સીબૉર્ગિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં સમાવિષ્ટ અનુઍક્ટિનાઇડ (transactinide) શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્ત્વ. સંજ્ઞા Sg. પરમાણુક્રમાંક 106. ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી(IUPAC)એ 1994માં તત્ત્વ-106ને રૂથરફૉર્ડિયમ (સંજ્ઞા, Rf) નામ આપ્યું હતું, પણ અમેરિકન કેમિકલ યુનિયને તેને સીબૉર્ગિયમ તરીકે ઓળખવાનું પસંદ કરેલું. અંતે 1997માં સમાધાન રૂપે IUPAC દ્વારા તત્ત્વ-106 માટે ‘સીબૉર્ગિયમ’ નામ સ્વીકારવામાં આવ્યું છે. 1977માં IUPACએ અનુઍક્ટિનાઇડ (લોરેન્શિયમથી આગળનાં) તત્ત્વો માટે એક કામચલાઉ પણ વ્યવસ્થિત નામોનો સેટ દાખલ કર્યો. તે મુજબ આ તત્ત્વને unnilhexium (unh), (un + nil + hex + ium) (un = 1, nil = 0, hex = 6) તરીકે ઓળખાવવામાં આવેલું.

1974માં આલ્બર્ટ ઘિયૉર્સો અને સાથી સંશોધકોએ બર્કલી (કૅલિફૉર્નિયા) ખાતે આ તત્ત્વની સૌપ્રથમ શોધ કરી હતી. કૅલિફૉર્નિયમ-249ના નાભિકો પર ઑક્સિજન-18ના નાભિકોનો મારો ચલાવવાથી આ તત્ત્વ (106) ઉત્પન્ન થાય છે.

249Cf + 18O → 263Sg + 4n

1951ના નૉબેલ પારિતોષિકવિજેતા એવા યુ.એસ.ના ભૌતિકવિદ ગ્લેન ટી. સીબૉર્ગના નામ પરથી આ તત્ત્વને ‘સીબૉર્ગિયમ’ નામ આપવામાં આવ્યું છે.

સમસ્થાનિક 263106નું અર્ધઆયુ 0.8 ± 0.2 સેકન્ડ છે અને તે વિકિરણધર્મી ક્ષય પામી 259104માં ફેરવાય છે, જે બીજા -કણના ઉત્સર્જન દ્વારા 255Noમાં રૂપાંતર પામે છે. તત્ત્વ-106ના છ સમસ્થાનિકો (isotopes) (પરમાણુભાર, 259થી 266; અર્ધઆયુ, 3.6 મિ.સે.થી 30 સેકન્ડ) જાણીતા છે. 1994માં બર્કલીની ટીમ દ્વારા આ પૈકીનો સૌથી ભારે સમસ્થાનિક નીચેની પ્રક્રિયા વડે મેળવવામાં આવ્યો હતો :

248Cm + 22Ne → 266106 + 4n

અથવા ટૂંકમાં 248Cm(22Ne, 4n)266106

આવા સમસ્થાનિકોના અર્ધઆયુની અચોક્કસતાનું કારણ એ છે કે તેમના ફક્ત થોડાક પરમાણુઓ જ મેળવી શકાયા છે.

જ. દા. તલાટી