સીતારામમૂર્તિ તુમ્મલા
January, 2008
સીતારામમૂર્તિ, તુમ્મલા (જ. 1901, કાવુરુ, જિ. ગંતુર, આંધ્રપ્રદેશ; અ ?) : તેલુગુના નામી કવિ. તેમની ‘મહાત્મા-કથા’ (1968) કૃતિને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1930માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી ‘ઉભયભાષા-પ્રવીણ’ની ડિગ્રી મેળવી. તેઓ સંસ્કૃત અને હિંદીની પણ સારી જાણકારી ધરાવતા હતા.
પ્રારંભમાં પ્રકૃતિવિષયક કાવ્યો લખ્યા પછી તેઓ રાષ્ટ્રપ્રેમની હાકલથી રંગાયા હતા. તેઓ સ્વતંત્ર આંધ્રપ્રદેશની રચનાના હિમાયતી હતા. તેમના એક લોકપ્રિય ખંડકાવ્ય ‘રાષ્ટ્રગાનમ્’(1938)માં પ્રજાના ગૌરવનાં ગુણગાન ગાયાં છે. આ કૃતિની ભારે પ્રશંસા થઈ હતી. તેમની કવિતામાં ઉત્કટ રાષ્ટ્રવાદ અને પ્રબળ માનવતાવાદ છે.
ગાંધીજીની પ્રેરણા હેઠળ તેઓ આઝાદીની લડતમાં જોડાયા. 1936થી 1951 દરમિયાન તેમણે ‘આત્મકથા’(ગાંધીજીની જીવનકથા)ના 5 ખંડ પ્રગટ કર્યા. આ કૃતિને વ્યાપક ખ્યાતિ મળી. તેમની બીજી કૃતિ ‘મહાત્મા-કથા’ (1968) ગાંધીજીવનના ઉત્તરાર્ધને લગતી છે; તેમની આ સૌથી મહત્ત્વની કૃતિ નીવડવા ઉપરાંત ગાંધી શતાબ્દી ઉજવણીના વર્ષમાં જ અકાદમીના પુરસ્કારને પાત્ર ઠરી. તેમનાં લગભગ 30 જેટલાં પ્રકાશનો છે; તેમાંથી ‘પરિગપંત’ (1943) અને ‘સર્વોદયગાનમ્’(1961)ની અગ્રણી સાહિત્યસર્જકોએ પ્રશંસા કરી હતી. તેમની કવિ-કારકિર્દીના 3 તબક્કા છે : આંધ્ર-આંદોલનના પ્રભાવનો પ્રથમ, આઝાદીની લડતના પ્રભાવનો બીજો અને સર્વોદય ઝુંબેશનો ત્રીજો તબક્કો.
તેમનાં કાવ્યોમાં વિચાર અને અભિવ્યક્તિની પ્રવાહિતતા અને સ્પષ્ટતા છે. તેઓ જીવંત રૂઢિપ્રયોગો; તળપદી અભિવ્યક્તિ તથા સરળ ભાષાના આગ્રહી છે. તેઓ સંસ્કૃતની પ્રચુરતા વગરની તેલુગુનો ઉપયોગ કરે છે. તેમણે નિરક્ષર આમજનતાની ભાષામાંથી પણ પ્રેરણા મેળવી છે. તેમની છેલ્લી કૃતિ ‘સંદેશ સપ્તશતી’માં 700 શ્લોક છે અને તેમાં આધુનિક સમાજ પરત્વેની તેમની પ્રતિક્રિયા છે.
મહેશ ચોકસી