સીકાસ વિક (. 30 ઑગસ્ટ 1923, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુ.એસ.) : અમેરિકાના ટેનિસ-ખેલાડી. તેઓ વિમ્બલ્ડન સિંગલ્સના 1953માં અને ફ્રેન્ચ તથા યુ.એસ. વિજયપદકોના 1954માં વિજેતા બન્યા હતા; પણ ડબલ્સના ખેલાડી તરીકે 13 ગ્રાન્ડ સ્લૅમ વિજયપદકો જીતીને તેઓ વિશેષ સફળતા પામ્યા. ઉત્તરોત્તર 4 વર્ષ સુધી મિક્સ્ડ ડબલ્સમાં વિજેતા બનીને તેમણે વિમ્બલ્ડનનો વિક્રમ સર્જ્યો; એમાં 1953-55 સુધી ડૉરિસ હાર્ટ અને 1956માં શર્લી ફ્રાય સાથે તેમની જોડી હતી. 1953થી 55 દરમિયાન તેઓ 3 યુ.એસ. ચૅમ્પિયનશિપના અને 1953માં ફ્રેન્ચ ચૅમ્પિયનશિપના વિજેતા બન્યા. તે ઉપરાંત 4 વિશેષ ગ્રાન્ડ સ્લૅમ વિજયપદકો જીત્યા – 1954-55માં ફ્રેન્ચ, 1954માં યુ.એસ. તથા 1955માં ઑસ્ટ્રેલિયન વિજયપદકો. આ બધી સફળતા ઉપરાંત, તેમનો ઉત્તમ દેખાવ 1954માં ડૅવિસ કપના ચૅલેન્જ રાઉન્ડમાં જોવા મળ્યો; તેમાં તેમણે સિંગલ્સમાં રૉઝવેલને હરાવ્યો તેમજ ટ્રેબર્ટની સાથે ડબલ્સમાં પણ જીત મેળવી, એ રીતે યુ.એસ. ઑસ્ટ્રેલિયા પાસેથી ટ્રૉફી પાછી મેળવી શક્યું.

તેઓ ડેવિસ કપની 19 સ્પર્ધાઓમાં રમ્યા અને 18માં વિજેતા બન્યા.

તેઓ અરૂઢ શૈલીના ખેલાડી હતા અને તેમની શારીરિક ક્ષમતા હંમેશાં ઉત્તમ રહેતી હતી. રમતના મેદાન પર તેમજ અન્યત્ર તેમનું વર્તન સદૈવ સદભવભર્યું રહેતું. તેમના અન્ય સમકાલીનોની જેમ, તેઓ વ્યવસાયી ખેલાડી બન્યા નહિ તેમજ ઍમેટર ટેનિસના તેઓ છેલ્લા દિવસો સુધી એક ટોચના ખેલાડી બની રહ્યા.

મહેશ ચોકસી