સી.ઓ.ડી. (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ)

January, 2008

સી..ડી. (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ) : મલિન જળમાં રહેલા સકાર્બનિક અને અકાર્બનિક પદાર્થોના સંપૂર્ણ ઉપચયન માટે જરૂરી ઑક્સિજન-પ્રમાણ.

મલિન જળમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય છે. તેમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો તથા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. તેથી આવા મલિન જળનો કોઈ પણ પ્રકારની માવજત વિના નિકાલ કરવામાં આવે તો વાતાવરણ પ્રદૂષિત થાય અને આ વાતાવરણમાં રહેતા સજીવોના જીવન પર ખૂબ જ હાનિકારક અસરો થાય. તેથી આવા મલિન જળની યોગ્ય માવજત કરવી જરૂરી છે. માવજત માટે કઈ રીતનો ઉપયોગ કરવો અને માવજત પછી પણ મલિન જળ નિકાલ કરવાયોગ્ય છે કે કેમ અથવા તો નિકાલ કરતાં પહેલાં મલિન જળને મંદ કરવું જરૂરી છે કે કેમ – આ નક્કી કરવા માટે સી.ઓ.ડી. કસોટી અને બી.ઓ.ડી. કસોટી ખૂબ ઉપયોગી છે.

પાણીમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોના સંપૂર્ણ ઑક્સીકરણ માટે જરૂરી ઑક્સિજનના પ્રમાણને સી.ઓ.ડી. કહેવામાં આવે છે. બી.ઓ.ડી. કસોટી સામાન્ય રીતે જૈવિક વિઘટન માટે જરૂરી ઑક્સિજનના પ્રમાણને માપે છે, જ્યારે સી.ઓ.ડી. કસોટી ઝેરી કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોની તથા જૈવ વિઘટનીય પદાર્થોના ઑક્સીકરણ માટે જરૂરી ઑક્સિજનના પ્રમાણને માપે છે. તેથી સી.ઓ.ડી. કસોટી, બી.ઓ.ડી. કસોટીની જેમ જ મલિન પ્રવાહીના પ્રદૂષણની માત્રા નક્કી કરવામાં વપરાય છે. તેથી જ સી.ઓ.ડી. કસોટી જીવન માટે અત્યંત ઉપયોગી અગત્યની કસોટી છે.

આ કસોટીમાં સૌપ્રથમ જરૂરી નમૂનાને કસનળીમાં લેવામાં આવે છે. ત્યારબાદ ક્રોમિયમ અને સિલ્વર ક્ષારની હાજરીમાં તેમાં સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરવામાં આવે છે. આ રસાયણો ખૂબ જ હાનિકારક હોવાથી ખૂબ કાળજીથી વાપરવામાં આવે છે. ત્યારબાદ કસનળીને બૂચ વડે બંધ કરવામાં આવે છે અને ત્યારબાદ આ કસનળીને 150° સે. તાપમાને બે કલાક રાખવામાં આવે છે. ત્યારબાદ ટ્યૂબને ઠંડી પાડવામાં આવે છે અને કસનળીમાં ઉત્પન્ન થતા રંગની તીવ્રતા માપવામાં આવે છે. તેના આધારે સી.ઓ.ડી.નું પ્રમાણ નક્કી થાય છે.

આ કસોટી કરવા માટે ઘણા પ્રકારની કસનળી-કસોટીઓ પ્રાપ્ત છે. તેમાં પેલિનટેસ્ટ સી.ઓ.ડી. ટ્યૂબ-ટેસ્ટ ખૂબ જ વ્યવહારુ અને અનુકૂળ પડે તેવો છે.

પેલિનટેસ્ટ ટ્યૂબ-ટેસ્ટ ચાર માપન-મર્યાદામાં ઉપલબ્ધ છે : (1) 150 મિગ્રા./લિટર, (2) 400 મિગ્રા./લિટર, (3) 2000 મિગ્રા./લિટર અને (4) 20,000 મિગ્રા./લિટર.

‘કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ’ મલિન જળના પ્રકાર પર આધારિત છે.

નીલા ઉપાધ્યાય