સી.એમ.સી. (carboxymethyl cellulose, CMC) : સેલ્યુલૉઝના સોડિયમ વ્યુત્પન્ન(derivative)ની સોડિયમ ક્લોરોએસિટેટ સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજ.

CMC અર્ધસંશ્લેષિત, જળદ્રાવ્ય બહુલક છે. તે શુષ્ક હોય ત્યારે સફેદ પાઉડર રૂપે હોય છે.

તેનો સોડિયમ ક્ષાર જળદ્રાવ્ય હોવાથી પ્રક્ષાલક તરીકે, છિદ્રપૂરક દ્રવ્ય (sizing) તરીકે તથા પ્રલેપ, આસંજક તેમજ ખાદ્યાન્નોમાં પાયસીકારક તરીકે વપરાય છે. ઔષધીય નીપજોમાં પણ તેનો ઉપયોગ થાય છે. કાપડ-ઉદ્યોગમાં તેના ઉપયોગ ઉપરાંત ભૂમિ(જમીન)ના પ્રતિ-પુનર્નિક્ષેપ (anti-redeposition) માટે પણ તે વપરાય છે. આ ઉપરાંત તે શારકામ માટેના રગડા(mud)માં તથા પ્રક્ષાલકોમાં મૃદા-નિલંબનકારક (soil-suspending agent) તરીકે અને છાપકામ માટેની શાહીમાં સંરક્ષક કલીલ (protective colloid) તરીકે પણ વપરાય છે.

જ. પો. ત્રિવેદી