સીડોન : પ્રાચીન ફિનિશિયાનું, ભૂમધ્ય સમુદ્ર પરનું બંદર અને વેપારનું મથક. તે લૅબેનોનના કિનારે, બૈરુતની દક્ષિણે 40 કિમી. દૂર આવેલું છે. પ્રાચીન સમયમાં તે કાચ, રંગ તથા દારૂના ઉદ્યોગો માટે જાણીતું હતું. ત્યાં અલંકારોના ધાતુકામના અને કાપડ-વણાટના ઉદ્યોગો પણ હતા. પ્રાચીન સમયથી તે વેપારનું મથક છે. ત્યાંના વિશાળ બગીચાઓમાં થતાં નારંગી અને લીંબુની નિકાસ થાય છે. ત્યાંના લોકો ઑઇલ રિફાઇનરીમાં તથા માછીમારીમાં રોજગારી મેળવે છે. ત્યાંના ઘણાખરા લોકો સુન્ની મુસલમાનો છે.

ઈ. પૂ. સાતમી સદીથી ફિલિસ્તીનો, એસિરિયનો, બૅબિલોનિયનો, ઇજિપ્શિયનો, ગ્રીકો તથા રોમનોએ જુદા જુદા સમયે સીડોન બંદર કબજે કર્યું હતું. ધર્મયુદ્ધો દરમિયાન નગરને ઘણું નુકસાન થયું હતું. 17મી અને 18મી સદી દરમિયાન તુર્કી શાસન હેઠળ તેનાં વેપાર અને સમૃદ્ધિમાં વધારો થયો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોએ સીડોન કબજે કર્યા પછી તેને ફ્રેન્ચોના રક્ષણ હેઠળ મૂકવામાં આવેલું.

જયકુમાર ર. શુક્લ