સીમોં, ક્લૉદ (યુજિન હેન્રી) (જ. 10 ઑક્ટોબર 1913, ટૅનૅનૅરિવ, માડાગાસ્કર) : ફ્રાન્સના નામી નવલકથાકાર. તેમણે તેમનું શિક્ષણ પૅરિસ ખાતે તેમજ ઑક્સફર્ડ તથા કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લીધું હતું. તેમણે ચિત્રકાર તરીકેની તાલીમ પણ લીધેલી. તેમની નવીન કોટિની નવલકથાઓ માટે 1985ના વર્ષનો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં તેમણે પ્રથમ સ્પૅનિશ સિવિલ વૉરમાં સેવા બજાવી. પછી ફ્રેન્ચ હયદળમાં જોડાયા અને યુદ્ધમાં સક્રિય ભાગ લીધો. 1940માં તેઓ જર્મન સૈનિકોના હાથે કેદ પકડાયેલા; પરંતુ ત્યાંથી ભાગીને ફ્રેન્ચ પ્રતિકાર ઝુંબેશમાં જોડાયેલા. ત્યારબાદ સૅલ્સૅઝ ખાતે શરાબ-ઉત્પાદન દ્વારા આજીવિકા રળવા માંડી.
તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘ધ વિન્ડ’ (1957), ‘ધ ગ્રાસ’ (1958) અને ‘ફ્લૅન્ડર્સ રોડ’ (1961) છે. ‘ધ ગ્રાસ’માં તેમના પિતાની દ્રાક્ષની વાડી પડાવી લેવાના એક પુત્રના નિષ્ફળ પેંતરાનું કથાનક છે. ‘ફ્લૅન્ડર્સ રોડ’ના 4 ગ્રંથોમાં જર્મનીથી પાછા ફરતા ફ્રેન્ચ યુદ્ધકેદીઓની સ્મરણકથા છે. ‘ધ પૅલેસ’ (1963) સ્પૅનિશ આંતરવિગ્રહ પર આધારિત છે. તેમનાં લખાણોમાં આત્મકથાત્મક અંશો ગૂંથાયેલા જોવા મળે છે.
ક્લૉદ (યુજિન હેન્રી) સીમોં
ફ્રેન્ચ સાહિત્યની ‘નિયૉ-રોમન’ નવલકથાના તેઓ એક અગ્રણી પ્રણેતા રહ્યા. તેમણે પરંપરાગત વર્ણનાત્મક કથાશૈલીને પડકારીને તેમની નવલકથાઓમાં કવિ અને ચિત્રકારની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને માનવપરિસ્થિતિનું સૂક્ષ્મ સૂઝપૂર્વક આલેખન કર્યું છે.
મહેશ ચોકસી