંદોલનને સમર્થન પૂરું પાડ્યું હતું. આ આંદોલન સબબ તેમણે ઠીક ઠીક વર્ષો જંગલોમાં ગાળેલાં અને ગેરીલા યુદ્ધની તાલીમ આપી ખેડૂતોને સામ્યવાદી લડત માટે તૈયાર કરેલા.
1952ની પહેલી સામાન્ય ચૂંટણી પછી સામ્યવાદી પક્ષને સંસદમાં માન્ય કરવામાં આવ્યો ત્યારે પક્ષની સંસદીય પાંખ તૈયાર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવેલી. તામિલનાડુ રાજ્યમાંથી તેઓ રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા અને રાજ્યસભામાં પક્ષના નેતા રહ્યા હતા. 1955માં આ પદેથી રાજીનામું આપી તેમણે આંધ્રપ્રદેશ વિધાનસભાની મધ્યસત્રી ચૂંટણીમાં ઝુકાવેલું. તે પછી વિજયી ઉમેદવાર તરીકે તેમણે 1955થી 1967 સુધી સતત આંધ્રપ્રદેશના વિધાનસભ્ય તરીકે સેવાઓ આપી હતી. કેન્દ્રમાં તેમજ સ્થાનિક કક્ષાએ તેઓ ઉદ્યમી, માહિતગાર અને હાજરજવાબી સભ્ય તરીકે પંકાયેલા.
પછીથી સુંદરૈયા અને બસવપુનૈયાએ મળીને સમગ્ર દક્ષિણ ભારત તેમજ વિશેષે આંધ્રપ્રદેશમાં સામ્યવાદી પક્ષના કાર્યકરો તૈયાર કરવા ભારે જહેમત ઉઠાવેલી.
1948થી 1951 અને 1965 દરમિયાન સામ્યવાદ પક્ષના આંતરિક વિખવાદો બહાર આવ્યા અને 1965માં તેના સામ્યવાદી પક્ષ અને સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) એમ બે ભાગ પડ્યા ત્યારે તેમણે નોંધપાત્ર પ્રદાન કરેલું. પરિણામે 1964 અને 1968નાં પક્ષનાં સંમેલનોમાં તેઓ મહામંત્રી તરીકે ચૂંટાયા હતા.
ઊંચી તંદુરસ્તી ધરાવતા આ નેતાને ઉત્તર વયે નબળી તબિયતનો સામનો કરવો પડેલો; છતાં પક્ષીય કામગીરીની બાબતમાં તેઓ નમતું જોખતા નહિ અને સતત કાર્યરત રહેતા.
રક્ષા મ. વ્યાસ