સિવિલ ઇજનેરી (Civil Engineering) : સામાન્ય જનસમુદાય માટે માળખાકીય કામોના (structural works) અભિકલ્પન, બાંધકામ અને વ્યવસ્થાપન અથવા સંચાલન સાથે સંકળાયેલ વ્યવસાય. તે ઇજનેરીની એક એવી શાખા છે જેમાં સમાજની રોજબરોજની પ્રાથમિક સુવિધાઓ; જેવી કે, મકાનો, રસ્તાઓ, પુલો, રેલવેલાઇનો, બંધો (dams), સિંચાઈ માટેનાં અન્ય બાંધકામો સહિત નહેરો, પાણી તથા ગટર-વ્યવસ્થા, બોગદાંઓ, વીજ-ઉત્પાદન સંયંત્રો, રૉકેટ-પ્રક્ષેપણ-સુવિધાઓ વગેરેનું આયોજન કરી તેને અમલમાં મૂકવાનું તથા બાંધકામોની જાળવણી વગેરેનો સમાવેશ થાય છે.

‘સિવિલ’ શબ્દ નાગરિક માટેના લૅટિન શબ્દ (citizen) પરથી પ્રયોજવામાં આવ્યો છે. 1782માં જોહન સ્મીટન નામના અંગ્રેજે બિનલશ્કરી કાર્યો માટે તેનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી ‘સિવિલ ઇજનેર’ શબ્દ જેઓ સાર્વજનિક સોઈસગવડો (public facilities) માટેનાં બાંધકામો કરે છે તેમને માટે વપરાતો આવ્યો છે. બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિવિલ એન્જિનિયર્સે જ્યારે સનદ (charter) માટે અરજી કરી ત્યારે 1828માં થૉમસ ટ્રેડગોલ્ડે તેની વિસ્તૃત વ્યાખ્યા આપી હતી.

કાર્યક્ષેત્ર (scope) : સિવિલ ઇજનેરીનું ફલક ઘણું વિશાળ હોવાથી તેને ટૅક્નિકલ વિશિષ્ટતાઓ પ્રમાણે પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રકલ્પ(project)ના પ્રકાર પ્રમાણે સિવિલ ઇજનેરોની કુશળતાનો લાભ લેવામાં આવે છે. જ્યારે પ્રકલ્પ શરૂ થાય ત્યારે તેના સ્થળ(જગ્યા – site)નું નિરીક્ષણ કરી નકશા તૈયાર કરવામાં આવે છે તથા સ્થળ ઉપર ઉપલબ્ધ પાણી, ગંદા પાણીના નિકાલ (sewer) અને વીજળીની સગવડોને ધ્યાનમાં લેવામાં આવે છે. ભૂ-તકનીકી (geotechnical) નિષ્ણાતો માટીનું પૃથક્કરણ કરી એ નક્કી કરે છે કે જમીન પ્રકલ્પનો ભાર સહન કરી શકે તેમ છે કે નહિ. પર્યાવરણ-નિષ્ણાતો સ્થાનિક વિસ્તાર પર પ્રકલ્પની શું અસર પડશે તેનો અભ્યાસ કરે છે. આમાં હવા અને ભૂગર્ભજળનું પ્રદૂષણ થવાની સંભાવના, પ્રકલ્પની સ્થાનિક પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિ પર અસર તથા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેના સરકારી કાયદા-કાનૂનોનું પાલન થાય તે રીતે તેનાં અભિકલ્પનનો સમાવેશ થાય છે. પરિવહન-નિષ્ણાતો એ નક્કી કરે છે કે સ્થાનિક રસ્તાઓ ઉપરનો બોજો ઓછો થાય તે માટે કેવી સગવડો જોઈશે તથા પ્રકલ્પ પૂરો થાય ત્યારે પરિવહન-જાળગૂંથણી કેવી થશે. આ દરમિયાન સંરચનાકીય નિષ્ણાતો જે પ્રાથમિક આંકડા (data) મળ્યા હોય તે પરથી પ્રકલ્પના વિગતવાર અભિકલ્પન, યોજનાઓ (plans) અને ખાસ વિગતો (specifications) સંબંધી માહિતી તૈયાર કરે છે. પ્રકલ્પની શરૂઆતથી અંત સુધી આ સિવિલ ઇજનેરી નિષ્ણાતોના કાર્ય ઉપર દેખરેખ રાખવાનું અને કાર્યના સંકલનનું કામ બાંધકામ-વ્યવસ્થાપન(construction management)-નિષ્ણાતો કરે છે. વિવિધ નિષ્ણાતોએ આપેલી માહિતી પરથી બાંધકામ-વ્યવસ્થાપન-નિષ્ણાતો કેટલા પ્રમાણમાં સાધન-સામગ્રી જોઈશે તેનો જથ્થો, કારીગરોની સંખ્યા અને આ અંગે થનાર ખર્ચના આંકડા તથા બાંધકામનું સમયપત્રક તૈયાર કરે છે. તેઓ એવું પણ ધ્યાન રાખે છે કે પ્રકલ્પ સમયસર અને જે પ્રમાણે દર્શાવવામાં આવ્યો હોય તે પ્રમાણે પૂરો થાય.

સમગ્ર પ્રકલ્પ માટે જરૂરી વિગતો નક્કી કરવામાં કમ્પ્યૂટરોનો ઉપયોગ પણ થાય છે.

સિવિલ ઇજનેરીની વિવિધ શાખાઓનું એક સર્વસ્વીકૃત વર્ગીકરણ અસ્તિત્વમાં નથી, પણ તેમને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય : (i) ફોટોગ્રામેટ્રી, સર્વેક્ષણ અને નકશાંકન (photogrammetry, surveying and mapping); (ii) સંરચનાકીય ઇજનેરી (structural engineering); (iii) બાંધકામ-ઇજનેરી (construction engineering); (iv) પરિવહન(transportation)-ઇજનેરી; (v) પર્યાવરણીય (environmental) ઇજનેરી; (vi) દ્રવશાસ્ત્ર (hydraulics); (vii) જળસ્રોત(water resources)-ઇજનેરી; (viii) સિંચાઈ(irrigation)-ઇજનેરી; (ix) શિલાધાર તેમજ મૃદાવરણ-ઇજનેરી; (x) પાઇપલાઇન-ઇજનેરી; (xi) સમુદાય અને શહેરી આયોજન (community and urban planning) ઇજનેરી.

ઉપર્યુક્ત શાખાઓ ઉપરાંત સિવિલ ઇજનેરીમાં અન્ય વિદ્યાશાખાઓ જેવી કે ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને ખગોળશાસ્ત્ર વગેરેના સિદ્ધાંતોનો પણ પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે.

(i) ફોટોગ્રામેટ્રી, સર્વેક્ષણ અને નકશાંકન : નકશાંકનનું સિવિલ ઇજનેરીમાં જ નહિ પણ ઇજનેરીની અન્ય બધી શાખાઓમાં આગવું મહત્ત્વ છે. તેને ‘ઇજનેરની ભાષા’ કહેવામાં આવે છે. સિવિલ ઇજનેર માળખાની રચનાને નકશાના માધ્યમથી રજૂ કરે છે. માળખાનો ઉપરનો, સામેનો (front), બાજુનો (side) અને પાછળનો દેખાવ (rear view), વિવિધ આડછેદો (cross sections), સ્થળનો નકશો (site plan), પાણીની તથા ગટરની લાઇન, આજુબાજુના રસ્તાઓ, આસપાસનાં મહત્ત્વનાં સ્થળો વગેરે નકશા દ્વારા દર્શાવવામાં આવે છે. આને લીધે નીચેના હેતુઓ સિદ્ધ થાય છે :

(અ)    સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ બાંધકામ અંગેની મંજૂરી.

(આ)   બાંધકામના ખર્ચની અંદાજિત ગણતરી.

(ઇ)    બાંધકામ દરમિયાન કારીગરોને માર્ગદર્શન.

(ઈ)    મિલકતના પુરાવાનો દાખલો.

(ઉ)    ગ્રાહક (માલિક) માટે માર્ગદર્શન.

આ કાર્ય સિવિલ ઇજનેરના માર્ગદર્શન હેઠળ સિવિલ ડ્રાફ્ટ્સમૅન કે ટ્રેસરો કરે છે.

આ વિશિષ્ટતા ધરાવતા સિવિલ ઇજનેરો પ્રકલ્પ માટે વિશ્વસનીય માહિતી મેળવવા પૃથ્વીની સપાટીનું માપ લે છે. આ માટે ઉચ્ચ ટૅક્નૉલૉજી ધરાવતી કૃત્રિમ ઉપગ્રહ અને આકાશી સર્વેક્ષણ (હવાઈ સર્વેક્ષણ, aerial surveying) જેવી પદ્ધતિઓ તેમજ ફોટોગ્રાફિક આકૃતિઓ(photographic imagery)ના કમ્પ્યૂટર-પ્રક્રમણ જેવી પદ્ધતિઓનો આશરો લેવામાં આવે છે. આમાં ઉપગ્રહમાંથી મળતા રેડિયો-સંકેતો તથા લેઝર અને ધ્વનિક (sonic) પુંજ(beam)ના ક્રમવીક્ષણને નકશાઓમાં ફેરવવામાં આવે છે; જેથી બોગદાં (tunnels) શારવાં, ધોરી માર્ગો (highways) અને બંધ બાંધવા, પૂરનિયંત્રણ અને સિંચાઈ અંગેના અભિકલ્પન માટેના આલેખો તૈયાર કરવા, કોઈ એક બાંધકામ માટેના પ્રકલ્પને અસર કરતી અધ:સ્તલીય ભૂસ્તરીય રચનાઓ (subsurface geological formations) તૈયાર કરવા માટેનાં ચોક્કસ માપનો મળી શકે. અવકાશમાં રહેલા તારાઓની યોગ્ય સ્થિતિ જાણવા માટે ખગોલીય સર્વેક્ષણ પણ કરવામાં આવે છે.

સર્વેક્ષણમાં જમીનની માપણી બાદ જમીનના વિવિધ પ્લોટોના નકશાઓ તૈયાર કરવામાં આવે છે. સર્વેક્ષણના ભાગ તરીકે તલેક્ષણ પણ કરવામાં આવે છે; જેની મદદથી સ્થળાકૃતિ નક્કી કરી સમોચ્ચ રેખાઓ દોરવામાં આવે છે. આથી માટીનાં ખોદાણ, પુરાણ, પાણીનો સંભવિત સંગ્રહ વગેરે અંગે માહિતી મળી રહે છે.

(ii) સંરચનાકીય ઇજનેરી : ઇજનેરીના આ પ્રકારમાં સિવિલ ઇજનેરો પુલો, બંધો, વીજઉત્પાદન-સંયંત્રો (power plants), સાધનોને/યંત્રોને ટેકો આપનાર રચનાઓ, અપતટ (offshore)-પ્રકલ્પ માટેનાં વિશિષ્ટ માળખાં, અવકાશી (space) કાર્યક્રમ, સંચારણ-મિનારાઓ (transmission-towers), મોટાં ખગોલીય (astronomical) અને રેડિયો-ટેલિસ્કોપ જેવા પ્રકલ્પોના પ્લાન અને અભિકલ્પનનું કાર્ય કરે છે. કમ્પ્યૂટરોનો ઉપયોગ કરીને આ ઇજનેરો સંરચનાએ કયાં બળોનો સામનો કરવાનો છે તે નક્કી કરે છે. આમાં માળખાનું પોતાનું વજન, પવન અને ઝંઝાવાત (hurricane), ધરતીકંપ, તાપમાનના ફેરફારો (જેને લીધે બાંધકામમાં વપરાયેલાં દ્રવ્યો પ્રસરણ અથવા સંકોચન પામે છે.) જેવાં બાહ્ય બળોનો સમાવેશ થાય છે. આ બધાંને લક્ષમાં લઈ માળખાના તમામ એકમોમાંથી પ્રતિકાર રૂપે લાગતું કર્તનબળ ગણતરીમાં લઈ માળખાના વિવિધ એકમોનાં માપ તૈયાર કરવામાં આવે છે અને માળખાની રચનાને અંતિમ રૂપ આપવામાં આવે છે. આ ઇજનેરો સ્ટીલ, ઍલ્યુમિનિયમ, પ્લાસ્ટિક, પથ્થર, આસ્ફાલ્ટ, ઈંટ અથવા બાંધકામ માટેની અન્ય સામગ્રીના સંયોજન(combination)ને પણ નક્કી કરે છે.

(iii) બાંધકામઇજનેરી : આ ક્ષેત્રમાં વિશિષ્ટતા ધરાવતા ઇજનેરો પ્રકલ્પના આરંભથી અંત સુધીના બાંધકામ ઉપર દેખરેખ રાખે છે. તેમને પ્રકલ્પ(project)-ઇજનેરો પણ કહે છે. તેઓ તકનીકી અને વ્યવસ્થાપનની કુશળતાનો ઉપયોગ કરી કાર્ય સાથે સંકળાયેલ સૌની કામગીરીનું સંકલન કરે છે. સંરચનાના માલિકને પણ તેઓ બાંધકામ કેટલું થયું તેની પ્રગતિનો નિયમિત રિપોર્ટ સમયાંતરે આપે છે. માળખાની પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરતી વખતે સિવિલ ઇજનેર નક્કી કરે છે કે માળખું કેવા પ્રકારનું બાંધવું અને તેમાં કેવો માલ-સામાન વાપરવો. મકાનના સંદર્ભમાં જોવામાં આવે તો માળખાના બે પ્રકાર છે : (અ) સાદું અથવા બોજવાહી (load bearing) અને (આ) ફરમાવાળું (framed).

મકાનની દીવાલો ઈંટ કે પથ્થરની બનાવી શકાય. કોલમાં સિમેન્ટ કે ચૂનો વાપરી શકાય. લોખંડ સાદું કે ટોર-સ્ટીલ ઉપયોગમાં લઈ શકાય. જમીનના પ્રકાર મુજબ પાયો નક્કી કરી શકાય. બાંધકામ કરાવનારની પસંદગી, નાણાંની સગવડ વગેરે ધ્યાનમાં લઈ બારી-બારણાંની ગોઠવણી તથા પ્રકાર, ફરસનો પ્રકાર વગેરે નક્કી કરવામાં આવે છે.

આ માટેનો વિવિધ માલસામાન જેવો કે ઈંટ, પથ્થર, કૅંક્રીટ, પ્લાયવૂડ, વાર્નિશ વગેરેનાં બી.આઇ.એસ. દ્વારા નિયત પરીક્ષણો કરીને તે માલસામાન ઇજનેરે પ્રમાણિત કરવાનો હોય છે.

(iv) પરિવહનઇજનેરી : આ ક્ષેત્રમાં કાર્ય કરતા સિવિલ ઇજનેરો પ્રજાજનો અને માલસામાનની સલામત અને અસરકારક હેરફેર માટેની સુવિધાઓનું અભિકલ્પન અને બાંધકામ કરે છે અને દુરસ્તી (અથવા સારસંભાળ) અંગે ધ્યાન રાખે છે. બાંધકામના પ્રકાર મુજબ આ શાખાની ઉપશાખાઓ નીચે પ્રમાણે છે : (અ) ધોરી માર્ગો (highways) અને શેરી(streets)-ઇજનેરી; (આ) રેલવે-ઇજનેરી; (ઇ) પુલ-ઇજનેરી; (ઈ) વિમાનમથક-ઇજનેરી; (ઉ) ગોદી અને બંદરગાહ-ઇજનેરી; (ઉ) બોગદા-ઇજનેરી.

માર્ગ અને રેલવે-ઇજનેરીમાં રસ્તા તથા રેલવેલાઇનની (લાઇન) દોરીનું સ્થાન-નિર્ધારણ કર્યા બાદ તેમનું ટ્રાફિકની જરૂરિયાતને અનુરૂપ બાંધકામ કરવામાં આવે છે. માર્ગ પરના ટ્રાફિકનું યોગ્ય રીતે વહન થઈ શકે તે માટે યોગ્ય નિશાનીઓ, સિગ્નલો (signals) વગેરે મૂકવા માટે આયોજન કરવામાં આવે છે. રેલવે-સ્ટેશનના મકાનની રચના મુસાફરોની સંખ્યા અને જરૂરિયાત મુજબ કરવામાં આવે છે.

રસ્તો અથવા રેલવેલાઇન જ્યારે નદી કે એવા ભાગ ઉપરથી પસાર થાય ત્યારે યોગ્ય પુલોની રચના જરૂરી બને છે. પુલ-ઇજનેરીમાં આવા માર્ગો અથવા રેલવેલાઇનો કાર્યરત રહે તે માટે યોગ્ય પ્રકારના પુલોના બાંધકામનો સમાવેશ થાય છે.

વિમાનમથક ઇજનેરી એ વિમાનમથકનાં મકાન, વિમાનની ચઢાણ-ઉતરાણપટ્ટી (runway) તથા અન્ય સુવિધાઓના બાંધકામ સાથે સંકળાયેલ છે.

ગોદી અને બંદરગાહ ઇજનેરીમાં બંદરની રચના માટેના સિદ્ધાંતો, બંદર માટે યોગ્ય સ્થળની પસંદગી, ડક્કા (jetty) તથા ધક્કા(wharf)નાં બાંધકામ, માલસામાનને ચઢાવવા-ઉતારવા અંગેની તથા તેના સંગ્રહ માટેના સ્થળની પસંદગી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

બોગદા ઇજનેરીમાં વિવિધ પ્રકારની જમીનમાંથી બોગદાનું બાંધકામ કેવી રીતે કરવું તે બાબતનો સમાવેશ થાય છે.

(v) પર્યાવરણીય ઇજનેરી : પર્યાવરણ ઇજનેરોનું કાર્ય પર્યાવરણના વિવિધ ઘટકો જેવા કે હવા, પાણી, જમીન, સ્થળચર અને જળચર પ્રાણીઓ, વનસ્પતિ વગેરેને માઠી અસર ન થાય તે જોવાનું છે. આ શાખાના ઇજનેરો પૃષ્ઠીય તેમજ ભૂગર્ભ – એમ બંને પ્રકારનું બિનહાનિકારક પાણી મળી રહે તે અંગેની સુવિધાઓનું તથા જમીન તેમજ હવાનું પ્રદૂષણ ન થાય તેવા પ્રકલ્પોનું અભિકલ્પન અને બાંધકામ કરે છે તેમજ તેમની દેખરેખ રાખે છે. તેઓ પાણી તથા અપશિષ્ટ પાણીની માવજત (treatment) માટેનાં સંયંત્રોની રચના કરે છે. તેઓ ઔદ્યોગિક એકમો, ભસ્મીકરણ (incineration), અથવા ધુમાડો ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ દ્વારા થતા હવાના પ્રદૂષણને ન્યૂનતમ રાખવા ને અટકાવવા માટે હવા-માર્જકો (air-scrubbers) અને અન્ય પ્રયુક્તિઓનું અભિકલ્પન કરે છે. આ ઉપરાંત, વિષાણુ અને જોખમી અપશિષ્ટ દ્રવ્યોને નિયંત્રણમાં રાખવા ખાસ ઉખરસ્થાનો(dump-sites)નું બાંધકામ અથવા આવા પદાર્થોના તટસ્થીકરણ માટેની સુવિધાઓની અને આસપાસની જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે આરોગ્યવિષયક માટીપૂરણ(landfills)ની પણ રચના કરે છે.

(vi) દ્રવશાસ્ત્ર (hydraulics) : આ શાખામાં વિવિધ પ્રકારના વાયુઓ અને પ્રવાહીઓ પર સ્થિર અને ગતિશીલ અવસ્થામાં લાગતાં બળોનો અભ્યાસ કરવામાં આવે છે. પાઇપલાઇનમાં વિવિધ પ્રવાહીઓની ગતિ, નહેરમાં પાણીની ગતિ, સ્નિગ્ધ પદાર્થોની ગતિ, વિમાનના સંદર્ભમાં હવાની ગતિ વગેરેના અભ્યાસ માટે આ શાસ્ત્ર અગત્યનું છે. આ ઉપરાંત પાણીના માધ્યમથી ચાલતાં યંત્રોના અભ્યાસ માટે પણ તે મહત્ત્વનું છે.

(vii) જળસ્રોત(water resources)-ઇજનેરી : આ વિશિષ્ટતા હેઠળ સિવિલ ઇજનેરો પાણીના ભૌતિક નિયંત્રણને લગતી સઘળી બાબતો સાથે સંકળાયેલા હોય છે. તેમાં પાણીના વિવિધ પ્રકારે થતા સંગ્રહના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. વરસાદ પડ્યા પછી પાણીનું બાષ્પીભવન, સ્રવણ વગેરે થયા પછી નદી કે જળાશયોમાં કેટલા પાણીની આવક થશે તેનો તથા પાણીના સ્રવણ બાદ જમીનની અંદરના પાણીના સંગ્રહનો તેમજ પાણીની ગતિ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. જળસ્રોત અંગેના પ્રકલ્પોમાં પૂરને અટકાવવામાં મદદરૂપ થવાની, શહેરો અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની, નદીના પાણી અને જલ-અપવાહ(water runoff)ની વ્યવસ્થા જાળવવાની તથા તેના નિયંત્રણની અને સમુદ્રતટ તેમજ શહેરના નદી આગળના ભાગો(water fronts)ની સુવિધાઓ સાચવવાની બાબતોનો સમાવેશ થાય છે.

(viii) સિંચાઈઇજનેરી : સિંચાઈ-ઇજનેરી એ જળસ્રોત-ઇજનેરીનો એક ભાગ ગણી શકાય પણ તેને અલગ શાખા ગણવામાં આવે છે. તેમાં ખેતી માટે સિંચાઈના હેતુસર પાણી આપવાની વિવિધ પદ્ધતિઓનો, નદી પર વિવિધ પ્રકારના બંધો બાંધવાનો, નહેરો તથા તેને લગતી વિવિધ બાંધકામોની તેમજ જુદા જુદા પ્રકારના કૂવાઓની રચનાનો સમાવેશ થાય છે.

(ix) શિલાધાર અને મૃદાવરણઇજનેરી : ઇજનેરીના આ પ્રકારમાં બાંધકામના માળખાના વિવિધ પ્રકારના પાયાની રચના અને તેના બાંધકામનો સમાવેશ થાય છે. શિલાધાર એટલે માળખાનો પાયો. આ પાયો માળખામાંથી આવતા તમામ પ્રકારના વજનને સલામત રીતે જમીનમાં વિતરિત કરે છે. પાયાના વિવિધ પ્રકારમાં ફૂટિંગ, પાઇલ, કેસન, કૂવા-પાયાઓ, ગ્રિલેજ ફૂટિંગ વગેરેનો સમાવેશ થાય છે. નદી પર પુલ કે બંધ બાંધતી વખતે બાંધકામના સ્થળે વહેતા પાણીને દૂર રાખવા માટે કોફર-બંધ નામના હંગામી માળખાની રચના કરવામાં આવે છે.

મૃદાવરણ-ઇજનેરી એ શિલાધાર ઇજનેરી સાથે સંલગ્ન શાખા છે. તેમાં માટીના ગુણધર્મોનો વિવિધ પરીક્ષણો દ્વારા અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસ માળખાના પાયાની રચનામાં તથા માટીના પાળાઓની રચનામાં ઉપયોગી નીવડે છે.

(x) પાઇપલાઇનઇજનેરી : સિવિલ ઇજનેરીની આ શાખામાં નિપુણતા ધરાવતા ઇજનેરો પાણી અને તેલ જેવાં પ્રવાહીઓ તેમજ ઉચ્ચ-દહનશીલ તેમજ અદહનશીલ વાયુઓ તથા કોલસાનો રગડો (slurry) અને અર્ધપ્રવાહી અપશિષ્ટ દ્રવ્યોના પરિવહન માટેની પાઇપલાઇનો નાંખવા સાથે સંકળાયેલા હોય છે. તેઓ પાઇપલાઇનનું અભિકલ્પન (design) તેમજ પાઇપલાઇનનો પ્રકલ્પ જે ક્ષેત્રમાંથી પસાર થવાનો હોય તેનાં આર્થિક અને પર્યાવરણીય પાસાંઓ પર થતી અસર નક્કી કરે છે. તે પાઇપલાઇન માટે વાપરવાનાં દ્રવ્યો જેવાં કે સ્ટીલ, કૅંક્રીટ, પ્લાસ્ટિક અથવા વિવિધ પદાર્થોનાં સંયોગ (combinations) તેમજ તેનાં પ્રસ્થાપન(installation)ની તકનીકો, પાઇપલાઇનની મજબૂતાઈ નક્કી કરવાની પદ્ધતિઓ તથા પૂરતા દબાણે અને વહનદરે દ્રવ્ય પસાર થાય તેનું નિયંત્રણ કરવા અંગે પણ વિચારણા કરે છે. જોખમી (hazardous) દ્રવ્યોનું વહન થવાનું હોય ત્યારે સલામતી એ મુખ્ય બાબત બને છે.

(xi) સમુદાય અને શહેરી આયોજન ઇજનેરી : આ શાખા સાથે સંકળાયેલ ઇજનેરો શહેરમાંના એક સમુદાય માટે અથવા સમગ્ર શહેરના આયોજન અને વિકાસનું કાર્ય કરે છે. શહેરી વિકાસમાં શહેરની જમીનનું વિવિધ વિસ્તારોમાં; જેમ કે, રહેણાક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિભાજન કરવા માટે સર્વેક્ષણ બાદ આયોજન કરવામાં આવે છે. આમાં ઇજનેરી ઉપરાંત પર્યાવરણીય, સામાજિક અને આર્થિક બાબતોને પણ ગણતરીમાં લેવામાં આવે છે. આ ઇજનેરો ખાનગી વિકાસનાં તેમજ જાહેર કામો(public works)નું પણ સંકલન કરે છે. તેઓ શેરીઓ(streets)ના અને ધોરી રસ્તાઓ, જાહેર પરિવહનતંત્રો, વિમાનમથકો, બંદરોને લગતી સગવડો, પાણીપુરવઠા અને અપશિષ્ટ જળના નિકાલ અંગેની પ્રણાલીઓ, બાગબગીચા, ધાર્મિક સ્થળો તેમજ મનોરંજનની અને અન્ય સુવિધાઓ અંગે પણ આયોજન કરે છે.

આ ઉપરાંત સિવિલ ઇજનેરી સાથે ઇજનેરી વ્યવસ્થાપન અને ઇજનેરી શિક્ષણ જેવી વિશિષ્ટ શાખાઓ પણ સંકળાયેલી છે.

મધુકાંત ર. ભટ્ટ

રાજેશ મા. આચાર્ય