સીયક-2 : મોડાસા પ્રદેશ પર સત્તા ધરાવતો માળવાના પરમાર કુળનો રાજા. એનું રાજકુલ રાષ્ટ્રકૂટ કુળમાંથી ઉદભવ્યું હોય એવી રજૂઆત એનાં દાનશાસનોમાં કરવામાં આવી છે. પરમારોનો મૂળ પુરુષ અર્બુદાચલ પર વસિષ્ઠ ઋષિના યજ્ઞકુંડના અગ્નિમાંથી ઉત્પન્ન થયો હોવાની પૌરાણિક માન્યતા પ્રચલિત થઈ છે. એમાં વિશ્વામિત્ર પાસેથી વસિષ્ઠની કામધેનુ પાછી મેળવી આપનાર એ પરાક્રમી નર ‘પર-માર’ એટલે કે ‘દુશ્મનને હણનાર’ તરીકે ઓળખાયો, એવી એ નામની ઉત્પત્તિ માનવામાં આવી છે.

પરમાર વંશની રાજસત્તા 9મા સૈકાની શરૂઆતમાં માળવામાં ધારાનગરીમાં સ્થપાઈ હતી. આ વંશમાં વૈરિસિંહ 2જા પછી તેનો કુંવર સીયક-2જો ગાદીએ બેઠો. એનું અપર (બીજું) નામ હર્ષ હતું. તેણે ઈ. સ. 949માં આનંદપુર(વડનગર)ના બે નાગર બ્રાહ્મણોને મોહડવાસક (મોડાસા) વિષયનાં બે ગામ દાનમાં આપ્યાનાં દાનશાસન મળ્યાં છે. એમાં સીયકે અકાલવર્ષ કૃષ્ણરાજ 3જાની સર્વોપરીતાનો ઉલ્લેખ કર્યો છે. આ દાનશાસનો પરથી મોડાસાની આજુબાજુનો વિસ્તાર, તે સમયે માળવાના પરમાર વંશના આધિપત્ય હેઠળ હોવાનું તથા તે પરમાર વંશ પર દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનું આધિપત્ય હોવાનું જાણવા મળે છે. કૃષ્ણરાજ 3જાના અવસાન બાદ સીયકે રાષ્ટ્રકૂટ સત્તાનું આધિપત્ય દૂર કરી, માન્યખેટ પર ચડાઈ કરી, પોતાના રાજ્યની સ્વતંત્રતા સ્થાપી.

જયકુમાર ર. શુક્લ