સિસિલી : ભૂમધ્ય સમુદ્રના મધ્યભાગમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 37° 30´ ઉ. અ. અને 14° 00´ પૂ. રે.. તેનો કુલ વિસ્તાર 25,708 ચોકિમી. જેટલો હોવાથી તે ભૂમધ્ય સમુદ્રનો સૌથી મોટો ટાપુ છે. મેસિનાની સામુદ્રધુનીથી સિસિલી અને ઇટાલીની મુખ્ય ભૂમિ જુદાં પડે છે.

ભૂપૃષ્ઠ-આબોહવા : સિસિલીના ભૂપૃષ્ઠનો 85 %થી વધુ ભાગ પર્વતો અને ટેકરીઓથી આવરી લેવાયેલો છે. ટાપુના પૂર્વકાંઠા નજીક આવેલો જ્વાળામુખી-પર્વત માઉન્ટ એટના અહીંનું સર્વોચ્ચ સ્થળ છે (ઊંચાઈ : 3390 મીટર). આ જ્વાળામુખી સક્રિય હોવાથી તેમાંથી વારંવાર પ્રસ્ફુટન થયા કરે છે. વારંવાર પ્રસ્ફુટનો થતાં રહેતાં હોવા છતાં જ્વાળામુખી-ભસ્મ પથરાવાથી ફળદ્રૂપ બનેલી અહીંની જમીનોને કારણે સિસિલી ટાપુની વસ્તી વધુ છે.

સિસિલીનું તાઓરમિના શહેર

અહીંની આબોહવા નરમ રહે છે. શિયાળાનું અને ઉનાળાનું તાપમાન અનુક્રમે 7° સે. અને 26° સે. રહે છે. માર્ચથી ઑક્ટોબર દરમિયાન થોડો વરસાદ પડી જાય છે. અહીં વાતા ‘સિરોક્કો’ નામથી ઓળખાતા ગરમ, સૂકા પવનોને કારણે હવા સૂકી રહે છે. આ પવનો ઉત્તર આફ્રિકાનાં રણોમાંથી ભૂમધ્ય સમુદ્ર તરફ ફૂંકાય છે. અહીંની નદીઓ ઉનાળામાં સુકાઈ જાય છે, તેથી સિંચાઈવિહીન વિસ્તારોની ભૂમિ શેકાયેલી જોવા મળે છે.

સિસિલી ક્યારેક ગીચ જંગલોથી ભરપૂર હતું; પરંતુ મોટાભાગનાં વૃક્ષો ક્રમશ: કપાતાં જવાને કારણે પહાડી જંગલ-આચ્છાદિત ઢોળાવો વેરાન બનતા ગયા અને ઘસાઈ ગયા છે. અહીંના ખેડૂતો ધાન્યપાકોના વાવેતર માટે તથા ઘેટાં-બકરાં ચરાવવા માટે ટાપુના બધા ભાગોનો ઉપયોગ કરે છે. કિનારા નજીકની જમીનોમાં બદામ, દ્રાક્ષ, લીંબુ, ઑલિવ, નારંગી તથા બટાટા જેવા પાકો લેવા માટે સિંચાઈથી પાણી પૂરું પાડવામાં આવે છે.

અર્થતંત્ર : સિસિલી તેના લાંબા ઇતિહાસકાળ દરમિયાન ઘણી વાર સમૃદ્ધ બનેલું; પરંતુ પંદરમી સદી પછીથી તેનું અર્થતંત્ર અલ્પવિકસિત રહેતું આવ્યું છે. ટાપુની મોટાભાગની ભૂમિ બહુ ઓછા લોકોમાં મિલકત તરીકે વહેંચાઈ ગયેલી છે. ખેડૂતો ખેતી માટે પરંપરાગત ચાલી આવતી જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા, તેથી જમીનો ધોવાઈ જતી રોકી શકતા ન હતા. વળી અહીં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું હોવાથી લોકોને નોકરીની તકો મળતી ન હતી.

1950થી સિસિલીનું અર્થતંત્ર સુધરવા માંડ્યું છે. ભૂમિસુધારણાની સરકારી યોજનાથી મોટી મિલકતોને તોડીને નાના ખેડૂતોને તેમના પોતાના નામે જમીનો અપાઈ છે. સરકારે વનીકરણની યોજના અમલમાં મૂકી હોવાથી જમીનોનું ધોવાણ થતું અટક્યું છે, સિંચાઈના પ્રકલ્પોનું વિસ્તરણ થયું છે, બંધો બંધાયા છે, શિયાળામાં પડતા વર્ષાજળને જળાશયોમાં એકઠું કરવામાં આવે છે, જેનો ઉપયોગ ઉનાળામાં કરવામાં આવે છે.

વીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન અહીં ઉદ્યોગો વિકસતા ગયા છે. 1954માં શરૂઆતમાં રગુસા ખાતે અને પછીથી ગેલા ખાતે ખનિજતેલ મળવાથી ઉદ્યોગોનો વિકાસ થતો ગયો છે. 1957માં તેલવહન માટે પાઇપલાઇન નાખીને રગુસાના તેલક્ષેત્રને ઑગસ્ટાના બંદરી શહેર ખાતે રિફાઇનરી સ્થાપીને તેની સાથે સાંકળી લેવામાં આવ્યું છે. આ રિફાઇનરીમાં મધ્યપૂર્વના દેશોમાંથી મોટા પાયા પર તેલ આયાત કરીને શુદ્ધ કરવામાં આવે છે. કાંઠા પરનાં શહેરોમાં ગંધકનું શુદ્ધીકરણ થાય છે તેમજ પોટાશમાંથી રાસાયણિક ખાતર બનાવાય છે. ઇટાલી માટે આસ્ફાલ્ટનું અને મીઠાનું ઉત્પાદન લઈને નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત સાર્ડિન અને ટ્યુના માછલીઓનું પણ ઉત્પાદન લેવાય છે. આમ, અહીં તેલનું શુદ્ધીકરણ, રાસાયણિક ખાતર, ગંધક, આસ્ફાલ્ટ, મીઠું અને મત્સ્ય-ઉદ્યોગ મહત્ત્વનાં બની રહ્યાં છે. વસ્તી : 1998 મુજબ 50,98,234 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા