સિસ્કીન્ડ, આરોન (Siskind, Aaron) (. 1903, ન્યૂયૉર્ક નગર, ન્યૂયૉર્ક, યુ.એસ.; . ?) : અમૂર્ત ફોટોગ્રાફી માટે જાણીતા, પ્રભાવક અમેરિકન ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક સિટી પબ્લિક સ્કૂલ્સની એક શાળામાં સિસ્કીન્ડ અંગ્રેજી ભાષાના શિક્ષક હતા ત્યારે 1932માં તેમણે ફોટોગ્રાફી કરવી શરૂ કરી. ન્યૂયૉર્ક નગરના અલગ અલગ લત્તાઓમાં અમેરિકન આર્થિક મંદી(the depression)ની અસરોનું દસ્તાવેજી આલેખન કરતી તેમની ફોટોગ્રાફ-શ્રેણીથી તેઓ જાણીતા બન્યા. સિસ્કીન્ડની અન્ય ફોટોગ્રાફી શ્રેણીઓ ‘ડેડ એન્ડ : ધ બૉવરી’ (Bowery) અને ‘હાર્લેમ ડૉક્યુમૅન્ટ’માં વિષયરૂપ માણસોના દુ:ખ પ્રત્યેની તેમની અનુકંપા સાથે ડિઝાઇન અને ચિત્ર-આયોજન(composition)ની તેમની સૌંદર્યલક્ષી સૂક્ષ્મ દૃષ્ટિ પણ વરતાઈ આવે છે. તેમની સ્થાપત્યકીય ફોટોગ્રાફી શ્રેણીઓમાંથી ‘ઓલ્ડ હાઉસિસ ઑવ્ બક્સ કન્ટ્રી’ની શ્રેણી સૌથી વધુ જાણીતી છે. 1930 પછી માનવીના ફોટોગ્રાફ સર્જવા તેમણે બંધ કર્યા અને સ્થાપત્ય મકાનોને વિષય બનાવી તેના પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું.

આરોન સિસ્કીન્ડ

સિસ્કીન્ડે સ્થાપત્યની ભૌમિતિક રચનાઓને કૅમેરામાં કેદ કરવા સાથે પોતાની મનોગત ભાવ-અવસ્થાઓને અભિવ્યક્ત કરતી અમૂર્ત ફોટોગ્રાફી પણ કરી. 1940 પછી ગૂંચવાઈ ગયેલાં અને ગાંઠો મારેલાં દોરડાં-રસ્સીઓ (ropes), ધૂળમાં પડેલાં પગલાં અને દરિયાઈ ઘાસ જેવા ક્ષુલ્લક પદાર્થોની ફોટોગ્રાફી કરતા થયા અને તેમાંથી ઊભી થતી વિવિધ ભાત-ડિઝાઇન પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડાં જ વરસોમાં ફૂટપાથ, પાળી, દીવાલો જેવી દ્વિપરિમાણી સપાટીઓ કે જે વિવિધ મોસમોની અસરોના મારને કારણે પરિવર્તન પામતી રહે છે અને નષ્ટ થતી જાય છે તેમની ફોટોગ્રાફી કરી. તેમની આ પ્રકારની ફોટોગ્રાફી શ્રેણીઓમાંથી બે ફોટોગ્રાફી શ્રેણીઓ ‘રુઇન્સ ઑવ્ ધી આર્ક ઑવ્ કૉન્સ્ટન્ટાઇન, રોમ’ (1967) તથા ‘આપિયા ઍન્ટિકા ઇન રોમ’ (1967) સૌથી વધુ જાણીતી થઈ.

અન્ય ફોટોગ્રાફરો સિસ્કીન્ડની અમૂર્ત ફોટોગ્રાફીના વિરોધી હતા; પરંતુ અમૂર્ત અભિવ્યક્તિવાદી ચિત્રકારોમાંથી બે ટોચના ચિત્રકારો ફાન્ઝ ક્લાઇન અને વિલેમ કૂનિન્ગે સિસ્કીન્ડને ટેકો આપ્યો, તેમની પ્રશંસા કરી. આ બે ચિત્રકારોનાં ચિત્રોની સાથે જ સિસ્કીન્ડે પોતાની અમૂર્ત ફોટોગ્રાફી પ્રદર્શિત કરી. સિસ્કીન્ડે સોસાયટી ફૉર ફોટોગ્રાફિક એજ્યુકેશનની સ્થાપના કરી. તેઓ ફોટોગ્રાફીને લગતા સામયિક ‘ચૉઇસ’ના સહસંપાદક હતા. આ બે પ્રવૃત્તિને પ્રતાપે ફોટોગ્રાફી-જગતમાં તેમનો પ્રભાવ પ્રસર્યો. 1951થી 1971 સુધી તેમણે શિકાગો ખાતેની ઇલિનૉય ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાં ફોટોગ્રાફીના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1971 પછી તેમણે ન્યૂયૉર્ક ખાતેની રહોડ આયર્લૅન્ડ સ્કૂલ ઑવ્ ડિઝાઇનમાં પણ ફોટોગ્રાફીના પ્રાધ્યાપક તરીકે સેવા આપી.

સિસ્કીન્ડની ફોટોગ્રાફી પુસ્તકો રૂપે પણ પ્રસિદ્ધ થઈ છે :

(1) ‘આરોન સિસ્કીન, ફોટોગ્રાફર’ (1965) : આમાં 1965 સુધીની તેમની ફોટોગ્રાફીમાંથી ચયન કરવામાં આવ્યું છે.

(2) ‘બક્સ કન્ટ્રી : ફોટોગ્રાફ્સ ઑવ્ અર્લી આર્કિટેક્ચર’ (1974).

(3) ‘પ્લેસિસ’ (1976) : આમાં 1966થી 1975 સુધીની ફોટોગ્રાફીમાંથી કરેલું ચયન છે.

અમિતાભ મડિયા