સીબૉર્ગ ગ્લેન થિયૉડૉર
January, 2008
સીબૉર્ગ, ગ્લેન થિયૉડૉર [જ. 1912, ઇસ્પેમિંગ (Ishpeming), મિશિગન, યુ.એસ.] : પ્લૂટોનિયમ અને શ્રેણીબદ્ધ ટ્રાન્સયુરેનિયમ તત્ત્વોની શોધ માટે ખ્યાતનામ અમેરિકન રસાયણવિદ. યુરેનિયમનો પરમાણુક્રમાંક 92 છે. ટ્રાન્સયુરેનિયમ તત્ત્વો રેડિયોઍક્ટિવ છે તેમજ યુરેનિયમથી ભારે છે. સીબૉર્ગે અને તેમના સહકાર્યકર એડવિન મેકમિલને પ્લૂટોનિયમ તત્ત્વ છૂટું પાડ્યું તે બદલ બંનેને 1951ની સાલનું રસાયણવિજ્ઞાનનું નૉબેલ પારિતોષિક તેમને એનાયત કરવામાં આવ્યું હતું.
ગ્લેન થિયૉડૉર સીબૉર્ગ
તેમણે બી.એ.ની ઉપાધિ 1934માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(લૉસ એન્જલસ)માંથી પ્રાપ્ત કરી. પીએચ.ડી.ની ઉપાધિ 1937માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલી)માંથી મેળવી. 1937માંથી સીબૉર્ગ અને તેમના સહકાર્યકરોએ બર્કલી-રસાયણ પ્રયોગશાળામાં દ્રવ્ય(પદાર્થ)ની પારમાણ્વિક સંરચનાનો અભ્યાસ શરૂ કર્યો. તે દરમિયાન સામાન્ય ડઝન તત્ત્વોના નવા સમસ્થાનિકો (isotopces) છૂટા પાડ્યા. તત્ત્વના સમસ્થાનિકોના પરમાણુઓનો પરમાણુક્રમાંક (atomic number) સમાન પણ પરમાણુભારાંક (atomic mass number) જુદા જુદા હોય છે. એટલે કે સમસ્થાનિકોમાં પ્રોટૉનની સંખ્યા સમાન પણ ન્યૂટ્રૉનની સંખ્યા અસમાન હોય છે.
સીબૉર્ગે 1940માં 94 પરમાણુક્રમાંક ધરાવતા પ્લૂટોનિયમ તત્ત્વની શોધ કરતાં, તેમને જગખ્યાતિ મળી. આ પહેલાં એડવિન મેકમિલને 93 પરમાણુક્રમાંક ધરાવતું નેપ્ચૂનિયમ શોધી કાઢ્યું હતું. સીબૉર્ગ અને સહકાર્યકરોએ યુરેનિયમ ન્યૂક્લિયસ ઉપર ભારે કણનો મારો (bombardment) કરીને નવા તત્ત્વનું ન્યૂક્લિયસ મેળવ્યું, જે રેડિયોઍક્ટિવ હોય છે. તેમને ટ્રાન્સયુરેનિયમ અથવા ટ્રાન્સયુરેનિક તત્ત્વો કહે છે.
1941માં યુ.એસ. બીજા વિશ્વયુદ્ધ(1939-1945)માં દાખલ થયું ત્યારે સીબૉર્ગે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી રજા લીધી અને શિકાગો યુનિવર્સિટીની ધાતુવિદ્યાકીય (metallaugical) પ્રયોગશાળામાં પ્લૂટોનિયમ ઉપર સંશોધન આગળ ધપાવ્યું. અહીં, તેઓ પરમાણુ-બૉમ્બ બનાવનાર જૂથના સભ્ય હતા.
યુરેનિયમમાંથી પ્લૂટોનિયમ છૂટા પાડવાનું કામ સીબૉર્ગે કરવાનું હતું. તે માટે તેમણે એક વર્ષમાં જ પ્રયુક્તિનું આયોજન કર્યું. તેમાં તેમણે અલ્ટ્રામાઇક્રો-કેમિકલ સંશોધનનો ઉપયોગ કર્યો જેમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રવ્ય લેવાનું હોય છે.
1958 સુધીમાં સીબૉર્ગે પરમાણુક્રમાંક 92થી પરમાણુક્રમાંક 102 સુધીનાં નવ ટ્રાન્સયુરેનિક તત્ત્વોની શોધ કરી. સીબૉર્ગ અને તેમના સહકાર્યકરોએ આવાં ટ્રાન્સયુરેનિક તત્ત્વોના ખાસ સમસ્થાનિકો છૂટા પાડ્યા. તેમાં પ્લૂટોનિયમ239 ખાસ જાણીતું છે. પ્લૂટોનિયમ239નું વિખંડન (fission) સહેલાઈથી થાય છે. ન્યૂક્લિયર રિએક્ટર અથવા ન્યૂક્લિયર શસ્ત્રોમાં ઊર્જાના સ્રોત તરીકે તેનો ઉપયોગ થાય છે.
1946માં સીબૉર્ગ પ્રાધ્યાપક અને બર્કલીની ન્યૂક્લિયર રિસર્ચ લૅબૉરેટરીના નિયામક તરીકે કૅલિફૉર્નિયા પાછા આવ્યા. તે સાથે યુ.એસ.ની જનરલ એડવાઇઝરી કમિટીમાં નિયુક્ત થયા, જે ઍટૉમિક ઍનર્જી કમિશનનો ભાગ છે. 1958માં સીબૉર્ગ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલી)ના ચાન્સેલર બન્યા.
1961માં પ્રે. જ્હૉન એફ. કૅનેડીએ સીબૉર્ગને યુ.એસ. ઍટૉમિક ઍનર્જી કમિશનના અધ્યક્ષ તરીકે નીમ્યા. આ પદે પહોંચનારા તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. તેઓ પ્રે. કૅનેડીના ન્યૂક્લિયર ઊર્જાના ક્ષેત્રે પ્રમુખ સલાહકાર હતા. તત્કાલીન સોવિયેટ રશિયાના અધિકારીઓ સાથે વારંવાર મળવાનું થતું હતું. ‘શીતયુદ્ધ’ દરમિયાનની નાજુક પરિસ્થિતિને તેમણે કુશળતાથી હાથ ધરી હતી.
1971માં તેઓ બર્કલી પાછા ફરીને રસાયણવિજ્ઞાનનું શિક્ષણ આપવા લાગ્યા. 1975 સુધી તેમણે ન્યૂક્લિયર કેમિસ્ટ્રી રિસર્ચ પ્રયોગશાળાના નિયામક તરીકે કામગીરી કરી.
પ્રહલદ છ. પટેલ