સીલ : શીત મહાસાગરોમાં મોટી સંખ્યામાં મળી આવતું ઉષ્ણલોહીવાળું સસ્તન માંસાહારી જળચર પ્રાણી. સીલ અને વૉલરસ (Walrus) સસ્તન વર્ગની પિનિપેડિયા શ્રેણીનાં પ્રાણીઓ છે. તેમના પગના પંજા હલેસાં જેવા મીનપક્ષો ધરાવતા હોવાથી તેમને પિનિપેડિયા શ્રેણીમાં મૂકવામાં આવે છે. મોટાભાગની સીલ ફોસિડી (phocidae) કુળની છે. સીલ એ માછલી નથી; પરંતુ બચ્ચાંને જન્મ આપતું સસ્તન પ્રાણી છે. વહેલ, ડ્યુગૉંગ કે ડૉલ્ફિન જેવાં જળચર સસ્તનો કરતાં આ પ્રાણી કેટલીક બાબતોમાં જુદું પડે છે; જેમ કે, વહેલ વગેરેને પશ્ર્ચ ઉપાંગ હોતા નથી અને પૂંછડી દ્વિશાખી હોય છે, જ્યારે સીલમાં અગ્ર અને પશ્ર્ચ ઉપાંગો હોય છે; પરંતુ પૂંછડી ટૂંકી હોય છે. તેના પશ્ર્ચ ઉપાંગ (પગ) ટૂંકી પૂંછડી જેવા ભાગની સાથે પાછળ જોડાઈ તરવામાં સમતુલન જાળવે છે.
સીલનું શરીર સપ્રમાણ ઘાટીલું એટલે કે બંને છેડે સાંકડું હોવાથી તે પાણીમાં સહેલાઈથી તરી શકે છે. તેના અગ્ર અને પશ્ર્ચ ઉપાંગો હલેસાં(paddles કે flippers)માં રૂપાંતર થયેલા હોય છે. અગ્ર ઉપાંગ સમતુલા અગર પાણીમાં માર્ગ કાઢવા માટે ઉપયોગી છે, જ્યારે પશ્ર્ચ ઉપાંગ શરીરને આગળ ધકેલવાની શક્તિ પૂરી પાડે છે. સીલ વહેલ કે ડૉલ્ફિન જેટલી ત્વરાથી તરી શકતી નથી, છતાં તે પાણીની સપાટી ઉપર પ્રતિ કલાક 17 માઈલ (પ્રતિ કલાક 27 km) અને પાણીની અંદર 10 mph(16 kmh)ની ત્વરાથી તરી શકે છે. જમીન ઉપર માત્ર તે અગ્ર ઉપાંગની મદદથી કઢંગી રીતે પ્રચલન કરે છે.
સામાન્ય રીતે સીલ મોટા સમૂહમાં રહેવા ટેવાયેલું પ્રાણી છે. પ્રજનનકાળમાં ખૂબ મોટી સંખ્યામાં, ક્યારેક લાખોની સંખ્યામાં દરિયાકાંઠે ભેખડો વચ્ચે વસવાટ કરે છે. કેટલીક જાતની સીલ એકાકી કે નાના સમૂહમાં રહે છે. સીલ મુખ્યત્વે સમુદ્રનું પ્રાણી છે, પરંતુ સીલની કેટલીક જાતો સરોવરમાં વસવાટ કરે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પ્રદેશોમાં રહેવાનું સીલ વિશેષ પસંદ કરે છે, છતાં શીત અને સમધાત સમુદ્રોમાં પણ તે જોવા મળે છે. સીલનો મુખ્ય ખોરાક માછલી, શીર્ષપાદી (Cephalopoda) વર્ગના મૃદુકાયના જીવો, છીપ અને શંખલાં, પ્લક્ટોન, જળચર પક્ષીઓ અને ક્યારેક સિટેસિયસ (વહેલ માછલીની જાતનાં) પ્રાણીઓનો પણ આહાર કરે છે. સીલમાં ચામડી નીચે આવેલો ચરબીનો થર તેનું શીત(ઠંડી)થી રક્ષણ આપે છે અને તાપમાન જાળવી રાખે છે.
પ્રજનનકાળમાં નર અને માદા સીલ કિનારા ઉપર એકઠાં થાય છે. પાણીમાં પ્રજનન કરે છે. માદા 8થી 12 માસ સુધી સગર્ભા રહે છે અને બચ્ચાંને જન્મ આપે છે. 3થી 5 વર્ષના ગાળામાં બચ્ચાં પુખ્ત બને છે.
હાર્બર સીલ
સીલને બે મુખ્ય સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (i) ઑટેરિડી (otariidae) – સી. લાયન કે કર્ણધારી તથા રુવાંટી-ધારી સીલ (fur seal) અને (ii) ફોકિડી (phocidae) – સાચી, કર્ણ(બાહ્ય કર્ણ)વિહીન અગર કેશધારી સીલ. આ સમૂહોમાં (સીલના) 20 પ્રજાતિઓ (genera), 31 જાતિઓ (species) અને 16 જેટલી ભૌગોલિક પેટા જાતિઓ છે. વૉલરસ ઑડોબેનિડી નામના અલગ કુળનું પ્રાણી છે. સીલની જાણીતી જાતિઓ/પેટાજાતિઓ નીચે મુજબ છે :
હાર્પ સીલ : ઉત્તર ધ્રુવપ્રદેશ અને ઉત્તર આટલાન્ટિક મહાસાગરમાં ઘૂમતી આ સીલ જળચર વન્ય પ્રાણી(aquatic wildlife)ના સંરક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. તેનાં બચ્ચાંનો દયામય ચહેરો WWF(World Wildlife Fund)નાં પોસ્ટરોમાં સ્થાન પામ્યો છે. હાર્પ સીલની સંખ્યા 50 લાખ હોવાનો અંદાજ છે, પરંતુ તેની ચામડી અને માંસ માટે કૅનેડા, નૉર્વે, રશિયા અને ગ્રીનલૅન્ડમાં મોટા પાયે શિકાર થતો હોવાથી સંરક્ષણવાદીઓ ચિંતિત થયા છે. તેનાં બચ્ચાંની તેના સફેદ બાહ્યાવરણ (white coat) માટે નિર્દય રીતે હત્યા થાય છે. શિકાર ઉપરાંત હાર્પની વસ્તી ઘટવાનું એક કારણ તે સમુદ્રોમાંથી મોટા પાયે માછલીઓ પકડવામાં આવવાથી સીલ માટે ખોરાકની અછત ઊભી થઈ રહી છે એ છે.
હાર્પ સીલનું વર્ગીકરણ આ મુજબ છે : શ્રેણી – કાર્નિવોરા, કુળ – ફોકિડી, જાતિ/પ્રજાતિ – પૅગૉફિલસ ગ્રીનલૅન્ડિકસ (Pagophilus greenlandicus). હાર્પ સીલ 5´.6´´ ફૂટ (1.7 મી.) લંબાઈ ધરાવે છે. તેનું વજન 290 Lb (130 કિગ્રા.) હોય છે. પ્રજનન અર્થે તે સ્થળાંતર કરે છે. સીલ 4થી 6 વર્ષે પુખ્ત બને છે. માદા એક બચ્ચાને જન્મ આપે છે. માતાનું દૂધ એટલું બધું ચરબીયુક્ત હોય છે કે સ્તનપાન કરતા બચ્ચાનું વજન એક દિવસમાં 2 કિગ્રા. જેટલું વધે છે. હાર્પ સીલ જેવી અન્ય સંબંધ ધરાવતી સીલના પ્રકારો નીચે મુજબ છે :
ઉત્તરીય સીલ (Northern seal) : આ સમૂહમાં સામાન્ય સીલ, ગ્રે (Grey) સીલ અને અલ્પસંખ્યામાં મળતી બ્રીઅઇડ (Breaded) સીલનો સમાવેશ થાય છે.
સામાન્ય સીલ (Common seal) ફોકા (Phoca) હાર્બર (Harbor) સીલ તરીકે પણ ઓળખાય છે. તે ઉત્તરીય આટલાન્ટિક અને ઉત્તર પૅસિફિકના દરિયામાં, મધદરિયે અને આટલાન્ટિકના દરિયામાં ન્યૂજર્સી સુધી તેમજ પૅસિફિકના દરિયામાં કૅલિફૉર્નિયાના કિનારા સુધી મળી આવે છે. આ સીલની લંબાઈ સામાન્ય રીતે 6 ફૂટ (1.8 મી.) જેટલી હોય છે અને તેનું વજન 132 કિલોગ્રામ હોય છે. તે નાની નાની વસાહતોમાં અને ચોક્કસ સ્થળે જોવા મળે છે. બચ્ચાનો જન્મ મે મહિનાના અંતમાં ખડકો ઉપર થાય છે. આ સીલ માછલી ખાનારી અને ખૂબ જ સહેલાઈથી પાળી શકાય તેવી હોય છે. તે માનવી સાથે સહેલાઈથી હળીમળી શકે છે. તેના શરીરનો રંગ પીળાશ પડતો ભૂખરો હોય છે. ખોરાક છીછરા પાણીમાંથી મેળવે છે અને 90 મીટર ઊંડા પાણીમાં ડૂબકી મારી 28 મિનિટ સુધી તે રહી શકે છે.
આ પ્રજાતિની બીજી જાતિ હેર સીલ (Hair seal) છે, જે આટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરમાંથી મળી આવે છે. તે સ્થળાંતર કરી નદીમાં જાય છે. નવજાત શિશુનો જન્મ બરફ ઉપર થાય છે અને તેના શરીર ઉપર સફેદ રંગના વાળનું આવરણ હોય છે.
આ પ્રજાતિની ત્રીજી જાતિ રિંગેડ (Ringed) સીલ તરીકે ઓળખાય છે, આ સીલ કદમાં ખૂબ જ નાની હોય છે. તેનાં ઉપાંગો પ્રમાણમાં લાંબાં હોય છે. ગ્રે સીલ કદમાં મોટી હોય છે. તેના નરની લંબાઈ 12 ફૂટ (3.7 મી.) જેટલી હોય છે. આ સીલ નૉર્થ આટલાન્ટિકમાં ભાગ્યે જ જોવા મળે છે.
બિયર્ડ (Bearded) સીલ : આ ખૂબ જ મોટી અને ભાગ્યે જ જોવા મળતી સીલ છે. તે ન્યૂફાઉન્ડલૅન્ડથી આર્ક્ટિક વિસ્તારમાં મળી આવે છે. તેની ચામડી ખૂબ જાડી હોય છે અને એસ્કિમો તેનો શિકાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
ટ્રૉપિકલ સીલ (Tropical seal) : આ જાતિમાં કદમાં નાની, ઘેરા ભૂખરા રંગની ત્રણ જાતિનો સમાવેશ થાય છે. એક જાતિ ભૂમધ્ય સમુદ્રમાં મળી આવે છે. બીજી જાતિ કૅરેબિયન ટાપુમાંથી મળી આવે છે. તેનો ખૂબ શિકાર થતાં હવે તે લુપ્ત થવાને આરે આવી છે. કેટલીક સીલ કટૂલા, જમૈકાના ટાપુમાંથી મળી આવે છે, જ્યારે ત્રીજી મૉન્ક (Monck) સીલ હવાઇયન (Hawaiian) ટાપુમાંથી મળી આવે છે. આ સીલની દરેક આંગળીમાં નહોર હોય છે.
સધર્ન સીલ : તેની મુખ્યત્વે ચાર પ્રજાતિઓ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે અને ઉત્તરીય સીલ કરતાં તે સ્પષ્ટ રીતે જુદી પડે છે. દરેક પ્રજાતિમાં એક જાતિ જોવા મળે છે.
ક્રૅબ ખાનારી સીલ (લૉબોડોન) : તે નાની ભૂખરા લીલા રંગની સરહદીય દક્ષિણ ધ્રુવના બરફીય પ્રદેશમાં રહેનારી છે. માછલી અને કરચલાંનો ખોરાકમાં ઉપયોગ કરે છે.
લેપર્ડ સીલ : તે દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં મળી આવે છે. આ સીલ લગભગ 12 ફૂટ (3.7 મી.) જેટલી લાંબી હોય છે. જડબામાં આગળના દાંત લાંબા અને તીક્ષ્ણ હોય છે. ચામડી ઘેરા ભૂખરા રંગની હોય છે. તેમાં ચિત્તાની ચામડીમાં હોય છે તેવાં ટપકાં જોવા મળે છે. લેપર્ડ સીલ સ્થળાંતર કરતી નથી, પરંતુ ઘણી વાર મોટા ટોળામાં ભેગી થાય છે.
રોસ’સ સીલ (Ross’s seal) : આ સીલ વિશે બહુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આ સીલની આંખો ખૂબ મોટી હોય છે અને દાંત નાના અને નબળા હોય છે. સીલની પીઠનો રંગ લીલાશ પડતો અને પેટનો રંગ પીળાશ પડતો હોય છે. આ સીલ દરિયાઈ વનસ્પતિ અને નાજુક શરીરવાળાં પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ કરે છે.
વેડલ્સ (Weddell’s) સીલ : આ સીલ લેપર્ડ સીલ જેવી હોય છે, પરંતુ તેની ચામડી આછા ભૂખરા રંગની હોય છે. તેમાં પીળા અને સફેદ રંગનાં ટપકાં હોય છે. આ સીલ મોટેભાગે બરફમાં ટોળામાં વસાહત કરે છે અને ક્યારેક દરિયાકિનારે જોવા મળે છે. આ સીલની આંખો મોટી અને દાંત નબળા હોય છે.
ક્રેસ્ટેડ (Crested) સીલ : પુખ્તાવસ્થામાં આ સીલની લંબાઈ 2.4 મીટર જેટલી હોય છે, શરીરની ચામડી ભૂખરાભૂરા રંગની હોય છે, જેમાં સફેદ ટપકાં જોવા મળે છે. દાંત નાના અને નબળા હોય છે. તે મોટા ટોળામાં ખુલ્લા દરિયામાં જોવા મળે છે. ઋતુ મુજબ ઉત્તર અને દક્ષિણના દરિયામાં સ્થળાંતર કરે છે, પ્રજનનઋતુમાં નર સીલો વચ્ચે મોટી લડાઈ થતી જોવા મળે છે અને આ સમય દરમિયાન થતો ભયાનક કોલાહલ ઘણા માઈલો સુધી સંભળાય છે. આમ, આ સીલ લડાયક અને આક્રમણખોર હોય છે.
સી–એલિફન્ટ (Sea-elephant) મિરૉન્ગા (Mirounga) : આ આશ્ર્ચર્યજનક બેહૂદા પ્રાણીના ફોટા જોતાં પણ તેના વિશે સાચી માહિતી પૂરતી મળતી નથી. આ કદાવર નર સી-એલિફન્ટની લંબાઈ 5.4 મીટર અને જાડાઈ 4.5 મીટર જેટલી હોય છે. તેના શરીરની ભૂખરા રંગની ચામડી પર જાંબલી રંગના વાળ જોવા મળે છે. આ ચામડી અને વાળનું નિર્મોચન વર્ષમાં એક વાર થાય છે. સી-એલિફન્ટ પ્રખર તડકામાં દરિયાકિનારે આર્તનાદ કે ચીસ પાડતી કે વિલાપ કરતી ટોળામાં જોવા મળે છે. આ સી-એલિફન્ટના તેલ માટે તેની મોટા પાયે કતલ થતાં તે લુપ્ત થવાના આરે છે; પરંતુ હાલનાં વર્ષોમાં કૅલિફૉર્નિયાના દરિયાકિનારે તે ફરીથી જોવા મળી છે.
યોગેશ મ. દલાલ
રા. ય. ગુપ્તે