સીએટલ (Seattle) : યુ.એસ.ના વાયવ્ય છેડા પરના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલું મોટું શહેર, વેપારીમથક અને બંદર. ભૌગોલિક સ્થાન : 47° 40´ ઉ. અ. અને 122° 18´ પ. રે.. આ શહેર પૅસિફિક મહાસાગરથી આશરે 200 કિમી. અંતરે પજેટના અખાતના પૂર્વ કાંઠે જુઆન દ ફુકાની સામુદ્રધુની પર આવેલું છે. સીએટલના મોકાના સ્થાનને કારણે તે અલાસ્કા તેમજ દૂર પૂર્વના દેશો-પ્રદેશો માટે મહત્વના પ્રવેશદ્વારની ગરજ સારે છે.

સીએટલનું એક દૃશ્ય

અહીં વિકસેલા ઉદ્યોગોમાં લાકડાં, કાગળ, વીજાણુ, બૅંકિંગ, વીમો તથા અવકાશવિજ્ઞાન અને સમુદ્રવિજ્ઞાનનો સમાવેશ થાય છે. માછલાં અને કૉફી અહીંની અગત્યની પેદાશો છે. ઉદ્યોગો, વેપાર-વાણિજ્ય તેમજ બંદરી સુવિધાઓ જળવાઈ રહે તે હેતુથી આ શહેરને મહત્વનું વાહનવ્યવહારનું મથક બનાવાયું છે.

1851માં ઇલીનૉયના પ્રણેતાઓએ લાકડાના ઉદ્યોગમાં ઝંપલાવવાના ઉદ્દેશથી અહીંના પજેટ સાઉન્ડના આલ્કી પૉઇન્ટ ખાતે સર્વપ્રથમ વસાહત સ્થાપેલી. અહીં ઘણી કુદરતી સંપત્તિ, પાણી અને પુષ્કળ પ્રમાણમાં લાકડાં મળતાં હોવાથી તેમણે આ સ્થળ પર પસંદગી ઉતારેલી; પરંતુ બીજે જ વર્ષે તેઓ આ વસાહતી સ્થળને ખેસવીને ઇલિયટ બે ખાતે અંદર તરફ લઈ ગયેલા. 1853માં હેન્રી યેસ્લરે અહીં લાકડાં વહેરવાની મિલ ઊભી કરી. તે પછી લાકડાંનો ઉદ્યોગ અહીં મુખ્ય બની રહ્યો. અહીંના કાસ્કેડ પર્વતોના ઢોળાવો પર માઉન્ટ બેકર સ્નોકવેલ્મી નૅશનલ ફૉરેસ્ટ વિકસાવવામાં આવેલું છે. આ ઉપરાંત ફૉર્ટ લૉટન (1897) અને સૅન્ડ પૉઇન્ટ નેવલ બેઝ પણ આવેલાં છે.

અહીંનું શરૂઆતનું અર્થતંત્ર લાકડાં કાપવાના અને તેમને જહાજો પર ચડાવવાના કામથી શરૂ થયેલું. 1916માં વૉશિંગ્ટન સરોવરની જહાજી નહેર ખુલ્લી મુકાતાં, આ સ્થળ એક મુખ્ય દરિયાઈ બંદર તરીકે વિકસતું ગયું. બીજા વિશ્વયુદ્ધ સુધીમાં તથા તે દરમિયાન અહીં હવાઈ જહાજોના બાંધકામની કંપનીઓ સ્થપાઈ. હવાઈ જહાજોનું ઉત્પાદન શરૂ થતાં તેનું અર્થતંત્ર વધુ સધ્ધર બન્યું. 1960-70ના ગાળા દરમિયાન અહીંનો જહાજી તેમજ લાકડા ઉદ્યોગ મંદ પડેલો, ઘણા લોકોને નોકરીઓ ગુમાવવી પડેલી; 1970-80ના દાયકામાં આ ઉદ્યોગ ફરી પાછો બેઠો થયો.

આ શહેર માછીમારી અને માછલાં-વિતરણનું મુખ્ય કેન્દ્ર છે. સીએટલની આવકનો મોટો ભાગ લાકડા-ઉદ્યોગ, હવાઈ જહાજી ઉદ્યોગ તેમજ અન્ય 3,600 ઉત્પાદક કંપનીઓમાંથી મળી રહે છે. અહીંના આજુબાજુના અન્ય ઉદ્યોગોમાં સિમેન્ટ, માટી, માછલાં, ધાતુપેદાશો, કાપડ અને ખાદ્યપેદાશોનો સમાવેશ થાય છે. સીએટલ બંદરેથી વાર્ષિક આશરે 80 લાખ મેટ્રિક ટન માલસામાનની હેરફેર થતી રહે છે. સીએટલ અલાસ્કાને ખાદ્યપેદાશો પૂરી પાડે છે; વળી તે અલાસ્કા વતી વિતરક તરીકે સાલ્મન માછલીઓના વાતશૂન્ય ડબ્બાઓ ભરીને મોકલી આપવાની સેવા પણ આપે છે.

વસ્તી : લાકડાનો ઉદ્યોગ, જહાજી બાંધકામ, હવાઈ જહાજોનું ઉત્પાદન તેમજ દરિયાઈ બંદરને કારણે આ શહેરની વસ્તી ક્રમશ: વધતી ગયેલી. 1940માં અહીંની વસ્તી 3,68,000 હતી, તે 1950માં 4,67,000 અને 1960માં 5,57,000 થયેલી; પરંતુ 1960ના દસકામાં શહેરમાંથી લોકો પરાંઓમાં ખસ્યા, તેથી 1960 અને 1980 વચ્ચેના ગાળામાં તેમજ 1990 સુધીમાં શહેર વિભાગની વસ્તી ઘટીને 5,19,000 જેટલી થયેલી. 2000 મુજબ સીએટલ શહેરની વસ્તી 5,63,400 અને બૃહદ્ સીએટલની વસ્તી 27,00,000 જેટલી હતી. વૉશિંગ્ટન રાજ્યના 20 % જેટલા લોકો શહેર વિભાગમાં જ્યારે આશરે 40 % લોકો મહાનગર વિસ્તારમાં રહે છે. સીએટલના 90 % લોકો યુ.એસ.માં જ જન્મેલા છે, 5 % લોકો સ્કૅન્ડિનેવિયન વંશના છે. અશ્ર્વેતો અને અન્ય લઘુમતી જૂથો (અમેરિકી ઇન્ડિયન, એશિયન) કુલ વસ્તીના 20 % જેટલા છે. મોટાભાગનાં લઘુમતી જૂથો શહેરના ગરીબ ગણાતા મધ્ય અને દક્ષિણ વિભાગોમાં વસે છે. આજે ગરીબી અહીંની એક સમસ્યા બની રહેલી છે.

ગિરીશભાઈ પંડ્યા