સીતાફળ
દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Annona squamosa Linn. (સં. સીતાફલમ્; હિં. સીતાફલ, શરીફા; ગુ. મ. સીતાફળ; બં. આતા, સીતાફલ; ક. સીતાફલા; મલ. અટ્ટીચક્કા, સીથાપાઝામ; ત. આતા, સીથાપ્પાઝામ; તે. ગંધગાલારામુ, સીતાફલામુ; અં. કસ્ટર્ડ ઍપલ, સુગર ઍપલ, સ્વીટ્સોપ) છે. તે એક મોટું સદાહરિત, આડુંઅવળું વિકાસ પામતું ક્ષુપ કે 7 મી. ઊંચું નાનું વૃક્ષ છે. તેનો ભારતમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને વન્ય કે સંવર્ધિત સ્વરૂપે ભારતના વિવિધ પ્રદેશોમાં 900 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. છાલ પાતળી અને ભૂખરી હોય છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક, દ્વિપંક્તિક (distichous), અનુપપર્ણીય (exstipulate), લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) કે ઉપવલયી (elliptic), પારદર્શક (pellucid), વિશિષ્ટ સુગંધીવાળાં, 5.015.0 સેમી. × 1.93.8 સેમી. હોય છે. પુષ્પનિર્માણ જૂન-જુલાઈમાં થાય છે. પુષ્પો 1-4, લીલાં, માંસલ, લટકતાં (drooping) અને બાહ્યકક્ષીય (extra-axillary) હોય છે. વધારે જૂના કાષ્ઠ કરતાં તેઓ પર્ણયુક્ત પ્રરોહ પર વધારે પ્રમાણમાં થાય છે. પ્રરોહ લંબાતાં પુષ્પો ખૂલે છે. સ્ત્રીકેસરચક્ર (gynoecium) અસંખ્ય મુક્ત સ્ત્રીકેસરોનું બનેલું, મધ્યસ્થ પુષ્પાક્ષ (torus) પર તેઓ કુંતલાકારે ગોઠવાયેલાં અને ટીકડી (lozenge) આકારનાં હોય છે. ફળ અનિયમિત ગોળાકાર કે હૃદયાકાર, ગુલિકીય (tubercled), પીળાશ પડતા લીલા રંગનાં યુક્તફલિકામય (syncarpium), 510 સેમી.ના વ્યાસવાળાં અનષ્ઠિલ (berry) સમૂહફળ પ્રકારનાં હોય છે. બીજ લંબચોરસ અને ઘેરાં બદામી-કાળાં હોય છે. બીજોપાંગ (aril) ચળકતું અને સફેદ મીઠા ગર વડે આવરિત હોય છે. ફળ-નિર્માણ ઑક્ટોબર-નવેમ્બરમાં થાય છે.
પ્રાચીન સાહિત્ય, ચિત્ર અને શિલ્પોને આધારે સીતાફળ ભારતનું મૂલનિવાસી હોવાનું માનવામાં આવતું હતું. સીતાફળ ભારતમાં ઘણું વહેલું પ્રવેશ પામ્યું હોવાની શક્યતા છે. તે હવે સમગ્ર ઉષ્ણકટિબંધીય અને ગરમ ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં વિતરણ પામ્યું છે; જોકે તે ભૂમધ્યસમુદ્રીય દેશો અથવા કૅલિફૉર્નિયામાં સફળ રીતે થતું નથી, જ્યાં શિયાળો તેના માટે અત્યંત ઠંડો હોય છે.
ભારતના ઘણા ભાગોમાં સીતાફળ અર્ધવન્ય (semi-wild) સ્થિતિમાં થાય છે અને સંતોષજનક રીતે ફળોત્પાદન કરે છે. તેથી સંરક્ષિત સ્થિતિમાં વ્યાપારિક વાવેતર મર્યાદિત પ્રમાણમાં થાય છે. Annona પ્રજાતિનાં ફળોમાં સીતાફળ (A. squamosa) અને હનુમાનફલ કે લક્ષ્મણફલ (A. cherimola; અં. ચેરીમોલિયા) અને તેમના નૈસર્ગિક સંકરો ‘ઍટેમોયા’ ઓછાં ફળદ્રૂપ અને છીછરી મૃદા ધરાવતા શુષ્ક પ્રદેશો માટેની સૌથી સારી પસંદગી ગણાય છે.
આકૃતિ 1 : સીતાફળ(Annona squamosa)ની ફળ સહિતની શાખા
અનુકૂળ સ્થાનોએ સીતાફળ કેટલીક વાર નાનું વૃક્ષસ્વરૂપ ધારણ કરે છે. પહાડી માર્ગોમાં અને ઊસર ભૂમિમાં તે જૂથો બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં થાય છે.
ભારતમાં તેનું વાવેતર આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને બિહાર રાજ્યમાં કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ભાવનગર, અમદાવાદ, ખેડા, જૂનાગઢ અને પંચમહાલ જિલ્લાઓમાં વ્યવસ્થિત વાવેતર થાય છે. વળી, જૂનાગઢ, સાબરકાંઠા, પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાઓમાં સીતાફળ કુદરતી રીતે જંગલોમાં થાય છે.
આબોહવા : સીતાફળને સમધાત હવામાન એટલે ગરમ, ભેજવાળું અને શિયાળાની શરૂઆતમાં થોડું ઠંડું વાતાવરણ વધારે માફક આવે છે. શુષ્ક વિસ્તારમાં તે ઉનાળામાં પાન ખેરવી નાખે છે અને વરસાદ પડે ત્યારે નવાં પર્ણો અને પુષ્પ બેસે છે; જેથી ફળ ઑક્ટોબર-નવેમ્બર માસમાં ચોમાસાના વરસાદના લાભથી વૃદ્ધિ પામી પરિપક્વ થાય છે. તે શુષ્કતા સામે ટકી શકે છે અને 39.4° સે. તાપમાન સહન કરી શકે છે. તે ઠંડી ઓછી સહન કરી શકે છે. સીતાફળ માટે ઇષ્ટતમ વાર્ષિક વરસાદ 50-75 સેમી. છે. મંદ ઉનાળાઓ અને શિયાળાઓવાળાં વર્ષો અને વરસાદનું એકસરખું વિતરણ વિપુલ ઉત્પાદન માટે અનુકૂળ છે. ફેબ્રુઆરી-એપ્રિલ દરમિયાન થતા વરસાદથી સુષુપ્ત કલિકાઓ સક્રિય બને છે.
મૃદા : આ પાકને બધા જ પ્રકારની મૃદા માફક આવે છે અને ડુંગરની પથરાળ ભૂમિમાં પણ થાય છે. છતાં આ પાકને હલકી સારા નિતારવાળી, કાંપયુક્ત, ગોરાડુ અને મધ્યમ કાળી મૃદા વધારે અનુકૂળ આવે છે અને ઉત્પાદન વધારે મળે છે. વધારે ક્ષારવાળી મૃદા સીતાફળના પાકને અનુકૂળ આવતી નથી. સીતાફળ ઘણા પ્રકારની મૃદા માટે અત્યંત સહિષ્ણુ છે. તે ચૂનાના ક્ષારો અને ક્લોરિન સહી શકે છે; પરંતુ ક્ષારતા (alkalinity) સામે ટકી શકતું નથી. ઊંચા જલસ્તર (watertable) કે જલાક્રાન્તતા(waterlogging)થી તેને પશ્ચક્ષય (dieback) થાય છે.
જાતો : સીતાફળ સ્વરૂપ, પુષ્પ અને ફળનાં લક્ષણોની દૃષ્ટિએ અનેક વિભિન્નતાઓ ધરાવે છે. આ વિભિન્નતાઓ માત્ર જનીનિક (genetical) જ નથી; પરંતુ પર્યાવરણીય પણ છે. અંત:સ્રાવી ચિકિત્સા આપી બીજરહિત ફળોના સર્જન માટેના પ્રયાસો થયા છે. જનનરસ(germplasm)માંથી કેટલીક આશાસ્પદ જાતો અલગ કરવામાં આવી છે અને તેમની સંતતિઓ કલિકાસર્જન (budding) દ્વારા કાયમી કરવામાં આવી છે. સ્પષ્ટ જનીનિક પ્રકારોનાં પણ અવલોકનો થયાં છે. સીતાફળ, રામફળ (A. reticulata), મામફળ (A. muricata) અને મંકી ઍપલ(A. glabra)ની અને તેમની સંતતિઓના તુલનાત્મક કોષઆકારવિદ્યા(cytomorphology)ના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે પૈતૃક જનીનસંકુલો(genomes)માં આંતરજાતીય (interspecific) વિલક્ષણતાઓ (distinctions) અને રચનાકીય અસમાનતાઓ હોય છે. લાલ સીતાફળ(A. squamosa var. sangereddyii)માં પરાગરજની અલ્પ ફળદ્રૂપતા, ચતુષ્કો(tetrads)માં અનિયમિતતાઓ અને સેટેલાઇટ (SAT) રંગસૂત્રોમાં સંકરતા (hybridity) પ્રતિબિંબિત થાય છે. મંકી ઍપલ ખંડીય અપરચતુર્ગુણિત (allotetraploid) તરીકે વર્તે છે અને ઉભય દ્વિગુણિત (amphidiploid) તરીકે ઉદભવ પામી હોવાની શક્યતા છે. મામફળ બે પૈકી એક પિતૃ હોઈ શકે. સીતાફળની જાતોનાં પર્ણોમાં રહેલા ફ્લેવોનોઇડનાં વિશ્લેષણો બે ભાત દર્શાવે છે. ‘બાલાનગર’ જૂથની જાતો વાસ્તવિક સીતાફળ છે; જ્યારે ‘આઇલૅન્ડ જેમ’ જૂથ સીતાફળ અને હનુમાનફળ સંકર હોઈ શકે. માત્ર મામફળ અને મંકી ઍપલ લાક્ષણિક જાતિ-વિશિષ્ટ (species-specific) ફ્લેવોનૉઇડો ધરાવે છે. સીતાફળ અને હનુમાનફળ ગાઢ સંબંધ દર્શાવે છે. સીતાફળ, હનુમાનફળ અને રામફળ વચ્ચે તેઓ જાતિ તરીકે પ્રસ્થાપિત થાય તે પહેલાં મુક્ત રીતે સંકરણ થતું હતું. કેટલીક અલગ તારવેલી જાતો સારણી 1માં દર્શાવવામાં આવી છે. આંધ્રની ‘મહેબૂબનગર’ જાત સૌથી શ્રેષ્ઠ જાતો પૈકીની એક છે. તેનાં ફળ વધારે મોટાં અને વધારે મીઠાં હોય છે અને ઓછાં બીજ ધરાવે છે.
સીતાફળ અને હનુમાનફળના સંકરણથી નવા સંકર ‘ઍટેમોયા’(atemoya)નું સર્જન ફ્લોરિડા(1901)માં અને પુણે(1928)માં કરવામાં આવ્યું છે. સીતાફળની જેમ તે શુષ્ક અને ગરમ પ્રદેશોમાં થઈ શકે છે. પર્ણો પહોળાં હોય છે અને હનુમાનફળ સાથે સામ્ય ધરાવે છે અને સીતાફળની જેમ અરોમિલ હોય છે. તે ઉત્તમ ગુણવત્તાવાળાં ફળ ધારણ કરે છે. ગર અત્યંત રસદાર અને હનુમાનફળની જેમ સારો, સહેજ ઍસિડિક સુગંધ ધરાવે છે; પરંતુ ઍટેમોયા-સંકરે તેની જાત હજુ પ્રસ્થાપિત કરી નથી અને તે વિભિન્નતાઓ દર્શાવે છે. આ સંકરનું રામફળ અને મંકી ઍપલ (A. glabra) સાથે સંકરણ આગળ ધપાવતાં અને હનુમાનફળ સાથે પ્રતિસંકરણ (back crossing) કરાવતાં ફલ-સ્વરૂપે આર્થિક રીતે ઉપયોગી સંકર ઉત્પન્ન થાય છે.
સારણી 1 : ભારતમાં ઉગાડવામાં આવતી સીતાફળની કેટલીક જાતોનાં લક્ષણો
જાત | વનસ્પતિની ઊંચાઈ મી.માં) | ફળનાં લક્ષણો |
1 | 2 | 3 |
‘બાલાનગર’ | 2.0-3.0 | ગોળ, પિરામિડીય કે હૃદયાકાર, મધ્યમથી મોટું કદ, 200 ગ્રા.થી 640 ગ્રા., 8.3 સેમી. લાંબું, 3.5 સેમી. વ્યાસ, ગર સફેદ, માખણ જેવો મીઠો, સુંદર સુગંધીવાળો, મધ્યમથી પુષ્કળ રસદાર, બીજ 40-80. અત્યંત ઉત્પાદક, ઉપચાયક (reducing) શર્કરાઓ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં. |
‘બાર્બૅડોસ’ | 2.4 | ગોળાકારથી હૃદયાકાર, મધ્યમ કદ, આશરે 230 ગ્રા., 7 સેમી. લાંબું, 7.7 સેમી. વ્યાસ, ગર મનપસંદ સુગંધવાળો, પીળાશ પડતો સફેદ, મીઠો, મધ્યમ રસદાર, બીજ 40-60. બહુ ફળદાયક (prolific) ઉત્પાદક. |
‘બ્રિટિશ ગિયાના’ | 1.8-2.4 | ગોળાકારથી હૃદયાકાર, મધ્યમ કદ, 170-335 ગ્રા., 6.8 સેમી. લાંબું, 6.8-7.5 સેમી. વ્યાસ, ગર સફેદ માખણ જેવો, મધ્યમ રસદાર, ઊંચું ઉત્પાદન, પાક્યા પછી પણ ફળ લીલું રહે, બીજ 30-50. |
‘ક્રિમ્સન કસ્ટર્ડ ઍપલ’ | 1.8-2.0 | ગોળાકારથી અંડાકાર, નાનાથી મધ્યમ કદ, ગર આછા લાલ રંગની છાંટવાળો, પોચો, મધ્યમસરનો રસદાર, મીઠો, બીજ 40-80. |
‘લોકલ કસ્ટર્ડ ઍપલ’ | 1.8-2.4 | ગોળાકાર, હૃદયાકાર કે શંકુ-આકાર, નાનાથી મોટાં, 140-334 ગ્રા., વધુમાં વધુ 615 ગ્રા., ગર આછો સફેદ, થોડાકથી માંડી પુષ્કળ રસદાર, અરુચિકર(inspid)-થી માંડી ખૂબ મીઠો, બીજ 30-80. સરેરાશ ઉત્પાદક, કેટલાંક વૃક્ષો 100થી વધારે ફળો આપે. |
‘મેમથ’ | 1.5 | અનિયમિત, ત્રિતલી(triquetrous)થી માંડી ગોળાકાર, સરેરાશ કદ, 170-250 ગ્રા., વધુમાં વધુ 450 ગ્રા., ગર સફેદ અને પારભાસક (translucent), પોચો, રસદાર, મીઠો, બીજ 40-60. |
‘લાલ સીતાફળ’ (રેડ કસ્ટર્ડ ઍપલ) | 1.8 | ગોળાકાર અને હૃદયાકાર, મધ્યમ કદ, 170-250 ગ્રા., વધુમાં વધુ 450 ગ્રા., ગર ગુલાબી છાંટવાળો, રસદાર, સહેજ ઍસિડિક, મીઠો, સૌથી વધારે ઉપચાયક શર્કરાઓ, બીજ 40-60. |
‘રેડ સ્પેક્ડ કસ્ટર્ડ ઍપલ’ | 1.5-2.0 | ગોળાકારથી હૃદયાકાર, નાનાથી મધ્યમ કદનું, 170-335 ગ્રા., ગર આછો સફેદ, મધ્યમસરનો રસદાર, થોડોક રેસાયુક્ત (stringy) અને લગભગ મીઠો, બીજ 40-70. ઓછો ઉત્પાદક. |
‘વૉશિંગ્ટન 98797’ | 1.8-3.0 | ગોળાકારથી હૃદયાકાર, મધ્યમથી મોટું કદ, 690 ગ્રા., ગર આછો પીળાશ પડતો સફેદ, પોચો, મધ્યમસરનો રસદાર, બીજ 50-60. વધુ ઉત્પાદક. |
‘વૉશિંગ્ટન 107005’ | 1.8-2.4 | ગોળાકારથી ટૂંકા શંકુ આકારનું, સરેરાશ કદનું, 170-335 ગ્રા., વધુમાં વધુ 560 ગ્રા., ગર પોચો ચળકતો સફેદ, માખણ જેવો, મધ્યમથી અતિરસદાર, મીઠો, આનંદદાયી સુગંધીવાળો, બીજ 30-50. ઉપચાયક શર્કરાઓ, કુલ અમ્લતા (total acidity) અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં. |
પ્રસર્જન : સીતાફળમાં પ્રસર્જન બીજ દ્વારા કે વાનસ્પતિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. હાલમાં તેનું સંવર્ધન મુખ્યત્વે બીજ દ્વારા કરવામાં આવે છે. સીતાફળનું વાનસ્પતિક સંવર્ધન ભેટ, આંખ કે ફાચર-પદ્ધતિ દ્વારા તે જ પ્રજાતિની જાતિઓ (હનુમાનફળ, રામફળ, ઍટેમોયા)માં થઈ શકે છે અને માતૃછોડના સારા ગુણોનો ફાયદો મેળવી શકાય છે.
બીજની પસંદગી : બીજ માટે મોટાં, સારાં અને ભરાવદાર પાકાં ફળો પસંદ કરવામાં આવે છે. ફળોમાંથી બીજ કાઢી, સૂકવી ભેજરહિત ડબ્બા કે પૉલિથિનની કોથળીમાં ભરવામાં આવે છે.
વાવણી : પસંદ કરેલા સીતાફળના બીજને યોગ્ય અંતરે તૈયાર કરેલા ખાડામાં સીધાં જ વાવી દેવામાં આવે છે; જેથી સોટીમૂળ જમીનમાં વધારે ઊંડે જઈ પાણી અને ખનિજદ્રવ્યોનું શોષણ કરી શકે છે. આ ઉપરાંત એપ્રિલ માસમાં બીજને ગાદી-ક્યારામાં 10 × 15 સેમી. કદની પ્લાસ્ટિકની કોથળીમાં સેન્દ્રિય ખાતર અને માટીનું મિશ્રણ ભરી તેમાં વાવી, રોપ તૈયાર કરી, તે રોપને તૈયાર કરેલા ખાડામાં જૂન-જુલાઈમાં વાવવામાં આવે છે.
જમીનની તૈયારી : ઉનાળામાં જમીનને ખેડી, ઢેફાં ભાંગી જડિયાં-મૂળિયાં વીણી, સમાર મારી, સમતલ કરી 5 × 5 મી. કે 6 × 6 મી.ના અંતરે 60 × 60 × 60 સેમી.(લાંબા, પહોળા અને ઊંડા)ના માપના ખાડા કરી, 25-30 દિવસ તપવા દઈ તેમને 20 કિગ્રા. સારું કોહવાયેલું છાણિયું ખાતર 1 કિગ્રા. દિવેલીનો ખોળ માટી સાથે મિશ્ર કરી તેનાથી ભરી દેવામાં આવે છે. જો જમીનમાં ઊધઈનો ઉપદ્રવ હોય તો ખાડાદીઠ 50 ગ્રા. લિન્ડેન પાઉડર ખાડા ભરતી વખતે ઉપર્યુક્ત મિશ્રણમાં ભેળવવામાં આવે છે. ભાવનગર વિસ્તારમાં ખેડૂતો 3 × 3 મી. કે 4 × 4 મી.ના અંતરે સીતાફળની રોપણી કરે છે.
આકૃતિ 2 : ‘ઍટેમોયા’નાં ફળો
રોપણી : એક-બે સારા વરસાદ પછી જૂન-જુલાઈમાં તંદુરસ્ત, જુસ્સાદાર, ખાતરીવાળા અને સારી જાતના રોપા લાવી ખાડાના મધ્યભાગમાં ખાડો કરી તેમાં રોપણી કરવામાં આવે છે અને છોડના થડને ચારેય બાજુએથી સારી રીતે માટીથી દબાવી દેવામાં આવે છે; જેથી પોલાણ ન રહે. જો બીજથી વાવેતર કરવાનું હોય તો તે જગાએ 23 બીજ વાવી તુરત જ પાણી આપવામાં આવે છે. ઝરમર વરસાદવાળું વાતાવરણ વાવેતર માટે આદર્શરૂપ ગણાય છે. જો રોપાઓથી વાવેતર કર્યું હોય તો લાકડાથી ટેકો આપવામાં આવે છે.
આંતરપાક : છોડ નાના હોય ત્યારે શરૂઆતનાં વર્ષોમાં શાકભાજી કે કઠોળ વર્ગના પાકો આંતરપાક તરીકે લઈ શકાય છે. આંતરપાકો લેવાથી સીતાફળના છોડને પિયત અને ખાતર મળતાં વાનસ્પતિક વિકાસ જલદીથી થાય છે. આ ઉપરાંત પૂરક આર્થિક આવક પણ મેળવી શકાય છે. આંધ્રપ્રદેશમાં જુવાર અને દિવેલી, મગફળી, બાજરી અને તલ આંતરપાક તરીકે વવાય છે. કેરળમાં નાળિયેરીના પાક વચ્ચે સીતાફળ ઉગાડવામાં આવે છે.
આંતરખેડ અને નીંદામણ : સીતાફળના ખેતરમાં વર્ષમાં એક કે બે ઊંડી ખેડ કરવામાં આવે છે તેમજ જરૂરિયાત મુજબ બેથી ત્રણ વાર આંતરખેડ કરવામાં આવે છે. આંતરખેડ કરતી વખતે મૂળને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત વર્ષમાં બેથી ત્રણ વાર ખામણાં ગોડવામાં આવે છે અને જરૂરી નીંદામણ કાઢવામાં આવે છે.
ખાતર : સીતાફળના પાકમાં કોઈ સંશોધન-આધારિત ચોક્કસ જથ્થામાં ખાતર આપવાની ભલામણ થઈ નથી; પરંતુ જે વિસ્તારોમાં સીતાફળની વ્યવસ્થિત ખેતી થાય છે, ત્યાં ખેડૂતો પુખ્ત વયના ઝાડને ચોમાસાની શરૂઆતમાં ઝાડદીઠ 10થી 15 કિગ્રા. છાણિયું ખાતર આપી 2થી 3 તગારાં નદી-તળાવનો કાંપ નાખે છે. આ ઉપરાંત ઝાડદીઠ 500 ગ્રા. દિવેલીનો ખોળ, 50 ગ્રા. નાઇટ્રોજન અને 50 ગ્રા. પોટાશ મળે તે પ્રમાણે રાસાયણિક ખાતર આપે છે. ખાતર નાખ્યા પછી ગોડ કરી તરત જ હળવું પિયત આપવામાં આવે છે. પાંચમા વર્ષથી દર વર્ષે 250 ગ્રા. નાઇટ્રોજન, 125 ગ્રા. ફૉસ્ફરસ અને 125 ગ્રા. પોટાશ આપવાથી વધારે ઉત્પાદન મળે છે.
છાંટણી અને કેળવણી : આ પાકને કોઈ ખાસ પ્રકારની છાંટણીની જરૂરિયાત નથી; તેમ છતાં ઝાડને યોગ્ય આકાર આપવા થડની ફરતે ફૂટતી ડાળીઓ અને સુકાયેલી ડાળીઓ કાપવામાં આવે છે. આ ઝાડને શરૂઆતથી એક થડ રાખી વધવા દેવામાં આવે છે અને 60 સેમી. જેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી ચારેય બાજુએ ડાળીઓ ફૂટવા દેવામાં આવે છે અથવા જમીનની સપાટીથી ચાર-પાંચ ડાળીઓ પર વધવા દેવામાં આવે છે.
આ ઉપરાંત ઝાડ ઉપર ફળોની સંખ્યા વધારે પ્રમાણમાં હોય તો વધારાનાં ફળો ઝાડ પરથી ખેરવી નાખવાથી બાકીનાં ફળો કદમાં મોટાં થાય છે અને સારો બજારભાવ મળે છે અને હેક્ટરદીઠ વધારે આવક પ્રાપ્ત થાય છે. જોકે વધારે ફળ બેસે ત્યારે વધારે પ્રમાણમાં પોષકતત્ત્વો આપવાથી ફળના કદમાં વધારો થાય છે અને ફળ ખેરવવાની જરૂર રહેતી નથી.
રોગો અને જીવાત : જીવંત કે મૃત વૃક્ષ પર બહુ ઓછી ફૂગ આક્રમણ કરે છે. સીતાફળની મૃત ડાળીઓ પર Diplodia natalensis, Pellicularia salmonicolor, Pleosphaeropsis annonae Cercospora annonae અને Fusarium semitectum નામની ફૂગ ચેપ લગાડે છે. P. salmonicolor-થી ગુલાબી રોગ થાય છે. Phytophthora parasitica var. macrospora ચોમાસાની ઋતુમાં ફળમાં સડાનો અને પતનનો રોગ લાગુ પાડે છે. આ રોગજન કાચાં અને પાકાં ફળોમાં જલસિક્ત (watersoaked) વિસ્તારો ઉત્પન્ન કરી સડો કરે છે. તેથી ગરના ઊંડા ભાગમાં ભૂખરો રંગ આવે છે. Pestalotia-ની જાતિ દ્વારા આ વૃક્ષને ચેપ લાગે છે. Sphaecoma anacardiae દ્વારા શ્યામવ્રણ (anthracnose) પાનનાં ટપકાંનો રોગ થાય છે. લણણી બાદ ફળોનો પોચો સડો (Botryodiplodia theobromae) અને શ્યામવ્રણ(Colletotrichum anonicola અને Curvularia lunata)ના રોગો નોંધાયા છે.
Araecercus suturalis, Chaetodacus zonatus અને Heterographis bengalellaની ઇયળો ફળોને; Zeuzera coffeae-ની ઇયળો તરુણ રોપાઓના કાષ્ઠમય પ્રકાંડ અને વૃક્ષની પાતળી શાખાઓને તેમજ Stromatium barbatum-ની ઇયળો શુષ્ક કાષ્ઠને કોરી ખાય છે. Dialeurodes decempuncta, Ceroplastes floridensis, Crypticerya jaihind, Icerya aegyptica, I. formicarum અને Pseudococcus virgatus રસ ચૂસે છે. Prodenia litura અને Graphium agamemnonmenides વૃક્ષનું વિપત્રણ (defoliation) કરે છે. રૂંછાળો માંકડ (Phenacoccus insolitus) ફળ ઉપર દેખાય છે અને ખંડોની વચ્ચે રહી સૂતર જેવી રચના કાંતે છે; પરંતુ કોઈ નુકસાન કરતો નથી. જોકે તેની હાજરીથી ફળોનો બજારભાવ સારો મળતો નથી. તેનું નિયંત્રણ માછલીના તેલ અને સાબુ(3 ગ્રા./લિ.)ના છંટકાવ દ્વારા થાય છે. માર્ગોસા કેફનો કાઢો, નિકોટિન સલ્ફેટ અને ઍન્ડ્રિનનો પણ ઉપયોગ કરી શકાય છે. આફ્રિકામાં સીતાફળ લાખના કીટકોનું યજમાન હોય છે. પક્ષીઓ અને પ્રાણીઓ આ ફળ ખાતાં હોવાથી જાળ દ્વારા રક્ષણ આપવામાં આવે છે અથવા કાચાં હોય ત્યારે ઉતારી લઈ કૃત્રિમ રીતે પકવવામાં આવે છે.
અનષ્ઠિલ ફળ : લણણી પછી નવેમ્બરથી ડિસેમ્બરમાં વનસ્પતિ સુષુપ્તાવસ્થામાં પ્રવેશે છે; ઉપયોગમાં નહિ લેવાતાં વૃક્ષોમાં સુષુપ્તાવસ્થાનો પ્રારંભ વહેલો થાય છે. આ સમયે વૃક્ષ પર રહેલાં ફળો એકાએક બદામી રંગનાં બને છે. તેઓ પછીની ઋતુ સુધી વૃક્ષ પર રહે છે. ફળનું આ રૂપાંતર કોઈક દેહધાર્મિક અનિયમિતતાઓને કારણે અથવા કેટલીક વાર તીવ્ર શુષ્કતા અને કુપોષણને લીધે થાય છે. લીલું કે યોગ્ય ખાતર આપેલ, સિંચિત પાકમાં ફળો સુષુપ્તાવસ્થા શરૂ થાય તે પહેલાં પાકે છે. આમ અષ્ઠિલ ફળોનું નિર્માણ ટાળવામાં આવે છે. સુપર ફૉસ્ફેટ અને હાડકાંનું ખાતર અષ્ઠિલ ફળોના નિર્માણને ઘટાડે છે અને ઉત્પાદનમાં સુધારો કરે છે.
ફળ ઉતારવા : કલમથી રોપેલાં વૃક્ષ 3થી 4 વર્ષે અને બીજથી રોપેલાં વૃક્ષ 4થી 5 વર્ષે ફળ આપે છે. કલમથી રોપેલાં વૃક્ષને બે વર્ષ સુધી જે ફળો બેસે તેને તોડી નાખવાથી વૃક્ષની વૃદ્ધિ અને તેનો વિકાસ સારો થાય છે.
સીતાફળને નવી ફૂટતી ડાળીઓ પર જૂન-જુલાઈમાં પુષ્પનિર્માણ થાય છે અને ફળો બેસે છે. ફળો ઑક્ટોબર-નવેમ્બરમાં પાકે છે. પુષ્પનિર્માણ પછી ફળો 100થી 110 દિવસે પાકે છે. ફળની પેશીઓ ભરાવદાર થઈ ઊપસી આવે; પેશીઓની છાલનો રંગ ઘેરા લીલામાંથી લીલાશ પડતો પીળો થાય અને પેશીઓ વચ્ચે ખાલી જગા વધી જાય ત્યારે ફળો ઉતારવામાં આવે છે.
ઉત્પાદન : દરેક વૃક્ષ પર ફળનો ઉતારો જુદો જુદો હોય છે અને તે મૃદાની ફળદ્રૂપતા પર આધાર રાખે છે. પહેલા પાકનાં ફળો મોટાં અને છેલ્લા પાકનાં ફળો નાનાં હોય છે. ભારતમાં અન્ય દેશો કરતાં સામાન્ય રીતે ફળોનું ઉત્પાદન ઓછું થાય છે; જે કેટલેક અંશે પરાગનયનના અભાવને કારણે હોય છે. સામાન્ય મૃદા પર વૃક્ષદીઠ 50થી 100 ફળો અને ફળદ્રૂપ મૃદા પર ફળનો ઉતારો 600 સુધી પહોંચી શકે છે. પ્રત્યેક ફળનું વજન 112 ગ્રા.થી 645 ગ્રા. સુધીનું અને બીજની સંખ્યા 20થી 80ની હોય છે. આંધ્રમાં એક અંદાજ મુજબ ફળોનું ઉત્પાદન 6,600 કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. ફળોદ્યાન (orchard) 15-20 વર્ષ સુધી સારું આર્થિક મળતર આપે છે.
સંગ્રહ : સામાન્ય તાપમાને અને પરિપક્વને પણ ફળ તેના ખંડોમાં કે છાલ પર રહેલાં નુકસાનવાળાં ટપકાં ઉપર કાળા વિસ્તારો ઉત્પન્ન કરે છે. જોકે આ કાળા વિસ્તારોને નુકસાનકારક ચિહ્નો ગણવામાં આવતા નથી. શીત-સંગ્રહ કોઈ રીતે લાભદાયી નથી. સખત અને અપરિપક્વ ફળોને 17° સે. કે તેથી નીચા તાપમાને રાખતાં ફળો રંગહીન બને છે. પાકાં ફળોને 5.5° સે. તાપમાને 42 દિવસ સુધી સંગ્રહી શકાય છે, આવાં ફળોનો ગર સારો રહે છે, છતાં તેનો દેખાવ અનાકર્ષક હોય છે.
રાસાયણિક બંધારણ અને ઉપયોગ : ઉષ્ણકટિબંધીય ફળોમાં સીતાફળ સૌથી સારાં ફળોમાંનું એક છે. સીતાફળ આંધ્રપ્રદેશમાં ઋતુ દરમિયાન નિયમિત ખોરાકનો એક ભાગ છે. જ્યારે તે વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય હોય ત્યારે સહેજ કાચાં ફળ સીધેસીધાં પકવી કે ભૂંજીને ખાવામાં આવે છે. પાકાં ફળ ભોજન પછીની વાનગી તરીકે ખવાય છે. તેનો ગર દૂધ સાથે મિશ્ર કરી પીણાં કે આઇસક્રીમ બનાવવામાં ઉપયોગી થાય છે. સીતાફળમાંથી જેલી, જામ, શરબત, સિરપ અને આથવેલાં પીણાં તૈયાર કરવામાં આવે છે. તેની ડબ્બાબંધી (canning) પણ કરવામાં આવે છે. ફળના ખાદ્ય ભાગ(100 ગ્રા. ખાદ્ય દ્રવ્ય)નું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 70.5 ગ્રા., પ્રોટીન 1.6 ગ્રા., મેદ 0.4 ગ્રા., રેસો 3.1 ગ્રા., કાર્બોદિતો 23.5 ગ્રા. અને ખનિજદ્રવ્યો 0.9 ગ્રા., ફૉસ્ફરસ 47 મિગ્રા., આયર્ન 1.5 મિગ્રા., કૅલ્શિયમ 17.0 મિગ્રા., થાયેમિન 0.07 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.17 મિગ્રા., નાયેસિન 1.3 મિગ્રા. અને વિટામિન ‘સી’ 48.0 મિગ્રા. અને કૅલરી-આંક 104 કિ.કૅલરી. તે મૅગ્નેશિયમ 48 મિગ્રા., પોટૅશિયમ 340 મિગ્રા., કૉપર 0.52 મિગ્રા., ક્લોરિન 37.0 મિગ્રા. અને ઑક્ઝેલિક ઍસિડ 30 મિગ્રા./100 ગ્રા. ધરાવે છે. ફળમાં ફૉલિક ઍસિડ (20.2 માઇક્રોગ્રા./100 ગ્રા.), ફ્લોરાઇડ (0.10.2 પી.પી.એમ.) પણ હોય છે. ફળના આલ્કોહૉલીય નિષ્કર્ષમાં રહેલા ઍમિનોઍસિડો આ પ્રમાણે છે : ઍલેનિન, β-ઍલેનિન, સિસ્ટિન, ગ્લુટેમાઇન, સેરાઇન, γ-ઍમિનોબ્યુટિરિક ઍસિડ, પિપેકોલિક ઍસિડ અને અત્યંત અલ્પ પ્રમાણમાં લાયસિન, હિસ્ટિડિન, આર્જિનિન અને ઍસ્પરજિન. ફળ પૅક્ટિન (2.36 % શુષ્કતાને આધારે, કૅલ્શિયમ પૅક્ટેટ તરીકે) ધરાવે છે.
ફળમાં લગભગ 20 % જેટલી શર્કરાઓ અને 0.3 % ઍસિડ [નિર્જલ (anhydrous) સાઇટ્રિક ઍસિડ તરીકે] હોય છે. તેનો pH આંક લગભગ 5.5 જેટલો હોય છે. ગ્લુકોઝ મુખ્ય શર્કરા છે. ત્યારબાદ ફ્રુક્ટોઝ અને સુક્રોઝ આવે છે. જો ગરને 55° સે.થી વધારે તાપમાને ગરમ કરવામાં આવે તો પાછળનો સ્વાદ કડવો આવે છે. આમ, તેનું ગરમીથી પરિરક્ષણ કરવાનું અવ્યવહારુ છે. સંકર અને ‘ઍટેમોયા’, ‘બાલાનગર’, ‘બ્રિટિશ ગિયાના’, ‘મૅમથ’ અને ‘લાલ સીતાફળ’ના ગરનો સ્વાદ ગરમ કરવાથી કડવો બને છે. ગરને હવામાં ખુલ્લો રાખતાં પૅરૉક્સિડેઝ નામના ઉત્સેચકની સક્રિયતાને કારણે ગુલાબી રંગનો બને છે. ગરમાં અતિ અલ્પ પ્રમાણમાં (+) કૅટેચિન, (-) એપીકૅટેચિન અને વિપુલ પ્રમાણમાં બહુલકીય (polymerized) પ્રોઍન્થોસાયનિડિન હોય છે. ગરનું પરિરક્ષણ 0.1 % સોડિયમ બૅન્ઝોએટ, 50-100 પી.પી.એમ., સલ્ફરડાયૉક્સાઇડ અને 1.0 % સાઇટ્રિક ઍસિડ ઉમેરીને અથવા શર્કરાની સાંદ્રતા 40° બ્રિક્સ વધારીને કરવામાં આવે છે. નીપજને ઓરડાના તાપમાને છ માસ સુધી રાખી શકાય છે.
બાષ્પનિસ્યંદન દ્વારા ફળનાં છોતરાંમાંથી 0.1 % ઘેરા પીળા રંગનું અને ગરમાંથી 0.02 % આછા પીળા રંગનું બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે. છોતરાના તેલમાં કેટલાક ટર્પેનૉઇડો હોય છે; જેમાં α – અને β-પિનિન, લિસોનિન, β-ફાર્નેસિન અને ટ્રાન્સ-ઓસિમિનનો સમાવેશ થાય છે. તાજા ફળની સુગંધી માટે અવેજી-સ્વરૂપે તેલનો ઉપયોગ થઈ શકે છે.
ફળ સંકોચક (astringent), પ્રતિસ્કર્વી (antiscorbutic) અને છાતીના દર્દો મટાડનાર છે. શક્તિપ્રદાયક (tonic) તરીકે તે રુધિરમાં વધારો કરે છે અને સ્નાયુની શક્તિમાં વધારો કરે છે. ફળ પાચન માટે શ્રેષ્ઠ ગણાય છે અને ઊલટી, અતિસાર (diarrhoea), મરડો અને ચક્કર(vertigo)માં તેની ભલામણ કરવામાં આવે છે. મીઠા સાથે પાકો ગર ગૂમડાના પાકને ઝડપી કરે છે. ફળનું કાચું, સૂકું ચૂર્ણ કીટનાશક તરીકે ખાસ કરીને જૂ માટે વપરાય છે.
બીજ : બીજ ચપટાં અને આશરે 2 સેમી. લાંબાં હોય છે અને 68.5 % મીંજ (kernel) અને 31.5 % બરડ કવચ ધરાવે છે. તેઓ વિષાળુ (toxic) ઘટક ધરાવે છે અને અ-ખાદ્ય (non-edible) હોય છે. મીંજમાં પાણી 6.1 %, પ્રોટીન 19.2 %, મેદ 39.5 %, રેસો 14.1 %, કાર્બોદિતો 17.1 % અને ભસ્મ 4 % રહેલાં છે. બીજમાંથી અશુષ્કના (non-drying) તેલનો અને ખોળનો જથ્થો એકલા આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ય બને છે. તેલના ભૌતિક-રાસાયણિક અચળાંકો આ પ્રમાણે છે : વક્રીભવનાંક 1.4680, સાબુકરણ-આંક (sap. val.) 291.9, આયોડિન-આંક (iod. val.) 83.3, ઍસિડ-આંક 0.8 અને અસાબુનીકૃત દ્રવ્ય 0.9 %. ફૅટી ઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : મિરિસ્ટિક 0.3 %, પામિટિક 12.4 %, સ્ટિયરિક 8.8 %, ઓલિક 53.8 %, ઍરેકિડિક 1.8 %, હેક્ઝાડેકેનૉઇક 2.3 % અને લિનોલેઇક ઍસિડ 19.9 %. તેલની સાથે વિષાળુ ઘટકનું પણ નિષ્કર્ષણ થાય છે. આ ઘટકને ગરમી આપવાથી, બાષ્પન(steaming)થી કે ઍસિડ-ચિકિત્સાની કોઈ અસર થતી નથી. આલ્કલી-પરિષ્કરણ (refining) દ્વારા આ વિષાળુ ઘટકનો નાશ થાય છે. આવું તેલ સાબુ બનાવવામાં અને આલ્કાઇડના ઉત્પાદનમાં સુઘટ્યતાકારક (plasticizer) તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. સફેદ ઉંદરો પર ખોરાકના પ્રયોગોમાં પરિષ્કૃત તેલ આપવાથી પ્રોત્સાહજનક પરિણામો સાંપડ્યાં છે. ખોળનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 7.8 %, પ્રોટીન 30.45 %, કુલ કાર્બોદિતો 56.4 % અને ભસ્મ 5.4 %. તેનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકે છે, કારણ કે તે નાઇટ્રોજન સારા પ્રમાણમાં ધરાવે છે. વિષાળુ ઘટક દૂર કર્યા પછી ખોળનો ઉપયોગ ઢોરો અને મરઘાં-બતકાં માટે ખોરાક તરીકે થાય છે. બીજ અને તેલ નેત્રશ્લેષ્મલા (conjuctiva) માટે શક્તિશાળી ઉત્તેજકો છે અને અંધાપા માટે જવાબદાર છે. બીજ તટસ્થ રાળ (0.56 %) ઉત્પન્ન કરે છે. બીજમાં આલ્કેલૉઇડ, ગ્લિસરાઇડ અને સ્ટૅરૉઇડની હાજરી પણ જાણવા મળી છે.
બીજ કીટનાશક અને મત્સ્યનાશક (piscicidal) ગુણધર્મો ધરાવે છે. બીજનું ચૂર્ણ કૃમિઓનો નાશ કરવા માટે વપરાય છે. બીજનો ઉપયોગ ગર્ભાધાનરોધી (anti-conceptional) અને ગર્ભપાતક (abortifacient) ઔષધ તરીકે થાય છે. તેનું કડવું ઘટક Musca domestica (ઘરમાખી) અને M. nebulo જેવી માખીઓ અને કેટલાક ભમરાઓની અને ઍફિડની ઇયળો માટે સંપર્ક-વિષ (contact-poison) હોવાનું જાણવા મળ્યું છે. વિષાળુતાનો આધાર સાંદ્રતા પર રહેલો છે. આ વૃક્ષ પર લાખનું કીટક થાય છે.
પર્ણો ઉત્તેજક, ઉદ્વેષ્ટરોધી (antispasmodic), સ્વેદક (sudorific), કૃમિહર (anthelmintic) અને કીટનાશક ગુણધર્મો ધરાવે છે. કચરેલાં પર્ણો હિસ્ટીરિયા અને વાઇના દર્દીઓના નાક પર અને તેની મીઠા સહિતની પોટીસ દાઝ્યા પર અને ચાંદા પર લગાડવામાં આવે છે. તે દુખાવામાં અને સોજામાં રાહત આપે છે. પોટીસ જૂનો નાશ કરે છે અને માંકડ અને ડિંભકોને અટકાવે છે; તેનો ઉપયોગ ગિનીવૉર્મનો નિકાલ કરવા માટે પણ થાય છે. પર્ણોનો આસવ બાળકોને થતા ગુદભ્રંશ (prolapsus ani) પર અસર કરે છે. તેના પાનની ચા તાવની અસર હળવી કરવા વપરાય છે. તેના ઍસિડ, ઈથર કે ઍસિટેટ બફર સાથેના નિષ્કર્ષો Micrococcus pyogenes var. aureus સામે પ્રતિજૈવિક સક્રિયતા દાખવે છે. પર્ણોના આલ્કોહૉલીય નિષ્કર્ષનો જલદ્રાવ્ય ભાગ સસલાના અલગ કરેલા હૃદયને ઉત્તેજે છે અને તેના અલગ કરેલા પક્વાશયને વિશ્રાંત કરે છે; ગિનીપિગના નાના આંતરડા પર આકર્ષજન (spasmogenic) અસર કરે છે અને સંવેદનાહૃત (anaesthatized) પ્રાણીઓમાં રુધિરનું દબાણ વધારે છે, ઉંદરના ગર્ભાશય પર તેનો નિષ્કર્ષ ગર્ભાશયસંકોચ(oxytocic)-સક્રિયતા દાખવે છે. તેનો સક્રિય ઘટક ઍડ્રિનાલિન સાથે ઘણું સામ્ય દર્શાવે છે. જલીય નિષ્કર્ષ સિવાય બધા નિષ્કર્ષ પ્રતિકૅન્સર (anti-cancer) સક્રિયતા દર્શાવે છે; જેમાં ઍસિડ-નિષ્કર્ષ સૌથી સક્રિય હોય છે. તેઓ અહર્લિક જલોદર (ascite) અર્બુદકોષોને અવરોધે છે. પર્ણોનો ઇથેનૉલીય નિષ્કર્ષ L-1210 લિમ્ફૉઇડ લ્યુકેમિયા, સાર્કોમા 180, વૉકર કાર્સિનોમા 256 અને પેશીય સંવર્ધનમાં મનુષ્યના નાસાગ્રસની(nasopharynx)ના અધિસ્તરીય (epidermoid) કાર્સિનોમા સામે સક્રિયતા બતાવે છે. સક્રિય ઘટક કોરિડિન છે અને વિનાશક માત્રા50 (LD50 dose) 100 મિગ્રા./કિગ્રા. શરીરનું વજન છે.
લીલાં પર્ણો બાષ્પનિસ્યંદન દ્વારા પીળું, જેતુન-હરિત (olive-green) કે લીલા રંગનું, આનંદદાયી સુગંધવાળું અને કડવું બાષ્પશીલ તેલ (0.08 %) ઉત્પન્ન કરે છે. તેના અચળાંકો આ પ્રમાણે છે : વિશિષ્ટ ઘનત્વ 0.911, વક્રીભવનાંક 1.4995, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન ઍસિડ-આંક 1.5, ઍસ્ટર-આંક 45.2, ઍસિટિલ-આંક 3.31 અને આયોડિન-આંક 205.0. તેલમાં β-કૅર્યોફાઇલિન (50 %), α-પિનેન (7.0 %), એકચક્રીય (monocyclic) ટર્પિન (4.04 %) અને બે દ્વિચક્રીય સેસ્ક્વિટર્પિન હોય છે; જેનું હાઇડ્રોજિનેશન થતાં કૅડેલિન ઉત્પન્ન થાય છે.
સીતાફળના વિવિધ ભાગોમાંથી કેટલાંક આલ્કેલૉઇડ અલગ કરવામાં આવ્યાં છે. (જુઓ સારણી 2).
પર્ણો અને કોમળ પ્રકાંડોમાં ઍનોનેઇન, એપોર્ફિન, કોરિડિન, આઇસોકોરિડિન, નૉર્કોરિડિન, નૉર્આઇસોકોરિડિન, ગ્લોસિન, નૉર્લ્યોરેલિન અને રોમરિન હોય છે. છાલ ઍનોનેઇન, કોરિડિન, આઇસોકોરિડિન અને ગ્લોસિન ધરાવે છે. મૂળમાં ઍનોઇન, ઍનોલોબિન, આઇસોકોરિડિન, લિરિયોડેનિન, નૉર્યુશિન્સ્યુનિન અને રેટિક્યુલિન અને બીજમાં ઍનોનેઇન હોય છે.
છાલનો ઉપયોગ અતિસારમાં થાય છે. છાલમાંથી નીચી ગુણવત્તાવાળો રેસો પ્રાપ્ત થાય છે, જેનો દોરડાં બનાવવામાં ઉપયોગ થાય છે. તેનો નિષ્કર્ષ બટાટાના વાઇરસ Xને અવરોધે છે. છાલમાં 2.02 % ટેનિન હોય છે અને વેસ્ટ ઇંડિઝમાં તે ચર્મશોધનમાં વપરાય છે. તે કૅમ્ફર, બોર્નિયૉલ, β-સિટોસ્ટૅરોલ અને મૉનોટર્પિન (C10H14O, ગલનબિંદુ 175-176° સે., વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન – 123°) ધરાવે છે. મૉનોટર્પિન રેચક પ્રક્રિયા આપે છે અને દેડકાના મળાશય-ઉદરીય (rectus abdominis) સ્નાયુમાં શિથિલક (relaxant) પ્રક્રિયા દર્શાવે છે. બાષ્પશીલ તેલનું ઘટક Bacillus subtilis, Escherichia coli, Micrococcus pyogenes var. aureus અને Proteus vulgaris સામે અવરોધક અસર અને ઊધઈ અને વંદા સામે પ્રતિકર્ષી (repellant) અસર દર્શાવે છે.
સારણી 2 : સીતાફળના વિવિધ ભાગોમાંથી અલગ કરવામાં આવેલા આલ્કેલૉઇડ
અંગ | આલ્કેલૉઇડ | આણ્વીય સૂત્ર | ગલનબિંદુ (° સે.માં) |
પર્ણો, કોમળ પ્રકાંડ, છાલ, મૂળ, બીજ | ઍનોનેઇન | C17H15O4N | 120-122 |
મૂળ | ઍનોલોબિન | C17H15O3N | 262 |
પર્ણો, કોમળ પ્રકાંડ | એપોર્ફિન | C17H17N | – |
પર્ણો, કોમળ પ્રકાંડ, છાલ | કોરિડિન | C20H23O4N | 148 |
પર્ણો, કોમળ પ્રકાંડ, છાલ | આઇસોકોરિડિન | C20H23O4N | 184 |
પર્ણો, કોમળ પ્રકાંડ | નૉર્કોરિડિન | C19H21O4N | – |
પર્ણો, કોમળ પ્રકાંડ | નૉર્આઇસોકોરિડિન | C19H21O4N | 201-204 |
પર્ણો, કોમળ પ્રકાંડ, છાલ | ગ્લૉસિન | C21H25O4N | 118 |
મૂળ | લિરિયોડેનિન | C17H9O3N | 282 |
પર્ણો, કોમળ પ્રકાંડ | નૉર્લ્યોરેલિન | C18H17O3N | – |
મૂળ | નૉર્યુશિન્સ્યુનિન | C17H15O3N | 202-207 |
મૂળ | રેટિક્યુલિન | C19H23O4N | 206-207 |
પર્ણો, કોમળ પ્રકાંડ | રોમરિન | C18H17O2N | 96-98 |
મૂળને કન્નડ, તમિળ અને તેલુગુ ભાષામાં ‘સીતાબેર’ કહે છે. તે મૂત્રલ અને અતિરેચક છે. તેનો ઉપયોગ અવનમન (depression), કરોડરજ્જુનાં દર્દો, દમ અને તાવમાં થાય છે. સારણી 2માં દર્શાવ્યા ઉપરાંત તાઇવાનથી પ્રાપ્ત થયેલ બે નહિ ઓળખાયેલાં બિન-ફિનૉલીય આલ્કેલૉઇડ (ગ.બિં. 224°-226° સે. અને 231°-233° સે.) અલગ કરવામાં આવ્યાં છે. મૂળમાં (-)-કોર-16-en-19-oic ઍસિડ હોય છે; જે જિબરેલિન જેવી વનસ્પતિ વૃદ્ધિ-નિયામક તરીકેની સક્રિયતા ધરાવે છે. તે β-કૅર્યોફાઇલિન, β-સિટોસ્ટૅરોલ, સ્ક્વૅમોલોન (C5H8N2O2, ગ.બિં. 145°-146° સે.), કૅમ્ફર, બોર્નિયૉલ, પાંચ કૉરેન-સંબંધિત ડાઇટર્પિન અને છાલમાં હોય છે તેવો એક મૉનોટર્પિન ઉત્પન્ન કરે છે.
તેનાં તાજાં પુષ્પો ખાવામાં આવે છે; અને છાતીનાં દર્દો મટાડવા ઉપયોગમાં લેવાય છે. કાષ્ઠ (વજન, 640 કિગ્રા./ઘમી.) પોચું અને સંકુલિત કણયુક્ત (close-grained) હોય છે. તેના પર ઊધઈ આક્રમણ કરતી નથી. તેનો ઉપયોગ ગાડાં અને ઝૂંપડીઓ બનાવવામાં થાય છે.
આયુર્વેદ અનુસાર સીતાફળ ખૂબ મધુર, રુચિકર; ગુણમાં શીતળ, હૃદ્ય, બલકર, કફ કરનાર, વાયુ-પિત્તદોષનાશક, શીતવીર્ય, તૃપ્તિજનક, રક્ત અને પુષ્ટિવર્ધક, માંસવર્ધક અને દાહ, રક્તપિત્ત (રક્તસ્રાવ) મટાડનાર છે. ફળ દેહની માંસપેશીઓને મજબૂત કરે છે. યુનાની મતે સીતાફળ સારક (ઝાડો લાવનાર), વાજીકર અને હૃદયનાં સ્પંદનોને નિયમિત કરનાર અને તેનું બળ વધારનાર સૌમ્ય ફળ છે.
ઉપયોગો : (1) અંગના દાહની-પિત્તદોષની શાંતિ માટે પાકાં સીતાફળ ભાંગીને રાતે અગાસીમાં ઝાકળમાં મૂકી રાખી સવારે તે નરણા કોઠે ખવડાવવામાં આવે છે. (2) મૂત્રાઘાત(પેશાબ ન થવો)માં સીતાફળના મૂળનું ચૂર્ણ પાણીમાં આપવામાં આવે છે અથવા મૂળ પાણીમાં ઘસીને પાવામાં આવે છે. (3) માથાની જૂ અને લીખો માટે સીતાફળના બીજના ચૂર્ણને પાણીમાં કાલવી, માથાના વાળના મૂળમાં ભરી કપડું બાંધી સૂઈ ગયા બાદ સવારે માથું ધોઈ નાખવામાં આવે છે. (4) મૂર્ચ્છા-હિસ્ટીરિયામાં સીતાફળના પાનના રસનાં ટીપાં પાડવામાં આવે છે અથવા ફળનાં બીજ અંગારા પર નાખી ધુમાડો લેવાથી દર્દી ભાનમાં આવે છે. (5) નષ્ટાર્તવમાં સીતાફળનાં બીજના ચૂર્ણની વાટ બનાવી સ્ત્રીની યોનિમાં મૂકવામાં આવે છે, તેથી નાશ પામેલ માસિક સ્રાવ ફરીથી શરૂ થાય છે. (6) સુખપ્રસવ (પ્રસવ કષ્ટ દૂર કરવા) માટે પ્રસવતત્પર સ્ત્રીની યોનિ ફરતે અને પેઢુ પર સીતાફળના બીજના ચૂર્ણને પાણીમાં કાલવીને તેનો લેપ કરવામાં આવે છે. (7) ગુદભ્રંશ(આમણ નીકળવી)માં સીતાફળના પાનનો ઉકાળો કે હિમ કરી, તેનાથી બહાર આવેલ ગુદા કે યોનિને ધોઈને અંદર બેસાડવામાં આવે છે. (8) ગાંઠ પકાવી ફોડવા માટે પાકા ફળના ગર્ભ સાથે થોડું મીઠું મેળવી વાટીને તે કાચી ગાંઠ પર લોપરી(પોટીસ)ની જેમ લગાવાય છે. એથી ગાંઠ પાકીને ફૂટી જાય છે અને પીડા શમે છે.
સીતાફળ ખૂબ જ ઠંડાં હોવાથી શરદીની તાસીર કે તેના દર્દથી પીડાતાએ ખાવાં જોઈએ નહિ. તેનાં બીજનું ચૂર્ણ આંખ માટે ઘાતક હોવાથી આંખને તેનાથી ખાસ બચાવવી જોઈએ.
ઍનાના પ્રજાતિની અન્ય જાતિઓમાં A. montana (માઉન્ટેન સૉવર્સૉપ્), A. purpurea (નિગ્રો-હેડ, સોનૂયા), A. senegalensisનો સમાવેશ થાય છે.
બી. વી. પઢિયાર
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ