સી.એસ.આઇ.આર. (Council of Scientific and Industrial Research – CSIR)
January, 2008
સી.એસ.આઇ.આર. (Council of Scientific and Industrial Research – CSIR) : ભારત સરકારની વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સંશોધનો કરનારી સંસ્થાઓ અને પ્રયોગશાળાઓનું સંકલન અને નિયંત્રણ કરનાર કારોબારી સલાહકાર મંડળ. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન સંસ્થાન એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના સન 1942માં ધારાસભા(legislative assembly)ના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થાને નીચે મુજબનાં મહત્વનાં કાર્યો સોંપવામાં આવ્યાં છે : (1) ભારતમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવતાં અનુસંધાનનું માળખું ગોઠવવું, તેને પ્રોત્સાહિત કરવું અને જોઈતી માહિતી પૂરી પાડવી.
સી.એસ.આઇ.આર.નો લોગો
(2) નવી સંસ્થાઓ સ્થાપવી અને કાર્યરત વિભાગોને મદદ કરી એવી વ્યવસ્થા ગોઠવવી કે જેથી ઔદ્યોગિક અને વ્યાપારક્ષેત્રોને સાંકળતા પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય.
(3) વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓને અનુસંધાન માટે પુરસ્કારની યોગ્ય ગોઠવણી કરવી.
(4) આ સંસ્થા દ્વારા કરવામાં આવતાં અનુસંધાનનાં પરિણામોનો ઉદ્યોગગૃહોના વિકાસ માટે ઉપયોગ કરવો.
(5) વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન માટે પ્રયોગશાળાઓ, કાર્યશાળાઓ અને સંસ્થાનોની સ્થાપના કરવી તેમજ તેની યોગ્ય જાળવણી અને વહીવટનું માળખું ગોઠવવું.
(6) ઔદ્યોગિક અનુસંધાન તેમજ ઉદ્યોગોને લગતી માહિતી સંકલિત કરી તેનો બહોળો પ્રચાર કરવો.
(7) વૈજ્ઞાનિક શોધપત્રો અને શોધપત્રિકાઓ પ્રકાશિત કરવી.
આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ CSIR ભારતમાં રસાયણો અને દવાઓ, ભૌતિક સાધનો, પીવાલાયક પાણીથી માંડી ખોરાકીય તકનીકી, પર્યાવરણ-જાળવણી, પ્રદૂષણનું નિરાકરણ, અવકાશવિજ્ઞાન તેમજ ખનિજતેલનાં સંશોધનને લગતાં ક્ષેત્રો વગેરેમાં જરૂરી જ્ઞાનના વિકાસ માટેની નવી પ્રક્રિયાઓ અને પ્રૌદ્યોગિકી અંગે સતત કાર્યશીલ રહે છે.
છેલ્લાં 50 વર્ષમાં CSIRનો વિકાસ એ રીતે થયો છે કે તેથી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો એક વિશાળ ઢાંચો તૈયાર થયો છે. સમગ્ર દેશમાં CSIRના નેજા હેઠળ હાલમાં 44 સંસ્થાઓ કાર્યરત છે. તેમાંથી કેટલીક સંસ્થાઓની નોંધ અહીંયાં આપેલ છે :
(1) | CCMB | : | સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી, હૈદરાબાદ. |
(2) | CECRI | : | સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકૂડી. |
(3) | CFRI | : | સેન્ટ્રલ ફ્યૂઅલ (Fuel) રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ધનબાદ. |
(4) | CGCRI | : | સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા. |
(5) | CLRI | : | સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નાઈ. |
(6) | CMMACS | : | સેન્ટર ફૉર મૅથેમૅટિકલ મૉડલિંગ ઍન્ડ કમ્પ્યૂટર સિમ્યુલેશન, બૅંગાલુરુ. |
(7) | CRRI | : | સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હી. |
(8) | CSMCRI | : | સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર. |
(9) | IICT | : | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી, ચંદીગઢ. |
(10) | IGIB | : | ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિનોમિક્સ ઍન્ડ ઇન્ટિગ્રેટિવ બાયૉલૉજી. |
(11) | IMT | : | ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રૉબિયલ ટૅક્નૉલૉજી, ચંદીગઢ. |
(12) | NAL | : | નૅશનલ ઍરોસ્પેસ લૅબોરેટરીઝ, બગલોર. |
(13) | NCL | : | નૅશનલ કેમિકલ લૅબોરેટરી, પુણે. |
(14) | NGRI | : | નૅશનલ જિયૉફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ. |
(15) | NISCAIR | : | નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, કૉમ્યૂનિકેશન ઍન્ડ ઇન્ફૉર્મેશન રિસૉર્સિસ, નવી દિલ્હી. |
(16) | NML | : | નૅશનલ મેટલર્જિકલ લૅબોરેટરી, જમશેદપુર. |
(17) | RRL, BHO | : | રિજિયૉનલ રિસર્ચ લૅબોરેટરી, ભોપાલ. |
(18) | CBRI | : | સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રુરકી. |
(19) | CDRI | : | સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનૌ. |
(20) | CEERI | : | સેન્ટ્રલ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પિલાણી. |
(21) | CFTRI | : | સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મૈસૂર. |
(22) | CIMAP | : | સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનલ ઍન્ડ ઍરોમેટિક પ્લાન્ટ્સ, લખનૌ. |
(23) | CMERI | : | સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દુર્ગાપુર. |
(24) | CMRI | : | સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ધનબાદ. |
(25) | CSIO | : | સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઑર્ગેનાઇઝેશન, ચંદીગઢ. |
(26) | IICB | : | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયૉલૉજી, કોલકાતા. |
(27) | IIP | : | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેટ્રોલિયમ, દહેરાદૂન. |
(28) | IHBT | : | ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિમાલયન બાયૉરિસોર્સિસ ટૅક્નૉલૉજી, પાલમપુર. |
(29) | ITRC | : | ઇન્ડસ્ટ્રિયલ ટૉક્સિકૉલૉજી રિસર્ચ સેન્ટર, લખનૌ. |
(30) | NBRI | : | નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનૌ. |
(31) | NEERI | : | નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર. |
(32) | NIO | : | નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓસનૉગ્રાફી, ગોવા. |
(33) | NISTADS | : | નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, ટૅક્નૉલૉજી ઍન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ, નવી દિલ્હી. |
(34) | NPL | : | નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી. |
(35) | RRL, BHU | : | રિજિયૉનલ રિસર્ચ લૅબોરેટરી, ભુવનેશ્વર. |
બળદેવ વી. પટેલ