સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC)

January, 2008

સી..આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC) : ગ્રાહક શિક્ષણ, સંશોધન અને સુરક્ષાને વરેલી અમદાવાદ ખાતેની વિશ્વભરમાં વિખ્યાત બનેલી સંસ્થા. સ્થાપના : 1978. પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને લગતા કાયદા હેઠળ તેની નોંધણી થયેલી છે. સંશોધન-સંસ્થા તરીકે તે માન્યતા ધરાવે છે. બિન-નફાલક્ષી ધોરણે તે પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે. ગ્રાહક-સુરક્ષા અંગે છેલ્લાં 27 વર્ષ (1978-2005) દરમિયાન તેણે કરેલા કાર્યને કારણે સેંકડો-હજારો ગ્રાહકો તેમને થયેલ અન્યાય સામે લડી શક્યા છે અને ન્યાય મેળવી શક્યા છે અને તેમાં શિક્ષિત ગ્રાહકો તથા સામાન્ય શિક્ષણ લીધેલા ગ્રાહકોનો સમાવેશ થાય છે. ગ્રાહકો માટે આ સંસ્થાએ કરેલા કાર્ય અને તે માટેની ઊભી કરેલી પાયાની સુવિધાઓ(infrastructure)ની દૃષ્ટિએ આ સંસ્થા તેના ક્ષેત્રમાં દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સમગ્ર એશિયાખંડમાં જાપાનને બાદ કરતાં આ એકમાત્ર એવી સંસ્થા છે જે સર્વસામાન્ય ગ્રાહકો દ્વારા વપરાતી રોજિંદા જીવનની વસ્તુઓની તુલનાત્મક ગુણવત્તા નિર્ધારિત કરવા માટે તેમની ચકાસણી કરી શકે તેવી સુસજ્જ પ્રયોગશાળા ધરાવે છે. ઉપર્યુક્ત પ્રયોગશાળામાં બજારમાં વેચાતા ખાદ્યપદાર્થો અને જુદા જુદા પ્રકારનાં ઠંડાં અને ગરમ પીણાંઓ, દવાઓ અને સ્વાસ્થ્યને લગતાં સાધનો, વીજળીનાં સાધનો અને ઓજારો તથા તેમના દ્વારા વપરાતી ઊર્જાનું પ્રમાણ, સૌંદર્યપ્રસાધનની ચીજવસ્તુઓ વગેરેના ભારતીય અને વિશ્વસ્તરના માનકો(standards)ના સંદર્ભમાં ચકાસણી કરવામાં આવે છે અને તેને આધારે ઉપર્યુક્ત વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓની પ્રવૃત્તિઓમાં જો કોઈ ક્ષતિ અથવા ઊણપ દેખાય તો તેના પર સંસ્થાના પાક્ષિક ‘INSIGHT’માં જરૂરી વિગતો સાથે તટસ્થતાના ધોરણે અને જરૂર જણાય ત્યાં સુધારાવધારા કરવાનાં સૂચનો સાથે પ્રકાશ પાડવામાં આવે છે; જેથી તેના પ્રત્યે સર્વસામાન્ય ગ્રાહકવર્ગનું ધ્યાન દોરી શકાય.

સંસ્થાને તેની પ્રવૃત્તિઓ પર ખર્ચ કરવા માટે સરકારી તથા બિનસરકારી રાહે વખતોવખત નાણાભંડોળ પ્રાપ્ત થાય છે, જેમાં કેન્દ્ર તથા રાજ્યસરકાર ઉપરાંત કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ તથા વ્યક્તિગત અનુદાન અને સખાવતોનો પણ સમાવેશ થાય છે. આવી સંસ્થાઓમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અપાતા અનુદાન ઉપરાંત રાષ્ટ્રસંઘનો વિકાસ કાર્યક્રમ (UNDP), ફૉર્ડ ફાઉન્ડેશન, અમેરિકાનું અનુદાન આપતું સંગઠન (USAID), IDRC – Canada, FNST & GTZ – જર્મની, યુરોપીય સંઘ (EU), ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅંક ઑવ્ ઇન્ડિયા (IDBI), ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા (ICICI), જીવન વીમા કૉર્પોરેશન (LIC), જનરલ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન (GIC) તથા ઘણી અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અનુદાન અને સખાવતનો સમાવેશ થાય છે. વ્યક્તિગત રાહે પણ સખાવતના સ્વરૂપે નાણાં પ્રાપ્ત કરવાની દિશામાં સંસ્થા સક્રિય રીતે પ્રયત્નશીલ હોય છે.

1978માં અમદાવાદના ચાર જાગ્રત નાગરિકો દ્વારા રૂપિયા 250ના સહિયારા ભંડોળ સાથે આ સંસ્થાનું મંડાણ કરવામાં આવ્યું હતું. ઉપર્યુક્ત ચાર નાગરિકોમાં અમદાવાદના કાપડ ઉદ્યોગમાં વ્યવસ્થાપનક્ષેત્રે નામના મેળવી ચૂકેલા મનુભાઈ ડી. શાહ, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકો રમેશ ભટ્ટ અને કે. જી. મુન્શી તથા આંકડાશાસ્ત્રના પ્રાધ્યાપક એ. સી. બ્રહ્મભટ્ટનો સમાવેશ થયો હતો. તે વર્ષે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા પ્રજાને અગાઉથી માહિતગાર કર્યા વિના જ બસભાડામાં અણધારી વૃદ્ધિ કરવામાં આવી હતી, જેની સામે આ ચાર નાગરિકોએ ગુજરાતની વડી અદાલત સમક્ષ દાદ માગી અને તેમાં તેમનો વિજય થયો. વિજયના આ ક્ષણે જ સી.ઈ.આર.સી. નામની આ સંસ્થા અસ્તિત્વમાં આવી એમ કહેવાય. આ પ્રથમ ઘટના હતી જ્યારે દેશના ઇતિહાસમાં ગ્રાહકોનાં હિતોનાં રક્ષણ અને સંવર્ધન કાજે સૌથી પહેલી વાર નાગરિકોના મૂળભૂત અધિકારોના સંદર્ભમાં ન્યાયાલયની દાદ માગવામાં આવી હતી અને તેમાં વિજય હાંસલ થયો હતો. તે ઘટનાનાં સત્તાવીસ વર્ષ પછી આજે વર્ષ 2006માં આ સંસ્થાએ ભારતભરમાં જાહેર હિતોનાં રક્ષણ કાજે, ગ્રાહકોની વ્યક્તિગત અને વર્ગવિશેષની ફરિયાદોના સંતોષકારક નિકાલના કાજે – એ રીતે સમગ્ર રીતે જાહેર જનતાનાં હિતોના કાજે સર્વાધિક ન્યાયાલયીન સંઘર્ષ કરનાર સંસ્થા તરીકે નામના મેળવી છે. તાજેતરનાં વર્ષો દરમિયાન સંસ્થાને એવો પણ અનુભવ થયેલો છે કે તેમની પાસે આવતી કુલ ફરિયાદોમાં  જેટલી ફરિયાદોનો સંતોષકારક નિકાલ ન્યાયાલયોમાં ગયા વગર જ થઈ જતો હોય છે જે એક સુખદ બાબત ગણાય. બાકીની  ફરિયાદોમાં સંસ્થાને જો એમ લાગે કે ફરિયાદ વાજબી છે તો તેના કિસ્સાઓમાં ગ્રાહકો વતી સંસ્થા પોતે મુખ્ય પક્ષકાર બને છે. ન્યાયાલયમાં કામ ચલાવવાની જવાબદારી પોતાના શિરે લે છે અને જરૂર પડે તેવા કિસ્સાઓમાં ઉપરી ન્યાયાલયોમાં અપીલો પણ દાખલ કરે છે અથવા સામા પક્ષે કરેલી અપીલોમાં પોતાના ગ્રાહકોનો બચાવ કરવાની કાર્યવહી પણ હાથ ધરે છે. આમાંના કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યમાં ઉપયોગી નીવડે તેવા કાયદાના કેટલાક નવા સિદ્ધાંતો પણ પ્રસ્થાપિત થતા હોય છે.

સંસ્થાનો અત્યાર સુધીનો અનુભવ એ વાત પણ ઉજાગર કરે છે કે કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ કરનાર ગ્રાહકનો પક્ષ ગમે તેટલો મજબૂત અને ન્યાયસંગત હોય છતાં જ્યાં સુધી તેના વતી સી.ઈ.આર.સી. જેવું સંગઠન ન્યાયાલયમાં તેના પક્ષની રજૂઆત કરતું નથી ત્યાં સુધી જે કંપની સામે તેની ફરિયાદ હોય તે કંપની તેની વાજબી ફરિયાદ પણ સાંભળવા તૈયાર થતી નથી. આવા કિસ્સાઓમાં સી.ઈ.આર.સી.ની ભૂમિકા નિર્ણાયક સાબિત થતી રહી છે.

ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષી સહાયની સમજૂતી હસ્તક સી.ઈ.આર.સી. હવે એક એવી પ્રયોગશાળા સ્થાપવા માટે પ્રયત્નશીલ છે; જેમાં ગ્રાહકો દ્વારા ઉપભોગમાં લેવાતી વસ્તુઓ આસપાસના વાતાવરણમાં કેટલે અંશે અનુકૂલન સાધી શકે તેવી છે (environment friendly) તેની ચકાસણી પણ થઈ શકે. વસ્તુઓની ગુણવત્તા પ્રમાણિત કરવામાં અત્યાર સુધી જે પરિમાણો (parameters) ધ્યાનમાં લેવામાં આવતાં, તેમાં વાતાવરણ સાથેનું વસ્તુનું અનુકૂલન – એ એક નવું પરિમાણ તેમાં જોડવામાં આવશે.

ભારતની મધ્યસ્થ બૅંક રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અને ગુજરાત સરકારના સહિયારા પ્રોત્સાહનથી સી.ઈ.આર.સી.એ તાજેતરમાં ક્રેડિટ-કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોનાં વાજબી હિતોના રક્ષણ માટે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો નિર્ધારિત કર્યા છે અને તેના અમલ દ્વારા, તે અગાઉ ગ્રાહકો પર મનસ્વી રીતે લાદવામાં આવતા વિવિધ પ્રકારના ચાર્જ તથા વ્યાજના દરો નિયંત્રિત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. વળી, ક્રેડિટ-કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકનું અણધાર્યું મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના પરિવારને જરૂરી નાણાકીય રક્ષણ મળે તે હેતુથી તેને વીમાનું કવચ (insurance cover) આપવાના પ્રયત્નો પણ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

દેશમાં હાલ 22,000 જેટલા રેલવે-ક્રૉસિંગ એવાં છે જેમના પર થતા આવાગમન પર ચોકિયાતનું કોઈ નિયંત્રણ હોતું નથી (unmanned crossings) તેને કારણે તેમના પર વારંવાર જીવલેણ અકસ્માતો થયા કરે છે. આવાં રેલવે-ક્રૉસિંગો પર થતા આવાગમન પર દેખરેખ રાખવા માટે રેલવે-મંત્રાલયે તાત્કાલિક ચોકિયાતોની નિમણૂક કરવા સારુ જરૂરી પગલાં લેવાં જોઈએ એવો આદેશ તેને આપવામાં આવે એવા મતલબની એક જનહિત-યાચિકા આ સંસ્થાએ સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ રજૂ કરી છે.

વિમાન દ્વારા પ્રવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને હાલ જે છૂટછાટો આપવામાં આવે છે તેમાં રહેતી વિસંગતિઓ નાબૂદ કરવાની દિશામાં પણ સંસ્થા પ્રયત્નશીલ છે.

ગ્રાહક સુરક્ષા કાયદા(Consumer Protection Act)માં બદલાયેલી પરિસ્થિતિઓમાં વ્યાપક સુધારાવધારા સૂચવવા માટે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઑવ્ કન્ઝ્યુમર અફૅર્સ દ્વારા જે કાર્યકારી જૂથ રચવામાં આવ્યું છે તેમાં આ સંસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નાણાકીય ભંડોળની વ્યવસ્થા થવાની અપેક્ષાએ નજીકના ભવિષ્યમાં વણેલું કાપડ તથા પોશાક, શારીરિક ક્ષતિ ધરાવતા લોકો માટે ઉપયોગી બનતાં સાધનો, બાળકો માટેનાં રમકડાં, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે વસ્તુઓની ગુણવત્તાની ચકાસણી કરી શકે તેવી પ્રયોગશાળાઓ સ્થાપવાની દિશામાં સંસ્થા હાલ પ્રયત્નશીલ છે.

સી.ઈ.આર.સી.ને તેના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન ઘણાં પારિતોષિકો અને ઍવૉર્ડો પ્રાપ્ત થયાં છે; જેમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રમાં શકવર્તી કાર્ય કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાનું પારિતોષિક, તે જ પ્રકારની સિદ્ધિ માટે ‘પ્રવીણચંદ્ર ગાંધી ઍવૉર્ડ’, ગ્રાહક શિક્ષણના ક્ષેત્રમાં સંસ્થાની કામગીરી માટે રાષ્ટ્રસંઘ દ્વારા જૉન એફ. કૅનેડી ઇન્ટરનૅશનલ ઍવૉર્ડ, બચત અને ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી માટે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર સુવર્ણ જયંતી ફંડ ઍવૉર્ડ 2004 તથા ગુજરાત સરકાર દ્વારા 2004-05 વર્ષમાં ગ્રાહક અવેરનેસ ઍવૉર્ડનો પણ સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે