સીયા, કુએઈ (Hsia, Kuei) (જ. આશરે 1195, હેન્ગ્ચો, ચેકિયાંગ, ચીન; અ. આશરે 1224, ચીન) : યુગપ્રવર્તક ચીની નિસર્ગ-ચિત્રકાર, ‘મા-સીયા’ નિસર્ગચિત્ર શૈલીના બે સ્થાપકોમાંના એક. (બીજા તે મા યુઆન). લાંબા વીંટા (scrolls) પર બહુધા એકરંગી (monochromatic) નિસર્ગચિત્રોને સળંગ અવકાશી દૃષ્ટિકોણ(panoramic view)થી આલેખવા માટે તેઓ જાણીતા છે. તેઓ ઝડપથી પીંછી ચલાવી જોશભેર આલેખન કરતા અને તેમની પીંછીના લસરકામાં વળાંકોને સ્થાને સીધી રેખાઓથી સર્જાતી ખાંચાખૂંચી જોવા મળે છે. સમ્રાટ નીન્ગ ત્સુંગ(રાજ્યકાળ : 1194થી 1225)ના દરબારમાં સીયાને સર્વોચ્ચ દરબારી ચિત્રકારનો મોભો મળ્યો હતો અને એ પછીના સમ્રાટ લી ત્સુંગના દરબારમાં પણ આ મોભો ચાલુ રહ્યો હતો. આ સુંગ (Sung) રાજવંશને પ્રતાપે જ તેઓ ચિત્રકળા પ્રતિ સમર્પણ કરી શક્યા હતા. તેમના ગુરુ વિશેની જાણકારી નથી; પણ જાણીતા ચિત્રકાર લી તાંગની ચિત્રશૈલીના અનુસરણથી તેમણે પ્રારંભ કર્યો હતો. સીયાના આરંભનાં ચિત્રોમાંથી બચેલાં એકમાં લી તાંગનો પ્રભાવ સ્પષ્ટ છે. તેમાં ઘરમાં બેઠેલા બે પુરુષો બારીમાંથી બહાર એક જળપ્રપાત તરફ તાકી રહ્યા છે. એ પછીનાં ચિત્રોમાંથી વાવાઝોડા દરમિયાન નદીમાં જળવિહાર કરતી નૌકા અને કાંઠે નીચાં ઝૂકેલાં વક્ષોનું આલેખન છે. સીયાની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓમાં અતિ લાંબા વીંટા ‘પ્યૉર ઍન્ડ રિમોટ વ્યૂ ઑવ્ સ્ટ્રીમ્સ ઍન્ડ માઉન્ટન્સ’નો ખાસ સમાવેશ થાય છે. તેમાંથી થોડો ભાગ નાશ પામ્યો હોવા છતાં 27 ફીટ લાંબો તે વીંટો આજેય ટક્યો છે. ગ્રેની અલગ અલગ ઝાંયના ‘વૉશ’ તથા ઘેરા કાળા રંગ વડે અદભુત વાતાવરણ ખડું કર્યું છે, જે જોતાં દર્શક એક કલ્પનોત્થ નિસર્ગમાં પ્રવેશે છે. ખડકો પર તડકાથી રચાતી પ્રકાશ-છાયાની રમત, તેમની ખરબચડી સપાટી અત્યંત સ્પર્શજન્ય જણાય છે. એમનાં ચિત્રો ‘ટ્વેલ્વ વ્યૂઝ ફ્રૉમ એ થૅચ્ડ હટ’ અને ‘એ ફિશરમૅન્સ અબોડ આફ્ટર ધ રેઇન’માં પણ આ લક્ષણો જોવાં મળે છે. દૂરના પર્વતો, ખડકોને સીયા આછા અને ધૂંધળા આલેખી દૂરત્વ સિદ્ધ કરતા હતા. દૂરત્વ-ઊંડાણ આલેખવાની આ રીત વાતાવરણગત પરિપ્રેક્ષ્યની (atmospheric perspective) ગણાય છે. આ ઉપરાંત એમનાં ચિત્રો ‘ધ રેઇન સ્ટૉર્મ’ અને ‘એ મિસ્ટી ગૉર્જ’ પણ તેમની ઉત્તમ કૃતિઓમાં સ્થાન પામે છે.
મૃત્યુ પછી સીયાની ખ્યાતિ ઝડપથી નષ્ટ પામી. 1298માં ચુઆંગ સુ જેવા વિવેચકોએ સીયાની કલાને વલ્ગર અને સત્વહીન કહીને વખોડી. એ વખતે જમાનો એવા ચુસ્ત કૌશલ્ય અને રૂઢિ(professio-nalism and academism)ની તરફદારી કરતો હતો કે સીયાની સ્વયંસ્ફુરણા(intuition)-પ્રેરિત કલાનો કાંકરો જ નીકળી ગયો. એ પછી ચિત્રકાર અને વિવેચક તુન્ગ ચિચાન્ગે (1515-1636) પ્રથમ વાર સીયાની કલાની પ્રશંસા કરતાં સીયા ફરીથી મરણોત્તર સંજોગોમાં પ્રતિષ્ઠા મેળવી શક્યા. સીયાની શૈલીના અનુકરણ કરવાના પ્રયાસો ચીનમાં યુગે યુગે થતા રહ્યા, પણ છતાં તેમાં જવલ્લે જ પૂરી સફળતા મળી છે. તેમાંનો એક છે યુઆન રાજવંશ(1206થી 1368)નો ચિત્રકાર સુન ચુન્ત્સે. 15મી અને 16મી સદી દરમિયાન મીંગ રાજવંશ દરમિયાન ચે શૈલીના કેટલાક ચિત્રકારોએ સીયાની નકલખોરી કરી છે, પણ એમનાં ચિત્રો ભાવશૂન્ય જણાય છે. જાપાની ચિત્રકાર સેશુ(1420-1506)એ પણ સીયાનાં ચિત્રો પરથી પ્રેરિત બે ચિત્રો સર્જ્યાં છે. ચીની કલાપરંપરામાં લગભગ ઉવેખાયેલા અને ભુલાયેલા સીયાને આજે ચીરકાલીન મહત્વના ચિત્રકાર તરીકે ગણવામાં આવે છે !
અમિતાભ મડિયા