સીતામઢી (Sitamadhi) : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો સરહદી જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 36´ ઉ. અ. અને 85° 29´ પૂ. રે.ની આજુબાજુનો 2627.7 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળની સીમા, પૂર્વે મધુબની, અગ્નિ તરફ દરભંગા, દક્ષિણે મુઝફ્ફરપુર અને પશ્ચિમે શિવહર જિલ્લા આવેલા છે. જિલ્લાની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 55 કિમી. જેટલી છે. જિલ્લામથક સીતામઢી જિલ્લાની પશ્ચિમ સરહદ નજીક આવેલું છે.

સીતામઢી

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનો સમગ્ર વિસ્તાર નદીજન્ય કાંપમાટીથી બનેલો છે અને સમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. મોટેભાગે તે સમુદ્રસપાટીથી 80 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતો નથી. ભૌગોલિક દૃષ્ટિએ આ જિલ્લાને ચાર વિભાગોમાં વહેંચેલો છે : (1) બાગમતી અને લખનદેઈ નદીઓની વચ્ચેનો પ્રદેશ, (2) ઈશાન વિભાગ, (3) લખનદેઈ અને અધવારા નદીઓની વચ્ચેનો પ્રદેશ, (4) અધવારા અને નેપાળ વચ્ચેનો પ્રદેશ.

બાગમતી, લખનદેઈ, અધવારા અને તેમની સહાયક નદીઓ અહીંની મુખ્ય નદીઓ છે. ચોમાસામાં તેમાં પૂર આવે છે અને કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેરે છે.

અર્થતંત્ર : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડાંગર, ઘઉં અને ખેસારી (લૉંગ) અહીંના મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત શેરડી, કઠોળ (ચણા) અને તેલીબિયાંની પણ ખેતી થાય છે. સિંચાઈની સગવડો પૂરતી ન હોવાથી કૃષિપાકોનું પ્રમાણ ઓછું રહે છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે, મરઘાં-બતકાંનો ઉછેર થોડા પ્રમાણમાં થાય છે. સરકારી સહાયથી પશુસંવર્ધન-કેન્દ્રો ઊભાં કરાયાં છે. અહીં મુખ્યત્વે ખેતી-આધારિત ઉદ્યોગો વિકસેલા છે. ખાંડ, તેલનાં કારખાનાં તથા ડાંગર છડવાની મિલો આવેલી છે. સુતરાઉ કાપડ અને ઊની કાપડના ગૃહઉદ્યોગો પણ વિકસેલા છે. સીતામઢી, પુરી અને પરિહર ડાંગરનાં મુખ્ય વેપારીકેન્દ્રો છે. અહીંથી ડાંગરની નિકાસ થાય છે, જ્યારે ચા અને કાપડની આયાત કરવામાં આવે છે.

જિલ્લાને રેલમાર્ગોનો લાભ પૂરતા પ્રમાણમાં મળ્યો નથી. ઉત્તર-પૂર્વ રેલવિભાગનો મીટરગેજ રેલમાર્ગ સમસ્તીપુર-દરભંગા-નરકારીગંજ જિલ્લાના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. તે જોગીઆરા રેલમથકથી પ્રવેશે છે, સીતામઢીથી આગળ વધીને જિલ્લાના બૈરગનિયા રેલમથકથી શિવહર જિલ્લામાં પ્રવેશે છે.

આ જિલ્લામાં રેલમાર્ગો કરતાં પાકા સડકમાર્ગોનું પ્રમાણ વિશેષ છે. મહત્ત્વના પાકા રસ્તાઓમાં સીતામઢી-મુઝફ્ફરપુર, સુરસન્દ માર્ગ અને પુરી તરફ જતા માર્ગોનો સમાવેશ થાય છે. આ રસ્તાઓને સાંકળતા માર્ગો પણ છે. ચોમાસાની ઋતુમાં નદીઓમાં આવતાં પૂરથી પરિવહનક્ષેત્રને નુકસાન પહોંચે છે.

પ્રવાસન : સીતામઢી સીતાના જન્મસ્થળ માટે તથા પુરી શિવમંદિર માટે જાણીતું છે. આ સિવાય પંથપકર, ગોકુલ શરીફ અને હલેશ્વર મંદિર અહીંનાં જોવાલાયક સ્થળો ગણાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 26,69,887 જેટલી છે. વસ્તીમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ લોકો મુખ્ય છે. શહેરી વિસ્તારોમાં દવાખાનાં, ચિકિત્સાલયો તથા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા છે, જ્યારે ગ્રામ-વિસ્તારોમાં શિક્ષણની સુવિધા પ્રમાણમાં ઓછી છે. સીતામઢી ખાતે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 3 ઉપવિભાગોમાં તથા 10 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 4 નગરો છે.

ઇતિહાસ : સીતામઢી સ્થળ સીતાના જન્મ સાથે સંકળાયેલું છે. સીતાના જન્મ વિશે જુદી જુદી લોકવાયકાઓ પ્રવર્તે છે. અહીંની કોઈક જમીન ખેડતી વખતે કોઈ ખેડૂતને મળી આવેલા ઘડામાંથી બાળકી મળી આવેલી, જે રાજા જનકને સોંપેલી. એવું પણ માનવામાં આવે છે કે અહીંના એક તળાવમાંથી સીતાજીનો ઉદભવ થયેલો. એવી જ બીજી એક લોકવાયકા પ્રમાણે બીરબલ દાસ નામના સંતને એવી પ્રેરણા થયેલી કે સીતાનો જન્મ આ ભૂમિ પર થયેલો; તે પરથી તેમણે અહીં રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ સહિત મંદિરની સ્થાપના કરાવેલી.

એક સમયે આ પ્રદેશ જંગલ-આચ્છાદિત હતો. 1971ની વસ્તી-ગણતરી મુજબ આ જિલ્લો મુઝફ્ફરપુર જિલ્લાનો ભાગ હતો; પરંતુ 1972માં તેને અલગ જિલ્લાનો દરજ્જો પ્રાપ્ત થયો. ત્યારબાદ વહીવટી સરળતા માટે 1991માં આ જિલ્લાને સીતામઢી અને શિવહર નામના બે જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા